Thursday, March 25, 2010

Collections of the past few months - reading material

મરાઠી પરંપરાનું નૂતન વર્ષ : ગુડી પડવો - સંતોષ માણકર

ભારતમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. અહીં હિન્દુ ધર્મના તહેવારોમાં પણ તમને વિશેષતા જોવા મળશે. ગુજરાતીઓ, બંગાળીઓ, પારસી, મહારાષ્ટ્રીયન વગેરે લોકો પોતાનું નવું વર્ષ અલગ-અલગ સમયે મનાવે છે અને આ દરેકના નવા વર્ષની ઉજવણી પાછળ એક કથા પણ પ્રચલિત હોય છે.

મરાઠી લોકોનું નવું વર્ષ હવે આવી રહ્યું છે જેને ‘ગુડી પડવો’ના નામે ઓળખવામાં આવે છે. તેમના સંવતને શાલિવાહન શક સંવત કહે છે. નવું વર્ષ ગમે ત્યારે ઉજવાય પરંતુ ઘરની સાફ-સફાઇ, સુશોભન, પૂજન અને મીઠાઇ તથા વાનગીઓની દરેકની અલગ-અલગ પરંપરા છે. ગુડી પડવા નિમિત્તે જાણીએ તેની પાછળની કથા અને તેની ઉજવણી વિશે.

ચેત્ર માસની સુદ એકમને મહારાષ્ટ્રમાં ગુડી પડવા કહે છે. વર્ષનાં સાડા ત્રણ મુહૂર્તોમાં ગુડી પડવાની ગણતરી થાય છે. શાલિવાહન શકનો પ્રારંભ આ દિવસથી થાય છે. શાલિવાહન નામના એક કુંભારના દીકરાએ માટીના સૈનિકોની સેના બનાવી અને તેના પર પાણી છાંટીને તેમને સજીવ કર્યા અને તેની મદદથી પ્રભાવી શત્રુઓને પરાસ્ત કર્યા. આ વિજયના પ્રતીકરૃપે શાલિવાહન શક સંવતનો પ્રારંભ થયો.

શાલિવાહને માટીની સેનામાં પ્રાણોનો સંચાર કર્યો. આ એક લાક્ષણિક કથન છે. તેના સમયમાં લોકો ચૈતન્યહીન, પૌરુષહીન અને પરાક્રમહીન બની ગયા હતા. આથી તેઓ શત્રુઓને જીતી શકે તેમ ન હતા. માટીનાં મડદાંઓને વિજયશ્રી કેવી રીતે પ્રાપ્ત થશે? પરંતુ શાલિવાહને તેવા લોકોમાં પણ ચૈતન્ય ભરી દીધું. માટીનાં પૂતળાંઓમાં, પથ્થરનાં પૂતળાંઓમાં પૌરુષ અને પરાક્રમનો સંચાર થયો અને શત્રુઓનો પરાજય થયો.

એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ બાલિના અત્યાચારમાંથી દક્ષિણની પ્રજાને મુક્ત કરાવી હતી. બાલિના ત્રાસમાંથી મુક્ત થયેલી પ્રજાએ ઘરે-ઘરે ઉત્સવની ઉજવણી કરી અને ઘરમાં ગુડિયો (ધ્વજાઓ) ફરકાવી. આજે પણ ઘરના આંગણામાં ગુડીને ઊભી રાખવાની પ્રથા મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. આથી આ દિવસને ‘ગુડી પડવો’નું નામ મળ્યું. ઘરના આંગણામાં જેઓ ગુડીને ઊભી રાખે છે. તે વિજયનો સંદેશો આપે છે. ઘરમાં બાલિનો (આસુરી સંપત્તિનો રામ એટલે કે દૈવી સંપત્તિએ) નાશ કર્યો. તેની તે સૂચક છે.

મહારાષ્ટ્ર અને માલાબારમાં આ ઉત્સવ ખાસ રીતે ઉજવવામાં આવે છે. ઘરના દેવગૃહમાં સંપૂર્ણ સાફ-સફાઇ કરવામાં આવે છે અને ઘરને સજાવવામાં આવે છે. સંવત્સર પ્રતિપદાના આ દિવસે વહેલી સવારે ઊઠીને પોતની આંખો ખોલીને ગૃહલક્ષ્મીની સાથે પ્રભુનાં દર્શન કરવામાં આવે છે. ઘરની મુખ્ય વ્યક્તિ સંપત્તિ અને ઐશ્વર્યથી સુશોભિત દેવની આરતી ઉતારે છે.

ગુડી પડવો એટલે વિજય પતાકા. ભોગ પર યોગનો વિજય, ભૈરવ પર વિભૂતિનો વિજય અને વિકાસ પર વિચારનો વિજય. મંગળતા અને પવિત્રતાને વાતાવરણમાં સતત પ્રસારિત કરનાર આ ગુડીને ફરકાવનારે આત્મનિરીક્ષણ કરીને એ જોવું જોઇએ કે મારું મન શાંત, સ્થિર અને સાત્ત્વિક બન્યું છે કે નહીં.

ગુડી પડવો એક સંદેશો પણ માનવસમાજને આપે છે કે સૂતેલા કાનોમાં સાંસ્કૃતિક ધ્વનિ ફૂંકવા તથા મૃત માનવના શરીરમાં જીવનનો સંચાર કરવા માટે આજે પણ શાલિવાહનની જરૃર છે. માનવ માત્રમાં ઇશ્વરે એ શક્તિઓનો સંચાર કર્યો છે. માત્ર તેને જાગૃત કરવાની જરૃર છે.
*****************************************************************************
વાનપ્રસ્થ : તનથી નહિ તો મનથી રહો વનમાં - સુધાંશુજી મહારાજ

વાનપ્રસ્થીઓના નિયમોનું સંયમતાથી પાલન કરીને ઘરને પણ આશ્રમ બનાવી શકાય છે. સંસારમાં રહીને પણ તેનો ત્યાગ કરી શકાય છે. એટલે કે સાધુતા કે વાનપ્રસ્થ ફક્ત શરીરને જંગલમાં રાખવાથી નથી આવતી પણ મનને પણ તેનો રંગ લગાડવો પડે છે.

વન વિવિક્ષુઃ પુત્રેષુ ભાર્યાં ન્યસ્વ સહૈવ વા

વન એવ વસેચ્છાન્તસ્તૃતીયં ભાગમાયુષુઃ

જો ગૃહસ્થ માનવી પોતાના વાનપ્રસ્થ આશ્રમમાં જવા ઈચ્છતો હોય તો તેણે પોતાની પત્નીને પુત્રોને સોંપીને કે પછી પત્ની પોતાની સાથે લઈ જઈને શાંત ચિત્તે પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ વનમાં જ પસાર કરવો જોઈએ.

શ્રીમદ્ ભાગવત કથાના અગિયારમા સ્કંધના અઢારમા અધ્યાયમાં મર્હિષ વેદવ્યાસે ઉપર પ્રમાણે વાનપ્રસ્થની જીવનશૈલીનું નિરૃપણ કર્યું છે. વેદમાં પણ ભગવાને એવો સંદેશ આપ્યો છે કે હે મનુષ્ય! જ્યારે તમે ભમરાઓનો અવાજ ન સંભળાય, આંખોને મચ્છર ન દેખાય, વાળ સફેદ થવા લાગે, શરીર પર કરચલીઓ પડવા લાગે એટલે કે વૃદ્ધત્વનાં લક્ષણો દેખાવાં લાગે અને સંતાનો પોતાની જવાબદારી સંભાળવા સક્ષમ બની જાય, તે પોતાના કર્તવ્યને સારી રીતે નિભાવતા થાય ત્યારે ઘર-ગૃહસ્થીનો મોહ ત્યજીને તપસ્યા, ભક્તિ, સંયમ અને ઈશ્વરનું ચિંતન કરવું.

મહાકવિ કાલિદાસે પણ તેમની કૃતિ ‘રઘુવંશ મહાકાવ્ય’માં વર્ણન કર્યું છે કે રઘુવંશીઓને અંત સમયે સ્વર્ગમાંથી વિમાન લેવા આવ્યું હતું. કારણ તેમણે યુવાનીમાં રાજસેવા અને વાનપ્રસ્થ અવસ્થામાં બધું જ ત્યાગીને તપસ્યા, સાધનામાં તલ્લીન બની ગયા હતા.

પહેલાંના સમયમાં માનવી પોતાની પાછલી ઉંમરમાં વનમાં જઈને રહેતો અને દરેક નિયમોનું પાલન પણ કરતો હતો. જંગલમાં રહીને કંદમૂળ, ફળ વગેરે ખાઈને તે ગુજરાન ચલાવતો. ગુફાઓમાં તે પરમેશ્વરની સાધનામાં લીન થઈ જતો. પણ તે સમયે પર્યાપ્ત માત્રામાં જંગલો હતા. જ્યારે આજે જંગલોની અછત છે અને ઉપરથી તેમાંથી કેટલાકમાં તો કંદમૂળ, ફળ વગેરેની સુવિધા પણ નથી. વળી પહેલાંના સમયના લોકોની જેવી સ્વસ્થતા પણ આજના લોકોમાં હોતી નથી. એટલે વાનપ્રસ્થના નિયમોનું કડકાઈથી પાલન કરીને રહેવું મુશ્કેલ છે.

વિકટ હોય એટલે સન્માર્ગે જવાનો રસ્તો છોડીને પાછા નથી વળવાનું. ફક્ત નાનકડી કેડી જ બદલવાની છે. આમ કરીને તમે આજના સમયમાં પણ ઋષિમુનિઓએ કહેલી રીતે વાનપ્રસ્થ વ્યતીત કરી શકો છો.

શરીર જંગલમાં હોય પરંતુ મન તો એ જ ભોગવિલાસ યાદ કરતું હોય કે ભોગવતું હોય તો તેનો કોઈ અર્થ સરતો નથી. ભલેને પછી તનથી આ દુનિયામાં, શહેરમાં, ગામમાં, ઘરમાં રહેતાં હોઈએ પરંતુ મનથી જંગલમાં રહેતા હોઈએ તેવા અલિપ્ત, નિર્લેપ રહીએ તો દુનિયાની વચ્ચે પણ પ્રભુભક્ત બની શકાય છે. જેમ કાદવ-કીચડની વચ્ચે રહેવાથી છતાં કમળ તે બધાથી દૂર હોય છે તેવી જ રીતે તમે પણ આ સંસારમાં રહેવા છતાં તેમનાથી ર્નિિલપ્ત બનો. ઈશ્વર, સંત, મહાત્મા, ગુરુની શરણમાં જાઓ. સત્સંગ કરો. તેમનોે સદુપદેશ સાંભળો અને તેની પર અમલ પણ કરો. મનમાં સાત્ત્વિકતા હશે તો તમારું ઘર હિમાલયનું તપસ્થળ બની જશે. મનમાં શાંતિ અને આનંદનો વાસ રહેશે. ઘરમાં રહીને તમારું મન ભટકી જાય છે તો કોઈ સારા ગુરુ કે સંતના આશ્રમમાં જઈને હરિભજન કરવા.

પત્ની કે પતિ, પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો-પૌત્રીઓ, ભાઈભાંડુઓ, મિત્રો, કુટુંબીઓ વગેરેની મોહમાયા ત્યજવા યોગ્ય છે. આ જ માયાની નગરીમાં ભૂલો પડીને માણસ દેખાડો, આડંબર, અહંકારની ભૂલ-ભૂલૈયામાં અટવાતો રહે છે. ખરેખર તો અંત સમયે હું શું હતો? તે યાદ રાખવાના બદલે હું શું છે અને મારે શું કરવાનું છે તે યાદ રાખવું જોઈએ. હું અહીં શું કામ આવ્યો છું? મારો ઉદ્દશ્ય શું છે? તેનાથી ભટકી તો ગયા નથી ને? એવા પ્રશ્નો પોતાની જાતને જ પૂછતાં રહેવું જોઈએ. વાનપ્રસ્થીએ તો ખાસ આ બધી વાતોને યાદ રાખવી જોઈએ.

ઈશ્વરનું સ્મરણ અને ચિંતન તમારા ઘરને પણ આશ્રમ બનાવી દેશે. દ્વંદ્વ, સુખ-દુઃખ, માન-અપમાન, હર્ષ-વિષાદ દરેક સ્થિતિમાં મધ્યમ ભાવ કેળવવો જોઈએ. અને ત્યારે જ ‘સબ તક હરિ ભજન’નો અર્થ ચરિતાર્થ થશે.

વાનપ્રસ્થીઓ માટે ચેતનાસૂત્ર

નિવૃત્તિ પછી પૈસા પાછળ ભાગવાનું બંધ કરીને દરેક વ્યક્તિએ ઈશ્વર ભજન, સત્સંગ, ધ્યાન વગેરે કરવું જોઈએ.

કોઈ સામાજિક સંસ્થા કે સેવાકાર્ય કરતી સંસ્થામાં જોડાઈને જરૃરિયાતમંદોની સેવા કરવી જોઈએ.

વૃદ્ધાવસ્થામાં પોતાની તંદુરસ્તી પ્રત્યે સાવધાન રહેવું. રોજે ઓછામાં ઓછી ૧૫ મિનિટ પ્રાણાયામ જરૃરથી કરવા જોઈએ.

જીવનભર ચિંતાઓ કરી લીધી તણાવનો પણ સામનો કર્યો. હવે આ બધાથી મુક્તિ મેળવો. ખોટી ચિંતાઓને દૂર હડસેલીને પ્રભુભક્તિમાં લાગી જાઓ.

ક્રોધનો ત્યાગ કરો. તે માનવની વિચારવાની શક્તિને નષ્ટ કરી દે છે. માનસિક શાંતિ જાળવી રાખવી.

બાળકોને પ્રેમ કરો. તેમની સાથે આનંદપૂર્વક થોડો સમય વ્યતીત કરવો.

તમારે જેટલું કમાવાનું હતું તેટલું કમાઈ લીધું. હવે થોડું ઉપર લઈ જવાય તેવું ભાથું પણ કમાઈ લેવાનો સમય પાકી ગયો છે. ઘરમાં દખલ ઓછી કરીને મન ભગવાનમાં પરોવવું જોઈએ.

ઘરમાં થતા નાના-મોટા ઝઘડાઓથી મન ખાટું ન કરવું. તમારી સેવા કરવાવાળું કોઈ નથી તો તેના વિશે વિચાર કરી-કરીને દુઃખી ન થાઓ.

જીવનમાં જેટલું પણ મળ્યું છે તે ઈશ્વરના આશીર્વાદ છે. જીવનના છેલ્લા તબક્કામાં આ માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. કોઈ ધાર્મિક સંસ્થા કે સમિતિ સાથે પણ જોડાયેલા રહીને ભજન કરવા જોઈએ.

ઘર, પૈસા, સંતાન વગેરેનો મોહ ત્યાગતા જાઓ. સંપત્તિનું સંચાલન કરવું પડે તેમ હોય તો કરો અને સંતાનોને પ્રેમ પણ કરો. પણ નિર્લેપ રહીને. તેમની સાથે પડેલી મનની ગાંઠને ઢીલી કરી દો.

તમારાં બાળકો અને પૌત્રો ઈશ્વરની દેન છે. તે તમારા જીવનને ખુશીઓથી ભરી દે છે. તમે જયારે પણ ઘરમાં હોવ ત્યારે તેમની સાથે જીવનનાં સુખમય સંસ્મરણો સંભળાવો. તેમની સાથે રમો અને તેમના કામમાં મદદ કરો અને તેમને બહાર ફરવા લઈ જાવ. તેમને સાચા ખોટાનું જ્ઞાન પ્રેમપૂર્વક કરાવો.
**********************************************************************************
કર્મનો રસ્તો - રાજેન્દ્ર રાવલ

સંત રવિદાસ જૂતાં બનાવવાનો ધંધો કરતા હતા. તેઓ સંન્યાસીઓ અને સંત-મહાત્માઓને ખૂબ જ સ્નેહથી મળતા હતા અને તેમની સેવા પણ કરતા હતા. આમ કરવામાં તેમને સુખદ અનુભૂતિ થતી હતી.

એક વાર એક સંત તેમને ત્યાં આવીને રોકાયા. તેઓ જેટલો સમય ત્યાં રોકાયા ત્યાં સુધી તેમણે સંતની ખૂબ સેવા કરી. આ સંત તેમની સેવાથી ખૂબ જ ખુશ થયા. જ્યારે તેઓ ત્યાંથી જઇ રહ્યા હતા ત્યારે તેમણે રવિદાસને કહ્યું ‘હું તમને એક પારસ પથ્થર આપવા માગું છું. જો કોઇ લોખંડની વસ્તુને તમે અડાડશો તો તે સોનાની બની જશે.’ આટલું કહીને તેમણે તે પારસ પથ્થરનો સ્પર્શ સોયને કર્યો જેનાથી રવિદાસ જૂતાં સીવતાં હતા. રવિદાસે સોય સોનાની બનેલી જોઇને થયું હવે હું જૂતાં શેનાથી સીવીશ. સંતે રવિદાસને કહ્યું ‘હવે તમારે જૂતાં બનાવવાની શી જરૃર છે? તમને જ્યારે પણ પૈસાની જરૃર પડે ત્યારે લોખંડની કોઇ વસ્તુને અડાડી દેજો. તે સોનું બની જશે અને તેને વેચીને તમારા પૈસાની જરૃરિયાત પૂરી કરી લેજો.’ રવિદાસે સંતની વાત સાંભળીને આ પારસ પથ્થર લેવાની ના પાડી. જોકે સંત માન્યા નહીં. તેમણે ખૂબ જ દબાણ કર્યું અને તમારે પારસ પથ્થરનું જે કરવું હોય તે કરજો તેમ કહીને પથ્થર રવિદાસના આસન પાસે મૂકીને તેઓ ચાલ્યા ગયા.

