Tuesday, March 10, 2009

Narendra Modi's Views on "Beti or Dikri"

દીકરીને અવતરવા દો, આ જગતમાં... - Narendra Modi
Sunday, March 08, 2009 03:49 [IST]


સમયની માંગ છે બેટી બચાવો... બેટી વધાવો...નહીં કે બેટી વધેરો...
દીકરી...વહાલપનો દરિયો...ઘરની દીવડી...અને સંવેદનાનું સરોવર...આવી દીકરી વગર માતૃત્વ-પિતૃત્વ અધૂરું એના વિના પરિવાર અધૂરો... સંસાર અસંભવ

હજુ અવતરી નથી એવી એ દીકરી માના ગર્ભમાં છે...કહેવાતો આધુનિક સમાજ માના ગર્ભમાં જ દીકરીને મારી નાખવાનો વિચાર કરે ત્યારે એ બાળકી શું કલ્પના કરતી હશે?
આ બાળકી એની માને ચિત્કાર કરીને કહે છે...મા, તારી આંગળી પકડીને મને ચાલવા દે...મને આ જગતમાં આવવા દે...તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે? તારી આકતિ ફરી સર્જવા દે...હું તને આપું છું વિશ્વાસ-તારે ખોળે અવતરીશ તો વ્હાલની વેલી થઇ ઝૂલીશ...આંગણે સંવેદના મહેંકાવા દે...સાપનો ભારો નથી મા! હું તો તારો જ અંશ છું...મા, આ જગતમાં મને આવવા દે...

૨૧મી સદીના આ સમયમાં...વિજ્ઞાનના આ યુગમાં...દીકરીનો આ ચિત્કાર...આપણે ભણેલા-ગણેલા-શિક્ષિત લોકો નહીં સાંભળીએ!!!

એની વેદના-સંવેદનાની અનુભૂતિ નહીં કરીએ તો, સમાજની આવતી કાલ બહુ બિહામણી હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં ૨૦૦૧માં નવી શતાબ્દીના આરંભે હજાર દીકરાઓની સામે આઠસો ને બે દીકરીઓ અવતરતી હતી. એટલે કે ૧૯૮ દીકરીઓ ઓછી જન્મતી... તમે કલ્પના કરો સમાજમાં દીકરી જ નહીં અવતરે તો સમાજ છિન્ન- ભિન્ન થઇ જશે. સમાજ એની બધી જ શકિત ગુમાવી દેશે. દીકરી જન્મ લે એ પહેલાં જ માના ગર્ભમાં એની હત્યા કરી નાખવાથી સમાજમાં કેવું અસમતોલપણું સર્જાશે?

સમાજ અસમતોલ બને ત્યારે કેવી સ્થિતિ પેદા થાય છે એ યુરોપના દેશોએ અનુભવ્યું છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં લગાતાર લડાઇઓ લડતા આ દેશોના જુવાનિયાઓ યુદ્ધની અંદર ખપી ગયા. એના કારણે ત્યાં પુરુષોની સંખ્યા ઘટી ગઇ. પરિણામે એ દેશોમાં સ્ત્રી એક બજારુ ચીજ બની ગઇ હતી. સમાજમાં અસમતુલન પેદા થાય ત્યારે સમાજમાં કેવી વિકતિ પેદા થાય છે એનું આ જીવતું-જાગતું ઉદાહરણ છે. આપણે ત્યાં પણ એક હજારે સો-દોઢસો છોકરા કુંવારા ફરતા હશે ત્યારે આ સમાજજીવન કેટલું ખેદાનમેદાન થઇ ગયું હશે એનો અંદાજ લગાવો. આવું અસંતુલન પેદા થશે તો આ સમાજજીવનનું ચક્ર કેવી રીતે ચાલશે?

સમાજની આ અસમતુલા કેવું વિકરાળ રૂપ ધારણ કરે! કલ્પના માત્રથી જ હૈયું હચમચી જાય. અંતરમન ચીસ પાડી ઊઠે. દીકરીનો ગર્ભપાત જાણે માનવજીવનના ઉજજવળ ભવિષ્યનો જ ગર્ભપાત કરી નાખે છે. આ ભ્રૂણહત્યા એક દીકરીની નહીં, આ તો ભ્રૂણહત્યા આવનારી પેઢીની સ્વસ્થતાના બીજની જ ભ્રૂણહત્યા છે. આ વેદનામાંથી જન્મ્યું છે બેટી બચાવ આંદોલન...સમયની માંગ છે- બેટી બચાવો... બેટી વધાવો... નહીં કે બેટી વધેરો...

