નવરાત્રિ એટલે જીવનની દિશા પલટાવતું વ્રત. આ વ્રત દ્વારા પરમ શક્તિને પામી શકાય છે. નવરાત્રિના વ્રતના કારણે જ જીવનમાંથી ઉદાસીનતા અને નિરાશા દૂર થાય છે. આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં એમ બે વાર વર્ષમાં નવરાત્રિ આવે છે તેથી તેનું ઘણું મહત્ત્વ છે. આ સમયમાં પૂજન અને ભક્તિનું મહત્ત્વ છે. કારણ કે આ સમયગાળો ભારે કહેવાય છે. આથી આ સમયમાં વધુ શક્તિ મેળવીને માનવીએ મજબૂત થવું પડે છે. માનસિક રીતે મજબૂત થવા ધ્યાન અને ચિંતનની જરૃર પડે છે. આ શક્તિ આપણે માતાજીની પૂજા અને અનુષ્ઠાનમાંથી મેળવીએ છીએ. ભક્તિના માધ્યમથી શક્તિ મેળવવા ઇચ્છતા મનુષ્યે વિશેષ રીતે અનુષ્ઠાન કરવું પડે તો તેનો બેડો પાર થઈ જાય.
નવરાત્રિ અનુષ્ઠાન કરવા માટેની વિધિ આ પ્રમાણે છે : ભાદરવી અમાસના દિવસે પૂજનની તમામ સામગ્રી તૈયાર કરી તે દિવસથી જ એક વખત ભોજન કરવું. પ્રથમ ઉપવાસ અથવા રાત્રિ ભોજન વખતે નવ દિવસના ભોજનનો સંકલ્પ લઈને માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે માવડી ! હું મારી શક્તિ મુજબ નવરાત્રિ વ્રત કરવા જઈ રહ્યો છું. તે દરમિયાન કોઈ ભૂલચૂક થઈ જાય તો પુત્ર સમજી માફ કરી દેજે, તેમજ વ્રત કરવાની મને shakti આપજે.
નવરાત્રિ પર્વની પરંપરા અનેક યુગોથી ચાલી આવે છે. રાવણ સામે યુદ્ધની ચઢાઈ કરતા શ્રીરામે માતાજીની આરાધના કરી હતી. નવદુર્ગાના આશીર્વાદ મેળવી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. નવરાત્રિમાં વ્રત કર્યું હોય તો ફળ કે દૂધ સિવાય ખોરાકમાં કાંઈ લેવું નહીં. બ્રહ્મચર્યવ્રત પાળવું અને માતાજીની ભક્તિ કરવી. આઠમના દિવસે દશાંગ હોમ કરવો. નવમીના દિવસે વિશેષ હવન કરવો. નવરાત્રિમાં એક તિથિનો વધારો થતો હોય તો આઠમના રોજ વ્રત પૂર્ણ કરવું. જો તિથિનો ક્ષય થતો હોય તો અમાસ સહિત પડવાની રાત્રિએ નવરાત્રિનો પ્રારંભ કરવો. આ રીતે જોતા નવરાત્રિએ અહોરાત્રનો અભિપ્રેત છે જે ખરેખર સાર્થક છે.
નવરાત્રિ વ્રતનો પ્રારંભ કર્યા પછી સૂતક આવે તો જપ - પૂજન, દાન દક્ષિણા કે અર્ઘ્યમાં કોઈ દોષ ગણાતો નથી. વ્રતનો પ્રારંભ થઈ ગયો હોય તો પૂજન - અર્ચન જેવા વિધિ - વિધાન બીજાની પાસે કરાવી શકાય. નવરાત્રિ વખતે ત્રણ દેવીની ઉપાસના થાય છે. જગતના સર્જનહાર બ્રહ્માણી, સૃષ્ટિના પાલનહાર લક્ષ્મી અને સંહારક દેવીના સ્વરૃપ એવા મહાકાલી. તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રવૃત્તિઓ પણ શક્તિને આભારી છે. નવરાત્રિના દિવસોમાં કુંભનું સ્થાપન કરવામાં આવે છે. જ્વારા પણ વાવવામાં આવે છે. નવ દિવસ અખંડ દીવો પ્રજ્વલિત રાખવામાં આવે છે. વ્રત દરમિયાન જ્યોત બુઝાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે. એ જ રીતે વ્રત કરનારની શક્તિની જ્યોત પણ ન બુઝાઈ જાય તેનું ધ્યાન રાખવું પડે છે.
નવરાત્રિમાં કુમારિકા પૂજન અવશ્ય કરવું જોઈએ. બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાને પૂજવામાં આવે છે. કુમારિકાનું પૂજન કરવાથી દુઃખ, દરિદ્રતા અને શત્રુઓનો નાશ થાય છે. ત્રિમૂર્તિના પૂજનથી આયુષ્ય, ધર્મ, અર્થ, કામનું ફળ, ધન - ધાન્યમાં વૃદ્ધિ થાય છે. કલ્યાણીના પૂજનથી વિદ્યા, વિજય, સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. શત્રુઓનો નાશ કરવા કાલિકા માતાનું અને ધન મેળવવા ઇચ્છતા લોકોએ ચંડિકા પૂજન કરવું.
