Sunday, January 23, 2011

ગાયત્રી માતાઃ સાક્ષાત્ બ્રહ્મનું સ્વરૂપ -
કવર સ્ટોરી - મનહરપ્રસાદ ભાવસાર


ગાયત્રી મંત્ર ઋગ્વેદનો મંત્ર છે. ઋગ્વેદ જેટલો તે પુરાતન છે. ગાયત્રી મંત્રનો વિધિપૂર્વક જપ કરનારની વિપત્તિઓ, આધિ-વ્યાધિઓ સામે તે રક્ષણ કરે છે.

ગાયત્રી મંત્ર એક નવજીવન પ્રદાયિની પ્રાર્થના છે. આ મંત્રની મહત્તા ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ કથન થકી જ સિદ્ધ થાય છે. ગાયત્રી છંદસામહમ (૧૦/૩૫) અર્થાત્ મંત્રોમાં હું ગાયત્રી મંત્ર છું. ગાયન્તમ્ ત્રાયતે ઇતિ ગાયત્રી એટલે કે જે ગાનાર હોય તેની રક્ષા કરે તે ગાયત્રી મંત્ર.

ઋગ્વેદ સંહિતાના ત્રીજા મંડલના ‘અનેક દેવતા સૂક્ત’ (સૂક્ત સંખ્યા ૬રની ઋચા ૧માં સવિતૃ દેવતાને બુદ્ધિને પ્રેરણા આપવાની પ્રાર્થના કરનાર એક મંત્ર છે, જેને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. આ ઋચામાં આ મંત્ર આ પ્રકારે છે.

તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ।।

આ ઋચાને યજુર્વેદ સંહિતાના ૩૬મા અધ્યાયમાં ‘ભૂર્ભૂવઃ સ્વઃ જોડીને ઉદધૃત કરવામાં આવેલ છે.

ઉત્તરકાલીન વૈદિક સાહિત્યમાં આ મંત્રને અનેક સ્થાનો પર ઉદધૃત કરવામાં આવેલ છે. આ મંત્રનો જપ સંધ્યા-વંદન વિધિમાં સૂર્ય પ્રાર્થનાના રૂપમાં કરવામાં આવે છે તથા બુદ્ધિ અને તેજ પ્રાપ્ત કરવાને માટે સ્વતંત્રરૂપે પણ તેનો પાઠ કરવામાં આવે છે.

વેદોત્તર સાહિત્યમાં ગાયત્રી મંત્રની પ્રશંસામાં તેને વેદમાતા અને વેદોયાસ્યા કહેવામાં આવેલ છે. છાન્દોગ્યોપનિષદ અનુસાર સઘળા સ્થાવર - જંગમ પદાર્થ વેદમાતા ગાયત્રીની બહિરંગ શક્તિનાં પરિણામ છે. ગાયત્રી યાવા ઈદમ્ સધ - ૩, ૧૨, ૧ આ જ રીતે શતપથ બ્રાહ્મણમાં ગાયત્રીની સર્વરૂપમાં પ્રતિપાદિત કરવામાં આવી છે, (૧૯, ૬, ૨) અને ઐતરેય બ્રાહ્મણમાં તો ગાયત્રીને સાક્ષાત્ બ્રહ્મ જ બતાવવામાં આવેલ છે. (યા ગાયત્રી તદ્ બ્રહ્મૈવ, બ્રહ્મ વૈ ગાયત્રી (૩, ૩, ૩૪/૩)

બૃહદારણ્યક ઉપનિષદમાં ગાયત્રી મંત્રને સૂર્ય મંત્ર (સાવિત્રી) કહેવામાં આવેલ છે. (૫, ૧, ૪/૫), ઉપનિષદોની માફક પૌરાણિક સાહિત્યમાં પણ ગાયત્રી મંત્રનાં ગુણગાન અનેક પ્રકારે કરવામાં આવેલાં છે. કુલ પુરાણોમાં તો તેનું માનવીકરણ કરી ગાયત્રી દેવીના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે તથા તેને બ્રહ્મદેવની એક શક્તિ માનીને ગાયત્રી અને સરસ્વતીને એક રૂપ જ માનવામાં આવેલ છે. વરાહ પુરાણમાં ગાયત્રીની સ્તુતિમાં ગાયત્રીને સરસ્વતી કહેવામાં આવેલ છે. (કમલા - સનજે દેવિ સરસ્વતી નમોસ્તુ તે - ૨૮/૨૯)

મત્સ્ય પુરાણમાં વર્ણવાયેલ કથા અનુસાર બ્રહ્માજીના અડધા સ્ત્રી રૂપ ભાગનું નામ શતરૂપા થયું તથા શતરૂપા જ સાવિત્રી, સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માણી નામોથી ઓળખવામાં આવે છે. પદ્મ પુરાણમાં ગાયત્રીને બ્રહ્માજીની પત્ની કહેવામાં આવેલ છે. અને તેનું ધ્યાન આ પ્રકારે કરવામાં આવેલ છે.

