Saturday, July 30, 2011

July 2011 - 2

શિવ સમીપે લઈ જતો શ્રાવણ માસ - કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણના પ્રતીક માનવામાં આવે છે, જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું માને છે કે શિવ શબ્દની ઉત્પત્તિ જોતાં તેનો એક અર્થ થાય છે બધાને પ્રેમ કરનાર અને જેને બધાં જ પ્રેમ કરે છે. શિવ શબ્દનું ધ્યાનમાત્ર પણ સૌને અખંડ આનંદ, પરમ મંગળ, પરમ કલ્યાણ આપે છે.

પુરાણો, વેદો અને શાસ્ત્રોમાં ભગવાન શિવનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ આપનારા દેવ છે.

શિવજીનાં અનેક નામ છે તેમને કોઈ પણ નામથી ભજો તે પ્રસન્ન જરૂર થશે. પુરાણોમાં ભોળાનાથનાં ૧૦૮ નામોનો ઉલ્લેખ જોવા મળે છે. મહાદેવ, ભોળાનાથ, નીલકંઠ, શંકર, ગંગાધર, આદિદેવ, મહાદેવ, નટરાજ, ત્રિનેત્ર, પશુપતિનાથ, જગદીશ, જટાશંકર, વિશ્વેશ્વર, હર, શિવશંભુ, ભૂતનાથ અને રુદ્ર વધારે જાણીતાં છે.

ભારતમાં ભોળાનાથ શિવજીને સંબંધી અનેક પર્વ અને ઉત્સવ ઉજવવામાં આવે છે તેમાં શ્રાવણ માસનું આગવું મહત્ત્વ છે. મહિનામાં ચાર સોમવાર, એક પ્રદોષ તથા શિવરાત્રી આ ત્રણે યોગ એક સાથે માત્ર શ્રાવણ મહિનામાં જોવા મળે છે. તેથી શ્રાવણ મહિનો વધારે શુભ ફળ આપનારો માનવામાં આવે છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર હોવાને કારણે આ માસનું નામ શ્રાવણ માસ પડયું.

ભોળાનાથની પૂજા-અર્ચના ક્યાંય તેમની મૂર્તિ સ્વરૂપે થતી નથી, પરંતુ લિંગરૂપે શિવજીની પૂજા થાય છે. વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ-નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત જ શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડનાં આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૂપ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે.

મોટાભાગનાં હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી, પરંતુ શિવજી જ એક એવા દેવ છે જેમના લિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત, તવંગર, ગરીબ, ઊંચ-નીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બિલ્વપત્રનું વિશેષ મહત્ત્વ છે. અખંડ બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ‘ઓમ્ નમઃ શિવાય’ મંત્રજાપ કરતાં કરતાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે તે સમસ્ત પાપમાંથી મુક્ત થઈ જાય છે અને શિવજીના પરમધામમાં સ્થાન પામે છે. ભોળાનાથ શંકરને આકડો-ધતૂરો અને ભાંગ પણ અતિ પ્રિય છે. શ્રાવણ માસમાં પાર્થેશ્વર લિંગ (માટીમાંથી બનાવેલા શિવલિંગ)ની પૂજાનો વિશેષ મહિમા છે. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેમ કે, રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરું વગેરેની પૂજા પણ કરવામાં આવે છે. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર મંત્ર, શિવપંચાક્ષર સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે. જેનાથી અનેક ગણાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસના દરેક સોમવારે શિવલિંગ પર શિવામૂઠ ચઢાવવામાં આવે છે. પહેલા સોમવારના દિવસે એક મૂઠી ચોખા, બીજા સોમવારે એક મૂઠી સફેદ તલ, ત્રીજા સોમવારે એક મૂઠી આખા મગ, ચોથા સોમવારે એક મૂઠી જવ અને જો પાંચમો સોમવાર આવતો હોય તો એક મૂઠી સત્તુ (સાથવો)ચઢાવવામાં આવે છે.

મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા-અર્ચના તથા વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. બધાં જ વ્રતોમાં સોળ સોમવારનું વ્રત શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક અને માઘ માસના કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે અને સત્તરમા સોમવારે સોળ દંપતીઓને ભોજન કરાવી તથા દાન આપી તેની સમાપ્તિ કરવામાં આવે છે. આ વ્રતની શરૂઆત કરવા શ્રાવણ મહિનો સર્વોત્તમ છે.

ભોળાનાથના ભક્તો - તેમના ભક્તોમાં મનુષ્યો તો ઠીક દેવતાઓ, રાક્ષસો અને સ્વયં ભગવાનનો પણ સમાવેશ થાય છે. સર્પશય્યા પર સૂતા શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્માજી, અસુર રાજ રાવણ, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા. હરિવંશ પુરાણમાં એમ દર્શાવાયું છે કે શ્રીકૃષ્ણએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર જઈને તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરી હતી. જ્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે દસ વાર પોતાનું મસ્તક કાપીને તેમનાં ચરણોમાં ચઢાવ્યું હતું.

સંકટમુક્ત કરે શિવજી - * જે વ્યક્તિ રોગગ્રસ્ત થઈને પથારીમાં પડી હોય, તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પોતાને સ્વસ્થ કરી શકે છે.

* શિવજી ગૃહસ્થ જીવનના આદર્શ છે. જેઓ અનાસક્ત રહેવા છતાં પણ પૂર્ણ ગૃહસ્થ સ્વરૂપ છે. તેમની આરાધનાથી મનુષ્યના ગૃહસ્થ જીવનમાં અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે અને સુખમય ગૃહસ્થીનો સ્વામી બને છે.

* શિવોપાસનાથી મનુષ્યના ત્રિવિધ તાપોનું શમન થઈ જાય છે.

* ભોળાનાથ સૌભાગ્યદાયક છે. તેથી શિવરાત્રીમાં કુંવારી કન્યા દ્વારા શિવજીની આરાધના કરવામાં આવે તો મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે.

* જે સ્ત્રી સંતાનસુખની કામનાથી શિવજીની પૂજા-અર્ચના કરે છે તેને શિવજીની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, કારણ કે શિવ પુત્ર પ્રદાન કરનારા દેવતા છે.

* જેમને ‘શનિની સાડાસાતી’ કષ્ટ પહોંચાડી રહી હોય અથવા પ્રતિકૂળતા આપતી હોય તો તેનું શમન શિવ આરાધના દ્વારા ખૂબ જ સરળતાથી કરી શકાય છે.

* ભગવાન શિવ પરમપિતા પરમાત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે, તેથી તેમની આરાધના જીવનપર્યંત કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં તેમની આરાધનાથી વ્યક્તિ ધન્ય થઈ જાય છે, તેના સમસ્ત મનોરથ પૂર્ણ થઈ જાય છે.

મહાકાલનું સ્વરૂપ અને તંત્રશાસ્ત્ર - શિવજીની વેશભૂષા એટલે માથા પર ગંગા અને ચંદ્રમા, ત્રિનેત્ર, કંઠમાં વીંટળાયેલો સર્પ, કમર પર વાઘ્રામ્બર, વાઘ્રામ્બરનું આસન, પદ્માસનમાં ભૈરવી મુદ્રી, ત્રિશૂળ અને ડમરું સાથે માતા પાર્વતી અને તેમનું વાહન નંદી. આ શિવની જટામાં જ્યાં ગંગાને દર્શાવી છે, ભારતીય તંત્ર (શરીરશાસ્ત્ર)માં તેને સહસ્ત્રારજ્ચક્રથી ઓળખાય છે. બાળક જન્મે છે ત્યારે માથાનો મધ્ય ભાગ કોમળ હોય છે. ઉંમર થતાં તે સ્થાન કઠણ થાય છે. સહસ્ત્રારનો સામાન્ય અર્થ સહસ્ત્રદલ કમળ કરી શકાય. તે અમરતાનો સ્ત્રોત છે. માથાના એ ભાગની બનાવટ કમળની પાંખડીઓ જેવી છે. પુષ્પને પેદા થવા પાણીની જરૂર પડે છે. જળનું પવિત્રતમ રૂપ છે ગંગા અને ગંગાનું ઉદ્ગમ ક્ષેત્ર છે શિવજીની જટા. તેનો અર્થ એ થયો કે ગંગાને ત્યાં સ્થાપિત કરવા પાછળ કારણ એક લક્ષ્ય છે. તેથી ભગવાન શિવ જ સાધનાની અનેક વિધિઓ જણાવે છે, જે શાસ્ત્રોમાં ર્વિણત છે. થોડાક નીચે ચંદ્રમા સ્થાપિત છે. શિવના શરીરમાં જે સ્થાન પર ચંદ્રમાનાં દર્શન થાય છે તેને તંત્રમાં બિન્દુ વિસર્ગ કહે છે. ભૌતિક શરીરમાં આ સ્થાન બુદ્ધિનું કેન્દ્ર છે. ચંદ્રમાનો સ્વભાવ શીતળ છે. આપણી બુદ્ધિ પણ શીતળ અને શાંત હોવી જોઈએ તેનો તે સંકેત આપે છે.