શાંભવીના પૂજનથી દુઃખ અને ગરીબી દૂર થાય છે. દુર્ગા પૂજનથી શત્રુઓનો વિનાશ થાય છે. ઇચ્છિત ફળની સિદ્ધિ માટે સુભદ્રા, રોગોના નાશ માટે મનુષ્યે રોહિણીનું પૂજન કરવું. આ રીતે કુમારિકા પૂજન કરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. નવરાત્રિમાં શક્તિની આરાધના કરવાથી મનની પ્રસન્નતા તો અનુભવાય છે. આ ઉપરાંત મનની નબળાઈઓ દૂર થતા દરેક કાર્યમાં સફળતા મળે છે. પરિવાર અને સમાજના લોકોની પણ સુખાકારી વધેછે. =============================================================
નવદુર્ગા શક્તિનું દૈવી જાગરણ - 'kunalsandesh';
નવરાત્રિના નવ દિવસ... મા અંબા... દુર્ગા... નવશક્તિની આરાધના થશે. ગુજરાતનાં ગામડે ગામડે, શહેરની ગલીએ ગલીએ સાક્ષાત્ અદ્યાશક્તિ નવદુર્ગાનું પ્રાગટય થશે. શ્રદ્ધા અને ભક્તિના મહાસાગર હિલોળા લેશે. માના ગરબા ગવાશે. રાસ - ગરબાની રમઝટ બોલશે. મન મૂકીને લોકો ગરબે ઘૂમશે. સમાજમાં એક નવચૈતન્યનો સંચાર થશે... ત્યારે અહીં નવદુર્ગા વિશે જાણીએ.
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રર્ધકૃતશેખરામ ।વૃષારૃઢાં શૂલધરાં શૈલપૂત્રી ચશસ્વિનીમ્ ।।
(૧) શૈલપુત્રી : મા દુર્ગા પોતાના પ્રતમ સ્વરૃપમાં ‘શૈલપુત્રી’ નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૃપે ઉત્પન્ન થવાને કારણે તેમનું નામ ‘શૈલપુત્રી’ પડયું હતું. વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે.
પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૃપે અવતર્યા હતાં. ત્યારે તેમનું નામ ‘સતી’ હતું. તેમનો વિવાહ ભગવાન શંકરજી સાથે થયો હતો. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞા કર્યો. તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞાભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ તેમણે શંકરજીને આ યજ્ઞામાં નિમંત્રિત ન કર્યા. સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞાનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઊઠયું. તેમણે પોતાની આ ઇચ્છા શંકરજીને જણાવી. સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, ‘પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે. પોતાના યજ્ઞામાં તેમણે સર્મિપત કર્યા છે, પણ આપણાને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નહીં ગણાય.’ શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞા જોવા, ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી.
પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. બધા લોકોનાં મોં ચઢેલાં છે. કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સરસાં ચાંપ્યાં. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા. પરિજનોના આ વ્યવહારથી તેમના મનને ઠેસ પહોંચી. તેમણે એ પણ જોયું કે ત્યાં ચર્તુિદક ભગવાન સદાશિવજી પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યાં. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઊઠયું. તેમણે વિચાર્યું, ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહી ન શક્યાં. યોગાગ્નિ દ્વારા પોતાના તે રૃપને તેમણે તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું. વજ્રપાત જેવી આ દારુણ - દુઃખદ બીના સાંભળી શંકરજી ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષના તે યજ્ઞાનો સંપૂર્ણ વિધ્વંસ કરાવી નાખ્યો.
સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૃપે નવો જન્મ લીધો. તેઓ હવે ‘શૈલપુત્રી’ નામે સુખ્યાત થયાં. પાર્વતી, હૈમવતી પણ તેઓનાં જ નામ છે. ઉપનિષદની એક કથાનુસાર તેમણે હૈમવતી સ્વરૃપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો.
‘શૈલપુત્રી’ દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીનાં અર્ધાંગના બન્યાં. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્ત્વ અને શક્તિઓ અનંત છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાનાં મનને ‘મૂળાધાર’ ચક્રમાં સ્થિત કરે છે. અહીંથી જ એમની યોગસાધનાનો પ્રારંભ થાય છે.
દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।દેવી પ્રસીદતું મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।
(૨) બ્રહ્મચારિણી : મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૃપ બ્રહ્મચારિણીનું છે. અહીં ‘બહ્મ’ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત્ તપનાં ચારિણી - તપનું આચરણ કરનારાં. કહેવાયું છે કે વેદસ્તત્ત્વં તપો બ્રહ્મવેદ, તત્ત્વ અને તપ ‘બ્રહ્મ’ શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૃપ પૂર્મ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમા કમંડળ છે.
પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘેર પુત્રીરૃપે અવતર્યાં, ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિરૃપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આ દુષ્કર તપને કારણે તેમને તપશ્ચારિણી અર્થાત્ બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયાં. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ - મૂળ ખાઈને વ્યતીત કર્યા. સો વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો. કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લાં આકાશ નીચે વરસાદ અને તડકાનાં ભયાનક કષ્ટો સહ્યાં. આ કઠિન તપશ્ચર્યા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલાં બીલીપત્રો ખાઈને અર્હિનશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. ત્યારબાદ તેમણે સૂકાં બીલીપત્રો ખાવાનું પણ છોડી દીધું. કેટલાંક વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતાં રહ્યાં. પાંદડાં (પર્ણ) ખાવા છોડી દેવાના કારણે તેમનું એક નામ ‘અપર્ણા’ પણ પડી ગયું.
કેટલાંક વર્ષોનાં આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. તેઓ અત્યંત કૃશકાય થઈ ગયાં. તેમની આ દશા જોઈને તેમનાં માતા મેના અત્યંત દુઃખી થઈ ઊઠયાં. તેમણે તેમને આ કઠિન તપસ્યાથી વિરત કરવા માટે પોકાર કર્યો; ‘ઉ...મા’, અરે ! નહીં... ઓ ! નહીં ! ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વજન્મનું એક નામ ‘ઉમા’ પણ પડયું.
તેમના આ તપને કારણે ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો. દેવો, ઋષિઓ, સિદ્ધજનો, મુનિઓ સર્વે બ્રહ્મચારિણી દેવીના આ તપને અભૂતપૂર્વ પુણ્યકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. મા દુર્ગાજીનું આ દ્વિતીય સ્વરૃપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે.
પિણ્ડજપ્રવરારૃઢા ચણ્ડકોપાસ્ત્રકૈર્યુતા ।પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘણ્ટેતિ વિશ્રુતા ।।
(૩) ચન્દ્રઘંટા : મા દુર્ગાજીની ત્રીજી શક્તિનું નામ ‘ચન્દ્રઘંટા’ છે. નવરાત્રિ - ઉપસાનાના ત્રીજા દિવસે એમના જ સ્વરૃપનું પૂજન - આરાધના કરવામાં આવે છે. તેમનું આ સ્વરૃપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે. તેમનાં મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એ જ કારણે તેમને ચન્દ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેમને દસ હાથ છે. તેમના દસેય હાથમાં ખડ્ આદિ શસ્ત્ર તથા બાણ આદિ અસ્ત્ર શોભાયમાન છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી હોય છે. તેમના ઘંટ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી દાનવ - દૈત્ય - રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે.
નવરાત્રિની દુર્ગા - ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું મહત્ત્વ અધિક છે. આ દિવસે સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. મા ચન્દ્રઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓનાં દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે હોય છે.
મા ચન્દ્રઘંટાની કૃપાથી સાધકનાં સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે. તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહે છે, તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે. તેમના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત - બાધા વગેરેમાં રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાં જ શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ધ્વનિ નિનાદિત થઈ ઊઠે છે.
દુષ્ટોનાં દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય એમનું સ્વરૃપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા - નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનોય વિકાસ થાય છે. તેનાં મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. મા ચન્દ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદૃશ્ય વિકિરણ થતું રહે છે. આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી, પરંતુ સાધક અને એના સંપર્કમાં આવનારા લોકો આનો અનુભવ સુપેરે કરતાં રહે છે.
સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ ।દધાના હસ્તપદ્માભં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે ।।
(૪) કૂષ્માણ્ડા : મા દુર્ગાના ચોથા સ્વરૃપનું નામ કૂષ્માણ્ડા છે. પોતાની મન્દ, હળવી હસી દ્વારા અણ્ડ અર્થાત્ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કૂષ્માણ્ડા દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારેકોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો, ત્યારે આ જ દેવીએ પોતાના ‘ઈષત્’ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે એ જ સૃષ્ટિના આદિસ્વરૃપા, આદિશક્તિ છે. તેમના પૂર્વ બ્રહ્માંડનું અસ્તિત્વ હતું જ નહીં.
તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન જ દેદીપ્યમાન અને પ્રકાશિત છે. તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય. અન્ય કોઈ પણ દેવી - દેવતા તેમનાં તેજ અને પ્રભાવની સમાનતા કરી શકે તેમ નથી. તેમનાં તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થતી રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે.