શ્વેતા ત્વં શ્વેતરુપાસિ શશાંકેન સમા મતા

વિભ્રતિ વિપુલાવૂરી કદલી ગર્ભ કોમલો ।।

એણ શૃંગ કરે ગૃહ્ય પંકજં ચ સુનિર્મલમ્

વસાના વસને ક્ષોમે રક્ત ચિદ્ભૂત દર્શને ।।

ગાયત્રી મંત્રમાં ઉપાસના, સ્તુતિ, ધ્યાન અને પ્રાર્થના વગેરેનો સમન્વય છે તેને નીચે દર્શાવેલ ત્રણ ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે.

* ઓમ ભૂર્ભુવઃ સ્વઃ (સ્તુતિ)

* તત સવિતુવરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ (ધ્યાન)

* ધિયો યોનઃ પ્રચોદયાત્ (પ્રાર્થના)

ઓમ ભૂઃ ભુવઃ સ્વઃ - આ સઘળા મંત્રોના ઉચ્ચારણ પહેલાં ‘ઓમ’ નું ઉચ્ચારણ કરવું જોઈએ, કેમ કે ઓમનું ઉચ્ચારણ એ જ પરમાત્માનું સ્તવન છે.

આ મંત્રમાં ઓમ પછી સાત વ્યાહુતિઓમાંથી પ્રથમ ત્રણનો સમાવેશ છે. આ સાત વ્યાહુતિયો છે -ભૂઃ, ભુવઃ,સ્વઃ,મહઃ,જનઃ,તપઃ,અને સત્યમ્.આ સાતમાંથી ત્રણ (ભૂઃ ભુવઃ, સ્વઃ) ને આ મંત્રમાં સંલગ્ન કરવામાં આવેલ છે ભૂઃ, ભુવઃ અને સ્વઃ નો અર્થ છે. પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ (વ્યાહુતિનો કોશગત અર્થ છે - ઉક્તિ, ઉચ્ચારણ, મંત્ર)

મંત્રના પહેલા ઉચ્ચારણથી મંત્રનું સામર્થ્ય વધે છે. ભૂઃ, ભુવઃ અને સ્વઃને ત્રિપદા ગાયત્રીના બીજમંત્રના રૂપમાં ઓળખવામાં આવે છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય ઉત્પાદક, પોષક અને સંહારક શક્તિઓને પણ ભુવઃ તથા સ્વઃ કહે છે.

આમ ભૂઃ ભુવઃ અને સ્વઃ આ વ્યાહુતિઓ એ પ્રતિપાદિત કરે છે કે પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનનું વર્ણન કરવામાં આવેલ છે. મંત્રની આ પંક્તિના શબ્દોનો અર્થ આ પ્રકારે છે.

સવિતુ- મૂળ શબ્દ સવિતૃ છે. સવિતૃ એટલે સૂર્ય. સૂર્યનો અર્થ છે, આ સઘળું વિશ્વ કે સૃષ્ટિ જેના દ્વારા થયેલ છે તે.

દેવસ્ય- દેવ શબ્દ દિવ ધાતુથી બનેલો છે. જેનો અર્થ છે પ્રકાશિત કરવું અથવા તો સ્વંય પ્રકાશિત છે માટે જ તે બીજાઓને પ્રકાશ પણ આપે છે. તત્ - તત્ આ સર્વનામ છે. જેનો અર્થ છે તે કેટલાંક વિદ્વાનો તેને ‘સવિતુ’ સાથે જોડે છે જેનો અર્થ થાય છે.તે લોકવિખ્યાત તેજ વરેણ્યં ભર્ગઃ જેનો અર્થ છે - પૂજનીય શ્રેષ્ઠ તેજ.

ધિમહી - જેનો અર્થ છે ધ્યાન કરવું અથવા આરાધના કરવી તેથી તત્સ વિતુઃ વરેણ્યં ભર્ગોદેવસ્ય ધિમહીનો અર્થ થાય છે તે પરબ્રહ્મ કે જેના કારણે સમસ્ત વિશ્વ પ્રકાશિત છે અને જેનું તેજ પૂજનીય અને શ્રેષ્ઠ છે તેવા પરબ્રહ્મનું હું ધ્યાન કરું છું. ધિયો યોઃ નઃ પ્રચોદયાત જેનો અર્થ છે તે અમારી બુદ્ધિને પ્રેરણા આપે અથવા તે પરબ્રહ્મ અમારું સાચું માર્ગદર્શન કરે,અમને સદ્બુદ્ધિ આપે.