કંઠ અને ભુજાઓમાં સર્પમાળા છે. સાપ જ એવો જીવ છે જે સંપૂર્ણ કાયાકલ્પ (કાંચળી કાઢવી) કરે છે. મનુષ્યના કંઠમાં જે ચક્ર સ્થાપિત હોય છે તેનું નામ છે વિશુદ્ધિ ચક્ર. જે શરીરમાં ઘણાં પ્રકારના રસોનું ઉત્પાદન કરે છે. જેને પાચકરસ તરીકે ઓળખાય છે. તેમાં સમસ્યા સર્જાય તો ઘણાં રોગ ઘર કરી જાય છે. તંત્રના સાધકોનું એવું માનવું છે કે વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય તો વ્યક્તિમાં વિષને પચાવવાની ક્ષમતા આવે છે. શરીરના સૌથી નીચેના ભાગમાં કુંડલીની શક્તિનું સ્થાન હોય છે જેને મૂળાધાર ચક્ર પણ કહે છે. મૂળાધાર ચક્ર જાગૃત થાય તો શક્તિ ઉર્ધ્વગામી થાય છે અને શરીરનાં બધાં જ ચક્રોનું છેદન કરીને સહસ્ત્રાર સુધી જઈને વિસ્ફોટ કરે છે. આ સુષુપ્ત શક્તિનો જે આકાર છે તે કુંડલી મારીને બેઠેલા સાપ જેવો હોય છે. તેથી સાપને શિવજીએ ગળામાં સ્થાન આપ્યું છે. શિવજીના કપાળમાં એક અધખૂલી (ત્રીજી) આંખનાં દર્શન થાય છે. તેથી તેઓ ત્રિનેત્ર પણ કહેવાય છે. શિવજીનું આ નેત્ર તંત્રમાં આજ્ઞાચક્ર તરીકે પરિભાષિત છે. આજ્ઞાચક્ર બધાં જ ચક્રોનું નિયંત્રણ કરે છે. ઉત્તમ સાધના કરવા માટે ત્રિનેત્રનું ખૂલવું જરૂરી છે, કારણ કે સાધના દરમિયાન આ શરીર એક અનંત ઊર્જાનું પ્રતીક બનતું જાય છે. જ્યારે સાધકનું આજ્ઞાચક્ર એટલે કે ત્રિનેત્ર ખૂલે ત્યારે આપણે એક નવા બ્રહ્માંડમાં પહોંચી જઈએ છે.
==================================================================== મનુષ્ય જીવનનો આધારઃ ૧૬ સંસ્કાર - કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

ઉપનયન સંસ્કાર એ સમાજમાં પ્રવેશવાનું પ્રમાણપત્ર હતું. વિદ્યાર્થી જીવનના અંતે અને ગૃહસ્થ જીવનના પ્રારંભમાં સમાવર્તન સંસ્કાર જરૂરી હતો. ઉપનયન અને વિવાહ સંસ્કાર કરવાથી તમામ પ્રકારના યજ્ઞો કરવાનો અધિકાર પ્રાપ્ત થતો હતો

હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંસ્કારો પર જ આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ માનવ જીવનને પવિત્ર, સુખમય અને મર્યાદિત બનાવવાના હેતુથી સંસ્કારોનો આવિષ્કાર કર્યો છે. આ સંસ્કારો માત્ર ધાર્મિક કે સામાજિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. સંસ્કાર શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતના સમ+ક માંથી થઈ છે. જેનો અર્થ થાય છે શુદ્ધ કરવું, પવિત્ર કરવું અને સંસ્કરણ કરવું. જેનાથી માણસની લાગણી, રહેણી-કરણી, બુદ્ધિ વગેરે સમાજમાં પ્રકાશે તથા સમાજના હિતલક્ષી અને આધ્યાત્મિક ગુણો વધે એનું નામ જ સંસ્કાર.

મનુુષ્ય જીવનમાં આપણા જન્મના પહેલાંથી લઈને મૃત્યુ પછી સુધી એમ કુલ સોળ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કાર આપણા ધાર્મિક અને સામાજિક જીવનની ઓળખ હોય છે. તે સમાજ અને રાષ્ટ્રને અનુરૂપ થતાં તો શીખવે જ છે સાથે ઉત્તમ જીવનની દિશા પણ નક્કી કરી આપે છે. ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યને રાષ્ટ્ર, સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવાના જે નિયમ નક્કી કરવામાં આવ્યા છે તેને જ સંસ્કાર કહેવામાં આવ્યા છે. સંસ્કારો દ્વારા જ ગુણોમાં વૃદ્ધિ થાય છે. સંસ્કારો માટે યોજાતા કાર્યક્રમોમાં જે પૂજા, યજ્ઞા, મંત્રોચ્ચાર વગેરે કરવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ સિદ્ધ થઈ ચૂક્યું છે.

સંસ્કારોની સંખ્યા - સ્મૃતિઓમાં સંસ્કાર શબ્દનો પ્રયોગ એવા અનુષ્ઠાન માટે કરવામાં આવ્યો છે જેમાં વ્યક્તિના વ્યક્તિત્વની શુદ્ધિ માટે કરવામાં આવતા ધાર્મિક કાર્ય કરવામાં આવે છે. ગૌતમ સ્મૃતિમાં ચાલીસ પ્રકારના સંસ્કારોનો ઉલ્લેખ જોવા મળે છે. મર્હિષ અંગિરાએ તેમનો અંતર્ભાવ પચ્ચીસ સંસ્કારોમાં કર્યો છે. આપણાં ગૃહસૂત્રોમાં સંસ્કારોની સંખ્યા ૧૨થી ૧૮ સુધીની છે. આશ્વલાયન ગૃહસૂત્રમાં ૧૧, પારસ્કર અને બૌદ્ધાયન ગૃહસૂત્રોમાં આ સંખ્યા ૧૩ની દર્શાવાઈ છે. જોકે એક વાત મહત્ત્વની છે કે મોટાભાગનાં ગૃહસૂત્રો અંત્યેષ્ઠી સંસ્કારનો ઉલ્લેખ કરતાં નથી. જ્યારે વ્યાસ સ્મૃતિમાં સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં પણ મુખ્ય સોળ સંસ્કારોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દશકર્મ પદ્ધતિ ગ્રંથમાં સંસ્કારોની સંખ્યા ૧૦થી ૧૩ દર્શાવવામાં આવી છે. સંસ્કારોની સંખ્યા વિવિધ ગ્રંથોમાં ભલે જુદી-જુદી જોવા મળે પરંતુ સૌથી લોકપ્રિય તો સોળ સંસ્કાર જ છે.

સંસ્કારોનું વિભાજન - સોળ સંસ્કારોમાં પ્રાગજન્મ સંસ્કારમાં ગર્ભાધાન, પુંસવન અને સીમંતોનયન, બાલ્ય અવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ સંસ્કારનો સમાવેશ થાય છે. શિક્ષણને લગતા સંસ્કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત અને સમાવર્તન સંસ્કારોનો સમાવેશ થાય છે. આ સિવાય વિવાહ અને અંત્યેષ્ઠિ સંસ્કાર છે જેનું ખૂબ જ મહત્ત્વ છે.

