ભરેલાં કારેલાં - Courtesy Sanjiv kapoor
સામગ્રી :
કારેલાં-૮ નંગ, તેલ-૧ ચમચો, ડુંગળી-૧ નંગ, મીઠું-સ્વાદ અનુસાર, આદું-અડધો કટકો, લસણ-૬-૮ કળી, ધાણા પાવડર-૧ ચમચી, જીરા પાવડર-૧ ચમચી, હળદર પાવડર-અડધી ચમચી, આમલીનો રસ-૨ ચમચી, લાલ મરચાંનો પાવડર-અડધી ચમચી, ભરવા માટે ચણાનો લોટ-૧ કપ, ડુંગળી-૧ નંગ, કોથમીર-જરૂર પ્રમાણે, મીઠું-સ્વાદ અનુસાર, ગરમ મસાલો-પા ચમચી, અજમો-૧ ચમચો, લાલ મરચાંનો પાવડર-અડધી ચમચી
રીત :
કારેલાંને છોલીને ધોઈ લો. એક તરફ કાપો મૂકી બી કાઢી લો.
અંદર અને બહાર મીઠું લગાડી ચાર કલાક સુધી મૂકી રાખો. પછી પાણીમાં ધોઈ લો અને બાજુ પર મૂકો.
ડુંગળીને છોલીને ધોઈ ઝીણી સમારી લો. આદું અને લસણને છોલીને તેની પેસ્ટ બનાવી દો. કોથમીરને ચૂંટી, ધોઈને ઝીણી સમારી નાખો.
ચણાના લોટને નોનસ્ટિક પેનમાં શેકો. સુગંધ આવે એટલે પ્લેટમાં કાઢી ઠંડું પડવા દો. હવે તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લાલ મરચું, ગરમ મસાલો અને અજમો નાખો. આ મિશ્રણને કારેલામાં ભરો અને બાજુમાં મૂકી દો.
એક કડાઈમાં તેલ ગરમ કરો, બાકી રાખેલી સમારેલી ડુંગળી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ નાખો. ધાણાજીરું, લાલ મરચું, હળદર નાખી હલાવો. સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ભરેલાં કારેલાં નાખો. હલાવતાં રહો. આમલીનો રસ નાખો. દસ-પંદર મિનિટ સુધી ગેસ પર રાખો અને શાકને ચઢવા દો. ગરમ ગરમ પીરસો.
સેઝવાન રાઇસ - Courtesy મિતા ભરવાડા
સામગ્રી :
ઓસાવેલો ભાત- ૧ કપ, સમારેલી કોબીજ- અડધો કપ, સમારેલું ગાજર- અડધો કપ, આજીનો મોટો- ચપટી, તેલ- ૩ ચમચા, ગાર્લિક સોસ
ગાર્લિક સોસ બનાવવા માટે:
લાલ મરચાં- ૮ નંગ, ટામેટાં- ૨ નંગ, વાટેલું લસણ- ૬ કળી, વિનેગર- ૧ ચમચો, મીઠું- સ્વાદ મુજબ
રીત :
ગાર્લિક સોસ બનાવવા માટે પહેલાં લાલ મરચાને એક કલાક ગરમ પાણીમાં પલાળી રાખો. ટામેટાંને અને પલાળેલાં મરચાંને ગ્રાઇન્ડ કરી ગાળી લો. તેમાં લસણ, વિનેગર અને મીઠું નાખી બરાબર મિકસ કરો. ગાર્લિક સોસને એક તરફ રહેવા દો.
તેલ ગરમ કરી તેમાં કોબીજ, ગાજર, મીઠું અને આજીનો મોટો નાખી બે-ત્રણ મિનિટ સાંતળો. ગાર્લિક સોસ ઉમેરીને સારી રીતે મિકસ કરો. છેલ્લે ઓસાવેલા ભાત ભેળવી મિકસ કરીને ગરમ જ સર્વ કરો.
મકાઇની ભેળ (બે વ્યકિત માટે) - Courtesy લિઝા શાહ
સામગ્રી :
અમેરિકન મકાઇના દાણા- ૧ કપ, ડુંગળી- ૧ નંગ, સનફલાવર તેલ - ૧ ચમચી, કેપ્સિકમ - ૧ નંગ, ગાજર - ૧ નંગ, ટામેટું - ૧ નંગ, સમારેલી કોથમીર -સજાવટ માટે, સુગર ફ્રી (ઐરિછક) - અડધી ચમચી, લીંબુનો રસ - સ્વાદ મુજબ, સેવ - ૧૦૦ ગ્રામ, કોર્નફલેકસનો ભૂકો - જરૂર મુજબ, લીલી ચટણી - જરૂર પ્રમાણે, લસણની ચટણી - જરૂર પ્રમાણે, મીઠું - સ્વાદ મુજબ
રીત :
મકાઇને બાફી લો. તે બરાબર બફાઇ જાય એટલે તેને નિતારીને કાઢી લો. ડુંગળી, ગાજર, ટામેટું, કેપ્સિકમના નાના નાના ટુકડા સમારો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બ્રાઉન રંગની સાંતળો. તેમાં મકાઇના બાફેલા દાણા ઉમેરો. ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું, સમારેલા ગાજર, કેપ્સિકમ, ટામેટું, કોથમીર ભેળવો. બધું બરાબર મિકસ થાય એટલે આંચ પરથી ઉતારી લઇ તેના પર સેવ, કોર્નફલેકસનો ભૂકો, લીંબુનો રસ ભભરાવો. લીલી ચટણી અને લસણની ચટણી રેડી સ્વાદ માણો. મકાઇની ભેળમાં વ્યકિતદીઠ ૨૦૦ કેલરી રહેલી છે.