ગાયત્રી મંત્રમાં કુલ ૨૪ અક્ષર છે. આ ૨૪ અક્ષરોને ઋષિઓનાં પ્રતીક માનવામાં આવ્યા છે. કેટલાકે તેને ૨૪ દેવતાઓનાં પ્રતીક કહ્યા છે તો વળી કેટલાક તેને ૨૪ મુદ્રાઓનાં પ્રતીક માને છે. આ ૨૪ અક્ષરો એ આપણા મસ્તિષ્કના મૂળ ૨૪ જ્ઞાનતંતુઓના પ્રતિનિધિ છે. માનવ-મસ્તિષ્ક મન,જ્ઞાન,ઇન્દ્રિયો તથા શરીરના નિયંત્રક છે. આ નિયંત્રક કેન્દ્રના મૂળમાં ૨૪ છે જ્ઞાનતંતુઓ છે જે શરીરની સમગ્ર ક્રિયાઓનું સંચાલન કરે છે. આ ૨૪ અક્ષરોનું ઉચ્ચારણ પોતાના સ્વરકંપનથી આ ૨૪ જ્ઞાનતંતુઓને પ્રભાવિત કરે છે.

અગ્નિ પુરાણમાં ‘એકિકામુષ્મિમકં’ સર્વ ગાયત્રી જપતો ભવેત્’ કહીને ગાયત્રી મંત્રને સાંસારિક અને પારલૌકિક લાભ પ્રદાન કરનારો એક મંત્ર દર્શાવ્યો છે. સવાર - બપોર અને સંધ્યા ટાણે તેનો જપ વધુ લાભકર્તા છે, કેમ કે સૂર્યનું તેજ પોતાની ગતિ પ્રમાણે આ ક્ષણોમાં બુદ્ધિને સાચી દિશા નિર્દેશે છે.

ગાયત્રીની સાધનામાં સાધના, સાધક અને સાધ્યનું તાદાત્મ્ય સાધવું જોઈએ. સાધના વખતે મન, વાણી, વિચાર અને ક્રિયાને સજાગ રાખી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અન્નનો ત્યાગ કરી ઉપવાસ કરવાથી આધ્યાત્મિક શક્તિ અને તેજસ્વિતામાં વૃદ્ધિ થાય છે. વધુપડતું બોલવા થકી શરીરનાં અંગ જેવાં કે જિહ્વા, મસ્તિષ્ક, ફેફસાં, હૃદય અને સ્નાયુતંત્ર શિથિલ થઈ જાય છે તેથી ઓછું બોલી મૌન ધારણ કરવું જોઈએ. તિતિક્ષા એટલે સહિષ્ણુતા દાખવવી જોઈએ. સહિષ્ણુતા માટે સાદગી અને ધૈર્યની આવશ્યક્તા પડે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનું જીવન આકાશમાં નવ ગ્રહોની સ્થિતિથી પ્રભાવિત રહે છે. ક્યારેક ક્યારેક કોઈ પણ ગ્રહની સ્થિતિ વ્યક્તિ માટે કષ્ટપ્રદ હોઈ શકે છે તેથી ગ્રહપીડા અને ગ્રહના કષ્ટ માટે તેમનાથી શાંતિ મેળવવાને માટે ગાયત્રીની સાધના એ એકસમૂહ કારગત ઉપાય છે. સુરક્ષા માટે, સ્મરણશક્તિ વધારવા માટે, પુત્રપ્રાપ્તિ માટે, શત્રુતા નિવારણ માટે વિરોધી કે વિદ્રોહના શમન માટે, ભૂત પ્રેત અંતરાય દૂર કરવા માટે, વિષના નિવારણ માટે, દરેક કાર્યોની સફળતા માટે, પ્રસવના કષ્ટને નિવારવા માટે, લક્ષ્મીપ્રાપ્તિ માટે ગાયત્રી મંત્ર એ એક અમોઘ શસ્ત્ર છે.

ગાયત્રીની ઉપાસના માટે ૨૪ મુદ્રાઓ પણ પાયામાં પુરાયેલી છે. આ મુદ્રાઓના અભાવે ગાયત્રી ઉપાસના નિરર્થક બની જાય છે. આ મુદ્રાઓની ચર્ચાનું દેવી ભાગવતમાં પણ વર્ણન છે.
*************************************************************
**********************************************************************************