તેમને આઠ ભુજાઓ છે. તેથી તેઓ અષ્ટભુજા દેવી નામે પણ પ્રખ્યાત છે. તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. સંસ્કૃતમાં કૂષ્માણ્ડ કહે છે. બલિમાં કૂષ્ણાડની બલિ એમને સર્વાધિક પ્રિય છે અને આ જ કારણે તેઓ કૂષ્માણ્ડા પણ કહેવાય છે. નવરાત્રિ - પૂજનના ચોથા દિવસે કૂષ્માણ્ડા દેવીના સ્વરૃપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે તેણે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કૂષ્માણ્ડા દેવીના સ્વરૃપને ધ્યાનમાં રાખી પૂજા - ઉપાસનાના કાર્યમાં પરોવવું જોઈએ. મા કૂષ્માણ્ડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ - શોકનો નાશ થાય છે. તેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. મા કૂષ્માણ્ડા અતિ અલ્પ સેવા અને ભક્તિથીય પ્રસન્ન થનારા દેવી છે. જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા ।શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ।।
(૫) સ્કન્દમાતા : મા દુર્ગાજીના પાંચમા સ્વરૃપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર ર્કાિતકેય’ નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું વાહન મયૂર છે. તેથી તેમને મયૂરવાહન નામે પણ અભિહિત કરાયા છે.
આ જ ભગવાન સ્કન્દનાં માતા હોવાને લીધે મા દુર્ગાજીના આ પાંચમા સ્વરૃપને સ્કન્દમાતાના નામે ઓળખાવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ - પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ ચક્રમાં’ અવસ્થિત હોય છે. તેમના સ્વરૃપમાં ભગવાન સ્કન્દજી બાળરૃપે તેમના ખોળામાં બેઠેલા હોય છે. સ્કન્દમાતૃસ્વરૃપિણી દેવીને ચાર ભુજાઓ છે. તેઓ જમણી બાજુની જે નીચેની ભુજા જે ઉપર તરફ ઊઠેલી છે. તેમાં કમળપુષ્પ છે. ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરદમુદ્રામાં છે તેમજ નીચેવાળી જે ભુજા ઉપર ઊઠેલી છે તેમાં પણ કમળપુષ્પ ધારણ કરેલું છે. તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે. આથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સિંહ પણ તેમનું વાહન છે.
નવરાત્રિપૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્ત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. ‘વિશુદ્ધ’ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્યસ્વરૃપ તરફ આગળ વધતો જાય છે. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસના મા સ્કન્દમાતાના સ્વરૃપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપસના તરફ વધવું જોઈએ. તેણે પોતાની સમસ્ત ધ્યાન - વૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાપથ પર આગળ વધતા રહેવું જોઈએ.
મા સ્કન્દમાતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. આપણે એકાગ્રભાવે મનને પવિત્ર રાખી માનું શરણું લેવાં પ્રયત્ન કરવો જોઈએ. આ ઘોર ભવસાગરનાં દુઃખોમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.
ચન્દ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના ।કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ।।
(૬) કાત્યાયની : મા દુર્ગાના છઠ્ઠા સ્વરૃપનું નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાથી કથા આ પ્રમાણે છે : કત નામે એક પ્રસિદ્ધ મર્હિષ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મર્હિષ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણાં વર્ષોે સુધી કઠિન તપ કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘેર પુત્રીરૃપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો.
થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યાં. મર્હિષ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની કહેવાયાં.
એવી પણ કથા મળે છે કે તેઓ મર્હિષ કાત્યાયનના ત્યાં પુત્રીરૃપે પણ ઉત્પન્ન થયાં હતાં. આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી (ત્રણ દિવસ), તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો.
મા કાત્યાયની અમોઘ ફળ આપનારાં છે. ભગવાન કૃષ્ણને પતિરૃપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિન્દી - યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળનાં અધિષ્ઠાત્રી દેવીરૃપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૃપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તથા નીચેનો હાથ વરદમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે.
દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૃપની ઉપાસના કરવામાં આવે છે. તે દિવસે સાધકનું મન ‘આજ્ઞા’ ચક્રમાં સ્થિત હોય છે. યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા ।લમ્બોષ્ઠી ર્કિણકાકર્ણી તૈલભ્યકતશરીરિણી ।।
વામપાદોલ્લસલ્લોહલતાકણ્ટકભૂષણા ।વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રીર્ભયઙ્કરી ।।
(૭) કાળરાત્રિ : મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમનાં ત્રણ નેત્રો છે. એ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકાના શ્વાસ - પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ છે. ઉપર બેઠેલા જમણા હાથની વરદમુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડ્ગ (કટાર) છે. મા કાળરાત્રિનું સ્વરૃપ જોવામાં અત્યંત ભયાનક છે, પણ એ કાયમ શુભ ફળ જ આપનારાં છે. એ જ કારણે એમનું એક નામ ‘શુભ’ પણ છે. માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકિત થવાની આવશ્યકતા નથી.
