Monday, July 7, 2008

Kacchi New Year's Day

અષાઢી બીજ કરછી નવું વર્ષ - Courtesy રામ બી. શુકલ

અષાઢ એટલે મહાન વિદ્વાન સંસ્કૃત સાહિત્યના કવિવર કાલિદાસનું સ્મરણ કરાવતો મહિનો. અષાઢ એટલે રમતા અને એકતાનાં પ્રતીક સમી, કણ-કણમાં ભગવાનને ઓળખવાનો સંદેશ આપતી ભકિત-સેવા-સમર્પણ જેવાં સાંસ્કૃતિક મૂલ્યોનાં જીવંત સ્વરૂપે વિહરતી ભવ્ય રથયાત્રાના દર્શન અને ચાતુર્માસનાં આરંભનો મહિનો.


કરછ એટલે લગભગ પાંચ કરોડ કરતાં પણ વધારે વર્ષની ભૂસ્તરીય ઉંમર વટાવી, ચાર-ચાર વાર દરિયામાં ડૂબકી લગાવી કરોળિયા રૂપી મરજીવાની જેમ બહાર આવી છેલ્લા પાંચ દાયકામાં ૪૧ વર્ષ ભીષણ દુષ્કાળ, અનરાધાર અતિવૃષ્ટિ, વિનાશક વાવાઝોડા-મહામારી અને પળ વારમાં તન-મનને પીંખી નાખનાર મહાવિનાશક ભૂકંપ જેવા કુદરતનાં બેરહેમ જુલમોનો મક્કમતાપૂર્વક પ્રતિકાર કરતી ખમીરવંતી, જવાંમર્દી અને દેશદાઝથી ભરપૂર પ્રજાજનોની માતૃભૂમિ-કૃષિ-પાણી અને માભોમ માટે સદા મરી ફિટવાની તત્પરતા જેવી બાબતોમાં અદ્દલ ઇઝરાયલ જેવી સામ્યતામાં માન્યતા પ્રાપ્ત મુલક.

પુરુષાર્થના બળે પ્રારબ્ધ પામવાની તાકાત તો કરછીઓને ગળગૂંથીમાં જ મળેલી છે. કુદરતની અવકૃપા સામે રોકકળ રડવા માથું કૂટવાનાં બદલે તેની સામે બાથભીડી આગવી કોઠાસૂઝથી બચાવ કામગીરીમાં વિના વિલંબે વફાદારીપૂર્વક લાગી જઇ, પથ્થરમાંથી પાણી નિતારી, કુદરતનાં અભિશાપને આશીર્વાદમાં પલટી નાખવા ક્ષમતાવાન કર્માશ્રિત કરછી પ્રજા વિશ્વના દૂર દૂર દેશાવરનાં ૭૦ જેટલા દેશોમાં વિખેરાયેલી, ફેલાયેલી, પથરાયેલી કરછની અસ્મિતા માટે મમતામયી કરછી પ્રજાનો વતન પ્રેમ ઇઝરાયલીઓનાં વતનપ્રેમને પણ પાછો પાડી દે તેવો. અનેક ભાષાઓનો સાક્ષર હોવા છતાં પણ રોજિંદા જીવનવ્યવહારમાં તો પોતાની અલ્પાક્ષરી છતાં અધિક અર્થ ધરાવતી ચોટદાર કરછી ભાષા-બોલીનો પ્રયોગ કરવામાં સદા ગર્વોન્વિત અને વતનની આપત્તિ સમયે વતન માટે તન-મન-ધન ન્યોછાવર કરવામાં પણ સદા અગ્રેસર.