થોડાં વર્ષો પછી તે સંત ફરી તે માર્ગેથી પસાર થયા અને રવિદાસની કુટિરે પહોંચ્યા. રવિદાસે ખૂબ જ આદરભાવથી તેમને આવકાર્યા અને સેવા કરી. સંતે કહ્યું ‘તમે હજુ પણ આ કુટિરમાં રહો છો. મને તો એમ હતું કે પારસ પથ્થરની મદદથી તમે ઘન એકઠું કરીને તેની મદદથી કોઇ મોટું મંદિર બનાવ્યું હશે. જ્યાં ઘણાં માણસો દર્શન માટે આવતા હશે. પરંતુ તમે તો હજુ પણ જૂતાં જ બનાવી રહ્યાં છો.’

આ સાંભળી રવિદાસે ઉત્તર આપ્યો ‘જો હું તે પથ્થરનો ઉપયોગ કરવામાં લાગી ગયો હોત તો હું મારા કર્મથી વિમુખ થઇ જાત. જ્યારે સંસારમાં કર્મ દરેક પ્રાણી માટે અનિવાર્ય છે. કર્મ વગર કોઇ પણ પ્રાણી જીવનયાત્રા ના કરી શકે. નવરા બેસીને સુખ ભોગવવાથી શરીર તો અસ્વસ્થ થાય છે સાથે ઇશ્વરની નજરોમાંથી પણ ઊતરી જવાય છે. કર્મ દ્વારા જ વ્યક્તિ પોતાના ચરમ લક્ષ્ય સુધી પહોંચી શકે છે અને મારે કોઇ પણ સંજોગોમાં મારા લક્ષ્ય સુધી પહોંચવું છે.’ આ વાત સાંભળીને સંત રવિદાસ પર ખૂબ જ ખુશ થયા અને તેમને પોતાના કર્મ પર અડગ રહેવા ભારપૂર્વક જણાવીને ત્યાંથી ચાલતા થયા.
*************************************************************************
પ્રભુની પ્રતિક્ષા - ડો. અશોક નારાયણ

છેવટે મારી પ્રતિક્ષાનો સમય પૂરો થયો. રામકથા આગળ વધી મર્હિષ વિશ્વામિત્રની સાથે જઈ ભગવાન રામે તાડકાનો વધ કર્યો. સુબાહુનો વધ કર્યો. મારીચને એક જ બાણ મારી માઈલો દૂર સમુદ્રમાં ફેંકી દીધો. મર્હિષ વિશ્વામિત્રનો યજ્ઞા વિધિપૂર્વક પતાવીને એમની આજ્ઞાાથી જનકપુરીમાં ગયા, અને ત્યાં શિવધનુષ તોડીને ભગવતી સીતા માતા સાથે વિવાહ કર્યા. પછી માતા કૈકેયીની ઈચ્છા પ્રમાણે પિતા દશરથની આજ્ઞાાથી સીતા માતા તથા ભાઈ લક્ષ્મણને લઈને ચૌદ વર્ષ વનમાં ગયા. તેર વર્ષ વિતાવી પંચવટીમાં રહેતાં હતાં ત્યારે કંઈક એવું બન્યું કે દુષ્ટ રાવણે મોકલેલો મારીચ સ્વર્ણમૃગનું રૃપ ધારણ કરી પંચવટીમાં આવ્યો. દૈવયોગે સીતા માતાએ મૃગથી આર્કિષત થયાં અને એમણે મારા પ્રભુને એની છાલ લાવવા કહ્યું. ભગવાન રામે સીતા માતાના રક્ષણ માટે લક્ષ્મણને નિયુક્ત કરીને તેઓ તે મૃગની પાછળ ભાગ્યા. મારીચ તો મરવાનો જ હતો. મરતાં મરતાં એણે ભગવાન રામના સ્વરમાં લક્ષ્મણને બૂમ મારી. સીતા માતા બૂમ સાંભળીને ચિંતામાં પડી ગયાં અને લક્ષ્મણને તરત રામની મદદ માટે જવા કહ્યું. લક્ષ્મણના સમજાવવા છતાં સીતા માતાની ચિંતા દૂર ન થઈ ત્યારે વિધિના વિધાન પ્રમાણે લક્ષ્મણ ભગવાનની પાછળ ગયા અને એ જ થયું જે થવાનું હતું. મોકો મળતા દુષ્ટ રાવણ આવ્યો અને સીતા માતાને એકલાં જોઈ છળથી તેમનું હરણ કરી પુષ્પક વિમાનમાં આકાશમાર્ગે લઈ ગયો. રસ્તામાં જટાયુએ રાવણ સાથે લડી સીતા માતાને છોડાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ રાવણ અત્યંત શક્તિશાળી હતો. તેણે જટાયુને મારી નાખ્યો અને સીતા માતાને લંકામાં લઈ ગયો.

રસ્તામાં સીતા માતાએ રડતાં રડતાં પોતાનાં આભૂષણો જાણી જોઈને નીચે ફેંકવાં માંડયાં જે જોઈને ભગવાનને તેમની ભાળ મળે. સંજોગવશાત્ એ આભૂષણો ઋષ્યમૂક પર્વત પર જ પડયાં હતાં અને મેં તે સાચવીને મૂકી દીધાં. હું તો મનમાં ને મનમાં રાજી થતો હતો. કેમ કે પ્રભુના મિલનને હવે ઝાઝો વખત ન હતો. મને ખબર હતી કે સીતા માતાની શોધ કરતાં મારા સ્વામી ઋષ્યમૂક પર્વત પર આવશે.

અહીં મારા પ્રભુ મનુષ્ય લીલા કરતાં સીતા માતાની શોધમાં ભાઈ લક્ષ્મણ સાથે વને વને ભટકી રહ્યા હતા. અને દેવતાઓનું કામ પણ કરતાં હતા. એમણે જટાયુ પર કૃપા કરી, કબંધનો ઉદ્ધાર કર્યો. શબરીને કૃતાર્થ કરી અને અંતમાં કબંધના કહેવાથી સુગ્રીવની સાથે મિત્રતા કરવા ઋષ્યમૂક પર્વત ઉપર આવ્યા.

સુગ્રીવે જ્યારે ખૂબ જ તેજસ્વી રામ-લક્ષ્મણને જોયા તો એને લાગ્યું કે વાલિના મોકલેલા કપટી રાક્ષસો છે. સુગ્રીવ ગભરાઈ ગયો અને આમ તેમ ફરવા લાગ્યો. એમને જોઈને તેના મિત્ર એવા કપિઓ ગભરાઈને એક પહાડ પરથી બીજા પહાડ પર છલાંગ લગાવવા લાગ્યા. આ જોઈને મેં સુગ્રીવને સમજાવ્યા કે મહારાજ આપ આટલા સમર્થ અને બુદ્ધિશાળી થઈને વાનર જેવી ચપળતા કરવા લાગ્યા? અહીં વાલિ કેવી રીતે આવે? માતંગ ઋષિનો શાપ તે શું ભૂલી જાય? એમણે મોકલેલા રાક્ષસોનો ભય તમને કેમ લાગે છે? શું તમે એટલા નિર્બળ છો કે ગમે તે તમને મારી જાય? તો પછી અમે શા માટે છીએ? અમે છીએ પછી તમે શા માટે ચિંતા કરો છો?

સુગ્રીવને થોડી સાંત્વના મળી અને એમણે કહ્યું, હનુમાન દુશ્મનનો ક્યારેય ભરોસો ન કરવો. તમે વેશ બદલીને એમની પાસે જાવ અને ખબર મેળવો કે તેઓ કોણ છે અને અહીં કયા હેતુસર આવ્યા છે. એમની સાથે વાતચીત કરતી વખતે તમે મોં મારા તરફ રાખજો. જો તે વાલિના દૂત હોય તો મને ઈશારો કરજો હું તરત ત્યાંથી ભાગી જઈશ.

હું ભિક્ષુકનું રૃપ ધારણ કરીને રામ-લક્ષ્મણ પાસે ગયો. મારું હૃદય તો જોરજોરથી ધબકતું હતું. કેટલા દિવસો પછી મને મારા પ્રભુનાં દર્શન અને સાંનિધ્ય પ્રાપ્ત થવાનું હતું. પ્રભુએ મને ખૂબ તડપાવ્યો, મારી આંખમાં આંસુ આવી ગયાં. મને હજી પણ વિશ્વાસ નહોતો પડતો કે શું હું એટલો ભાગ્યશાળી છું કે મારા પ્રભુજીના સાક્ષાત દર્શન થાય. સુગ્રીવની પણ મારા ઉપર કેટલી કૃપા છે! એમની કૃપા વિના મને મારા પ્રભુનાં દર્શન ક્યાંથી થાત? - અનુ. પ્રતિભા રાવલ
******************************************************************************
ગણેશપૂજનમાં તુલસીનો નિષેધ શા માટે? - - પ્રાંજલ ચોકસી

તુલસીને સમસ્ત છોડ અને વનસ્પતિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને પૂજનમાં પણ પ્રમુખતા આપવામાં આવે છે. મંદિરોમાં પણ ચરણામૃત બનાવવામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસી વિશે એવું માનવામાં આવે છે કે તે અકાલ મૃત્યુને હરનારી તથા સમસ્ત વ્યાધિઓનો નાશ કરનારી છે. પરંતુ આ જ પૂજ્ય તુલસી ગણેશજીની પૂજામાં નિષેધ માનવામાં આવે છે. આ નિષેધ પાછળનું કારણ નીચે આપેલ કથામાંથી જાણવા મળશે.

એક વાર એક નવયૌવના, સંપન્ના તુલસી દેવી નારાયણ પરાયણ થઇને તીર્થોનું ભ્રમણ કરતી કરતી ગંગા તટે પહોંચી. ત્યાં તેમણે ભગવાન ગણેશજીને જોયા. જે તરુણ લાગતા હતા. તેમણે અત્યંત સુંદર અને શુદ્ધ પિતાબંર ધારણ કર્યું હતું. તેઓ આભૂષણોથી વિભૂષિત હતા. સુંદરતા જેમના મનનું અપહરણ નથી કરી શકતી. તેઓ કામનારહિત, જિતેન્દ્રિયોમાં સર્વશ્રેષ્ઠ, યોગીઓેના યોગી તથા શ્રીકૃષ્ણની આરાધનામાં ધ્યાનરત હતા. તેમને જોતાં જ તુલસીનું મન તેમની તરફ આકર્ષાયું અને તુલસી તેમનો ઉપહાસ કરવા લાગી. ધ્યાનભંગ થતા ગણેશજીએ તેમને તેમનો પરિચય આપવા જણાવ્યું અને આગમનનું કારણ પૂછયું. ગણેશજીએ કહ્યું ‘માતા! તપસ્વીઓનું ધ્યાન ભંગ કરવું હંમેશાં પાપકારક અને અમંગળકારી હોય છે.’

તુલસીએ કહ્યું: પ્રભુ! હું ધર્માત્મજની કન્યા છું અને તપસ્યામાં સંલગ્ન છું. મારી આ તપસ્યા પતિ પ્રાપ્તિ માટે છે. આથી તમે મારી સાથે વિવાહ કરી લો. તુલસીની આ વાત સાંભળીને બુદ્ધિશ્રેષ્ઠ ગણેશજીએ ઉત્તર આપ્યોઃ ‘હે માતા! વિવાહ કરવા ખૂબ જ ભયંકર હોય છે. હું બ્રહ્મચારી છું. વિવાહ તપસ્યા માટે નાશક, મોક્ષદ્વારના રસ્તા બંધ કરનાર, ભવ બંધનની દોરી છે. આથી તમે મારી તરફથી તમારું ધ્યાન હટાવો અને અન્ય કોઇની પતિના રૃપમાં શોધ કરો.’

આ સાંભળી તુલસીએ ક્રોધિત થઇને ભગવાન ગણેશજીને શાપ આપતા કહ્યું: ‘તમારા વિવાહ અવશ્ય થશે’. આ સાંભળી શિવપુત્ર ગણેશજીએ તેમને શાપ આપતા કહ્યું: ‘દેવી, તમે પણ નિશ્ચિતરૃપે અસુરો દ્વારા ગ્રસ્ત થઇને વૃક્ષ બની જશો.’

આ શાપ સાંભળીને તુલસીએ વ્યથિત થઇને ભગવાન શ્રીગણેશજીની વંદના કરી. ત્યારે ગણેશજીએ પ્રસન્ન થઇને તુલસીને કહ્યું, ‘હે મનોરમા! તમે છોડમાં સૌથી શ્રેષ્ઠ અને શ્રીકૃષ્ણની વિશેષ પ્રિય બનશો. બધા જ દેવતાઓ તમારી સાથે સ્નેહ રાખશે. તમારી પૂજા મનુષ્યો માટે મુક્તિદાયક રહેશે તથા મારા પૂજનમાં તમે હંમેશાં ત્યાજ્ય રહેશો.’
આવું કહીને ગણેશજી ફરીથી તપ કરવા માટે ચાલ્યા ગયા.

આ તરફ તુલસી દેવી દુખી હૃદયે પુષ્કર પહોંચ્યા અને નિરાહાર રહીને તપસ્યામાં લીન થઇ ગયાં. ત્યારબાદ ગણેશજીના શાપથી તેઓ ચિરકાળ સુધી શંખચૂડના પ્રિય પત્ની બનીને રહ્યાં. જ્યારે શંખચૂડ શંકર ભગવાનના ત્રિશૂળથી મૃત્યુને શરણે થયો ત્યારે નારાયણ પ્રિયા તુલસીનો વૃક્ષના રૃપમાં પ્રાદુર્ભાવ થયો.
*****************************************************************************
શક્તિપીઠની ઉત્પત્તિની કથા - - દુર્ગેશ ઉપાધ્યાય

પુરાણકથા અનુસાર પ્રજાપતિ દક્ષ રાજાએ એક મહાયજ્ઞા કર્યો. આ યજ્ઞામાં તેમણે સમગ્ર દેવી-દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ અને રાજાઓને નિમંત્ર્યા હતાં. પરંતુ આ યજ્ઞામાં તેમણે તેમની પુત્રી સતી અને જમાઇ શિવજીને જાણી જોઇને નિમંત્રણ ના આપ્યું. કારણ કે દક્ષ રાજાને લાગ્યું કે ચૌદ બ્રહ્માંડના દેવતાઓ આવશે ને મારા જમાઇ શિવજીનું ભયંકર સ્વરૃપ, ગળે વીંટાળેલો સાપ, આખા શરીરે ચોળેલી ભસ્મ, વાઘાંબર અને ખુલ્લી જટા સાથે આવેલા જોશે તો તેમની હાંસી ઉડાવશે અને તેમની આબરૃને પણ હાનિ પહોંચશે. આમંત્રણ વગર યજ્ઞામાં ના જવાય. આથી શિવજી તો ના ગયા. પરંતુ સતી દક્ષની પુત્રી હોવાને કારણે વગર આમંત્રણે પિતાના ઘરે મળવા જવા માટે તૈયાર થયાં. દેવી સતીને પિતાના ઘરે કોઇ આદર સત્કાર ના મળતા તેમજ પોતાના પતિને આમંત્રણ ના મળતા ખૂબ જ ક્રોધિત થયાં અને આ સતીએ બ્રહ્મા, વિષ્ણુ અને સમગ્ર દેવી-દેવતાઓની હાજરીમાં યજ્ઞાની વેદીમાં પોતાનો દેહ હોમી દીધો. તેને કારણે સમગ્ર હાહાકાર મચી ગયો.

પોતાની પત્નીએ યજ્ઞામાં દેહ હોમી દીધાની જાણ થતાં જ શિવજી યજ્ઞા મંડપમાં આવી પહોંચ્યા અને દેવી સતીના નશ્વર દેહને લઇને અતિક્રોધ સાથે તાંડવ નૃત્ય કરવા લાગ્યા. શિવજીના આ તાંડવને કારણે બ્રહ્માંડનો વિનાશ નક્કી હતો. સમગ્ર બ્રહ્માંડ ધ્રૂજવા લાગ્યું. આ જોઇને બધા જ દેવો ગભરાઇ ગયા. તેમને લાગ્યું કે દેવાધિદેવ શિવજી જો ક્રોધિત થઇને પોતાનું ત્રીજું નેત્ર ખોલશે તો ત્રણે લોકનો નાશ થશે. આથી દેવતાઓ શિવજી તાંડવ રોકે અને શાંત થાય તે માટેના ઉપાયો વિચારવા લાગ્યા. અંતે બધાએ ભગવાન વિષ્ણુ પાસે જઇને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ફરતું મૂક્યું. આ ચક્ર સતી માતાના નશ્વર દેહના ટુકડા કરવા લાગ્યું, પરંતુ તેમ છતાં શિવજીએ તાંડવ ચાલુ રાખ્યું. તે દરમિયાન માતાજીના દેહના ટુકડા પૃથ્વી પર જ્યાં જ્યાં પડયા અને તે બધી જ જગ્યાઓ શક્તિપીઠ બની. સતીનો દેહ અનેક ટુકડાઓમાં વિભાજિત થઇ જતાં શિવજીનો સતી પ્રત્યેનો મોહ અને ક્રોધ ઓછો થયો. શિવજી અંતે શાંત થયા. માતા સતીના દેહના ટુકડા જ્યાં પડયા ત્યાં ઊર્જા શક્તિ સ્થાપિત થઇ. બાવન ટુકડા પડયા જેનાથી બાવન શક્તિપીઠની રચના થઇ. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને બહુચરાજીમાં શક્તિપીઠ આવેલી છે.
***********************************************************************************
ઉપવાસનું માનવજીવનમાં મહત્ત્વ - શશીકાંત દવે

ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું એવો સામાન્ય અર્થ લોકો કરે છે, પરંતુ તેમ માનવું ભૂલ ભરેલું છે. કોઇ દેવતાના નામે ખાસ વાર કે તિથિએ વ્રતસ્થ રહીને લોકો ઉપવાસ કરે છે. ઉપવાસનો હેતુ નિરાહાર રહેવું કે અલ્પાહાર રહેવું તેવો નથી. વાસ્તવમાં ઉપવાસ એટલે પાસે એટલે કે સાંનિધ્યમાં બેસવું. પોતાના ઇષ્ટદેવતાના સાંનિધ્યમાં બેસીને તેમનું ધ્યાન, નામસ્મરણ, પૂજન કરવું, ભજન-કીર્તન કરવો એ જ ખરો ઉપવાસ છે. આવું કરતી વખતે જળ-અન્નનું ગ્રહણ કરવાથી આળસ તથા ઊંઘ આવવા લાગે છે તથા પોતાના પ્રિય દેવતાની ભક્તિમાં બાધા ઉત્પન્ન થાય છે. આથી ઉપવાસ સમાપ્ત થાય ત્યાં સુધી નકોરડા ઉપવાસ કરવા શક્ય ના હોય તો અલ્પાહારી (સાત્ત્વિક તથા સહજતાથી પચવાવાળું ભોજન) રહેવાની પ્રથા પડી છે. એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ઉપવાસ એ નિમિત્ત છે કારણ નથી. શાસ્ત્રજ્ઞાોએ અથવા જ્ઞાાની ઋષિઓએ સામાજિક સ્વાસ્થ્યનો વિસ્તૃત અભ્યાસ કરીને ઉપવાસને વ્રતાચરણનું અવિભાજ્ય અંગ બનાવ્યું છે જે વાત ર્નિિવવાદ છે. મનુષ્યના શરીરના અનેક અવયવો એવા હોય છે જેની હલચલ અનૈચ્છિક હોય છે. જેમ કે હૃદયનું ધબકવું, આંતરડાની હલચલ તથા વિચારવા માટે પણ ઊર્જાની આવશ્યકતા હોય છે અને આ આવશ્યક ઊર્જા મનુષ્યને ખાદ્યાન્નમાંથી મળે છે. વિવિધ પ્રકારના કાર્ય કરવા માટે ઊર્જાની જરૃર હોય છે અને તે માટે યોગ્ય માત્રામાં ભોજન ગ્રહણ કરવું જરૃરી હોય છે. ભોજન ગ્રહણ કર્યા પછી તેના પાચનની ક્રિયા પાચનતંત્ર દ્વારા થાય છે.

