પિતાનું કર્તવ્ય
તિરુવલ્લવર નામના એક ખૂબ જ ચમત્કારી સંત હતા. તેમની પાસે અનેક લોકો આવતા અને પોતાની સમસ્યાને દૂર કરવાનો ઉપાય પૂછતા. તેઓ અનેક લોકોને તેમનાં દુઃખ દૂર કરવાના ઉપાયો સૂચવતા. એક વાર સંત તિરુવલ્લવર પાસે ખૂબ જ ધનાઢય શેઠ આવ્યા. તેણે સંતને પ્રણામ કરીને કહ્યું, 'હું રામનગરનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છું. મેં ક્યારેય કોઇનું ખરાબ કર્યું નથી, છતાં પણ હું આજે ચિંતિત અને દુઃખી છું. મારા પરિવારમાં પત્ની અને એકનો એક પુત્ર છે. મેં ખૂબ જ મહેનત કરીને બહુ સંપત્તિ એકઠી કરી છે, જેથી મારો પરિવાર સુખેથી રહી શકે. તેમની બધી જ ઇચ્છાઓની ર્પૂિત થાય. પરંતુ મારો એકનો એક પુત્ર આ સંપત્તિ અને ધનને પોતાની ખરાબ ટેવોને કારણે લૂંટાવી રહ્યો છે. આ જોઇને મને મારા દીકરાના ભવિષ્યની ચિંતા સતાવે છે. જો તે આમ જ ધનને ઉડાડતો રહેશે તો આગળ પછી તેની પાસે શું વધશે?'
આ સાંભળીને સંતે પૂછયું, 'શું તારા પિતાજીએ પણ તારા માટે પણ આટલી અખૂટ સંપત્તિ એકઠી કરી હતી?' શેઠે કહ્યું, 'ના, મારા પિતાજી તો ખૂબ જ ગરીબ હતા. ગરીબી એટલી હતી કે બાળપણમાં મને અને મારા પરિવારને માંડ એક ટંકનું ખાવાનું મળતું હતું.' આ સાંભળીને સંતે કહ્યું, 'આટલી ગરીબી હોવા છતાં પણ તું અત્યારે ધનવાન છે. આ ધન તે તારી મહેનતથી એકત્રિત કર્યું છે?' શેઠે કહ્યું, 'આ ધન મારા મહેનત-પરસેવાની કમાણી છે. તેને કમાવવામાં મારી આખી જિંદગી વીતી ગઇ.' ગુરુએ કહ્યું, 'તે તારી સમગ્ર શક્તિ ધન એકત્રિત કરવામાં જ ખર્ચી નાખી. અરે ભાઇ, ધન તો ચંચળ છે. આવે ને જાય. તે ક્યારેક એક જગ્યાએ રોકાઇ રહેતું નથી. જો તે તારા દીકરામાં સારા સંસ્કારનું સિંચન થાય તે માટે થોડોક પણ સમય ફાળવ્યો હોત કે ઊર્જા વાપરી હોત તો તને આજે ધનના વ્યર્થ જવાની ચિંતા ક્યારેય ન સતાવતી. તે ધન કમાવવાની કલા તો જાણી લીધી, પરંતુ દીકરાને સારો માણસ બનાવવાની કળા ન શીખી શક્યો. જો તેને યોગ્ય સમયે સારા-નરસાનો પરિચય કરાવ્યો હોત તો તે ક્યારેય દુર્ગુણોનો શિકાર ન બનત. એક પિતાનું સર્વ પ્રથમ કર્તવ્ય એ છે કે તે પોતાના સંતાનને પહેલી પંગતમાં બેસવા યોગ્ય બનાવે. ત્યારબાદ તે પોતાની જાતમહેનતે બધું જ મેળવી લેશે.'
સંતની આ વાત સાંભળીને શેઠની આંખો ખૂલી ગઇ અને તેણે પોતાના દીકરાને યોગ્ય માર્ગે વાળવાનો નિર્ણય કર્યો.