દુર્ગાપૂજાના સાતમા દિવસે મા કાળરાત્રીની ઉપાસનાનું વિધાન છે. આ દિવસે સાધકનું મન ‘સહસ્રાર’ ચક્રમાં સ્થિત રહે છે. તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓનાં દ્વાર ઉઘડવા માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે મા કાળરાત્રિનાં સ્વરૃપમાં અવસ્થિત રહે છે. તેમના સાક્ષાત્કારથી મળનારાં પુણ્યનો તે ભાગી બની જાય છે. તેનાં સમસ્ત પાપો - વિઘ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય - લોકની પ્રાપ્તિ થાય છે.
મા કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારાં છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ એના સ્મરણમાત્રથી જ ભયભીત થઈને નાસી જાય છે. તેઓ ગ્રહ - બાધાઓને પણ દૂર કરનારાં છે. તેમના ઉપાસકને અગ્નિભય, જળભય, જંતુભય, શત્રુભય, રાત્રિભય આદિ ક્યારેય લાગતા નથી. એમની કૃપાથી તે સર્વથા ભયમુક્ત થઈ જાય છે.
શ્વેતે વૃષે સમારૃઢા શ્વેતામ્બરધરા શુચિ : ।મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ।।
(૮) મહાગૌરી : મા દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઈ છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવેલ છે. ‘અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.’ તેમનાં સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાતમાં ડમરુ છે અને નીચેનો ડાબો હાથ વરદમુદ્રામાં છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે.
પોતાના પાર્વતીરૃપમાં તેમણે ભગવાન શિવને પતિરૃપે પ્રાપ્ત કરવા મટે ઘણું કઠોર તપ કર્યું હતું. તેમની પ્રતિજ્ઞા હતી કે ‘વ્રિયેડહં વરદં શમ્ભું નાન્યં દેવં મહેશ્વરાત્’ (નારદ પાશ્ચરાત્ર)
ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો.
જન્મ કોટિ લગિ રગર હમારી ।બરઉં સંભુ ન ત રહઉં કુંઆરી ।।
આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત કાન્તિમાન - ગૌર થઈ ઊઠયાં. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડયંુ.
દુર્ગાપૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. તેમની શક્તિ અમોઘ બને તુરંત ફળ આપનારી છે. તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે. તેના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં પાપ - સંતાપ, દૈત્ય - દુઃખ તેની પાસે ક્યારેય આવતાં નથી. તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે.
સિદ્ધગન્ધર્વપક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ ।સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ।।
(૯) સિદ્ધિદાત્રી : મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વે સિદ્ધિઓ આપનારાં છે. માર્કંડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિદ્ધિઓ હોય છે. બ્રહ્મવૈવર્તપુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામાં આવી છે.
નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી છેલ્લાં છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા - ઉપાસના શાસ્ત્રીય વિધિવિધાન અનુસાર કરતાં કરતાં ભક્ત દુર્ગાપૂજન નવમા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે. આ સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક - પરલૌકિક સર્વે પ્રકારની કામનાઓની ર્પૂિત થઈ જાય છે. પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી, જે તે પૂર્ણ કરવા માગે. તેની બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઊઠીને માનસિકરૃપે મા ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતાં અને તેમના કૃપા - રસ - પીયૂષનું નિરંતર પાન કરતાં કરતાં વિષય - ભોગ - શૂન્ય થઈ જાય છે. મા ભગવતીનું પરમ સાંનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે. આ પરમ પદને પામ્યા બાદ તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી.
માના ચરણોનું આ સાંનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદ તરફ લઈ જનાર છે. ==============================================================
સદ્પ્રેરણાનું પર્વ વિજયા દશમી - 'kunalsandesh';
વિજયા દશમીનું પર્વ માનવીમાં રહેલા દશેય પ્રકારનાં પાપો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ વગેરેનો ત્યાગ કરવાની પ્રેરણા આપે છે. આશરે સાત હજાર વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતો આ ઉત્સવ જુદી જુદી જગ્યાએ અલગ રીતે ઉજવાતો જોવા મળે છે. દેશભરમાં દશેરાનો ઉત્સવ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. દસ દિવસ રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા દિવસે ભગવાન રામે રાવણ પર જે વિજય મેળવ્યો હતો તેના વિજયના પ્રતીકરૃપે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. રાવણના પૂતળા બાળવાથી આજના પેદા થયેલા નવા રાવણો સામે લડવાની પ્રેરણા અને શક્તિ પ્રાપ્ત થતી હોય તો જ રાવણ દહન સાર્થક ગણાશે.