અનિયમિત ભોજન કરવાથી પેટ સંબંધી સમસ્યાઓ પેદા થાય છે. છાતીમાં દુખવું, આમ્લપિત્ત, અપચો જેવા વિકાર પણ પેદા થાય છે. મોટાં મોટાં મશીનો પણ નિરંતર કાર્ય કરવાથી અથવા અન્ય કારણોસર ખરાબ થઇ જતાં હોય છે. આથી આ મશીનોને વચ્ચે વચ્ચે આરામ આપીને ર્સિવસ પણ કરવી પડે છે. તે જ પ્રમાણે પાચનતંત્ર નામના મશીનને આરામ આપવા માટે ઉપવાસ સૌથી વધારે અસરકારક છે. વધારે પડતું ભોજન શરીરમાં જમા થઇને સ્થૂળતા ન આવે તે માટે પણ ઉપવાસ કરવો જોઇએ. ઉપવાસથી પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. પરિણામ સ્વરૃપ સ્વાસ્થ્યને લાભ થાય છે અને તેને કારણે મનુષ્ય પ્રસન્ન થઇ જાય છે. આપણા જ્ઞાાની ઋષિ-મુનિઓએ આ વાત એ કાળમાં પણ જાણી લીધી હતી કે મનુષ્ય પ્રસન્નચિત્ત હોય ત્યારે જ તેના દ્વારા ઇશ્વરનું પૂજન અને ભક્તિ થઇ શકે છે. તેમણે ઉપવાસનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ સમજીને તેને દેવી-દેવતાઓના વ્રત સાથે તેને જોડી દીધું.
****************************************************************************
પ્રભુભક્તિ અને ભગવાન -
ભક્તિને કારણે ભક્તોનો મહિમા અપાર છે, અસીમ છે અને અનંત છે. જેમ એક મા પોતાના બાળકના બધાં કાર્યો કરે છે, તેની સુખ-સુવિધાઓનું પૂરું ધ્યાન રાખે છે. તેનાથી કરોડ ગણું ધ્યાન ભગવાન તેના ભક્તોનું રાખે છે. તેના સમસ્ત સાંસારિક કાર્ય સમ્યક રીતે સંપન્ન કરી આપે છે.

શ્રીરામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છે કે- કરઉ સદા તિન્હ કે રખવારી, જિમિ બાલક રાખઈ મહતારી. અર્થાત્ હું તેમની એવી રીતે જ સારસંભાળ લઉં છું જેમ એક માતા તેના બાળકની લે છે. ભક્તિનો મહિમા એટલો બધો છે કે ભક્તની પૂજા, વંદના, અર્ચના, સ્તુતિ અને આરતી કરે છે. રામાયણનો હૃદયસ્પર્શી પ્રસંગ છેઃ શ્રીરામના વનવાસ દરમિયાન લક્ષ્મણજી એકવાર કંદમૂળ તેમજ ફળો લઈને આશ્રમમાં પાછા ફરીને જુએ છે કે ભગવાન રામ ધ્યાનમાં લીન છે. થોડીવાર પછી લક્ષ્મણજી શ્રીરામને પૂછે છે કે ભૈયા! આખું જગત તમારી ભક્તિ કરે છે અને તમે કોની ભક્તિ કરો છો? શ્રીરામ તરત જ તેનો સહજતાથી ઉત્તર આપતાં કહે છે- હે અનુજ, જે રીતે ભાઈ ભરત મારું ધ્યાન કરે છે તે રીતે હું તેનું ધ્યાન કરું છું. આ તો ક્રિયાની સ્વાભાવિક પ્રતિક્રિયા છે.

તુલસીદાસ કહે છે- ભરત સરિસ કો રામ સ્નેહી, જગ જપ રામ રામ જપ જેહી. અર્થાત્ સમગ્ર જગત જેમ શ્રીરામને ભજે છે તે રીતે તે પણ જગતને ભજે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ શ્રીરામની વાતને દોહરાવતા અર્જુનને કહે છે- ભક્તો મને જે પ્રકારે ભજે છે તે રીતે હું તેમને ભજું છું. કારણ કે બધા જ મનુષ્યો તમામ રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. તત્ત્વદર્શી સંત મનીષીઓના કહેવા અનુસાર ભક્તિનું ફળ છે ભગવદ્ દર્શન. ભગવદ્ દર્શન અને ભગવાનનાં દર્શનનું ફળ હોય છે ભક્તનાં દર્શન. જ્યારે જીવ પર ઈશ્વર કૃપા કરે છે ત્યારે તેને મહાપુરુષનું દર્શન અને સાંનિધ્ય પ્રાપ્ત થાય છે, સંતોનો સંગ પ્રાપ્ત થાય છે. જેનાથી તેના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે.

પ્રભુ રામના પરમ ભક્ત હનુમાનજી જ્યારે લંકામાં ગયા હતા ત્યારે તેમણે જોયું કે રાવણના ભાઈ વિભીષણને રામનું સ્મરણ કરતાં જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે હનુમાનજીએ પોતાનો પરિચય રામના સેવક તરીકે આપ્યો તો તેમણે કહ્યું કે આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે પ્રભુની કૃપા વગર સંતો સાથે મિલાપ થતો નથી. તેઓએ વિશ્વાસ કરાવ્યો કે હનુમાનજીનું આગમન એ વાતનું પ્રમાણ છે કે પ્રભુનું દર્શન સન્નિકટ છે. પ્રભુની કૃપાના પ્રસાદથી આહ્લાદિત થઈ વિભીષણ કહે છે -

અબ મોહિ મા ભરોસ હનુમંતા, બિનુ હરિકૃપા મિલહી નહીં સંતા

શ્રીમદ ભાગવત્માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું મારા ભક્તોની આગળ પાછળ એટલા માટે ભ્રમણ કર્યા કરું છું જેથી તેમની ચરણરજ મારા શરીર પર પડે અને હું પવિત્ર બની જાઉં. અહીં ભગવાન તો પવિત્રતમ જ છે. આ તો ભગવાનનો પ્રિય ભક્તો પ્રત્યે પરમ અનુરાગ અને સ્નેહ અભિવ્યક્ત થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો ભગવાનની સ્મૃતિ, પ્રિયતા, પ્રસન્નતા અને કામનારહિત અભિવ્યક્તિ જ ભગવાનની ભક્તિ જ છે. ભક્ત પ્રભુની પ્રસન્નતા માટે જ કાર્ય કરે છે. તે માને છે કે શરીર, ઘર, પરિવાર, નોકરી, વ્યાપાર, સમાજ, રાષ્ટ્રસંબંધી કાર્યો ભગવાનનાં જ છે. તે ભગવાન દ્વારા આપવામાં આવેલી શક્તિ અને સામર્થ્ય અનુસાર તેની જવાબદારી વહન કરે છે. તે શરીરને પણ ભગવાનના મહેમાન સમજીને તેની સેવા કરે છે. પરિવારજનોને પ્રભુનું સ્વરૃપ માની ભરપૂર પ્રેમ આપે છે અને પાલનપોષણ કરે છે. આ બધાં કાર્યોની પાછળ તેનો એક જ ભાવ હોય છે કે ભગવાનને કઈ રીતે પ્રસન્ન રાખવા.

ભક્તના મનમાં ભક્તિ એટલી પ્રબળ અને જીવંત છે કે તેના કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે જલદીથી દૂર થતા જાય છે. આ રીતે મન પૂર્ણતઃ નિર્મળ અને પવિત્ર બની જાય છે. પ્રાણીમાત્ર પ્રત્યેનો પ્રેમ આલોકિત થઈ ઊઠતો હોય છે અને સ્વભાવમાં સરળતા આવી જતી હોય છે.

જીવનમાં પરમ સંતોષ રહે છે. ભક્તિનો પ્રભાવ એવો છે કે જેના કારણે ભગવાન ભક્તોના સખા બની જતા હોય છે. ભક્તિના કારણે જ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બન્યા, તેમના વિરાટ સ્વરૃપનાં દર્શન કરાવ્યાં અને મહાભારતના યુદ્ધમાં વિજય પણ અપાવ્યો. આ જ રીતે શ્રીકૃષ્ણે તેમના બાળપણના સખા સુદામાને સન્માન આપ્યું, તો સાથે યશ, વૈભવ અને ર્કીિત પણ અપાવી હતી. ગોપીઓના પ્રેમને વશ થઈને તેઓ સામાન્ય ગોવાળિયા બનીને મન મૂકીને નાચ્યા હતા. જ્યાં સાચી ભક્તિ છે ત્યાં ભગવાન હાજર જ હોય છે. તેનો અનુભવ સૌ ભક્તોને મળતો જ રહે છે. - ભક્તિભાઈ પટેલ
*********************************************************************
નર-નારી અને નારાયણ

આપણો દેશ પુરુષપ્રધાન દેશ રહ્યો છે. આજે પણ તે પુણ્યપ્રધાન જ કહેવાય છે. આ પુણ્યભૂમિ પર ઋષિ-મર્હિષઓ અને પુણ્યઆત્માઓ અવતર્યા. ભારતની વાત્સલ્ય ધરા પર પરમાત્માએ પણ અવતાર રૃપમાં જન્મ લઈને માતા અને માતૃભૂમિની ગોદમાં ઉછર્યા. ઈશ્વરને પણ પોતાના પરમધામ કરતાં પણ વધુ માનો ખોળો વધુ ગમી ગયો. દેશ પહેલાં અને આજે પુરુષપ્રધાન રહ્યો છે તેનું કારણ ભારતીય નારીમાં સમર્પણશક્તિ ગજબની છે. તેણે પોતાનું અસ્તિત્વ પુરુષ માટે સર્મિપત કરી દીધું છે. આ રીતે તે એક સિદ્ધસાધિકા છે.

નારીએ ક્યારેય પોતાનું અલગ અસ્તિત્વ છે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો નથી. તેણે પતિ અને પુત્રની ભલાઈ માટે જ કાર્ય કર્યું છે અને તેમાં જ તેની ઉન્નતિ માની છે. નારીએ હંમેશાં નરમાં નારાયણને જોયા અને તેના કારણે જ તે પતિને પરમેશ્વર માનતી રહી. તે પરિવારના પાલનને પોતાનું પરમ સૌભાગ્ય માને છે. વાસ્તવિક રીતે જોઈએ તો ભારતીય પરિવાર ભાવનામાં સ્ત્રીનું યોગદાન બહુ મોટું છે અને તેના કારણે જ આપણી સુંદર સમાજવ્યવસ્થા જળવાઈ રહી છે. જ્યાં સુધી પુરુષોમાં સ્ત્રીઓ માટેના પવિત્ર ભાવ નહિ હોય ત્યાં સુધી એક સશક્ત સમાજની પરિકલ્પના થઈ શકતી નથી. ભારતીય નારીઓએ હંમેશાં નરમાં જ નારાયણનું ધ્યાન કર્યું છે. બાળપણમાં દીકરી સૌથી વધુ પ્રેમ પિતા પાસેથી જ મેળવતી હોય છે. તે પોતાના ભાઈઓનું પણ એટલું જ ધ્યાન રાખે છે. કિશોરાવસ્થામાં છોકરીઓ ભગવાન આશુતોષ પાસેથી સયોગ્ય વર મળે તે માટે પ્રાર્થના કરે છે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ મેળવતા જ આચાર્ય કન્યાને ઉપદેશ આપે છે કે તું જે ઘરમાં વધૂ બનીને જઈ રહી છે તેમની ખુશીનું ધ્યાન રાખજે. પતિની સેવામાં જ તારી ભલાઈ છે. નારી ત્યાગ કરે છે, સેવા કરે છે અને સમર્પણ કરે છે. તે પતિ અને તેના પરિવાર માટે જ તેનું સર્વસ્વ અર્પણ કરતી હોય છે. જે નારી પોતાના પરિવાર માટે આટલું બધું કરતી હોય તેના માટે તમે ધ્યાન નહિ રાખો? શું તેની આ સેવા ઉપાસના કરતાં પણ વધુ નથી?

નારી નરમાં નારાયણને નિહાળે છે. સ્વયં નારાયણ પણ જ્યારે અવતાર લઈને આ ધરતી પર આવ્યા તો તેમની મહાલીલાઓમાં દર્શાવવામાં આવ્યું કે પતિ જ પરમાત્મા સુધી પહોંચવાનું પરમ સાધન છે. ભગવાન શ્રીરામને તેમના પિતા દશરથ વનમાં જવાની આજ્ઞા આપે છે. સમગ્ર અયોધ્યા શોકમાં ડૂબી જાય છે. માતા કૌશલ્યા ચોધાર આંસુએ રડવાં લાગે છે. શ્રીરામ માતાની આજ્ઞા અને આશિષ મેળવવા મહેલમાં પ્રવેશ કરે છે. માતા રામને વનમાં જવાના આદેશનું પાલન કરવા કહે છે. ત્યારે શ્રીરામ પણ માતાના ચરણસ્પર્શ કરીને વિનમ્ર ભાવે કહે છે કે હવે તમારે પિતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે તમારો ધર્મ છે તે બરાબર નિભાવજો.

જ્યારે પણ ત્યાગ, સમર્પણ કે સેવાનો અવસર આવ્યો હોય ત્યારે નારી પુરુષોથી ઊણી ઊતરી હોય એવું બન્યું નથી. રામાયણમાં સીતા પતિ રામની મુશ્કેલીઓમાં હંમેશાં પડખે જ રહે છે. સીતા વગર રામની કલ્પના કેવી રીતે થઈ શકે! શ્રીરામને જ્યારે ચૌદ વર્ષ વનમાં જવાનું થાય છે ત્યારે તે તરત જ તૈયાર થઈ જાય છે. જોકે સીતાને તેમની સાથે જવાનો આદેશ પણ નહોતો. સીતાએ પતિવ્રતા ધર્મ નિભાવતા તમામ સુખ-સુવિધાઓનું બલિદાન આપીને વનમાં જતાં દુઃખોમાં જ સુખને જોયું હતું. તે વિષમ પરિસ્થિતિમાં પોતાના બે બાળકોને ઋષિના આશ્રમમાં ઉછેરે છે છતાં પણ તે કોઈને દોષિત ગણતી નથી.

પ્રારબ્ધને પ્રબળ માનીને તે પોતાની જવાબદારીમાંથી છટકી જતી નથી. તે પુત્રોને શિક્ષિત અને સંસ્કારિત કરીને સમાજને એક દિશા બતાવે છે કે કઈ રીતે મુશ્કેલીઓમાં પણ માર્ગ કાઢી શકાય છે. તમામ પ્રકારની અડચણોને તે દૂર કરીને અંતમાં જ્યારે સીતાનું શ્રીરામ સાથે પુર્નિમલન થાય છે ત્યારે પુનર્જન્મમાં પણ શ્રીરામને જ સ્વામી તરીકે મેળવવા ઈચ્છા વ્યક્ત કરે છે. ભારતની નારી ખરેખર ધન્ય છે જે દુઃખો સહીને પણ બધા માટે સુખ-શાંતિની કામના કરે છે.
- સુધાંશુજી મહારાજ
*********************************************************************************
યજ્ઞોપવીતના નવ દોરા

યજ્ઞોપવીત એ નવ ગ્રહોનું પ્રતીક છે. તેના ત્રિસૂત્ર જન્મતઃ મનુષ્ય ત્રણ ઋણોથી ગ્રસ્ત થઈ ગયેલો દર્શાવે છે. પહેલું છે પિતૃઋણ, બીજું છે દેવઋણ અને ત્રીજું છે ઋષિઋણ. યજ્ઞોપવીતનાં આ ત્રણ સૂત્રો ઉપરોક્ત ઋણોમાંથી મુક્ત થવાની પ્રેરણા આપતા રહે છે. આ ત્રણ ઋણો વડે તેમના ઉદ્ધાર અંગે દેવયજ્ઞા, બ્રહ્મયજ્ઞા અને પાંચ મહાયજ્ઞાો અંગે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ યજ્ઞાોના સંપાદન માટે યજ્ઞોપવીત થવું જરૃરી છે.