Kachhi માડુ એટલે રણને ઝરણ, અધુરપને મધુરપ અને રજને રજત બનાવવા સક્ષમ. રેતાળ પ્રદેશનો હેતાળ માનવી, વીરતા વફાદારી માનવતા અને ઉદારતામાં અદ્વિતીય પાણીદાર નરબંકો, મા ભોમ માટે સદા મરી ફિટવા તત્પર વતન પરસ્તી. વિશ્વના ખૂણે-ખૂણામાં પથરાઇ જઇ વેપાર-વણજ, શ્રમ અને બુદ્ધિગમ્ય વ્યવસાયમાં ‘અપના હાથ જગન્નાથ’ના જીવનમંત્ર સાથે સફળતાનાં સોપાનો સર કરી વતનપ્રેમી તરીકેની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કર્યા પછી પણ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે બે ડગલાં આગળ, કલહ, કુસંપ, કંકાસ વગરનું પ્રસન્ન કૌટુંબિક જીવન, ઘરકામમાં સંકુચિત દૃષ્ટિ નહીં. કુટુંબકલ્યાણ માટે ઘસાઇ તૂટી મરી વધુમાં વધુ સહનશીલ, એકલપંડે તાગડધિન્ના કરવાની વૃત્તિ નહીં. મોટેરાંને માન અને નાનેરાંને વહાલ પણ સમાન.
anek ચડતી પડતી વરચે પણ ઊડીને આંખે વળગે તેવી પ્રગતિ. અનેક ધર્મસ્થાનો, ધર્મોઅને સંપ્રદાયો છતાં વિવિધતામાં એકતા એટલે કરછી સંસ્કૃતિ.

આમ તો આપણા દેશમાં કારતક સુદ પડવો વિક્રમસંવતની જયઘોષણા કરતો સર્વત્ર ગુંજી ઊઠે છે પણ દુનિયામાં કયાંયે નવા વર્ષની શરૂઆત અષાઢી બીજની થતી હોય તે છે બે રણની વરચે અટવાયેલો મુલક-પ્રદેશ એટલે કરછ છે. કુદરતનાં ખોળે ઉછરેલ કરછી કુદરતનાં તત્ત્વોને વંદતો આવ્યો છે. ધીંગીધરાનો કરછી દુનિયાના ગમે તે ખૂણામાં વસતો હોય, અષાઢી બીજ આવતાં પરંપરાગત ઉત્સવનાં આનંદનાં ઓવારણાં અવશ્ય લેતો હોય છે, મન કરછની માભોમ પર વિચરતું રહે છે. સમગ્ર કરછમાં ૮૫૦ કરતાં પણ વધુ વર્ષથી અને કરછી નવા વર્ષની શરૂઆત થઇ ત્યારથી વિશેષ મહત્ત્વ સાથે ધામધૂમ-ભારે દબદબાપૂર્વક અષાઢી બીજની ઉજવણી થતી આવી છે.

પહેલાનાં જમાનામાં અષાઢી બીજનાં રોજ કરછના રાજદરબારમાં ભવ્ય રાજદરબાર ભરાતો, પ્રજા રાજાને માતાપિતાના નાતે હોંશેહોંશે મળવા જતી અને ત્યારબાદ દેવદર્શને જઇ વડીલોને વંદન કરી સૌ એકબીજાની સુખાકારી ઇરછતાં અને સમગ્ર માહોલ દિવાળી જેવો બની જતો. કરછના પાટનગર ભુજની ટંકશાળમાં નવા વર્ષના સિક્કા પણ અષાઢી બીજે જ પડતા, વેપારી વર્ગ નવા હિસાબોના ચોપડાનું પૂજન કરતો. સાગર ખેડૂઓ દરિયાપીરની પૂજા કરતા. આજે પણ સમગ્ર કરછ અષાઢી બીજે આકાશમાં વરસાદને જોતું ઝંખે છે અને નવા વર્ષે વીતી ગયેલા વર્ષનાં ખાટામીઠાં, તીખાકડવાં પ્રસંગોને ભૂલી જઇ એકબીજાના ખભેખભા મિલાવી, નવા વસ્ત્ર ધારણ કરી વડીલોને પાયલાગણ કરી આશીર્વાદ ભેટ મેળવી એકબીજાને સ્નેહથી ગળે મળી મોઢું મીઠું કરાવે છે. આ શુભ અવસર પર સુવિચાર શુભભાવના પ્રગટ કરી નવલાં વરસનાં નવલાં મઘમઘતા પ્રભાત સાથે નૂતનવર્ષની જયઘોષણા કરી સર્વત્ર કરછી ગુંજી ઊઠે છે.