વિજયા દશમીનો પાવન તહેવાર ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યો ત્યારથી તેની યાદમાં પ્રેરકપર્વ તરીકે મનાવવામાં આવે છે. દશેરાના દિવસે દેવતાઓ અને મનુષ્યો પર લાંબા સમયથી જે અત્યાચારનાં વાદળો છવાયાં હતાં તેને દૂર કરીને સદાચારનો સૂર્ય પ્રકાશિત થયો હતો. ભગવતી સીતાને રાવણે લંકામાં કેદ કરી હતી તેને છોડાવવા માટે શ્રીરામે યુદ્ધ કર્યું હતું. યુદ્ધમાં રામનો રાવણ પરનો વિજય એ દૈવી શક્તિનો આસુરી શક્તિ પરના વિજય સમાન હતો. આ સત્ય માટેના યુદ્ધમાં શ્રીરામ સાથે ભાઈ લક્ષ્મણ તેમજ હનુમાનજીની આખી વાનરસેના હતી.
દશેરાનું આ પ્રેરણા પર્વ માનવમનમાં છવાયેલી નિરાશાઓની વચ્ચે આશાનો સંચાર કરે છે. આ પર્વ આપણને એ સંદેશ આપે છે કે અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ગમે તેટલું ફેલાઈ જાય પરંતુ તેણે એક દિવસ તેણે ન્યાય અને સદાચારના હાથે પરાજિત થવું જ પડે છે. સત્યનું આચરણ કરતાં દુઃખો ગમે તેટલાં આવી પડે પણ ધીરજ ન ગુમાવીએ તો સુખનું પ્રભાત અવશ્ય ઊગવાનું છે. દશેરાનું પર્વ અન્યાયના અંતનું સૂચન કરે છે. આ ઘટનાનો ભાવાર્થ લોકોના જીવનમાં સતત જળવાઈ રહે તે માટે આજે પણ ગ્રામીણ અને કેટલાક શહેરી વિસ્તારોમાં રામલીલા ભજવવામાં આવે છે. રામનું ચરિત્ર આપણને જીવનમાં સદાચાર લાવવાનું શીખવે છે. જ્યારે રાવણના પાત્રમાં આપણને ભારોભાર આસુરી વૃત્તિનાં દર્શન થાય છે. દરેક વ્યક્તિએ જીવનમાં દૈવી શક્તિની આરાધના કરવી જોઈએ એ દશેરા પર્વનો મુખ્ય સંદેશ છે. આસુરી વૃત્તિ સામે લડવાની પ્રેરણા આપણને શ્રીરામનાં જીવનમાંથી મળે છે.
દશેરાનો દિવસ એ વીરતાનો પણ દિવસ છે. શ્રીરામની જેમ તે આપણને શત્રુઓ સામે પરાક્રમ કરવાની પ્રેરણા આપે છે. ભારતીય સંસ્કૃતિ શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ અને સમાજમાં વીરતા પ્રગટે તે આજના સમયની માંગ છે. દેશ સામે આતંકવાદ અને ઉગ્રવાદનો રાક્ષસ જ્યારે આક્રમક બનીને ત્રાટકતો હોય ત્યારે શ્રીરામની જેમ તે આતંકવાદી રાવણ સામે લડવા કટિબદ્ધ થવું જ રહ્યું.
===================================================
નવરાત્રિ શક્તિ ઉપાસનાનું પર્વ - 'kunalsandesh'
સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠ છે. આપણું સામાજિક માળખું, પરંપરાઓ, ઉત્સવો, તહેવારો વગેરે અનોખા અને વિશિષ્ટ પ્રભાવ પાડનારા છે. ભારતીય તહેવારોમાં આપણને એક ચોક્કસ પ્રકારનો આધ્યાત્મિક લય જોવા મળે છે. આપણે ત્યાં ઉજવાતા મહત્ત્વના પર્વોમાં નવરાત્રિ મહોત્સવનું અનેરુ મહત્ત્વ છે. વર્ષમાં આસો અને ચૈત્ર મહિનામાં એમ બે વાર નવરાત્રિ આવે છે. જોકે તે બેમાંથી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહ્યુ છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે જ્યારે આસોની નવરાત્રિ વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધુ પ્રસ્થાપિત થઈ છે. નવ દિવસ સૌ સાથે મળીને આદ્યશક્તિની આરાધના કરે છે. નવરાત્રિમાં વ્રત, ઉપવાસ અને આરાધના કરવાથી શારીરિક શક્તિની સાથે આધ્યાત્મિક ફળ પણ અવશ્ય મળે છે. જમાનાની સાથે નવરાત્રિનું સ્વરૃપ બદલાતું જાય છે. ભક્તિની સાથે હવે વિશેષ રીતે યોજાતા ગરબા મહોત્સવોમાં ગરબા અને રાસની રમઝટ નવેનવ દિવસ જોવા મળે છે. ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. નવલાં નોરતાંમાં સમગ્ર ગુજરાત એક નવો થનગનાટ અનુભવે છે. યુવાનો અને યુવતીઓ આખી રાત સંગીતના તાલે ઝૂમી ઊઠતા હોય છે.