મનુષ્યના શરીરમાં હૃદય ડાબી બાજુએ આવેલું છે. તેથી યજ્ઞોપવીત ડાબા ખભેથી જમણી બાજુ ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવીત સંસ્કાર થતાં જ બ્રહ્મચારીને ઉપરના ઋણ ચૂકવવાનું ઉત્તરદાયિત્વ મળે છે. તે આત્મ પવિત્રનો અનુભવ કરવા લાગી જાય છે. ઉચ્ચ ભાવનાઓ અને વેદમંત્રોના માધ્યમ દ્વારા અગ્નિ અને દેવતાઓની સાક્ષીમાં યજ્ઞોપવીત ધારણ કરાય છે. તેનાથી મનુષ્યના સુષુપ્ત માનસ પર એક સવિશેષ છાપ ઊપસે છે. આ સૂત્ર યજ્ઞામય અને અત્યંત પવિત્ર છે. તેનાથી તન-મન પવિત્ર બને છે. શારીરિક તેમજ માનસિક પ્રદૂષણોથી દૈવી રક્ષણ મળે છે.

જનોઈ પહેરવી કે તેને ખભા પર ધારણ કરવી એટલે જીવનચર્યાને તથા શરીરને દેવાલય બનાવવા બરાબર છે. યજ્ઞોપવીતના નવ દોરા એ માનવીય વિશેષતાઓને ઉજાગર કરનારા સદ્ગુણોના પ્રતીક છે. તે માનવને અનેક વિભૂતિઓથી સુસંપન્ન બનાવે છે. આ પ્રક્રિયાને દ્વિજત્વની અવધારણા પણ કહે છે. આ નવ દોરામાં ઓમકાર વગેરે નવ દેવતાઓ પ્રતિષ્ઠિત રહે છે. સૌરમંડળમાં ગ્રહોની સંખ્યા નવ, રત્નોની સંખ્યા નવ, અંકોની સંખ્યા નવ, માનવ શરીરના દ્વાર નવ, તેવી રીતે યજ્ઞોપવીતના દોરા પણ નવ. આ નવ દોરાઓમાં પ્રત્યેકમાં જીવનને મહાન બનાવનાર અને પરલોકને સુધારનાર ઉપાયો છે. જેમ કે શ્રમશીલતા, શિષ્ટતા, સુવ્યવસ્થા, ઉદાર સહકારિતા, સમજદારી, ઈમાનદારી, સાવધાની, સાહસ.

આ ક્રિયાપરક અને ભાવનાત્મક ગુણોના સમુચ્ચયને ધર્મધારણ કહેવામાં આવે છે. આથી ખભા પર યજ્ઞોપવીત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવીતના નવ દોરા જ્ઞાન અને કર્મના સમુચ્ચય છે. યજ્ઞોપવીત સંસ્કાર એ ઋષિઓનું ઋણ છે. તે મનુષ્યના આદર્શ જીવનની આકાંક્ષાનું પ્રતીક છે. - મનહરપ્રસાદ ભાવસાર
**********************************************************************************
નિષ્કામભાવે ભગવાનની ભક્તિ
કથા પારાયણ ભાગ-૨૦

સનતકુમાર એક એક દરવાજો ઓળંગીને જાય છે. જ્યાં સાતમે દરવાજે આવ્યાં ત્યાં જય-વિજયનો પહેરો હતો. સનતકુમાર પાંચ વર્ષના બાળક હતા. તેમણે જય-વિજયને પૂછયું નહીં અને સીધા અંદર જવા લાગ્યા, તેથી જય-વિજયે તેમને રોક્યા. સનતકુમાર ક્રોધ પર કાબૂ રાખી શક્યા નહીં અને જય-વિજયને શાપ આપ્યો કે જાઓ, તમારે ત્રણ વખત રાક્ષસને ત્યાં જન્મ લેવો પડશે.

સનતકુમારે ક્રોધ કર્યો. તેમણે જય-વિજયને વગર વાંકે શાપ આપ્યો તેથી ઠાકોરજી તેના પર નારાજ થયા. ઠાકોરજીએ તેમને દર્શન તો આપ્યાં, પરંતુ જ્યાં ઠાકોરજી બિરાજમાન હતા ત્યાં તેઓ પહોંચ્યા નહીં અને ઠાકોરજી ત્યાં જ આવ્યા. જેથી તેમનું અંદર જવાનું અટકી ગયું. મંદિરમાં ક્રોધ કરવાથી માણસે કરેલાં પુણ્યનો નાશ થાય છે. ખ્યાલ રાખજો કે મંદિરમાં ક્રોધ કરવો નહીં.

જય-વિજયને ઓળંગીને જવું, સનતકુમારને કઠિન લાગ્યું અને શાપ આપ્યો. આથી ભગવાન લક્ષ્મીજીને લઈને આવ્યા. સનતકુમાર ભગવાનના દર્શન કરવા લાગ્યા, પરંતુ ભગવાનનાં નયનો નીચાં ઢળેલાં હતાં. સનતકુમારના ક્રોધને લીધે ભગવાનની નજર નીચી હતી તે ઊંચી થતી નથી. સનતકુમાર જેવા ભક્તને પણ ભગવાન ઊંચી આંખ કરી દર્શન દેતા નથી. માટે ખ્યાલ રાખો કે ક્રોધ કરવો નહીં.

સનતકુમારે શાપ આપ્યો ત્યારે સાયંકાળનો સમય હતો અને આજ સમયે કશ્યપ ઋષિ અને દીતિનો સંયોગ થયો. અપવિત્ર સમયના સંયોગને લીધે આ બંને રાક્ષસોને અપવિત્ર સમયે દીતિએ જન્મ આપ્યો. તે બંનેનાં નામ હિરણ્યક્ષય અને હરિણાકશ્યપ હતાં. હિરણ્યક્ષય બહુ કપટી અને લોભી હતો, તે ખૂબ ખોટાં કામ કરવાં લાગ્યો. તેણે ભગવાન સાથે યુદ્ધ કર્યું. જેથી વરાહનારાયણ ભગવાને તેનો નાશ કર્યો અને પૃથ્વીનું રાજ મનુ રાજાને સોંપ્યું.

મીરાંબાઈ તથા તુકારામ મહારાજ કોઈને ત્યાં અભ્યાસઅર્થે ગયાં ન હતાં. તેઓ સંત હતાં. મીરાંબાઈનાં રચેલાં ઘણાં કાવ્યો આજે જગપ્રસિદ્ધ છે. પરમેશ્વરની કૃપા જ્યારે આપણા પર ઊતરે છે ત્યારે સરસ્વતી દેવી આપોઆપ પધારે છે. આ રીતે સંત તુકારામ પણ ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની હતા.

ભગવાન રામુ તથા કૃષ્ણ સુંદર છે. તેમનાં દર્શન કરવાથી તમારું મન વિશુદ્ધ થશે. માટે રોજ ઊઠીને નાહીધોઈને ભગવાનનાં દર્શન કરો. ભગવાનનાં દર્શન કરતી વખતે ભગવાન પાસે સંસારસુખની કોઈ પણ માગણી ન કરો. સ્વાર્થબદ્ધ બની ફળની આશા રાખે તે સાચો વૈષ્ણવ નથી. માટે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી, પણ કંઈ માગવું નહીં. ભગવાનને તમારે ચિંતા નથી એવું ન માનતા. તેમને બધી વાતની ખબર છે. માટે પ્રેમથી પ્રભુદર્શન કરી પાછા ફરો.

કર્દર્મ ઋષિ ભગવાન પાસે ગયા અને ભગવાનનાં દર્શન કરી માગ્યું કે, હે પ્રભુ! તમે મને એવી પત્ની આપો કે જે ભક્તિ કરવામાં મને સાથ આપે. ત્યારે ભગવાને કર્દમ ઋષિને કહ્યું, મનુ મહારાજ તેમની કન્યા લઈને આવશે તેને તમે અપનાવજો, એટલે હું તમારે ત્યાં જન્મ લઈશ.

કર્દમ ઋષિ ભગવાનના આશીર્વાદ લઈને આશ્રમે આવી ગયા પછી મનુ મહારાજ પોતાની કન્યા લઈ કર્દમ ઋષિ પાસે આવ્યા. કર્દમ ઋષિએ તે કન્યાની પરીક્ષા કરી તો તેમને કન્યા યોગ્ય લાગી.

કર્દમ ઋષિએ કહ્યું, હું લગ્ન તો કરું. પણ આ કન્યાને એક પુત્ર થયા પછી તેને હું મારી બહેન સમાન ગણીશ. મારું આ લગ્ન ફક્ત એક પુત્ર પ્રાપ્તિ માટે છે. જો આપને તે શરત મંજૂર હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. નહીંતર તમારી મરજી.

મનુ મહારાજે પોતાની કન્યા દેવહુતિને પૂછયું અને ઋષિની શરત કહી સમજાવી. દેવહુતિ બહુ સમજુ અને શાણી હતી. તેણે ઋષિની શરત મંજૂર રાખી.

મનુ મહારાજને ખૂબ આનંદ થયો અને દેવહુતિ તથા કર્દમ ઋષિનાં લગ્ન થયાં. લગ્ન કર્યા બાદ બાર વર્ષ સુધી કર્દમ ઋષિ દેવહુતિ સાથે કંઈ બોલ્યા નહીં, છતાં બાર વર્ષ સુધી તેણે પતિની એકધારી સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા અને પત્નીને વરદાન માગવા કહ્યું. દેવહુતિએ વરદાન માગવાની ના પાડી. છતાં ઋષિના અતિ આગ્રહને લીધે દેવહુતિએ સાંસારિક સુખની માગણી કરી.

દેવહુતિએ સાંસારિક સુખની માગણી કરી, જે કર્દમ ઋષિએ માન્ય રાખી. ઋષિએ પોતાનું સો વર્ષનું તપ જતું કર્યું અને તેઓ યુવાન બન્યા. યુવાવસ્થા પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસારિક સુખ ભોગવ્યું, જેથી તેમને ત્યાં નવ કન્યાનો જન્મ થયો. પણ પુત્રનો જન્મ ન થયો.

કર્દમ ઋષિએ વિચાર કર્યો કે સો વર્ષ પસાર થયાં છતાં હજુ ભગવાને કેમ જન્મ લીધો નથી? આથી ધ્યાનમાં બેસી જોયું તો તેમને જ્ઞાન થયું કે, હું તપસ્વી હતો તે તપ છોડીને સાંસારિક સુખ ભોગવવા માટે આ વિલાસયુક્ત જીવન જીવવા લાગ્યો તેથી ભગવાન ક્યાંથી પધારે? ત્યાર પછી તેમણે વિલાસી જીવન ત્યજીને પાછી પ્રભુભક્તિ કરીને તેમને ત્યાં દેવહુતિની કૂખે કપિલ ભગવાનનો જન્મ થયો.

કર્દમ ઋષિને ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો ત્યારે બ્રહ્માજી ત્યાં આવ્યા અને કર્દમ ઋષિને કહ્યું, હવે તમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. માટે તમે પાછો સંન્યાસ લઈ લ્યો. ત્યારે કર્દમ ઋષિ કહે છે હું તો સંન્યાસી થવા તૈયાર છું. પણ મારે ત્યાં આ નવ કન્યા છે. મારે તેમના લગ્ન કરવા છે. ત્યારે બ્રહ્માજી કર્દમ ઋષિને સમજાવે છે કે હવે શા માટે ચિંતા કરો છો?
********************************************************************************
જીવન જીવવાની કળા સૂર્ય પાસેથી શીખો - યોગેશ પટેલ

સૂર્ય સમસ્ત પ્રકાશનો સ્રોત છે. સાથે જ અત્યંત વિસ્તૃત અને વિશાળ છે. તે સકળ સૃષ્ટિના જીવો માટે પ્રાણદાયક પણ છે. સૂર્ય દિવસભર તપે છે અને ત્યાર બાદ રાત્રિએ વિરામ લે છે. પ્રાતઃકાળે અરુણરૃપ ધારણ કરીને ઉદિત થાય છે. એનું દર્શન શરીરમાં નવી સ્ફૂર્તિ લાવે છે. દિવસભર કામ કરતાં આપણી કોશિકાઓનો ક્ષય થાય છે.

રાત્રે વિશ્રામકાળમાં કોશિકાઓનું પુનઃનિર્માણ થઈ જાય છે. આ રીતે પ્રકૃતિ આપણને નિત્ય નવું રૃપ પ્રદાન કરે છે. જીવન અને અમરતાનું રહસ્ય આ જ છે. પરંતુ આ હકીકતને લઈને આપણે એટલા જાગૃત હોતા નથી. આપણે જીવનમાં નવો પ્રકાશ ત્યારે જ પ્રદાન કરી શકીએ જ્યારે સૂર્યની માફક નવીન સ્ફૂર્તિ સાથે નિરંતર તપતાં રહીને કાર્યરત બની રહીએ.

જીવનનો ઉદ્દેશ્ય સત્યની સાધના છે અને પ્રકાશ સત્યનું પ્રતીક છે. ગુરુવર રવીન્દ્રનાથ ટાગોરે સૂર્યનો મહિમા ગાતા લખ્યું છે કે સૂર્યની સમાનતાની ભાવનાએ મને વિશ્વમાનવની કલ્પના પ્રદાન કરી દીધી અને હું વિશ્વવેદનાનો ગાયક બની ગયો. કવિવરનો અભિપ્રાય સ્પષ્ટ છે કે જ્યારે બહારનો પ્રકાશ અંતરનો પ્રકાશ બની જાય છે ત્યારે રવીન્દ્રનાથ જેવા વિશ્વકવિ અને અમરગાયકનું નિર્માણ થાય છે. આંતરિક પ્રકાશના અભાવમાં બાહ્ય પ્રકાશ વ્યર્થ રહે છે.

સૂર્ય નિરંતર ચાલતો રહે છે. એની સાથે સમય પણ વ્યતીત થતો જાય છે. સૂર્ય પાછળની તરફ કદી જોતો નથી. તેમજ વીતેલો સમય પરત પણ થતો નથી. જો આપણે સૂર્યની માફક નિત્ય નવીન લક્ષ્ય લઈને જીવનમાં અગ્રેસર થવા માગીએ છીએ તો આપણે કિર્કે ગાર્ડનું કથન યાદ રાખવું જોઈએ કે- જીવનમાં સફળ થવા માટે તેણે હંમેશાં વિચારવું જોઈએ કે આવતી કાલે તેણે શું કરવાનું છે? તે વીતેલી કાલ પાસેથી શિક્ષણ લઈ શકે છે, પરંતુ તેની સાથે ચીપકી રહેવું બરાબર નથી. પ્રકૃતિનો કોઈ પણ પદાર્થ પોતાના વર્તમાન જીવનને તુચ્છ સમજતો નથી. કારણ કે તેનું આગામી જીવન ઘણું ઉપયોગી અને મૂલ્યવાન હશે. જેમ કે ગુલાબ અલ્પકાળ સુધી જ ખીલેલું રહે છે છતાં પણ તે સમગ્ર વાયુમંડળને સુરભિત કરી દે છે.
સૂર્ય રક્તિમવર્ણ ઉદિત થાય છે અને રક્તિમવર્ણ જ અસ્ત થઈ જાય છે. તે વિશ્વને આપવાનું જાણે છે, એની પાસેથી લેવાનું નહીં. તે આદિથી અંત સુધી એકસમાન બની રહે છે. તેના જીવનની પ્રત્યેક ક્ષણ ઉત્સાહ અને વિસ્તાર ભાવના દ્વારા પ્રેરિત બની રહે છે. વિચારક સેમ્યુઅલ જોન્સને ઠીક જ કહ્યું છે કે સંપન્ન જીવન વ્યતીત કરવાની અપેક્ષા સંપન્ન થઈને મરવાની અપેક્ષા કરતાં વધુ શ્રેષ્ઠ છે. જેમ કે કોઈ સિદ્ધાંતને લઈને મરવા કરતાં કોઈ સિદ્ધાંતને લઈને ચાલવું અને જીવન જીવવું એ ઘણું મહત્ત્વનું છે. સૂર્યોદયમાં જે તાજગી અને સૌંદર્ય છે તે આપણામાં ભરી લઈએ.
********************************************************************************
ભક્તિ અને મુક્તિ આપનાર મહામૃત્યુંજય મંત્ર
- મનહરપ્રસાદ ભાવસાર

ભારતીય સંસ્કૃતિમાં શિવજીને ભક્તિ અને મુક્તિના દાતા-પ્રદાતા માનવામાં આવ્યા છે. શિવપુરાણ અનુસાર તેઓ અનંત, ચિદાનંદ સ્વરૃપ, નિર્ગુણ, નિરુપાધિ, નિરંજન અને અવિનાશી છે. વળી તેઓ પરબ્રહ્મ પરમાત્મા શિવ કહેવાય છે.

શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. તેમને મહાકાલ અને આશુતોષ જેવાં નામથી પણ તેમને સંબોધિત કરવામાં આવે છે.તેમનાં અન્ય સ્વરૃપો અર્ધનારીશ્વર, મહેશ્વર, સદાશિવ, અંબિકેશ્વર, પંચાનન, નીલકંઠ, પશુપતિનાથ, દક્ષિણામુર્તિ વગેરે છે.પુરાણોમાં બ્રહ્મા, વિષ્ણુ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, દેવગુરુ બૃહસ્પતિ તથા અન્ય દેવી દેવતાઓ દ્વારા શિવોપાસનાનું વિવરણ મળે છે.વૈદિક જ્યોતિષ અનુસાર ભગવાન શિવ કૃષ્ણપક્ષની ચૌદશ તિથિના સ્વામી છે. આથી દરેક માસની કૃષ્ણપક્ષની ચૌદશને શિવરાત્રિ કહેવામાં આવે છે. પુરાણો અનુસાર મહામાસની ચૌદશને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિ ભગવાન શિવના પ્રાગટય અને વિવાહોત્સવની રાત્રિ હોય છે. આ દિવસે શિવનો અભિષેક, પૂજા-ધ્યાન, જપ, કથાશ્રવણ અનંત ફળદાયી હોય છે. શાસ્ત્રોમાં મંત્રના સ્વરૃપનું વર્ણન કરતાં કહ્યું છે કે જેના મનન અને ચિંતનથી દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ તથા પરમ આનંદની પ્રાપ્તિ થાય છે તેનું નામ મંત્ર છે.

શિવનો મહામૃત્યુંજય મંત્ર આ પ્રમાણે છે- ઓમ્ ત્ર્યંબકં યજામહે સુગંધિમ્ પુષ્ટિ વર્ધનમ્ ઉર્વારુકમિવ બંધનાત્ મૃત્યુર્મોક્ષિય મામૃતાત્ પ્રત્યક્ષરૃપે ઈષ્ટદેવનો અનુગ્રહ વિશેષ એ જ મંત્ર છે. મંત્ર એક અવ્યક્ત દેવીય શક્તિને અભિવ્યક્ત કરે છે. મંત્રને દેવતાનો આત્મા પણ કહેવાયો છે.પોતાના ઈષ્ટદેવતામાં પૂર્ણ નિષ્ઠા અને વિશ્વાસ રાખતા તેમજ વિધિ-વિધાનથી મંત્રનો જપ કરવાથી સાધકને સિદ્ધિ, ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે.

જો કે શિવસાધના પંચાક્ષર, ષડાક્ષર તથા અન્ય મંત્રોથી પણ કરવામાં આવે છે. કષ્ટો અને રોગમાંથી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રનું ખાસ મહત્ત્વ છે. આ મંત્રના જપથી રોગ, ભય, દુઃખ-દરિદ્રતા વગેરેના શમન સાથે સઘળી કામનાઓની સિદ્ધિ પણ મળે છે.ઉપાસનાનો મૂળ સિદ્ધાંત છે- દેવો ભૂત્વા રાજદેવમ્ અર્થાત્ દેવતા સમાન બનીને ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ.સાધકે મન-ચિત્ત શાંત રાખીને તેમજ અહંકારનો ત્યાગ કરી સમર્પણભાવે દેવ ઉપાસના કરવી. આમ કરવાથી દેવતા તેના પર પ્રસન્ન થાય છે
*******************************************************************************
સંપૂર્ણ માનવતાની સંપત્તિ ભગવાન શ્રીકૃષ્ણ - સ્નેહલ શાહ

આર્ય ઋષિઓ-મુનિઓએ ભગવાનને રસના રૃપમાં જોયેલા છે. ભગવાન સ્વયં રસ છે, રસાવર્ણ છે. અર્ણવ અર્થાત્ સમુદ્ર રસના સમુદ્ર. સમુદ્ર માટે કહેવામાં આવ્યું છે કે જે સદા પૂર્ણ રહે, જેની પરિપૂર્ણતા અક્ષુણ્ણ રહે, જે સદા પ્રતિષ્ઠિત રહે, જેમાં ક્યારેય કોઈ કમી ન આવે તે સમુદ્ર ભગવાન રસનો સમુદ્ર છે. સંસારમાં બધા જ રસ તેમના થકી જ વિતરણ થતાં હોય છે. ભગવાન જ બધા રંગ વરસાવે છે. નદીઓ તેને જળસ્રોતોના રૃપમાં ગ્રહણ કરે છે. ફરી વાદળોની સૃષ્ટિ બનાવીને તે રસને વરસાવે છે.

ભગવાનનો નામ રસ અને તેમના દ્વારા વરસાવવામાં આવેલ રસને ગ્રહણ કરનારી પૃથ્વીનું નામ રસા છે. પૃથ્વી માતાના રસપૂર્ણ ખોળામાં રહીને પોતાના સનાતન પિતા રસસ્વરૃપ ભગવાનના અનુરાગમાં રત રહેનાર ભક્ત જ વાસ્તવમાં રસિક છે. રસિક લોકોને આનંદ રસમાં મગ્ન કરનારા પ્રભુની લીલાઓ રાસ છે.

શ્રીકૃષ્ણની ભક્તિમાં અથવા અનુરક્તિમાં વિષાદ કે અવસાદ માટે કોઈ સ્થાન નથી. શ્રીકૃષ્ણ પ્રેમમાં શોક અથવા માતમને કોઈ સ્થાન નથી. શ્રીકૃષ્ણ ભક્તોનો ધર્મ રસ છે, આનંદ છે, શોક કે અવસાદ નથી. આથી જ શ્રીકૃષ્ણને ગ્રહણ કરવા એટલે આનંદને ગ્રહણ કરવા બરાબર છે. શ્રીકૃષ્ણ એ પ્રેમની અદ્ભુત અવસ્થા છે. શ્યામ રંગમાં તમે જેટલા ડૂબો તેટલી જ ઉજ્જવળતા જીવનમાં ફેલાતી જાય છે. કૃષ્ણનો રંગ ગહનતમ છે.

બધા રંગો હલકા છે જ્યારે શ્યામ રંગ સૌથી ગાઢ છે.

સૂર શ્યામ પ્રભુ કાલી કામલી

ચઢે ન દૂજો રંગ

આથી જ પ્રેમી હૃદય કહે છે-

અપને હી રંગ મેં રંગ દે ચૂનરિયા,

શ્યામ પિયા મોરી રંગ દે ચૂનરિયા

શ્રીકૃષ્ણ શરણાગતના સંપૂર્ણ અસ્તિત્વને પોતાના રંગોમાં રંગી દે છે. સમાનરૃપે રંગી દે છે. રાજા હોય કે રંક, કૃષ્ણપ્રેમના રસરંગમાં રંગાઈ જવાથી બધા જ સમાન થઈ જાય છે. વિજ્ઞાન અનુસાર સમગ્ર બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણ બળ પર ચાલી રહ્યું છે. પરંતુ સત્ય એ છે કે અનંત કોટિ બ્રહ્માંડોના વ્યવસ્થિત તંત્રનું મૂળ તત્ત્વ કૃષ્ણાકર્ષણ છે. કૃષ્ણ જ સંપૂર્ણ જગતના અનંત બ્રહ્માંડના ચરાચર પ્રાણીઓ અને પદાર્થોને પોતાના આકર્ષણમાં બાંધીને સંચાલિત કરે છે અથવા સ્થિરતા પ્રદાન કરે છે. કૃષ્ણના ભક્તોમાં મીરાંભાઈ કે નરસિંહ મહેતા વગેરે જાણીતા થઈ ગયા છે પરંતુ આવા તો અસંખ્ય ભક્તો થઈ ગયા જેનાં નામ ઇતિહાસનાં પાનાંઓ પર નથી. જ્યારે તેમના ભક્તો મુશ્કેલીમાં હોય ત્યારે તે સદાયે હાજર રહ્યા છે અને ભક્તની લાજ બચાવી છે. નરસિંહની તો સમગ્ર જિંદગી કૃષ્ણ પાછળ ખર્ચી ગઈ હતી. તેણે દ્રૌપદીનાં ચીર પૂર્યાં હતાં તો સુદામાની સાચી દોસ્તી નિભાવતા તેની દારિદ્રતા હંમેશને માટે મિટાવી હતી. આથી જ બધા ભક્તોનો અનુભવ જ કહે છે કે શ્રીકૃષ્ણ તો સંપૂર્ણ માનવતાની સંપત્તિ છે.
********************************************************************************
વિશ્વનું એકમાત્ર યમરાજ મંદિર - વ્રજ ગોપાલ રાય

મથુરાનગરી તો ત્રણે લોકમાં ન્યારી છે. અહીં યમુનાકિનારે વિશ્રામઘાટ પર યમરાજનું મંદિર આવેલું છે. તેઓ આ મંદિરમાં એકલા બિરાજમાન નથી તેમની બહેન યમીનું પણ સ્થાન અહીં છે. મથુરાનો ઇતિહાસ અને મંદિરની પ્રતિષ્ઠા એટલી રોમાંચક અને ગરિમાપૂર્ણ છે કે લોકો શ્રદ્ધાથી યમરાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે

જે રીતે રાજસ્થાનના પુષ્કરમાં બ્રહ્માજીનુ એકમાત્ર મંદિર આવેલું છે તે રીતે મથુરામાં યમરાજનું ભારતભરમાં એકમાત્ર મંદિર છે. બ્રહ્માજીને શાપ લાગ્યો હતો તેથી કળિયુગમાં તેમની ખાસ પૂજા થતી નથી. એ જ રીતે યમરાજ મૃત્યુના દેવતા કહેવાય છે. આથી દુનિયામાં તેમની પૂજા કોણ કરે? પરંતુ મથુરાનગરી તો ત્રણે લોકમાં ન્યારી છે. અહીં યમુનાકિનારે વિશ્રામઘાટ પર યમરાજનું મંદિર આવેલું છે. તેઓ આ મંદિરમાં એકલા બિરાજમાન નથી તેમની બહેન યમીનું પણ સ્થાન અહીં છે. મથુરાનો ઇતિહાસ અને મંદિરની પ્રતિષ્ઠા એટલી રોમાંચક અને ગરિમાપૂર્ણ છે કે લોકો શ્રદ્ધાથી યમરાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

યમરાજા અને યમી વેદકાળમાં દેવતા અને મંત્રકર્તા માનવામાં આવતા હતા. ઋગ્વેદમાં યમ અને યમી વચ્ચેનો સંવાદ આવે છે. વૈદિકકાળમાં યમનો મૃત્યુ સાથે કોઈ સંબંધ નહોતો. પરંતુ તેમને પિતૃ એટલે કે મૃત લોકોના અધિપતિ માનવામાં આવતા હતા. ભારતીય માન્યતા અનુસાર વ્યકિતના અવસાન બાદ યમરાજ તેને કરેલાં કર્મો અનુસાર સ્વર્ગ કે નરકમાં મોકલી આપે છે. તેઓ ધર્મ અનુસાર ન્યાય કરે છે આથી ધર્મરાજ તરીકે પણ ઓળખાય છે. તેઓ પૃથ્વી પરના દક્ષિણ દિશાના રક્ષક અને મૃત્યુ દેવતા કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર જગતનાં ભૌતિક ઉપાદાનોના નિર્માતા વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા અને સૂર્યના પુત્ર છે. માર્કંડેય પુરાણમાં આપેલા વર્ણન અનુસાર એક વાર સંજ્ઞાએ સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે ભયથી આંખો બંધ કરી દીધી હતી. આથી સૂર્યે ક્રોધિત થઈને શાપ આપ્યો હતો કે તેનો થનાર પુત્ર બધાનું સંયમન કરનાર બનશે. આથી યમરાજ બધાના પ્રાણ હરી લે છે.

યમરાજનો રંગ લીલો બતાવવામાં આવ્યો છે. તે લાલ વસ્ત્ર ધારણ કરે છે. તેમનું વાહન પાડો છે. તેમના મદદનીશનું નામ ચિત્રગુપ્ત છે. જે પાપ-પુણ્યનો હિસાબ રાખે છે. ચિત્રગુપ્ત જે ચોપડામાં પાપ-પુણ્યનો હિસાબ લખે છે તેનું નામ અગ્ર સંઘાની છે. યમરાજની નગરીને યમપુરી કહેવામાં આવે છે. તેમના રાજમહેલને કાલીત્રી અને જે સિંહાસન પર બેસીને ન્યાય કરે છે તેને વિચારભૂ કહેવામાં આવે છે. તેમના મહાચંડ અને કાલપુરુષ નામના બે અંગરક્ષક છે. વૈધ્યત નામનો દ્વારપાળ છે અને અનેક યમદૂતો તેમની સેવામાં હાજર છે.

મંદિરના પ્રવેશદ્વાર પર બનેલા એક રૃમને ચિત્રગુપ્તનો રૃમ કહેવામાં આવે છે. ચિત્રગુપ્ત અહીં આત્માને આ જગ્યાએ ઊભો રાખે છે. અનેક સદીઓ જૂના આ મંદિરની સામે ચાર ફૂટ ઊંચા મંચ પર ભગવાન શિવનું મંદિર આવેલું છે. શિવજી એ મૃત્યુંજય કહેવાય છે. આમ પણ શિવનું સ્થાન સ્મશાનમાં જોવા મળે છે. શિવ તમામ ગણોના અધિપતિ દેવતા છે.
************************************************************************************
કિર્તિવાન અને યશસ્વી શ્રીરામ - ભક્તિ વિનોદદાસ

ભગવાન શ્રીરામે ત્રેતાયુગમાં તેમની દિવ્ય લીલાઓનો પરિચય સૌને આપ્યો હતો. વર્તમાનયુગ કળિયુગ તરીકે ઓળખાય છે. ત્રેતાયુગથી લઈને વર્તમાન કળિયુગને આવ્યે હજારો વર્ષ વીતી ગયાં છે. આટલાં વર્ષો વીતી ગયાં છતાંય ભગવાન શ્રીરામના ગુણગાનરૃપ અને કિર્તિ હંમેશાં નિત્ય અને તરોતાજાં છે. સમય કે કાળના પ્રવાહનો થર ભગવાન શ્રીરામની કિર્તિને દાટી શક્યો નથી. હજારો વર્ષ પછી પણ ભારતનાં લાખો ગામડાંઓમાં ભગવાન શ્રીરામનાં મંદિરો હયાત છે. આ નાનીસૂની વાત નથી. સમયને વીંધીને શ્રીરામનું વ્યક્તિત્વ હંમેશાં ભારતના કરોડો લોકોને આકર્ષતું રહ્યું છે. શ્રીરામના સમયમાં રાવણની રાક્ષસીવૃત્તિએ જેમ માઝા મૂકી હતી તેમ આજે પણ તે પ્રકારની આસુરી શક્તિવાળા આતંકવાદીઓ પ્રજાને ધમરોળી રહ્યા હોય ત્યારે શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવું વ્યક્તિત્વ યાદ આવે તે સ્વાભાવિક છે.

જ્યારે ન્યાય અને સુશાસનની વાત આવે ત્યારે સૌ કોઈને સહજ રીતે જ રામરાજ્યની યાદ આવે. આઝાદી પહેલાં ગાંધીજી ભારતમાં રામરાજ્ય લાવવા માગતા હતા પરંતુ દેશના દુર્ભાગ્યે તે દિવસો લાવી શકાયા નથી. રામરાજ્ય લાવવું આજે સહેલું કામ નથી. આ માટે પ્રજાએ પહેલા સુધરવું પડે. કેવળ નેતાઓને દોષ દેવાનો કોઈ અર્થ નથી.

રામરાજ્ય સાથે શાંતિ અને ઐશ્વર્ય પણ આવે જ છે. સ્વયં ઐશ્વર્યની દેવી લક્ષ્મીજી સીતાદેવી તરીકે ભગવાન શ્રીરામજીની સેવામાં સતત સંકળાયેલાં રહે છે. તેથી ભગવાન શ્રીરામ રમાપતિ કે લક્ષ્મીપતિ તરીકે પણ ઓળખાય છે. શ્રીરામની પાસે વૈભવ-સંપત્તિ હતી છતાં પણ પિતાને આપેલા વચનને નિભાવવા તેમણે તે સંપત્તિને બાજુએ મૂકી ચૌદ વર્ષ માટે વનમાં નીકળી પડયા હતા. સાત હજાર વર્ષ પહેલાંના જમાનામાં આ પ્રમાણે વનમાં એક રાજકુમાર પત્ની અને નાના ભાઈ સાથે ચાલી નીકળે તે બાબત ખૂબ જ અઘરી હતી, પરંતુ શ્રીરામે તે સાબિત કરી બતાવ્યું કે ત્યાગ કોઈ અઘરી બાબત નથી. તેમણે જે વનમાં રહીને ચૌદ વર્ષ વનવાસ વેઠયો અને અનેક કષ્ટો સહન કર્યાં તે સામાન્ય માનવીનું ગજું નથી. લંકાપતિ રાવણનો વધ કર્યા પછી તેમનો ફરી જ્યારે રાજ્યાભિષેક થયો અને અયોધ્યાનું રાજ ઉત્તમ રીતે સંભાળતા પ્રજાનાં હિતોનું પૂરેપૂરું ધ્યાન આપ્યું હતું. અયોધ્યાનગરી તે વખતની સૌથી વૈભવશાળી નગરી હતી. રાજા દશરથના પુત્ર શ્રીરામમાં અનેક દિવ્યતાઓ અને વિવિધતાઓનું સામર્થ્ય હતું. આમ દરેક ભક્તિયોગના પંથે પ્રયાણ કરીને ભગવાન શ્રીરામની સેવાભક્તિના પ્રયોજનઅર્થે દરેક મનુષ્યે નિષ્ઠાવાન ભક્ત થવું એ જ મનુષ્યની પરમ સિદ્ધિ છે.
**************************************************************************
શ્રી નવકાર મહામંત્રનું માહાત્મ્ય - મનહરપ્રસાદ ભાવસાર

શ્રી પરમેષ્ઠિ નમસ્કાર ગુણનુરાગનું પ્રતીક છે. જો જીવનમાં ગુણનુરાગ ન હોય તો તેનાથી પ્રગટ થાય છે અને હોય તો તેમાં વૃદ્ધિ થાય છે, આ ગુણનુરાગ મોક્ષનું અવંધ્ય બીજ છે.