ભાજીનો હાંડવો - Courtesy Imcl Network, Ahmedabad
૪ થી ૬ વ્યકિત માટે
સામગ્રી :
૫૦૦ ગ્રામ તૈયાર હાંડવાનો લોટ, ૫ ચમચા તેલ, ખાટી છાસ(જરૂર મુજબ), ૨૦૦ ગ્રામ મેથીની ભાજી, ૧૫૦ ગ્રામ પાલકની ભાજી, હિંગ, રાઇ, તલ, મીઠું સ્વાદાનુસાર, મીઠો લીમડો, ખાંડ, તજ લવીંગ, સાજીનાં ફૂલ, આદુ મરચાની પેસ્ટ.
રીત :
સૌ પ્રથમ તૈયાર હાંડવાનાં લોટમાં યોગ્ય પ્રમાણમાં છાસ નાખીને ખીરા જેવું તૈયાર કરી ૭ થી ૮ કલાક આથો લાવવા માટે મૂકી રાખો. એક બાઉલમાં બધી સમારેલી ભાજી લઇને તેમાં ૧ ચમચો તેલ, હિંગ નાખી ૧૦ મિનિટ મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. આથો આવ્યા બાદ તેમાં માઇક્રો કરેલી ભાજી, સાજીનાં ફૂલ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને ખાંડ નાખીને ખુબ હલાવો. એક બાઉલમાં તેલ લઇ તેમાં રાઇ, તજ, લવીંગ, તલ, લીમડો નાખી ફરી ૩ મિનિટ માટે માઇક્રો કરો. હવે આ વઘારમાં તૈયાર કરેલું ભાજીવાળું ખીરું નાખી દો. ત્યારબાદ ૨૦ મિનિટ માટે મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. પછી હાંડવાને ગ્રીલ કરી ગરમા ગરમ હાંડવો લસણની ચટણી સાથે પીરસો.
મીકસ મૂઠીયા - Courtesy Imcl Network, Ahmedabad
૪ થી ૬ વ્યકિત માટે
સામગ્રી :
અડધો કપ તુવેરની દાળ, પા કપ ચણાની દાળ, પા કપ ચોખા, પા કપ ઘઉં, આદુ મરચાની પેસ્ટ જરૂર મુજબ, સ્વાદ મુજબ હળદર, ૨ ચમચી આમચૂરનો પાવડર, યોગ્ય માત્રામાં પાણી, મીઠું સ્વાદ મુજબ, ૪ ચમચાં તેલ, તલ, ખાંડ સ્વાદ મુજબ, ખમણેલી દૂધી, ૫૦ ગ્રામ લીલા વટાણા, ૨૫ ગ્રામ તુવેરનાં લીલવા, ગરમ મસાલો, દહીં, ચણાનાં લોટની સેવ.
રીત:
બધી જ દાળ અને ચોખા, ઘઉં બરાબર મિકસ કરી તેનો કરકરો લોટ દળાવવો.એક બાઉલમાં લીલા વટાણા, તુવેરનાં લીલવા તથા ખમણેલી દૂધી આ બધુ જ ભેગુ કરી તેમાં ૧ ગ્લાસ પાણી નાખી ૧૦ મિનિટ માટે મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. ત્યારબાદ તેને ચારણીમાં નાખી પાણી નીતારી લો. કરકરા લોટમાં બાકીની બધી જ સામગ્રી મિકસ કરી તેમાં તલ અને પાણી નાખી મૂઠીયા વાળી સ્ટીમરમાં ૧૫ મિનિટ માટે મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. મૂઠિયા તૈયાર થઇ જાય પછી તેને ઠંડા પાડી તેને ગોળ ગોળ સમારી લો. તેનાં પર દહીં અને સેવની સજાવટ કરી ગરમા ગરમ પીરસો.
કૂલ મેંગો ડ્રિન્ક - Courtesy Imcl Network, Ahmedabad
સામગ્રી :
કેરીનો રસ - પોણો કપ, મધ - ૧ ચમચી, લીંબુનો રસ - ૧ ચમચી, દહીં - અડધો કપ, બરફ - જરૂર પૂરતો
રીત :
ઉપરોકત તમામ સામગ્રીને બ્લેન્ડરમાં સારી રીતે મિકસ કરો. બરાબર એકરસ થઈ ગયા બાદ ઠંડા ગ્લાસમાં ભરીને પીવા આપો.
મસાલા તાક - Courtesy Imcl Network, Ahmedabad
સામગ્રી :
દહીં - ૧ કપ, જીરુ - ૧ ચમચી, સમારેલ લીલું મરચું - ૧ નંગ, સમારેલું આદું - નાનો ટુકડો, સમારેલી, કોથમીર - ૧ ચમચો, સિંધાલૂણ - સ્વાદ મુજબ
રીત :
જીરાને તવા પર આછા બ્રાઉન રંગનું શેકી લો. પછી તેનો અધકચરો પાઉડર બનાવો. દહીંમાં થોડું થોડું કરી એક લિટર પાણી ઉમેરો. તેમાં સમારેલાં લીલાં મરચાં, આદું, કોથમીર, સ્વાદ મુજબ સિંધાલૂણ અને જીરાનો પાઉડર ઉમેરી સારી રીતે મિકસ કરો. એકદમ ઠંડી પીઓ.