નવરાત્રિનું માહાત્મ્ય હજારો વર્ષથી ચાલ્યું આવે છે. કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો. નવ દિવસ પછી વિજયાદસમી આવે છે. વિજયાદસમી એ આસુરી શક્તિ સામે દૈવી શક્તિના વિજયના પ્રતીક રૃપ પર્વ છે. નવરાત્રિ એક રીતે દૈવી પૂજનનું મહત્ત્વ દર્શાવે છે. નવ દિવસ સુધી આપણે માતાજીનું પૂજન - પાઠ વગેરે કરીએ છીએ. વ્રત અને ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરીએ છીએ. માતાજીની આ રીતે સતત નવ દિવસ આરાધના કરવાથી જીવનમાં શક્તિનો સંચાર અવશ્ય થાય છે.
નવરાત્રિની જે હજારો વર્ષથી મહત્તા બતાવવામાં આવી રહી છે તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ સૌને રંજાડી રહ્યો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને હેરાન કરી દીધા હતા. દૈવી વિચારોની શક્તિ ઢીલી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં ભયભીત બની ગયેલા દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા. જ્યારે દેવોએ મહિષાસુરના ત્રાસ અંગે ત્રણ દેવતાઓને વાત કરી તો તેઓ ખળભળી ઊઠયા. આ દેવતાઓ મહિષાસુર પર કોપાયમાન થયા. તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવી શક્તિ નિર્માણ થઈ. સૌ દેવતાઓેએ તે દિવ્ય શક્તિને વધાવી લીધી. તે શક્તિએ નવ દિવસનાં યુદ્ધ પછી તે રાક્ષસ મહિષાસુરને હણી નાખ્યો હતો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ત્યાર બાદ દેવો નિર્ભય બની ગયા હતા.
વર્તમાન સમયમાં દિવસેને દિવસે આસુરી શક્તિનો વધુ જયજયકાર થઈ રહ્યો છે ત્યારે દૈવી શક્તિનો મહિમા વધારવા માટે દુર્ગાદેવીની આરાધનાની જરૃર છે. કહેવાય છે કે શક્તિ વગરની ભક્તિ નકામી છે. આજના સમયમાં વિચાર ગમે તેટલો સારો હોય પણ તમારી પાસે શક્તિ ન હોય તો તે વિચારને કોઈ સ્વીકારતું નથી. આજના યુગમાં સંગઠનશક્તિ જ ખૂબ મહત્ત્વની બની ગયેલ છે. સમાજમાં જ્યારે સ્વાર્થ, વેરઝેર, ઈર્ષ્યા, ભાવનાશૂન્યતા અમાપ દેખાઈ રહી હોય ત્યારે માતાજી પાસે જઈને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આશીર્વાદ મેળવવા રહ્યા.આપણા શાસ્ત્રોમાં શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. શક્તિ ન હોય તો શેક્યો પાપડ પણ ભાગી શકાય નહીં. રામાયણ અને મહાભારતમાં રામ, લક્ષ્મણ, હનુમાનજી, કૃષ્ણ, ભીમ, અર્જુન, કર્ણ, દ્રોણ જેવા બળશાળી વ્યક્તિઓનો મહિમા જોવા મળે છે. જેનામાં શક્તિ - સામર્થ્ય હોય તેને દુનિયા જીતતા કોઈ રોકી શકે નહીં. મહાભારતનાં યુદ્ધમાં કૌરવો સામે જીત મેળવવા અર્જુને ભગવાન શંકર પાસેથી દિવ્ય શસ્ત્રો - અસ્ત્રો મેળવવા પડયાં હતાં. આજે સમાજ વિરોધી અને દેશ વિરોધી તાકાતો જ્યારે માથું ઊંચકી રહી હોય ત્યારે નિર્બળ થઈને બેસી રહેવાને બદલે આળસ ખંખેરી પુનઃ શક્તિની ઉપાસના કરવી આવશ્યક છે. આપણા દરેક દેવી - દેવતાઓ પાસે શસ્ત્રો ધારણ કરવામાં આવેલ છે. આ બાબત જ દર્શાવે છે કે શક્તિ અને શસ્ત્રો વગર દેવતાઓ પણ અધૂરાં છે ત્યારે પામર માનવીનું તો ગજું જ શું હોય !