* અંતરાત્મ ભાવને લાવનારો, તેને ટકાવનારો, વધારનારો અને અંતે પરમાત્મ સ્થાન સુધી પહોંચાડનારો પરમેતિ નમસ્કાર છે, એટલા માટે માર્ગાનુસારીની ભૂમિકાથી લઈને સમ્યકદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિધર તમામ જીવોની આરાધનામાં પરમેષ્ઠિ નમસ્કાર પરમ અંગ છે.

* શ્રી નમસ્કાર મહામંત્ર સર્વોત્તમ મંગલ રૃપ અને પ્રાણીમાત્રને સાચા સુખ તરફ લઈ જનાર કુશળ પથપ્રદર્શક છે.

* શ્રીનવકાર મહામંત્રનું સર્વોત્તમ મંગલરૃપ અને પ્રાણી માતરને સાચા સુખ તરફ લઈ જનાર કુશળ પથ-પ્રદર્શક છે.

* શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ અજ્ઞાનાદિથી ઉપાર્જન કરવામાં આવેલા અશુભ સંસ્કારોને સરળતાથી બદલીને આત્મશક્તિના વિકાસને મૌલિક કાર્યમાં ઉપયોગી બને છે. એટલા માટે શ્રી નવકાર લોકોત્તર મહામંત્ર છે.

* શ્રી નવકારના પ્રભાવથી આત્મામાં ઉચ્ચકોટિનો વીતરાગ ભાવ ધીરે-ધીરે અવશ્ય વિકસિત થાય છે. તેના દ્વારા આત્મશક્તિઓ સ્વતંત્ર રૃપે કાર્ય કરતાં જગતના ઉત્તમ મહામૂલ્ય પદાર્થો તરફ લોહચુંબકની માફક સ્વતઃ આકર્ષણ પેદા કરે છે એટલા માટે સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ શ્રીનવકાર મહામંત્ર છે.

* શ્રી પંચ પરમેષ્ઠિને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી મનુષ્ય સંસારમાં કદાપિ દાસ, પ્રેષ્ય, દુભર્ગ, નીચ અથવા વિકેન્દ્રિય, અપૂર્ણ ઇન્દ્રિયવાળો હોતો નથી. પવિત્રતા તથા મનની એકાગ્રતાપૂર્વક સતતરૃપે એક લાખ સંખ્યાનો નવકારનો જાપ અચિંત્ય લાભ આપે છે.

* શ્રદ્ધારૃપી ધૃત અને બહુમાનરૃપી દિવેટથી ધન્ય પુરુષોના મનોભવનમાં પ્રકાશિત નવકારરૃપી દીપક મિથ્યાતત્ત્વરૃપી અંધકારનો અવશ્ય નાશ કરે છે.

* પરલોકના માર્ગ તરફ પ્રયાણ કરનારા જીવરૃપી મુસાફરને આ જન્મરૃપી ઘરથી નીકળતી વખતે શ્રી નવકાર મંત્ર પાથેય સમાન છે.

* શ્રી નવકાર મંત્ર સત્યની પોટલી છે, રત્નની પેટી છે, અને સઘળાં ઈષ્ટોનો સમાગમ છે.

* સંપૂર્ણ દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિને માટે આવી રીતે શ્રી નમસ્કાર મહામંત્ર પણ પરિણામની વિશુદ્ધિનું એક કારણરૃપ છે.

* શારીરિક તથા માનસિક દુઃખોથી ને રાગ-દ્વેષાદિના સંતાપથી તપ્ત ચારેય ગતિના ભવ્ય જીવોને માટે શ્રી નવકાર સર્વત્ર સહાયક અને પરમાર્થ બંધુ સમાન છે.

* શ્રી નવકાર દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનાં વિષને દૂર કરનાર હોવાથી ગરુડાગી અન્ય મંત્રમાં પ્રધાન મંત્ર છે.

* શ્રી નવકાર અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરાવે છે, જ્ઞાનાદિ પ્રાપ્ત ગુણોનું રક્ષણ કરે છે અને સર્વ અર્થનો સાધક હોવાને સઘળાં ધ્યેયોથી એક પરમ ધ્યેય છે.

* શ્રી નવકાર કર્મમલનના કલંકને દૂર કરનાર હોવાથી સર્વ તત્ત્વો તથા પરમાર્થ ભૂત પદાર્થોમાં અતિશય પવિત્ર તત્ત્વ છે.

* શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ વિના જીવોના અનેક જન્મોથી સંચિત શારીરિક તથા માનસિક રોગ-શોક વગેરે દુઃખ તથા તેના કારણભૂત કર્મોનો નાશ અસંભવિત છે.

* શ્રી નવકાર મહામંત્રનો જાપ કરનારો સંસારમાં કદાપિ દુઃખી હોતો નથી અને નિશ્ચય તે મોક્ષપ્રસાદનો શાશ્વત સુખનો અધિકારી હોય છે.

* આ જન્મમાં વિધિપૂર્વક, ભાવ અને ચિત્તની એકાગ્રતાથી જે વ્યક્તિ નમસ્કાર મહામંત્રની આરાધના કરે છે તે આત્મા ભવાંતરમાં ઉચ્ચ જાતિ, ફળ, રૃપ, આરોગ્ય અને સંપત્તિને પ્રાપ્ત કરે છે.

* જો સાધક શ્રદ્ધા-ભક્તિ અને એકાગ્રતાપૂર્વક સમજપૂર્વક સમર્પણ ભાવથી શ્રીપંચ પરમેષ્ઠિના શરણમાં જાય છે ત્યારે તેની બુદ્ધિ, મન, વાણી તથા દેહ એ સઘળાં પવિત્ર બની જાય છે.

* નમસ્કાર મહામંત્ર એ આધ્યાત્મિક સમૃદ્ધિનું એક શબ્દમય પ્રતીક છે.

* શ્રી નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિની અનુમોદના છે અને આ અનુમોદનામાં આપણું સઘળું બળ ભર્યું પડયું છે. શ્રી પંચ પરમેષ્ઠિ અને તેમનાં સુકૃત્યોની અનુમોદના મોક્ષનું દ્વાર ખોલી આપે છે.

* શ્રી નમસ્કાર મહામંત્રના પ્રત્યેક અક્ષરમાં અભિનયશક્તિ છુપાયેલી છે. પરંતુ તે પ્રકાશ ક્રમશઃ પ્રયત્ન કરાતાં પ્રાપ્ત થાય છે.

* આ વિશ્વમાં એવું કોઈ પાપ નથી કે જેનો પ્રતીકાર શ્રીનવકારનો આશ્રય લેવાથી થઈ શકે નહીં. નવકારના અક્ષર કેવળ અક્ષર રૃપ છે, પરંતુ અક્ષરમય સાક્ષાત્ દેવતા છે, જ્યોતિપુંજ છે.

* શબ્દોનો મન પર વધુ પ્રભાવ હોવાને કારણે પંચ પરમેષ્ઠિના શબ્દોમાં મનને જોડી દેવાથી ચંચળ મન સુગમતાપૂર્વક વિષયક પાપના આકર્ષણમાંથી મુક્ત બને છે.

* પંચ નમસ્કારરૃપી સારથિથી હાંકવામાં આવતા જ્ઞાનરૃપી ઘોડાવાળા, સંપરૃપી રથમાં બેસીને મનુષ્ય શીઘ્ર નિવૃત્તિ પૂરીમાં પહોંચી જાય છે.
* ધ્યાન એ સર્વ તપોમાં શ્રેષ્ઠ છે જ્યારે તેનો વિષય પંચપરમેષ્ઠિ બને છે ત્યારે ધ્યામગ્ન થયેલ શ્રીનવકાર મદોન્મત હાથીની જેમ સર્વ કર્મરૃપી વૃક્ષોને સમૂળ નષ્ટ કરી દે છે.
****************************************************************************
કિષ્કિંધામાં...- ડો. અશોક નારાયણ

હવે મને મારી શક્તિઓનું કોઈ ભાન જ ન રહ્યું અને હું ચૂપચાપ અપેક્ષા વિનાનું એકાંત જીવન વ્યતીત કરવા લાગ્યો. પણ મારું જીવન શૂન્ય ન હતું. જીવનના આ સમયમાં મારામાં શ્રીરામના ચરણકમળની ભક્તિનો વિકાસ થયો. જ્યારે મેં રામ-જન્મના સમાચાર સાંભળ્યા ત્યારે મારા આનંદની કોઈ સીમા નહોતી રહી. મારું આ શરીર મારું આ રૃપ ભગવાન રામના જન્મ માટે તો હતું. જ્યાં સુધી તેનો જન્મ નહોતો થયો ત્યાં સુધી મને મારું જીવન નિરર્થક લાગતું હતું.

કથા એવી છે કે ભગવાન રામનો જન્મ થયા પછી ભગવાન શિવ અને હું ભગવાન રામના બાળસ્વરૃપનાં દર્શન કરવાં માટે વ્યાકુળ હતા. ભોળાનાથે તો જન્મતાંની સાથે જ કાગભુષુણ્ડ મહારાજની સાથે મનુષ્ય રૃપમાં શ્રીરામનાં દર્શન કર્યાં હતા.

ઔરઉ એક કહુઈ નિજ મોરી

સુનુ ગિરજા અતિ દૃઢ મતિ તોરી

કાગમુસુણ્ડિ સંગ હમ રોઉ

મનુજ રૃપ જાનઈ નહી કોઉ

પરમાનન્દ પ્રેમસુખ ફલે

બથિન્હ ફિરહા મગન મન ભૂલે

હે ગિરજા, સાંભળ તારી બુદ્ધિ ખૂબ દૃઢ છે. મારી એક બીજી ચોરી પણ હું તને કહું છું. કાગભુષુણ્ડ અને હું બંને મનુષ્યરૃપ ધારણ કરીને અયોધ્યાની ગલીઓમાં પ્રેમરસમાં તરબોળ થઈ પ્રભુ રામના બાળસ્વરૃપનાં દર્શન કરી અહીંતહીં ફરતાં હતા.

જો પાર્વતી માતાની બુદ્ધિ દૃઢ ન હોત તો ભોળાનાથની બરાબરની ખબર લેત. મને મૂકીને ચોરી ચોરી કાગભુષુણ્ડની સાથે ભગવાન રામનાં દર્શન કરવાં ગયા હતા? મને કેમ ના લઈ ગયા?

અમે બંને અંશ-અંશી બાળક રામનાં દર્શન કરવાં ગયા. ભોળાનાથ મદારીના રૃપમાં અને હું નાના વાંદરાના રૃપમાં. મદારીના ઈશારા પર મેં જાતજાતના ખેલ કર્યા અને બાળક રામને બહુ મજા પડી. મારા આનંદની કોઈ સીમા ન હતી. એમની પ્રસન્નતા જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં. પછી તો ભગવાન રામ જીદ કરવા લાગ્યા કે મારે તો આ વાંદરો જોઈએ જ. મહારાજ દશરથના પુત્રની જીદ કેમ પૂરી ન થાય? હું પણ એમ જ ઇચ્છતો હતો. હું એમની પાસે રહી ગયો. તેઓ રોજ મારી સાથે રમતા. હું રોજ તેમની સામે જુદી જુદી રીતે નાચતો. તે મને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. હું તો ધન્ય થઈ ગયો.

પછી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ ભ્રર્હ્મિષ વિશ્વામિત્રની સાથે જવા લાગ્યા ત્યારે ભગવાન રામના વિયોગની દુઃખદ ક્ષણ મારા માટે આવી ગઈ. મારી આંખનાં આંસુ રોક્યાં રોકાતાં ન હતાં પણ શું થાય? ભગવાન રામને બીજી લીલાઓ કરવાની હતી. અને મારે કિષ્કિંધામાં એમની પ્રતિક્ષા.

કિષ્કિંધામાં ઋક્ષરજા નામના પ્રતાપી વાનરને બે પુત્ર હતા- સુગ્રીવ અને વાલિ. સુગ્રીવ સૂર્યના અંશ હતા અને વાલિ ઈન્દ્રના. ઋક્ષરજાના સ્વર્ગવાસ પછી મોટાભાઈના સંબંધે વાલિ વાનરોના રાજા બન્યા. ભગવાન સૂર્યએ આપેલા વચનને કારણે હું સુગ્રીવનો સચિવ બનીને આજીવન એમની રક્ષા કરવાનો મોકો શોધી રહ્યો હતો. એક વાર મારા પિતા વાનરરાજ કેસરી વાલિને મળવા ગયા. હું પણ એમની સાથે ગયો અને સુગ્રીવનો સચિવ બની કિષ્કિંધામાં રહી ગયો. મારાં માતા-પિતા તો મને મહારાજા કેસરીના ઉત્તરાધિકાર બનાવી વાનરરાજના રૃપમાં જોવા માગતા હતાં. પણ મારો જન્મ તો સેવા કરવા માટે જ થયો હતો. મારે તો ભગવાન રામનો દાસ અને સુગ્રીવના અંગરક્ષક અને સચિવ બનીને જીવવાનું હતું.

વાલિ અને સુગ્રીવમાં ઘણી આત્મીયતા હતી. બંને એકબીજા વિના નહોતા રહી શકતા. વાલિ રાજા હતા અને સુગ્રીવ એમની પૂરેપૂરી સેવા અને મદદ કરતા હતા. બંને મને ખૂબ પ્રેમ કરતા હતા પણ મારી મિત્રતા સુગ્રીવ સાથે વધુ હતી અને મને એ પણ ખબર હતી કે નિયતિએ નક્કી કર્યા પ્રમાણે આગળ સુગ્રીવને મારી મદદની જરૃર પડશે એ વિચારીને હું સુગ્રીવનો ગાઢ મિત્ર બની ગયો.

વાલિ અદ્ભુત પરાક્રમી હતો. વાસ્તવમાં એને એવું વરદાન હતું કે તે તેના શત્રુ સાથે લડશે ત્યારે શત્રુનું અડધું બળ તેને મળી જતું અને અડધું જ શત્રુ પાસે રહેતું અને વાલિનું પોતાનું બળ તો હતું જ. એક વાર રાવણે તેને યુદ્ધ માટે લલકાર્યો. તે વખતે વાલિ તીર્થયાત્રાએ જતો હતો. તેણે રાવણને ખૂબ સમજાવ્યો કેે યાત્રા પૂરી કરવા દે પછી હું તારી વાત સાંભળીશ. પણ રાવણ ક્યાં માને તેમ હતો! છેવટે કંટાળીને રાવણને કાંખમાં દબાવી તીર્થયાત્રા પૂરી કરી. બધું કામ પતી ગયા પછી રાવણને બંધનમાંથી મુક્ત કર્યો અને કહ્યું હવે બોલ તું શું ઈચ્છે છે? રાવણે વાલિ સાથે મિત્રતાની ભીખ માંગી ને ત્યાંથી ભાગ્યો.

એક વાર ભેંસના રૃપમાં રહેવાવાળો અને મંદોદરીનો ભાઈ દુંદુભિ નામના એક રાક્ષસે વાલિને યુદ્ધ માટે લલકાર્યો. વાલિ સાથે તેણે યુદ્ધ કર્યું અને દુંદુભિ મરી ગયો. એના મરી ગયા પછી વાલિએ ગુસ્સે થઈને તેના શબને એક જોજન દૂર ફેંકી દીધું. તે ઋષ્યમૂક પર્વત પર મતંગ ઋષિના આશ્રમમાં પડયું. મતંગ ઋષિના કપડા પર લોહીના છાંટા ઊડયા. તેમણે દુંદુભિના શબને જોયું અને યોગબળથી જાણ્યું કે આ કોનું કરતૂત છે. બસ મુનિવરે તેને શાપ આપ્યો કે જો વાલિ મારા આશ્રમમાં આવશે તો એના મસ્તકના સેંકડો ટુકડા થઈ જશે.

લંકાપતિ રાવણના સંરક્ષણમાં રહેવાવાળા ખર, દૂષણ, ત્રિષિરા, વિરાધ વગેરે અનેક રાક્ષસો કિષ્કિંધામાં ઋષિઓની યજ્ઞાશાળામાં ઉત્પાત મચાવતા હતા. જોકે તેઓ વાલિના પરાક્રમ સામે ટકી શકતા ન હતા. હું પણ મારાથી બને તેટલી મદદ વાલિ અને સુગ્રીવને કરતો હતો. પણ મારામાં રહેલી ખરેખરી તાકાત અને પરાક્રમનો ઉપયોગ કરવાનો પ્રસંગ હજી સુધી મળ્યો ન હતો. અને શાપને કારણે મારી ખરી તાકાત યાદ પણ નહોતી આવતી.

એક દિવસ વિધિ-વિધાન અનુસાર મયનો પુત્ર (મંદોદરી અને દુંદુભિનો ભાઈ) માયાવી નામનો રાક્ષસ વાલિની સાથે યુદ્ધ કરવા આવ્યો. વાલિ એ સમયે સૂઈ રહ્યો હતો, પરંતુ શત્રુનો અવાજ સાંભળી તરત ઊઠીને શત્રુનો સામનો કરવા આવ્યો. પાછળ પાછળ સુગ્રીવ પણ આવ્યો. વાલિ અને સુગ્રીવને એક સાથે આક્રમણ કરતાં જોઈને રાક્ષસ ભાગી ગયો અને ગુફામાં ઘૂસી ગયો. વાલિએ સુગ્રીવને કહ્યું કે હું આ દુષ્ટ સાથે યુદ્ધ કરવા ગુફામાં જાઉં છું. તું અહીં જ ઊભો રહી રખેવાળી કરજે અને મારી રાહ જોજે. આ રાક્ષસનો સાથી આવી મને મારી નાખવા માટે ગુફાનું દ્વાર બંધ ન કરી દે તે જોજે અને પંદર દિવસ સુધીમાં હું પાછો ન ફરું તો માની લેજે કે હું મરી ગયો.