સંસ્કારોનો ઉદ્દેશ - સોળ સંસ્કારોનો મૂળભૂત ઉદ્દેશ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ સાથે છે. આ સાથે નકારાત્મક અને અશુભ શક્તિઓ સામે રક્ષણ મેળવવાનો ઉદ્દેશ પણ છે. અશુભ પ્રભાવોના પ્રતિકાર માટે શુભ શક્તિઓની સ્તુતિ કરાય છે એમને બલિ અને ભોજન આપીને પ્રસન્ન કરવામાં આવે છે જેથી તેઓ અશુભ તત્ત્વોથી આપણું રક્ષણ કરે. પ્રત્યેક સંસ્કાર કરતી વખતે આશીર્વાદ મેળવવા માટે દેવતાઓની પ્રાર્થના કરવામાં આવે છે. જેમ કે, ગર્ભાધાન સંસ્કાર વખતે ભગવાન વિષ્ણુનું, ઉપનયન સંસ્કાર સમયે બૃહસ્પતિનું અને વિવાહ સંસ્કાર સમયે પ્રજાપતિનું આહ્વાન કરવામાં આવે છે. સંસ્કારોનો ભૌતિક ઉદ્દેશ સંતાન, પશુ, સંપત્તિ, ધન-ધાન્ય, સમૃદ્ધિ, શક્તિ અને બુદ્ધિની પ્રાપ્તિનો હતો. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પ્રાર્થનાઓ અને સ્તુતિઓ કરવાથી દેવી-દેવતાઓ રીઝતાં એટલે કે પ્રસન્ન થતા અને ભૌતિક સંપત્તિ સ્વરૂપે ઇચ્છાઓની ર્પૂિત કરતાં. સાંસ્કૃતિક ઉદ્દેશથી સંસ્કારોમાં ધર્મ અને પવિત્રતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મનુસ્મૃતિમાં જણાવ્યા અનુસાર બ્રાહ્મણોએ ગર્ભાધાન, જાતકર્મ, ચૂડાકરણ વગેરે શારીરિક સંસ્કાર વૈદિક કર્મો અનુસાર કરવા જોઈએ તેનાથી આ લોક અને પરલોક પવિત્ર બને છે.

વિશિષ્ટ પ્રકારના સામાજિક અધિકારો પ્રાપ્ત કરવા માટે પણ સંસ્કારો કરવામાં આવતા હતા. જેમ કે, ઉપનયન સંસ્કાર એ સમાજમાં પ્રવેશવાનું પ્રમાણપત્ર હતું. વિદ્યાર્થી જીવનના અંતે અને ગૃહસ્થ જીવનના પ્રારંભમાં સમાવર્તન સંસ્કાર જરૂરી હતો. ઉપનયન અને વિવાહ સંસ્કાર કરવાથી તમામ પ્રકારના યજ્ઞા કરવાનો અધિકાર પ્રાપ્ત થતો હતો.

સંસ્કારોની વર્તમાન સ્થિતિ - સંસ્કાર એ હિન્દુઓના અને ખાસ કરીને બ્રાહ્મણોના જીવનનું એક અભિન્ન અંગ ગણાય છે. જોકે સમયાંતરે તેમાં ઘણાં પરિવર્તનો થતાં રહ્યાં છે અને થઈ રહ્યાં છે. નામકરણ સંસ્કારનું મહત્ત્વ મર્યાદિત કુળ કે જ્ઞાતિઓ પૂરતું જ રહ્યું છે. ઉપનયન સંસ્કાર તેનું મહત્ત્વ ગુમાવતો જાય છે, તેને તો હવે વિવાહ સંસ્કારની પૂર્વભૂમિકાનું સ્થાન આપી દેવામાં આવ્યું છે.

આજે માત્ર ગણ્યાગાંઠયા સંસ્કારો જ કરવામાં આવે છે અને તે પણ ક્યારેક નામશેષ થશે તેવી ભીતી છે. અત્યારે ચૂડાકર્મ, ઉપનયન, વિવાહ અને અંત્યેષ્ઠી એમ ચાર સંસ્કાર ખૂબ જ પ્રચલિત છે. ==========================================================================