છેલ્લાં ત્રીસ વર્ષથી નવરાત્રિની ઉજવણીમાં મોડર્ન ટચ આવી ગયો છે. શક્તિ ઉપાસનાની જગ્યાએ પશ્ચિમી સંસ્કૃતિ વધુને વધુ છવાતી જાય છે. ત્યારે ભારત અને ભારતીય સંસ્કૃતિની ચિંતા કરનારા લોકોએ આપણી મૂળ ભાવના જીવંત બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ભારતની ભવ્ય અને મહાન સંસ્કૃતિ જ્યારે મૃત્યુશૈયા પર અંતિમ શ્વાસ લઈ રહી હોય ત્યારે ચૂપ બેસી રહેવું કેટલું યોગ્ય ગણાશે ?==========================================================
ભક્તિમાં એકાગ્રતા - 'kunalsandesh';
જીવનમાં એકાગ્રતાનું ખૂબ જ મહત્ત્વ છે. એકાગ્રતા વગર કોઈ કાર્ય જલદીથી સફળ થતું નથી. ભક્તિમાં પણ એકાગ્રતા હોય તો ઈશ્વર પ્રાપ્તિ જરૃર થઈ શકે છે. મીરા કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ હતી તો તેને ભગવાન જરૃર મળ્યા હતા. આવા તો અનેક ભક્તોનાં ઉદાહરણો છે જેમના જીવનમાં પ્રભુ ભક્તિને કારણે મોટું પરિવર્તન આવ્યું હોય. પૂજા - ભક્તિ એકાગ્રતા માંગી લે છે. માત્ર બાહ્ય દેખાવ માટે ભક્તિ કરીએ તો કોઈ અર્થ નથી. મનુષ્યનો સ્વભાવ જ વિચિત્ર છે. મન સ્થિર રહેતું જ નથી. માળા લઈને બેઠા હોઈએ પણ મન ક્યારેક મુંબઈ જઈ આવે તો ક્યારેક મહેસાણા જઈ આવે. મંદિરમાં ગયા હોઈએ પણ જીવ જૂતામાં હોય કે કોઈક નવા બૂટ ઉઠાવી તો નહી જાયને ! આ પ્રકારનો અનુભવ સૌને થયો જ હશે.
કોઈપણ પ્રકારનો અભ્યાસ હોય તેમાં મન ખૂબ સારી રીતે લાગેલું જોઈએ. વિદ્યાર્થી જ્યાં સુધી અભ્યાસમાં બરાબર ડૂબી જતો નથી ત્યાં સુધી તેને સફળતા મળવી મુશ્કેલ હોય છે. કોઈપણ બાબતમાં લીન થઈ જવું એ સારી બાબત છે. મન જ્યારે એક જ જગ્યાએ કેન્દ્રિત થાય તેને આપણે એકાગ્રતા કહી શકીએ. જેમ કે મહાભારતમાં અર્જુનને ધનુષ્ય ચલાવતી વખતે માત્ર માછલીની આંખ જ દેખાતી હતી. તેથી તે મત્સ્યવેધમાં સફળ થયો હતો. આપણે પણ જીવનમાં સફળતા મેળવવા અર્જુન જેવી એકાગ્રતા કેળવવી રહી. ભક્તિમાં પણ આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામે ત્યારે જ આપણે ઈશ્વર સાથેની તાદાત્મ્યતા કેળવી શકીએ. જે ઈશ્વર સાથે એકાકાર થઈ જાય છે તેના જીવનમાં ભગવાને કોઈપણ સ્વરૃપે આવવું જ પડે છે. ભક્ત નરસિંહ મહેતા આખો દિવસ ભજનમાં લીન રહેતા હતા તો તેમની લાજ રાખવા કૃષ્ણે આવવું પડતું હતું. શામળિયાએ તેમની હૂંડી સ્વીકારી હતી. ઈશ્વર પ્રત્યેની ભક્તિની તે પરાકાષ્ઠા હતી.
સંત હોય કે ભક્ત, તેઓ ઈશ્વરની સમીપ જ રહેવા ઈચ્છતા હોય છે. તેમનું મન હંમેશા ભગવાન સાથે એકીકૃત થઈ ગયેલું હોય છે. એક સંત નદી કિનારે બેસીને હરિનું નામ લઈ રહ્યા હતા. તેઓ ખુલ્લા શરીરે બેઠા હતા. અચાનક એક વીંછી ત્યાં આવી ચડયો. વીંછીએ તેમની પીઠ પાછળ બે - ત્રણ ડંખ મારી જોયા પરંતુ તેનાથી હલી જાય તો તે સંત શેના કહેવાય ? જરાય હલ્યા વગર તેઓ પ્રાર્થનામાં લીન રહ્યા. આને કારણે તેમને વીંછીના ડંખની કોઈ ખાસ અસર પણ થઈ નહીં. સંતની ભક્તિ માટેની એકાગ્રતા હતી તેથી બાહ્ય પરિસ્થિતિની તેમના પર કોઈ મોટી અસર થઈ નહીં. એકાગ્રતાથી ઘણા બધા કાર્ય સિદ્ધ થઈ શકે છે તે આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે. ============================================================