સુગ્રીવે એક મહિના સુધી ગુફાની બહાર પહેરો ભરીને તેની રાહ જોઈ ત્યારે તેણે ગુફામાંથી ફીણવાળું લોહી આવતું જોયું. સુગ્રીવને લાગ્યું કે વાલિ મરી ગયો. પેલો રાક્ષસ તેને પણ મારી ન નાખે તે માટે એક મોટી શીલાથી ગુફાનું મોં બંધ કરી દીધું અને કિષ્કિંધા પાછો આવ્યો. અને પછી સુગ્રીવને જ રાજ બનાવ્યો. કેમ કે વાલિનો પુત્ર અંગત હજી ઘણો નાનો હતો.

વાલિ તો અજેય હતો. તેણે પેલા રાક્ષસને તેના સાથીઓ સાથે મારી નાખ્યો. જ્યારે તે ગુફાના દ્વાર પાસે આવ્યો ત્યારે તેણે જોયું તો એક મોટી શીલાથી ગુફાનું મોઢું બહારથી બંધ હતું. ગમે તેમ કરીને શીલા ખસેડીને વાલિ કિષ્કિંધા પહોચ્યો. ત્યાં શું જુએ છે? સુગ્રીવ રાજા બની ગયો હતો. તે જોઇને વાલિ ક્રોધિત થઈ ગયો. સુગ્રીવ અને તેના મિત્રોએ તેને બહુ સમજાવ્યો પણ એ જ બન્યું જે વિધાતાને મંજૂર હતું. જે ભાઈઓ એકબીજા માટે જાન આપવા તૈયાર હતા તે જાની દુશ્મન બની ગયા. વાલિએ સુગ્રીવની પત્નીને પણ પોતાના વશમાં કરી અને સુગ્રીવને મારવા દોડયો.

હવે સુગ્રીવનો સંકટસમય આવ્યો અને મારી મદદનો સમય પણ પાસે આવી રહ્યો હતો. હવે મેં વાલિને બદલે સુગ્રીવને સાથ આપ્યો અને એનો મંત્રી-મદદનીશ બની ગયો. સુગ્રીવ જ્યાં જ્યાં જતો વાલિ તેનો પીછો કરતો હતો. મેં સુગ્રીવને મતંગ ઋષિ વડે મળેલા શાપને યાદ કરાવ્યો ત્યારે સુગ્રીવ તેના મિત્રો સાથે ઋષ્યમૂક પર્વત પર માતંક ઋષિના આશ્રમની પાસે રહેવા લાગ્યો. વાલિએ સુગ્રીવનું બધું જ ધન છીનવી લીધું હતું. અને સુગ્રીવપત્ની રૃમાને પણ પોતાના વશમાં કરી લીધી હતી. ઋષ્યમૂક પર્વત પર મતંગ ઋષિના સંરક્ષણમાં હોવા છતાં પણ તેને વાલિનો ભય લાગ્યા કરતો હતો. એ સાચું કે વાલિ ઋષ્યમૂક પર્વત પર આવી શકે તેમ ન હતો, પરંતુ પોતાના મિત્રો દ્વારા સુગ્રીવનો વધ કરાવી શકે તેમ હતો. સુગ્રીવ જ્યારે કોઈ અજાણી વ્યક્તિને જુએ કે તેને લાગે કે માનો ન માનો પણ વાલિએ મને મારવા માટે મોકલ્યો છે એવું માની લેતો. હું સુગ્રીવને હંમેશાં મદદ કરતો હતો.

કેટલા આશ્ચર્યની વાત છે કે મારા પ્રભુ વડે દેવતાઓના માધ્યમથી મને કલ્પના બહારનું બળ મળવા છતાં સુગ્રીવ દુઃખી અને ભયભીત હતો. જો મારા પ્રભુની આજ્ઞા મળી હોત તો મારા હોવા છતાં સુગ્રીવે વાલિના ડરથી ભાગી જવાની શી જરૃર હતી? મારા પ્રભુએ મને એટલી શક્તિ આપી છે કે એક તો શું હજાર વાલિઓને ધૂળ ચાટતા કરી નાખું. પણ મારા અંશી ભગવાન શિવે મને કોઈક જુદા કારણથી જન્મ આપ્યો હતો. એટલા માટે ન મેં વાલિ સાથે યુદ્ધ કર્યું કે ન મેં સુગ્રીવને આશ્વાસન આપ્યું કે તે ઋષ્યમૂક પર્વત પર નિર્ભય થઈ સુખેથી રહી શકે. હું તો ચૂપચાપ દાસની માફક મારા સ્વામી સુગ્રીવનો મંત્રી બની સમયે સમયે તેમને યોગ્ય સલાહ આપતો અને મારા ખરેખરા સ્વામીની રાહ જોતો હતો.

- અનુ. પ્રતિભા રાવલ
************************************************************************************
આરતી શા માટે અને કેવી રીતે કરવી જોઇએ - પ્રાંજલ ચોકસી

આરતી કરતી વખતે ભક્તનો ભાવ એવો હોવો જોઇએ કે જાણે તે પંચપ્રાણોની મદદથી ઇશ્વરની આરતી ઉતારી રહ્યો છે

પૂજા કરી રહ્યા પછી છેલ્લે આપણે ભગવાનની આરતી કરીએ છીએ. આરતી દરમિયાન ઘણા પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આ બધી સામગ્રીઓનો વિશેષ અર્થ હોય છે. એવી માન્યતા છે કે આરતી કરવાથી કે તેમાં ભાગ લેવા માત્રથી પણ પુણ્ય મળે છે. કોઇ પણ દેવતાની આરતી કરતી વખતે ત્રણ વાર પુષ્પ અર્પણ કરવા જોઇએ. આ દરમિયાન શક્ય હોય તો ઢોલ-નગારાં વગેરે વગાડવાં જોઇએ.

એક પાત્રમાં શુદ્ધ ઘી લઇ તેમાં એકી સંખ્યામાં જેમ કે ૩, ૫ અને ૭ની સંખ્યામાં દિવેટો કરીને આરતી કરો. તમે કપૂરથી પણ આરતી કરી શકો છો. સામાન્ય રીતે પાંચ દિવેટોથી આરતી કરવામાં આવે છે, જેને પંચ પ્રદીપ પણ કહે છે. આરતી પાંચ પ્રકારે કરવામાં આવે છે. કેવી રીતે આવો જાણીએ...

દીપમાળાથી, જળ ભરેલા શંખથી, ધોયેલા શુદ્ધ વસ્ત્ર દ્વારા, આંબા અને પીપળા વગેરેનાં પાનથી અને સાષ્ટાંગ એટલે કે શરીરના પાંચ ભાગ (મસ્તિષ્ક અને બંને હાથ-પગ) દ્વારા કરવામાં આવે છે. પંચપ્રાણોની પ્રતીક આરતી એ આપણા શરીરના પંચ પ્રાણોની પ્રતીક છે. આ આરતી કરતી વખતે ભક્તનો ભાવ એવો હોવો જોઇએ કે જાણે તે પંચપ્રાણોની મદદથી ઇશ્વરની આરતી ઉતારી રહ્યો છે. ઘીની જ્યોતિ જીવના આત્માની જ્યોતિનું પ્રતીક માનવામાં આવે છે. જો આપણે અંતર્મનથી ઇશ્વરની પ્રાર્થના કરીએ તો તે પંચારતી કહેવાય છે.

આરતી દરમિયાન કળશનો તો ઉપયોગ થાય છે સાથે તેમાં ઘણી સામગ્રીઓ પણ નાખવામાં આવે છે. આ બધાની પાછળ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક આધાર પણ છે.

કળશ

કળશ એક ખાસ આકારનો બનેલો હોય છે. તેની અંદરનું સ્થાન એકદમ ખાલી હોય છે. એવું કહેવાય છે કે આ ખાલી સ્થાનમાં શિવ વસે છે. જો તમે આરતી દરમિયાન કળશનો ઉપયોગ કરો છો, તો તેનો અર્થ એ છે કે તમે શિવ સાથે એકાકાર થઇ રહ્યા છો. એવું કહેવાય છે કે સમુદ્રમંથન વખતે વિષ્ણુ ભગવાને અમૃત કળશ ધારણ કર્યું હતું. આથી કળશમાં બધા જ દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

જળ

જળથી ભરેલો કળશ દેવતઓનું આસન માનવામાં આવે છે. વાસ્તવમાં આપણે જળને શુદ્ધ તત્ત્વ માનીએ છીએ, તેનાથી ઇશ્વર આકૃષ્ટ થાય છે.

નાળિયેર

આરતી કરતી વખતે આપણે કળશ પર નાળિયેર રાખીએ છીએ. નાળિયેરની શિખાઓમાં સકારાત્મક ઊર્જાનો ભંડાર હોય છે. જ્યારે આપણે આરતી ગાતા હોઇએ છીએ, ત્યારે નાળિયેરની શિખાઓમાં રહેલી ઊર્જા તરંગોના માધ્યમથી તે કળશના જળમાં પહોંચે છે. આ તરંગો ખૂબ જ સૂક્ષ્મ હોય છે.

સોનું

એવી માન્યતા છે કે સોનું પોતાની આજુ-બાજુના વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે. સોનાને શુદ્ધ કહેવામાં આવે છે. એ જ કારણે તેને ભક્તોને ભગવાન સાથે જોડવાનું માધ્યમ પણ માનવામાં આવે છે.

તાંબાનો પૈસો

તાંબામાં સાત્ત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારે હોય છે. કળશમાં ઉત્પન્ન થતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. કળશમાં પૈસા નાખવા તેને ત્યાગનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કળશમાં તાંબાના પૈસા નાખો છો, તેનો અર્થ એ છે કે તમારી અંદર સાત્ત્વિક ગુણોનો સમાવેશ થઇ રહ્યો છે.

સપ્ત નદીઓનું જળ

ગંગા, ગોદાવરી, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરી અને નર્મદા નદીનું જળ પૂજાના કળશમાં નાખવામાં આવે છે.

સપ્ત નદીઓના જળમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરવાની અને તેને વાતાવરણમાં પ્રવાહિત કરવાની ક્ષમતા હોય છે. કારણ કે મોટા ભાગના યોગી-મુનિઓએ ઇશ્વર સાથે એકાકાર થવા માટે આ જ નદીઓના કિનારે તપસ્યા કરી હતી.

સોપારી અને પાન

જો આપણે જળમાં સોપારી નાખીએ તો તેનાથી ઉત્પન્ન થયેલ તરંગો આપણા રજોગુણને સમાપ્ત કરી નાખે છે અને આપણી અંદર દેવતાના સારા ગુણોને ગ્રહણ કરવાની ક્ષમતા વધી જાય છે.

પાનની વેલને નાગરવેલ પણ કહે છે. નાગરવેલને ભૂલોક અને બ્રહ્માંડને જોડવાવાળી કડી માનવામાં આવે છે. તેમાં ભૂમિ તરંગોને ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. સાથે તેને સાત્ત્વિક પણ કહેવામાં આવે છે. દેવતાની મૂર્તિમાંથી ઉત્પન્ન સકારાત્મક ઊર્જા પાન દ્વારા ગ્રહણ કરવામાં આવે છે.

તુલસી
આયુર્વેદમાં તુલસીનો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે. અન્ય વનસ્પતિઓની તુલનામાં તુલસીમાં વાતાવરણને શુદ્ધ કરવાની ક્ષમતા વધારે હોય છે. ભગવાનના પ્રસાદમાં પણ તુલસીનાં પાન અચૂક મૂકવામાં આવે છે.
**************************************************************************
એક બિલ્વં શિવાર્પણં - - ઋત્વિજ શાસ્ત્રી
શિવ એટલે કલ્યાણકારી સ્વરૃપ. શિવની આરાધના કરવાનો અર્થ થાય છે કલ્યાણ સ્વરૃપ થવું. મહાશિવરાત્રિનું પર્વ આપણને શિવ બનવાની પ્રેરણા આપે છે. જોકે જીવનમાં એક દિવસમાં શિવ થઈ જવાતું નથી. સતત કલ્યાણકારી ભાવ રાખવાથી જ શિવને પામી શકાય. માનવીને શિવ બનવાની પ્રેરણા શિવદર્શન થકી જ થાય છે. હિમાલય પર્વતની ટોચ પર બેઠેલા શિવજી આપણને એજ બતાવે છે કે કલ્યાણકારી માર્ગ પ્રશસ્થ કરવા માટે જીવનમાં ચોક્કસ ઊંચાઈએ પહોચવું જરૃરી છે.

ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મવાદી અને યોગવાદી સંસ્કૃતિ છે. સમગ્ર વિશ્વમાં ભારતની સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. તે પુણ્યભૂમિ અને ભાવભૂમિ પણ છે. ભારતીય આધ્યાત્મિક જગતની કલ્પના ભગવાન શિવ વગર થઈ શકે નહીં. શિવભક્તિ એ ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ ધરાવે છે. શિવજીની પૂજા માટે શ્રાવણ મહિનાનું અને શિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે. તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ મુખ્ય છે. બ્રહ્મા સર્જનના દેવતા છે, વિષ્ણુ ભરણપોષણ અને વિશ્વનિયંતા છે, જ્યારે મહેશ એ વિસર્જનના દેવતા છે. શિવનાં બે સ્વરૃપ છે. સાકાર અને સગુણ, નિરાકાર અને નિર્ગુણ. નિર્ગુણ સ્વરૃપે શિવ પરબ્રહ્મ છે. સાકાર અને સગુણ સ્વરૃપે આપણે એમની સ્તુતિ અને પૂજન કરીએ છીએ. શિવનાં રૃપો અનેક છે. નામો પણ અનેક છે. આથી તેમનો મહિમા અપરંપાર છે.

કૈલાસના યોગેશ્વર તરીકે તેઓ હિમાલય પર હિમાચ્છાદિત શિખર પર સદાય બિરાજમાન છે. તે યોગીનો દેહ નિર્મળ છે. માથા પર મોટી જટા છે જે તપશીલતાનું લક્ષણ સૂચવી જાય છે. માનવીનું મન ચંચળ છે. એના કારણે જ સંસારની આધિ-વ્યાધિઓ અને ઉપાધિઓ છે. ચંચળતા વિનાનું વિકલ્પોરહિત શુદ્ધ મન શાંત, સ્વસ્થ, ચંદ્ર જેવું હોય છે. ચંદ્રને મનના અધિષ્ઠાતા દેવતા ગણવામાં આવે છે. શિવની જટામાં ચંદ્રનું ચિહ્ન તપ દ્વારા મનનો સંયમ મનને કાબૂમાં લેવાનો અને તેને ચંચલતારહિત કરવાનું સૂચન કરે છે. એ બતાવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં શીતળ રહો. પ્રસન્ન રહેશો તો દુઃખરૃપી ઝેરને પચાવી શકશો. શિવજીની જટામાંથી ગંગાના નિર્મળ નીરનો પુનિત પ્રવાહ વહે છે. તે તપ સંયમ દ્વારા જ્ઞાનની સ્ફુરણાનું અમૃત ઝરણું છે. પાવનકારી શીતળ ઝરણું બ્રહ્મરંધ્રમાં સહસ્રદલ-કમળમાંથી સ્ફુરી અમૃતનાડી વડે હૃદયકમળ તરફ વહે છે. તે અંતઃકરણમાં રહેલા મેલને સાફ કરે છે. આના કારણે ગંગા પતિતપાવની કહેવાય છે. શિવને ત્રીજું લોચન છે. જેનાથી એ ત્રિલોચન કે ત્રિનેત્ર કહેવાય છે. ત્રીજી આંખ એ જ્ઞાનચક્ષુ છે. જ્ઞાન દ્વારા, વિવેક દ્વારા શિવપદ પ્રાપ્ત થઈ શકે એવો અર્થ છે. જ્યારે તમામ દુન્યવી ઈચ્છાઓનો નાશ થઈ જ્ઞાનરૃપી ચક્ષુની પ્રાપ્તિ થાય છે ત્યારે શિવપદને પામી શકાય.

ભગવાન શિવે શરીર પર વ્યાઘ્રચર્મ વીંટાળેલું છે. તેમની બેઠક વ્યાધ્રચર્મ પર છે જે સૂચવે છે કે વાઘ એ ક્રૂરતા-દ્વેષ અને કામનું રૃપક છે. વાઘના ચામડા પર આસન એટલે કામ-ક્રોધ પર વિજય એવો અર્થ થાય છે. પ્રકૃતિ પર તેમણે વિજય મેળવ્યો છે. ભૂત-પ્રેત, યક્ષ, ડાકિણી, શાકિણી એમને આધીન છે. ચાર ભુજાથી ચારેબાજુ પ્રાણીમાત્ર પર તેમની અમર્યાદિત સત્તા છે. શિવજી સ્મશાનમાં રહેનારા દેવતા છે. તેમણે ખોપરીની માળા પહેરેલી છે. શરીર પર ભસ્મનો લેપ કર્યો છે. માનવીએ અંદર રહેલી મલીનતાને ખાસ દૂર કરવાની જરૃર રહે છે. તેમના કપાળ પર ત્રણ રેખાઓ દોરેલી છે. ત્રણ રેખાનો અર્થ છે અહંકાર, ક્રોધ અને માયા છે. તેનાથી સૌએ બચવાનું છે. તેને ભસ્મીભૂત કરવાના છે. શિવની પાસે ખાસ એમનાં જ આયુધો ધનુષ્ય અને ત્રિશૂળ છે. તેમાં ત્રિશૂળ અદ્ભુતમ છે. માનવીની ત્રણ ત્રિવિધ શક્તિઓનું તે પ્રતીક છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આમાંથી એકેય ક્ષીણ ન થાય તેવો વ્યવહાર ન કરવો. ત્રિશૂળ આધિ, વ્યાધિ અને ઉપાધિ એમ ત્રણેય શૂળોને નષ્ટ કરી દેવોની શક્તિનો સંકેત કરે છે.