અમે ‘બેટી બચાવો અભિયાન’ સમાજના સથવારે ઉપાડયું... શાયદ સમગ્ર હિંદુસ્તાનમાં આવું પહેલું અભિયાન હશે, જેણે દીકરીની ચિંતા કરી. સંવેદનાના ગર્ભમાંથી પ્રગટેલા આ ‘બેટી બચાવો અભિયાન’ નાં પરિણામ પણ જોવાં મળ્યાં. ૨૦૦૧માં દીકરીઓ એક હજારે ૮૦૨ અવતરતી હતી, આજે ૨૦૦૮ના અંતે દીકરીનો જન્મદર ૮૯૪ ઉપર પહોંરયો છે.

અગર સમાજ ઇરછે, સંકલ્પ લે, તો પરિણામ મળી શકે છે. દીકરીની હત્યાના કલંકમાંથી આપણે મુકત થઇ શકીએ છીએ. હું એવી સ્થિતિ જોવા માગું છું કે ગુજરાતમાં એક પણ ઘરમાં ભ્રૂણહત્યા ન થાય. આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ. આ સદી જ્ઞાનની સદી ગણાય છે. આજે ભણતર વઘ્યું છે. આર્થિક સ્થિતિ સુધરી છે ત્યારે, સમાજની આ અધોગતિ! ૧૮મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાનો પિશાચી રિવાજ હતો. દીકરીની ગર્ભમાં હત્યા કરતાં સમાજની દુર્દશા જોઉ છું ત્યારે એમ લાગે છે કે, ૧૮મી સદીમાં લોકો જે પાપ કરતા હતા એના કરતાં પણ વધારે મોટું પાપ આજે આપણે કરી રહ્યા છીએ.

૧૮મી સદીના પાપ કરતાં ૨૧મી સદીનું પાપ વધારે હિચકારું છે. એ વખતે દીકરી જન્મે એ પછી એક મોટા તપેલાની અંદર દૂધ ભરવામાં આવતું, ત્યારે પછી આખું કુટુંબ ભેગું થઇને દીકરીને એ દૂધની અંદર ડુબાડીને મોતને ઘાટ ઉતારતું હતું. આ ભયાનક પાપ હતું, છતાં કમ-સે-કમ એમાં દીકરીને અવતરવાનો અવસર તો મળતો હતો. જે માતાએ નવ-નવ મહિના એના ગર્ભમાં રાખી છે એ દીકરી માનાં દર્શન તો કરી શકતી હતી.માતાને પણ દીકરીનું મોં જોવાનો અવસર મળતો હતો. એ દીકરીને પળ -બે પળ માટે પણ આ જગત જોવા મળતું.

પછી સમાજના ક્રૂર-કલંકરૂપ રિવાજના કારણે પાપી સમાજ એને મારી નાખતો. પરંતુ ૨૧મી સદીમાં પોતાને સૌથી બુદ્ધિશાળી ગણનારા આપણે કયાં છીએ? આપણે તો એનાથી પણ અધમ છીએ. દીકરી ગર્ભમાંથી બહાર આવે એ પહેલાં જ એને માના પેટમાં જ મોતને ઘાટ ઉતારી દઇએ છીએ. આવું ઘોર પાપ કર્યા પછી પણ આપણને પશ્ચાત્તાપ ન થાય. જાણે એક મોટી આફતમાંથી છૂટી ગયાની રાહત અનુભવીએ! જયાં પરમાત્માની પ્રસાદી રૂપ દીકરીની માના પેટમાં જ હત્યા કરી નાખતા આપણું હૃદય જરા પણ કંપે નહીં ! આનાથી હીન કત્ય બીજું કોઇ હોઇ ન શકે.

માના પેટમાં દીકરીની હત્યા કરનારાઓને મારે ચેતવવા છે. મજબૂરીથી કે ઇરછાથી પણ કોઇ માતા ભ્રૂણહત્યા કરાવતી હશે તો પણ તેના મન ઉપર હત્યારા હોવાનો બોજ અચૂકપણે રહેવાનો. આ મનોભાવને કારણે તેનાં અન્ય સંતાનોના ઉછેર ઉપર પણ વિપરીત અસર થવાની. ભવિષ્યમાં તેની કૂખેથી જન્મનાર સંતાનના મન ઉપર પણ અસર થયા વિના રહેશે નહીં.

