
પહેલાં સ્ત્રીઓ અસુરોનો સામનો કરતી અને આજે પણ સ્ત્રીઓએ અસુરોનો સામનો કરવો પડે છે. નવરાત્રિ એટલે અસુરોનો સંહાર કરનાર માતાજીની ઉપાસના કરવાનું પર્વ અને સ્ત્રી શકિતના વિજયની ઉજવણી કરવાનો અવસર. માતાજીએ અસુરોનો સંહાર કર્યાની કથાઓ એવું બતાવે છે કે સ્ત્રીઓએ એ સમયે પણ અસુરોનો સામનો કરવો પડતો અને આજે પણ સ્ત્રીઓએ અસુરોનો સામનો કરવો પડે છે માત્ર તે અસુરોના સ્વરૂપમાં ફેર પડયો છે. દહેજપ્રથા, સ્ત્રીભ્રૂણહત્યા વગેરે અસુરો સ્ત્રી પર અવારનવાર હુમલા કરે છે. વળી, આ અસુરો આસુરીવૃત્તિના સ્વરૂપમાં સ્ત્રીના પોતાના જ કોઇ પરિવારજન કે વિશ્વાસુ વ્યકિતમાં છુપાઇને બેઠેલ હોય છે. જેથી તેનો સામનો કરવાનું મુશ્કેલ બની જાય છે.
aaજે કોઇ સ્ત્રીને મહિષાસુર સામે નથી મળતો પણ એ જ અસુર ગુરુનો દરજજો ધરાવીને જાતીય શોષણ કરતા કોઇ પ્રોફેસર, પોતાની જાતને સંત ગણાવતા કોઇ બાપુ, દહેજની લાલચુ સાસુ કે પછી પત્નીનું આર્થિક શોષણ કરતા પતિના સ્વરૂપમાં આવે છે કે જેની સામે સ્ત્રીએ લડત આપવી પડે છે.
આ સંજોગોમાં સ્ત્રીએ સાવચેતીપૂર્વક વર્તી આપ્તજનનો નહીં પણ તેમની આસુરી વૃત્તિનો વિરોધ કરવાનો છે.
તાજેતરમાં જ એક એવો બનાવ બન્યો કે જેમાં થિયેટરમાં રાષ્ટ્રગીત વાગ્યું તે સમયે એક યુવકે સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવાને બદલે પોતાની સીટ પર બેસી રહેતા રક્ષા ભરાડિયા નામના જાણીતા લેખિકાએ તે યુવકને બરાબર પાઠ ભણાવ્યો. ભારતમાતાનું અપમાન કરનાર સામે તેમણે હિંમતપૂર્વક લડત આપી અને વિજય મેળવ્યો. એક સ્ત્રીએ ભારતમાતાના ગૌરવ માટે અવાજ ઉઠાવ્યો જયારે આપણે ઘણી વાર આપણી તદ્દન નજીકની સ્ત્રી કોઇ અન્યાયનો ભોગ બને તો પણ ચૂપ રહેતાં હોઇએ છીએ. પરિણામે આસુરી શકિત સ્ત્રીઓ સામે ફાવી જતી હોય છે. સ્ત્રીની દુશ્મન સ્ત્રી તે ઉકિતને ખોટી ઠેરવી દઇ હિંમત અને સંગઠન દ્વારા આધુનિક યુગના અસુરોનો સામનો કરીશું ત્યારે જ માતાજીની સાચી ઉપાસના કરી ગણાશે.
***************************************************************************
*****************************************************************************
નવરાત્રિનો આરંભ કેવી રીતે થયો? - Woman Bhaskar
નવરાત્રિ એ શકિત ઉપાસનાનું એક આગવું અનુષ્ઠાન છે. નવ દિવસ, નવ વ્રતોનું સામૂહિક પવિત્ર પર્વ છે. દરેક દિવસનું એક અલગ મહાત્મ્ય છે અને નવે દિવસ મા ભગવતીના ‘નવ’ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ નવ સ્વરૂપોમાં દુર્ગા, મહિષાસુરમર્દિની, મહાકાલી, ભદ્રકાલી, વૈષ્ણવી, માહેશ્વરી, ગૌરી અને ઇન્દ્રાણીનો સમાવેશ છે. આ સ્વરૂપોની ચર્ચા પુરાણો તથા અન્ય શકિત ગ્રંથોમાં વિસ્તારથી જોવા મળે છે.
સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદના ‘શકિત-સૂકત’માં સમસ્ત બ્રહ્માંડને શકિતનો આદિ સ્રોત માનીને દેવી સ્વરૂપે શકિતની ઉપાસના કરવામાં આવી છે. આ દેવી સંપૂર્ણ વિશ્વની સૃષ્ટા, ધનન્નત્રિ, શકિતન્નત્રિ છે. એથી એના ભિન્ન ભિન્ન સ્વરૂપો કલ્પવામાં આવ્યા છે.
મહાભારતની કથા અનુસાર કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવા માટે અર્જુને દુર્ગાપૂજન કર્યું હતું. સાત અજ્ઞાત વાસમાંથી પાંડવો બહાર આવ્યા, તે વેળા એમણે શકિતપૂજન સમીવૃક્ષની સાક્ષીએ કરેલું. આ રીતે ‘નવરાત્ર’ એ ભારતીય ધર્મ, સંસ્કતિ અને ઉપાસનાનું એક અંગ બની રહ્યું છે.
નવરાત્ર પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં, બીજું આસો મહિનામાં. આ રીતે નવરાત્રિ ઋતુ પરિવર્તનનું સૂચક પર્વ પણ છે. આ દિવસો દરમિયાન ભગવતી શકિતનું આહ્વાન કરી આપણા જીવનમાં નવી ચેતના અને પ્રજ્ઞા પ્રગટાવવાની છે અને એ માટે ભગવતી માને ચરણે આપણી ભાવના, ભકિત અને આપણા અંતર-મનનો અઘ્ર્ય ચઢાવવાનો છે.
‘ગરબો’ મનુષ્ય હૃદયમાં રહેલી શકિત, ઉપાસના અને ભકિતભાવની અભિવ્યકિત છે અને માટીનો ગરબો (ગર્ભદીપ) આપણી આસપાસ ઘૂમતા અનંત બ્રહ્માંડના નક્ષત્રો, ઝળહળતા તારાઓનું લઘુ પ્રતીક છે. એનો અર્થ એ છે કે, સમસ્ત બ્રહ્માંડને અજવાળતી, રમાડતી, શકિત પ્રેરતી માટીના ગર્ભ-દીપ-ગરબામાં પ્રતિષ્ઠિત દિવ્ય ચેતનાનું આહ્વાન કરવામાં આવે છે.
ચૈત્ર અને આસોના આ ‘નવરાત્ર’ પર્વો, સાધકો, જોગ-જતિઓ, યોગીઓ, સંસારીઓ અને તાંત્રિકો માટે મહત્ત્વના છે. એકાંતમાં, નિયત સમય પ્રમાણે અને ચોકકસ સંકલ્પ અર્થે તેનું અનુષ્ઠાન કરવામાં આવતું હતું, પરંતુ સામંત યુગમાં ૧૬મી સદીના અંત ભાગમાં બંગાળના જાગીરદાર કેશવ નારાયણે ‘નવરાત્રિ’ને જાહેર પર્વ તરીકે ઊજવવાની શરૂઆત કરી હતી, એ પછી ‘નવરાત્ર’નો પ્રચાર જન જન સ્વરૂપે ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતોમાં થયો. તે સમયે માતાના સ્વરૂપનું યશોગાન અને સ્તુતિ દ્વારા તેનું આહ્વાન મુખ્ય હતું.
આ રીતે થયેલી નવરાત્રિની શરૂઆત સદીઓથી ચાલી આવી છે અને ચાલું જ રહેશે. ફકત તેમાં ભિન્ન ભિન્ન રૂપ ઉમેરાતા જોવા મળશે.
***********************************************************************