ત્રિશૂળ એ ત્રણ ગુણો સત્ત્વ-રજસ-તમસ વડે આ પ્રકૃતિ ફૂલીફાલી છે અને બ્રહ્માંડ બન્યું છે. એ ત્રણ માયા ગુણો વડે સમસ્ત બ્રહ્માંડ પર શિવનું સામ્રાજ્ય છે. માયારૃપ ત્રણ ગુણો પર વિજય મેળવી, ત્રિગુણાતીત થઈ શિવપદ પ્રાપ્ત થઈ શકે.
******************************************************************************
દક્ષિણાંચલનું પવિત્ર તીર્થ શ્રી રામેશ્વરમ્ - - મૃત્યુંજય દેવ
ભારતમાં તીર્થાટનની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલી આવી રહી છે. આ પરંપરાને કારણે દેશમાં વિવિધ ભાષાઓ, પહેરવેશ, ખાન-પાન તેમજ અનેક રાજ્યોમાં વહેંચાયેલ હોવા છતાં ભારતવાસીઓ આજે પણ એકસૂત્રતામાં બંધાયેલા જોવા મળે છે. દેશને એકસૂત્રતામાં બાંધવા માટે આપણા દેશની સંસ્કૃતિ, પરંપરાઓ, તીર્થસ્થાનો, મઠો, નદીઓ, સરોવરો વગેરેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. દેશના મહત્ત્વનાં ચાર ધામમાં ઉત્તરમાં બદ્રીનાથ, પશ્ચિમમાં દ્વારિકાપુરી, પૂર્વમાં જગન્નાથપુરી અને દક્ષિણમાં રામેશ્વરમ્નો સમાવેશ થાય છે. તમિલનાડુના દક્ષિણી કિનારા પર સાગરતટે એક નાનકડો ટાપુ આવેલો છે. તેને પ્રાચીન સમયમાં શંખદ્વીપ કહેવામાં આવતો હતો. આ દ્વીપના કિનારે જ ભારતનું અત્યંત પવિત્ર ધામ રામેશ્વરમ્ આવેલું છે. દર વર્ષે આ જગ્યાએ લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે અને ધન્ય થઈ જાય છે.

રામેશ્વરમ્ તીર્થસ્થાનની સ્થાપના બાબતે ઇતિહાસકારોમાં જુદાજુદા મત પ્રવર્તે છે. જોકે એક વાત સુનિશ્ચિત છે કે રામેશ્વરના શિવલિંગની સ્થાપના અયોધ્યાના રાજા શ્રીરામ દ્વારા જ કરવામાં આવી હતી. એક માન્યતા અનુસાર રાવણને પરાજિત કરીને સીતાજીને લંકાથી પાછા લઈ જતા શ્રીરામે આ સાગરતટે શિવલિંગની સ્થાપના કરી હતી. એવી કથા પણ પ્રચલિત છે કે લંકા પર આક્રમણ કરતાં પહેલાં શ્રીરામે શિવની પૂજા કરીને શિવલિંગની સ્થાપના કરી હતી. રામલિંગમ્ મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવેલું છે. રામેશ્વરમ્નું શિવલિંગ એ દેશનાં બાર જ્યોર્તિલિંગમાંનું એક છે. મંદિરમાં ભગવાનને રામેશ્વરમ્ નામથી સંબોધવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતીયો તેમને રામનાથસ્વામીના નામથી ઓળખે છે. રામનાથસ્વામીની વેદીની નજીકમાં માતા પાર્વતીની પ્રતિમા સ્થાપિત છે.

શંખદ્વીપના તીર્થ રામેશ્વરમ્ના મુખ્ય દ્વાર પર જ ભગવાન વિશ્વનાથનું મંદિર છે. જેની પાસે તેમના પત્ની વિશાલાક્ષીનું પણ મંદિર છે. આ શિવલિંગો ઉપરાંત શેષનાગની શય્યા પર ભગવાન વિષ્ણુની અદ્વિતીય પ્રતિમા છે. મુખ્ય મંદિરની ચારે તરફ પથ્થરના વિશાળ સ્તંભોથી નિર્માણ પામેલ વિશાળ પરિકમ્મા પથને વિશ્વની સૌથી લાંબી પરસાળ માનવામાં આવે છે. આશરે એક હજાર મીટરથી પણ વધુ લાંબી પરસાળની બંને બાજુ એક હજાર જેટલા સ્તંભો છે. આ સ્તંભો પર સુંદર કોતરણી કરીને શિલ્પ-સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ રજૂ કરવામાં આવેલા છે.મુખ્ય મંદિરની સામે સુવર્ણમંડિત સ્તંભ છે. શિવવાહન નંદી ત્યાં બિરાજમાન છે.નંદીની ઊંચાઈ લગભગ બાર ફૂટ છે. આ પ્રકારના ઊંચા નંદી ભાગ્યે જ જોવા મળે છે. આ વિશાળ મંદિરની ચારે બાજુ પથ્થરોની કલાત્મક દીવાલ છે. મુખ્ય મંદિરની પૂર્વ અને પશ્ચિમમાં ક્રમશઃ દશ અને સાત માળ ઊંચાં ગોપુરમ્ આવેલાં છે. આ ગોપુરમ્માં અનેક દેવી-દેવતાઓ અને પશુ-પક્ષીઓની વિશાળ પ્રતિમાઓ છે. દક્ષિણ ભારતનાં મંદિરોનાં દ્વાર ગોપુરમ્ના નામથી ઓળખવામાં આવે છે. રામેશ્વરમ્ મંદિરનું પૂર્વ દિશાનું ગોપુરમ્ ભવ્ય છે. ગોપુરમ્ની સામે આવેલા સમુદ્રતટને અગ્નિતીર્થમ્ કહેવામાં આવે છે. અહીંનો દરિયા કિનારો શાંત છે. યાત્રાળુઓ અગ્નિતીર્થના સમુદ્રતટે સ્નાન કરીને સમુદ્ર કિનારાની રેતથી શિવલિંગ બનાવીને પૂજા કરે છે. ત્યાર પછી જ મંદિરમાં જઈને દર્શન કરવાની પરંપરા બનેલી છે.

રામેશ્વરમ્ના જ્યોર્તિલિંગ પર વિશાળ મંદિર નિર્માણની ઇતિહાસકથા લખેલી છે. પહેલાંના સમયમાં મંદિર ઘણું નાનું હતું. પરંતુ ત્યાર બાદ રાજા સેતુપતિના ધ્યાનમાં આવતા તેણે મંદિર નિર્માણ કરાવ્યું હતું. બારમી સદીમાં લંકાના રાજા પરાક્રમ બાહુએ તેનું ગર્ભગૃહ બનાવડાવ્યું હતું. પંદરમી સદીમાં સ્થાનિક વેપારીઓએ ગોપુરમ્ અને બહારની દીવાલો બનાવડાવી હતી. સોળમી સદીમાં દક્ષિણ તરફની પરિકમ્માને રાજા તિરુમલૈએ બનાવડાવી હતી. જ્યારે અઢારમી સદીમાં રવિ વિજયરઘુનાથ સેતુપતિએ મંદિરને ભવ્ય બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. ઓગણીસમી સદીમાં દેવકોટ અબસરુ પરિવારે નિર્માણ અને સુધારકાર્ય ચાલુ રાખ્યું હતું. તેમાં આજે પણ સુધારા-વધારા થતાં રહે છે.

શંખદ્વીપ પર રામેશ્વરમ્ મંદિર ઉપરાંત અનેક દર્શનીય સ્થળો આવેલાં છે. મંદિરથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા દ્વીપની સૌથી ઊંચી ટેકરી જેને ગંધમાદન પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વત પર ભગવાન રામનાં પદચિહ્નો બનેલાં છે. ભગવાન રામે આ દ્વીપની સૌથી ઊંચી ટેકરી પર જઈને લંકા જવાનો માર્ગ નિશ્ચિત કર્યો હતો. આ સ્થાન પર બનેલા મંદિરને રામઝરોખા નામથી ઓળખવામાં આવે છે. અહીંથી આઠ કિલોમીટર દૂર કોદંડરામ સ્વામીનું મંદિર છે. શંખદ્વીપના દક્ષિણ કિનારે ધનુષકોટી છે. આ જગ્યા પરથી જ શ્રીરામે લંકા અભિયાન માટે સેતુ તૈયાર કરાવ્યો હતો. આજે પણ દરિયાના પેટાળમાં પથ્થરો દેખાય છે. ઉપગ્રહ દ્વારા લીધેલાં ચિત્રોમાં પણ આ સેતુ દેખાઈ આવે છે. એવું કહેવાય છે કે લંકાવિજય બાદ શ્રીરામે પરત આવ્યા બાદ આ પુલને તોડી પડાવ્યો હતો. રામેશ્વરમ્ના મંદિરમાં વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. જેમાં ચૈત્રી પૂનમે તમામ દેવતાઓનો અન્નાભિષેક ઉત્સવ ઉજવવામાં આવે છે.

વૈશાખ મહિનામાં દસ દિવસ સુધી વસંતોત્સવ, જેઠ મહિનામાં રામલિંગમ્ની પ્રતિષ્ઠા, અષાઢ મહિનામાં રામલિંગેશ્વરનો વિવાહોત્સવ, નવરાત્રિ મહોત્સવ, આસોમાં સ્કંદષષ્ઠીનો સમારોહ, કારતકમાં ત્રિર્કાિતક ઉત્સવ, પોષ મહિનામાં અમાસનો સમુદ્રોત્સવ, મહા મહિનામાં શિવરાત્રિ, ફાગણમાં ઉત્તર નક્ષત્રના દિવસે ઉત્સવનું આયોજન થાય છે. આમ મંદિરમાં નિત્ય ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. રામેશ્વરમ્ની આ પવિત્ર ધરા પર અન્ય મંદિરો પણ છે જે શ્રીરામ-સીતા-લક્ષ્મણ અને હનુમાનજીને સર્મિપત છે. રામેશ્વરમ્ની ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે દ્વીપ પર નાળિયેર, શંખ, છીપલાં ખૂબ જ જોવાં મળે છે. રામેશ્વરમ્નું વાતાવરણ મનોહર અને શાંત છે. મંદિરનો ઘંટારવ, શ્રદ્ધાળુ ભક્તોના મંત્રોચ્ચારના સ્વરો, દીપોની અરુણિમા, દરિયા કિનારે ઝૂમતા નાળિયેર અને ખજૂરનાં વૃક્ષોનું મૌન સૌને ગમી જાય તેવું હોય છે.
********************************************************************************
પાલક મેથીનાં મૂઠિયાં

સામગ્રીઃ ૧ ઝૂડી પાલકની સમારેલી ભાજી, ૧/૨ ઝૂડી મેથીની સમારેલી ભાજી, ૧ ૧/૨ ટી સ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ, ૪ ટેબલસ્પૂન ઘઉંનો લોટ, ૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ (બેસન), ૨ ટેબલ સ્પૂન રવો, ૧/૩ ટી સ્પૂન મરી પાઉડર, ૧/૨ ટી સ્પૂન જીરું, ૧/૪ ટી સ્પૂન સોડા બાય કાર્બ, ૩ ટેબલસ્પૂન તેલ, ૧ ટી સ્પૂન સમારેલું લસણ, ૨ ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી (નાખવી હોય તો), ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ, ૧ ૧/૨ ટેબલ સ્પૂન તાજું ક્રીમ, ૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, મીઠું સ્વાદ મુજબ,

ર્ગાિનશ કરવા માટેઃ ૨ થી ૩ ટેબલસ્પૂન છીણેલું પનીર, સમારેલાં ટામેટાં

રીતઃ

એક વાસણમાં મેથી તથા પાલકની ભાજી લો.પછી તેમાં મીઠું નાખો તેને બરાબર મિક્સ કરો.

ત્યાર બાદ ભાજીમાંથી બરાબર નિચોવીને પાણી કાઢી લો.

એક તાસકમાં તમામ લોટ અને મસાલાની સામગ્રી ભેગી કરીને તેનો ઢીલો લોટ બાંધો.

તમારા હાથમાં નહીં જેવું તેલ લઈને લોટ મુઠ્ઠીમાં દબાવીને નાનાં નાનાં મૂઠિયાં વાળો. અને તેને બફાવા માટેે ઢોકળિયામાં મૂકો.

મૂઠિયાંને ૧૫ થી ૨૦ મિનિટ માટે વરાળથી બફાવા દો.

તે બફાઈ જાય એટલે તેની પર છીણેલું પનીર અને ટામેટાંના ટુકડા સજાવીને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
***************************************************************************
ગુંદર પાક
સામગ્રી

હીરાકણી ગુંદર - ૨૫૦ ગ્રામ, કોપરાનું છીણ - ૨૦૦ ગ્રામ, ઘઉંનો લોટ - ૪૦૦ ગ્રામ, સૂંઠ-ગંઠોડા ચૂર્ણ - ૨૫-૨૫ ગ્રામ, ખાંડ - ૪૦૦ ગ્રામ, એલચી પાઉડર - ૫ ગ્રામ, ઘી - ૪૦૦ ગ્રામ

રીત

* ગુંદર નાના દાણા રૃપે લેવો. જો મોટો હોય તો તેને અધકચરો ખાંડી લો.
* ત્યારબાદ તેને ઘીમાં તળી લો. કડાઈમાં ઘી નાખીને લોટને ગુલાબી એવો શેકી લો.
* તે લોટમાં ખાંડ, તળેલો ગુંદર, સૂંઠ, ગંઠોડા, કોપરું અને એલચી બધું નાખીને સરખી રીતે હલાવી લો. ઘી જરૃર મુજબ વધારે નાખી શકાય છે.
* તેમાં ખાંડને બદલે ગોળ વાપરવો હોય તો તેનો પાયો(ગરમ રબડી) કરી તેમાં બધું ભેળવી દેવું.
* તૈયાર થયા બાદ તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો, તેના કાપા પાડી અને ડબામાં ભરી લો.

આ પાક નબળાઈ, કમરના દર્દ તેમજ પ્રસૂતા બહેનો માટે ખૂબ લાભપ્રદ છે. તે એક ઉત્તમ શિયાળુ ટોનિક છે અને શિયાળામાં ખાવાથી વર્ષભર આરામ રહે છે.
***********************************************************************
અડદિયા પાક
સામગ્રી

અડદનો લોટ - ૨૫૦ ગ્રામ, દૂધ - ૩૫ મિલી, દળેલી ખાંડ - ૪૦૦ ગ્રામ, હીરાકણી ગુંદર - ૩૦ ગ્રામ, શુદ્ધ ઘી - ૩૫૦ ગ્રામ, આસનચૂર્ણ - ૨૫ ગ્રામ, સૂંઠ પાવડર - ૨૫ ગ્રામ, તજ-લવિંગ પાવડર - ૧૫ ગ્રામ, એલચી પાઉડર - ૫ ગ્રામ, ગંઠોડા ચૂર્ણ - ૧૫ ગ્રામ, કાજુ-બદામ-કિસમિસ - જરૃર પ્રમાણે

રીત

* પહેલાં થોડા ઘીમાં હીરાકણી ગુંદરને તળી લો.
* ત્યારબાદ અડદનો લોટ ઘી-દૂધના મોણવાળો કરવો. ધાબો દેવો અને થોડી વાર પછી ચાળી લો.
* તેના દાણાને ઘીમાં શેકી લો. શેકાઈ ગયા બાદ તેમાં ખાંડ, સૂંઠ, ગંઠોડા, એલચી, તજ-લવિંગ પાવડર નાખો.
* તેને હલાવીને(ઘી જરૃરી હોય તો વધારે નાખવું.) તેના નાના લાડુ વાળી લો.
* નહીં તો તૈયાર થયા બાદ તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો. તેની ઉપર કાજુ-બદામ-કિસમિસ ભભરાવો અને તેના કાપા પાડી લો.

ગુજરાતીઓનો આ એક સામાન્ય અને ઉત્તમ શિયાળુ પાક છે.
****************************************************************************
શક્તિવર્ધક પાક -

ઘઉંનો લોટ - ૧૦૦ ગ્રામ, ઘી - ૧૫૦ થી ૨૦૦ ગ્રામ, અડદનો લોટ - ૫૦ ગ્રામ, ગુંદકણી - ૨૦ ગ્રામ, ચણાનો લોટ - ૫૦ ગ્રામ, કોપરાનું છીણ - ૨૫ ગ્રામ, ખાંડ કે ગોળ - ૩૦૦ ગ્રામ, સૂંઠ - ૫થી ૧૦ ગ્રામ

રીત

* પ્રથમ ઘઉંનો લોટ, અડદનો લોટ તથા ચણાનો લોટ તપેલીમાં થોડું-થોડું ઘી મૂકીને અલગ-અલગ શેકી લો.
* પછી ઘી ગરમ કરી તેમાં ગુંદર તળી લો.
* ત્યારબાદ ગોળ લીધો હોય તો થોડા ઘીમાં તેનો પાયો(રાબડી) બનાવી, તેમાં બધા લોટ નાખો.
* ખાંડ લેવી હોય તો ખાંડની અઢી તારી ચાસણી કરવી.
* તેમાં બધા લોટ, કોપરાનું છીણ, તળેલો ગુંદર તથા સૂંઠ નાખી બધું હલાવી, સુખડીની જેમ પાક બનાવી લો.
* ખાંડ કે ગોળ ઓછા લાગે તો તે પોતાના સ્વાદ પ્રમાણે વધુ પ્રમાણમાં ઉમેરવા.
* ઘી ચોપડેલી થાળીમાં તે ઢાળી દઈ ઠારો. થોડી વાર પછી તેના છરીથી ચકતાં પાડી લો.

શિયાળામાં આ ‘પુષ્ટિ પાક’ ઘરના બધા માટે શક્તિવર્ધક અને પુષ્ટિદાયક છે.
************************************************
*********************
*