માનવીની મહાનતાનું રહસ્ય સમજશકિત - Courtesy Paramanand Gandhi
મનન કરે તે મનુષ્ય. મનુષ્યમાં મનન કરવાની શકિત છે. કંઈક જોયું એટલે તેનામાં સંવેદના જાગે છે. તદાનુસાર તેનામાં પ્રત્યાઘાત ઊઠે છે, પણ એમ તો પશુમાં પણ આ પ્રત્યાઘાત થાય જ છે ને રોટલાનો ટુકડો ફેંકો તો તેના પ્રત્યાઘાતરૂપે તે પૂંછડી પટપટાવતો રોટલો લેવા દોડે જ છે, પરંતુ મનુષ્યમાં મનન શકિત છે તેથી તે રોટલો જોયા પછી તરત દોડતો નથી. તે વિચાર કરશે કે મારાથી તે લેવાય કે નહીં? પ્રભુએ મનુષ્યમાં સમજવાની આ શકિત મૂકી છે અને એ સમજવાની શકિતમાં જ માનવીની મહત્તાનું રહસ્ય છે. માણસ જીવે છે ને તો પણ તેની પાછળ કાંઈક સાચી -ખોટી પણ સમજણ છે. તેનામાં તે શકિત ન હોત તો ઇતર પ્રાણીમાં જ તેની ગણતરી થાત.
મનુષ્ય તો તે ગણાય કે જે પોતાની સમજણ સાથે બેવફાઈ ન કરે, બાંધછોડ ન કરે. અંદરથી અવાજ આવતો હોય કે ‘તું જૂઠું બોલે છે.’ તોયે તે અવાજને દાબીને ‘એવું તો બધા જ કરે છે. તે સિવાય સંસારમાં જિવાય કેમ?..’ આવા અનેક પ્રસંગોએ અંદરના અવાજને દાબીને માણસ જીવનવ્યવહાર કરે છે ત્યારે તે તેની આત્મવંચના કરે છે અને માણસાઈ ગુમાવી બેસે છે. તેથી આપણે ભૂલી જઈએ છીએ કે, ‘હું મનુષ્ય છું’. મનુષ્ય હોવાને કારણે મારા ઉપર જે પણ જવાબદારી આવે તેને નિભાવીને મારે જીવવાનું છે તેનું તેને વિસ્મરણ થયું છે. તેથી તેનો માનવતા કરતાં પશુત્વ તરફનો વ્યવહાર વધુ છે. અને આવાં બધાં કારણોને લીધે સમાજમાંથી માનવતા મરી પરવારી છે.
આપણાથી રખે એ ભુલાય કે મનુષ્ય એ કેવળ હાડમાસનું પૂતળું યા તો વાસનાઓનો પુંજ નથી. મનુષ્યનું સત્ત્વ તો આત્મસત્તામાં છે, ભગવદ્સત્તામાં છે અને તે પ્રગટ કરવામાં જ તો મનુષ્યને મનુષ્ય જન્મ મળ્યો છે.
તેથી ભગવાને મનુષ્યની સમજણ આપતાં કહ્યું છે, મમ્ વત્માનુવર્તન્તે મનુષ્ય: પાર્થ સર્વશ: (અ-૩ુ૨૩). હે અર્જુન! ત્રણે લોકમાં મારે કાંઈ પણ કર્તવ્ય કરવાનું નથી. કારણ કે મારે કાંઈ મેળવવાનું બાકી નથી.(કારણ કે ભગવાન પૂર્ણકાય છે.) છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. આળસ ત્યજીને નિત્ય કર્મ કરું છું કારણ કે હું જ જો કર્મમાં પ્રવૃત્તિ ન કરું તો મનુષ્ય કોને અનુસરશે? આપણે ભગવાનને અનુસરીએ તેથી તે અવિરત કર્મ કરે છે અને તેમ કરીશું તો મનુષ્ય ગણાઈશુંને?
આ તો એના જેવું થયું કે દીકરો કંઈક શીખે તેથી એકાદ બાપ પ્રવૃત્તિ કરતો હોય છે પણ દીકરો તેનાથી વિપરીત જ પ્રવૃત્તિ કરતો હોય તો?
ભગવાન અવિરત કર્મયોગથી નિરપેક્ષ ભાવે રાય અને રંક તરફ સમદૃષ્ટિ રાખીને સૃષ્ટિનું સંચાલન-નિયમન કરે છે અને સમદૃષ્ટિ રાખીને દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે, પરંતુ આપણા બધા જ વ્યવહારના કેન્દ્રમાં આપણો સ્વાર્થ જ હોય છે. માણસ એ ભૂલી જાય છે તે જીવ છે અને તેણે પ્રભુને અનુસરવું જરૂરી છે. પ્રભુને આપણને જે પણ શરીર સંપદા, વિત્ત સંપદા કે બુદ્ધિ સંપદા આપી છે તે સૃષ્ટિને સજાવવા માટે છે. એકાદ માળી બાગમાં ફૂલોની માવજત કરે, ખાતર-પાણી આપે, નિંદામણ કરે તે રીતે આપણે પણ આ ઈશનિર્મિત સૃષ્ટિના માળી બનાવાનું છે. સૃષ્ટિનને સજાવવાની છે અને તેમ થશે તો આપણામાં માણસાઈ જીવિત રહેશે અને પ્રભુ હરખાઈ જશે. તો તે માટેનું આપણું પ્રદાન કેવું અને કેટલું?
*****************************************************************************