સરવાળે આખું કુટુંબ અજાણપણે હત્યારાના મનોભાવ સાથે વિસ્તરશે, તેની મનોવૈજ્ઞાનિક અસરો કયારેય કુટુંબને સુખ, શાંતિ કે સંતોષ નહીં જ આપી શકે. એટલું જ નહીં, માતાના ગર્ભમાં જયારે ભ્રૂણહત્યા થાય છે ત્યારે માત્ર ભાવિ દીકરીની હત્યા થાય છે એવું નહીં, જન્મ આપનાર માતાના ‘મા’ પણાની પણ હત્યા થાય છે. શરીરથી તે સ્ત્રી હશે, માતા હશે... પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે તેનું માતાપણું મરી પરવાર્યું હશે, માતાપણા વિનાનું સ્ત્રીશરીર પરિવારને શું આપી શકશે? ઘણીવાર મને વિચાર આવે કે, આ અધમ કત્ય માટે કેવળ પુરુષ જ જવાબદાર હશે? પણ કમનસીબી એ છે કે, આ સમગ્ર પાપની અંદર જેટલો ભાગીદાર પુરુષ છે એટલી જ ભાગીદાર સ્ત્રી પણ છે.

દીકરાની લાલચમાં એ પણ આ પાપમાં ભાગીદાર બને એથી વધારે પીડાદાયક કોઇ બાબત ના હોઇ શકે! કોઇ એમ કહેતું હોય કે, આવું પાપ કરવા માટે નારી મજબૂર છે. ઘરમાં બિચારી ઉપર પતિ, સાસુ-સસરા દ્વારા દબાણ થાય છે, એટલે એણે આ પાપના રસ્તે જવું પડે છે. પરંતુ કોઇ મા એના પેટમાં રહેલા સંતાનને મારવા માટે તૈયાર થાય એવું કેવી રીતે બની શકે?

કરુણા... સંવેદના જ જેના સ્વભાવનો પિંડ છે એ મા જન્મતા પહેલાં જ એના બાળકની હત્યા કરે? જાણો છો, માનો સ્વભાવ? એને ખબર પડે કે એના પેટમાં જે સંતાન છે તે અપંગ જન્મવાનું છે તો પણ માતા કહેશે કે મારા નસીબમાં જે હશે તે... ભગવાનની જેવી ઇરછા.
પણ, હું એ સંતાનને જન્મ આપીશ, મોટું કરીશ. આ હિંદુસ્તાનની માતાનો સ્વભાવ અને સંસ્કાર છે. આપણે ત્યાં એવી દલીલો થાય છે કે, દીકરી તો સાપનો ભારો, દીકરી તો પારકે ધેર જતી રહેવાની, દીકરો હોય તો સેવા કરે, દીકરાથી જ વંશવેલો ચાલે, આ બધી જ દલીલ સાવ પાયા વગરની છે, ઓ... વંશવેલો વધારનારાઓ એ પણ તમારું દિવાસ્વપ્ન બની રહેવાનું છે.

અરે... કન્યા જ નહીં હોય તો વંશવેલો કયાંથી વધવાનો છે? હું તમને એવાં અનેક ઘર બતાવું કે જયાં ચાર-ચાર દીકરાઓ હોય છતાં બાપ વૃદ્ધાશ્રમની અંદર વલખાં મારતો હોય છે. એવાં અનેક ઘર છે જયાં દીકરાને જન્મ આપનારી જનેતા પર દીકરાએ હાથ ઉપાડયો હોય. સામે પક્ષે, એવાં એક નહીં અનેક ઉદાહરણો છે કે જયાં ઘરમાં એકની એક દીકરીએ મા-બાપનાં સુખ ખાતર પોતાનાં બધાં સુખ-ચેન છોડયાં હોય. પોતાનું સર્વસ્વ મા-બાપની સેવામાં સમર્પિત કરી દીધું હોય. જોજનો દૂર રહેતી દીકરી મા-બાપની ચિંતામાં અડધી -અડધી થઇ જતી હોય.

સંવેદનાનું બીજું નામ જ દીકરી, તો પછી દીકરા-દીકરીના ભેદ શા માટે? સમાજ કે રાષ્ટ્રજીવનનું કોઇ પણ ક્ષેત્ર તમે જોઇ લો, બહેનો દરેક ક્ષેત્રમાં આગળ નીકળી રહી છે. દસમા-બારમા ધોરણની પરીક્ષાનાં પરિણામ જોઇ લો, દસમાંથી છ કરતાં વધારે દીકરીઓ અગ્ર હરોળમાં આવી છે, રમત-ગમતમાં જેટલા સુવર્ણચંદ્રક છોકરાઓ લાવ્યા છે એટલા જ સુવર્ણચંદ્રક દીકરીઓ લઇ આવી છે. જીવનના દરેક ક્ષેત્રમાં દીકરીઓ ભાગીદાર બની રહી છે. તો પછી દીકરીની ભ્રૂણહત્યા શા માટે? દીકરા-દીકરી વચ્ચે કોઇ ભેદ હોય, એ કોઇ સુસંસ્કત સમાજનું લક્ષણ નથી.

સમાજજીવન ઈશ્વરદત્ત વ્યવસ્થા છે, આ વ્યવસ્થાને જયારે પણ તોડીફોડી નાખવામાં આવે ત્યારે સમાજ એની જીવવાની બધી જ શકિત ગુમાવી દેતો હોય છે.અને તેથી,સ્ત્રી ભ્રૂણહત્યાની સામે લોકજાગૃતિ થવી જોઇએ, ભ્રૂણહત્યા સામે લોકાક્રોશ પ્રચંડ બનવો જોઇએ. માતા-બહેનોને એમનો અધિકાર મળે, એમને રક્ષણ મળે, વિકાસનો અવસર મળે, એમની શકિતઓ રાષ્ટ્રસેવામાં કામ આવે એવી મથામણ સાથે ‘બેટી બચાવો અભિયાન’ ઉપાડયું છે. સામાજિક સંગઠનોને પણ મારું આહ્વાન છે કે આ પવિત્ર કામમાં મદદ કરે. મીડિયા સ્ત્રી ભ્રૂણહત્યા સામે સમાજમાં એક રોષનું વાતાવરણ સર્જવામાં સહાયક બને.

મારી રાજકીય પક્ષોને વિનંતી છે કે, રાજકીય આટાપાટાથી દૂર રહી સમાજની ચિંતા અને સેવામાં ખભે ખભા મિલાવીને કામ કરીએ. સમાજમાંથી સ્ત્રી ભ્રૂણહત્યાના કલંકને મિટાવવા માતાઓની સક્રિય ભૂમિકા જ સૌથી ઉપકારક બની શકે છે. માતાઓને મારી એટલી જ વિનંતી કે, કોઇ માતા ભ્રૂણહત્યા માટે ઘરના લોકોને મંજૂરી આપે નહીં. ઘરમાં ગમે તેટલું દબાણ હોય, અત્યાચાર થાય, પણ એની સામે બાથ ભીડીને પણ દીકરીની રક્ષા કરજો. હું આપની સાથે છું, આ પાપ ધોવા માટે મારે આપની મદદ જોઇએ છે. ગર્ભમાં રહેલી દીકરીનો ચિત્કાર આપણે સાંભળીને આ અભિયાનમાં સહભાગી બનીએ.

દીકરી વિના પરિવાર અધૂરો છે, દીકરી વિના માતા-પિતાનું હૃદય સૂનું છે, દીકરી વિના માતૃત્વ -પિતત્વ પૂર્ણ નથી, બેટી એ પરિવારનું ગૌરવ હોવું જોઇએ, દીકરી તો ઘરનું ઘરેણું છે. ઊબડ-ખાબડ આ જિંદગીમાં, દીકરી ઝરણાની જેમ શાતા આપે છે. જિંદગીની વેરાન વન જેવી પળોમાં, દીકરી ફૂલદાની બની જિંદગી મહેકાવી આપે છે.

અરે, દીકરી જ તો છે જે તમને, તમારા નાનકડા ખાબોચિયા જેવા પરિવારમાંથી બહાર કાઢી સમાજના ઉબરે લાવી મૂકે છે. દીકરી એ તો તમારી જિંદગીનું કયારેય ન ઓસરે એવું સ્મિત છે. વેદનાથી ભરેલી જિંદગીમાં અટવાતા માનવીને, આશાની સરવાણી દીકરીમાં જ ડોકાય છે. દીકરો વર્તમાન હશે તો દીકરી આવતી કાલ છે, મા વગર સંસાર સૂનો છે, તો દીકરી વિના મા પણ અસંભવ જ છે.

બેટી બચાવો... બેટી વધાવો...

દરેક પરિવારની જવાબદારી છે, નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે, માનવતાની ઉત્તમ અભિવ્યકિત છે, વેદનાના ચિત્કાર સામે સંવેદનાની સોડમ છે. વર્તમાનના સુખની મૂર્ખતા નહીં, ઉજજવળ ભવિષ્યની બાંયધરી છે. પાપમુકત પરિવાર, ભાવયુકત સમાજ, સ્વસ્થ સંસારચક્ર, આ સઘળું દીકરી બચાવી, વધાવવાનું શ્રેય લઇએ.