Monday, May 5, 2008

Gujarati Reading Material - 2

ભાગ્યની દેવીની કૃપાનો શુભયોગ અક્ષય તૃતીયા - Courtesy હરીશ શુકલ

અક્ષય તૃતીયાના દિવસે કરેલા પૂજનનું શુભફળ અવશ્ય મળે છે. ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નામકરણમાં બે શબ્દો છે, અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય નથી થતો અને તૃતીયા એ તિથિ ક્રમ છે. અક્ષય એટલે જે વસ્તુ કે અવસ્થાનો કયારેય નાશ- ક્ષય ન થઇ શકે તે અવસ્થા. ક્ષય તેનો નથી થતો જે સર્વદા સત્ય છે.



હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઇશ્વરીય તિથિ- સ્વયંસિદ્ધિ અભિજિત મુહૂર્ત છે. જે દિવસે તમામ માંગલિક કાર્યોમુહૂર્ત જોયાં સિવાય થઇ શકે છે.


અક્ષય તૃતીયા એટલે જે દિવસે કરવામાં આવેલ દાન-પુણ્ય-ધાર્મિક કાર્યો-સત્કાર્યોનાં પુણ્યનો કયારેય ક્ષય ન થાય તેવી તિથિ.અતિથિ સત્યયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી રોહિણી નક્ષત્રમાં શિવની પૂજા કરી જળના ઘડાનું દાન કરનાર શિવલોકમાં પૂજાય છે.


વિષ્ણુ ધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજે વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતરણના આ દિવસે ભગવાન વિષ્ણુને ઉત્તમ સાથવો ધરાવી, અક્ષતનો હોમ કરી બ્રાહ્મણો-ભૂદેવોને ઉત્તમ સાથવો તથા પકવાન દાન કરવાથી સર્વતૃતીયાનું ફળ પ્રાપ્ત થાય છે.
અક્ષય તૃતીયાના પર્વ કાળે ઉનાળો તેના યૌવન પર હોવાથી આ પર્વે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. જગતનો તાત ખેડૂત પણ તેનું કામ-ખેતીકામ આજના દિવસથી શરૂ કરતા હોવાથી તરસ્યા લોકો અને તરસી ધરતી માટે અતિ આવશ્યક જળ હોવાથી માનવીને માટે પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણી માટે હવાડા બનાવવા પણ પુણ્યનું કાર્ય મનાય છે.


દેવાધિદેવ મહાદેવજીના પ્રિય ગોરખનાથજીનું કથન પણ છે જ કે સાધક જુનો હોય કે નવો, અનુભવી હોય કે બિનઅનુભવી કે પછી ઉરચારણમાં પણ નવો સવો હોય અર્થાત્ સાધકનું ઉરચારણ પણ પૂરેપૂરું શુદ્ધ ન હોય તો પણ તેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ પૂજનનું શુભફળ અવશ્ય મળે છે.


ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કòપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે શ્રદ્ધાળુ ભાવિકને ત્યાં લક્ષ્મી ટકતી ન હોય સ્થિર ન રહેતી હોય તેમણે લક્ષ્મી પ્રાપ્ત કરવા તથા લક્ષ્મીની ચંચળતા સદાકાળ માટે સ્થિર કરવા તથા દુ:ખ દરિદ્ર દૂર કરવા અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ પ્રકૃતિના વરદાન એકાંક્ષી નાળિયેરનું વિધિવત્ સ્થાપન કરી અર્થાત્ ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર (આસન) બિછાવી સ્નાન-આદિ વિધિ પશ્ચાત્ અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી આસન પર એકાંક્ષી નાળિયેર સ્થાપિત કરી તેના પર ચંદન-કંકુ પધરાવી, એકાંક્ષી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અગર પીળા રેશમી વસ્ત્ર પર મંત્ર લખી ગંગાજળ-પુષ્પ-અક્ષત તથા નૈવેધ મૂકવાં. મંત્ર લેખન પહેલાં દીપ-ધૂપ અવશ્ય લખી પ્રગટાવવાં તેમજ મંત્રની ત્રણ માળા કરી મંત્ર જાપ કરવાં...

આ મુજબની પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઇ એકાંક્ષી નાળિયેર પર ૧૨૦ ગુલાબનાં ફૂલો ચઢાવવાથી આ એકાંક્ષી નાળિયેર સિદ્ધ થયું ગણાય છે. આ સિદ્ધ એકાંક્ષી નાળિયેરને નિત્ય પૂજા સ્થાને સ્થાપિત કરવું જેનું નિત્ય પૂજન કરનાર સર્વે સાધકોને લક્ષ્મી પ્રાપ્તિ-સ્થિરતા-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થવાના અનુભવે આનંદની પ્રાપ્તિ થાય છે. અલબત્ત લક્ષ્મી પ્રાપ્તિ માટે દીપાવલીના સમયે લક્ષ્મીપૂજનની પરંપરા જે ચાલી આવે છે તે તો યોગ્ય-ઉચિત જ છે પરંતુ લક્ષ્મીને સ્થિર કરવા માટે સદાકાળ માટે સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.

રાષ્ટ્રમાં અક્ષય તૃતીયા મહોત્સવ
અક્ષય તૃતીયાનો દિવસ ભારતભૂમિમાં સર્વત્ર પરશુરામ જયંતીના પર્વ મહોત્સવ રૂપે ભવ્ય યાત્રા સાથે ધામધૂમથી ભારે દબદબાપૂર્વક ઊજવાય છે. ચારધામના ઉલ્લેખનીય ધામમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શનનો માર્ગ આજે ખૂલતાની સાથે જ અક્ષય તૃતીયાએ બદ્રીનાથમાં દર્શનાર્થી ભકતોનો માનવ મહેરામણ છલકાય છે.


આજે અહીં ભાવિકો શ્રદ્ધા-ભાવપૂર્વક ગંગાજળમાં સ્નાન કરી પુણ્યકાર્ય કરી કòતાર્થ બનતાં હોવાથી અહીં બદ્રીનાથ વિસ્તારમાં આ તિથિ બદ્રીનારાયણ દર્શન તિથિ તરીકે મનાવાય છે. વર્ષમાં એક જ વાત થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયના દિવસે જ થતાં હોવાથી આ દિવસે રાષ્ટ્રભરમાંથી ભાવિકો શ્રી વિહારીજીનાં ચરણ દર્શનાર્થે વૃંદાવન પધારે છે.


અયોઘ્યામાં આજે શ્રી ઠાકુરજીની વિશેષ અર્ચના થાય છે. વ્રજમાં આજે સ્ત્રીઓ વૈશાખસ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવી તે ગ્રહણ કરાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિન્દ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિરાવરણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.


યાત્રાધામ જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય પણ આજથી જ પ્રારંભ થાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાં બીજ રોપવાનો પ્રારંભ થાય છે. આજે અહીં ભવ્ય ચંદનયાત્રાનું પણ આયોજન થાય છે. બુદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રઓનું પૂજન કરી સંપન્ન થાય છે, જે બાલિકાઓને અપરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.


આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચાલતો ‘હલ્દીરોરી’ નામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરદસ્તીથી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉરચારણ કરવા ફરજ પડાય છે. સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉરચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવાય છે, જેને ત્યાં ઉખાણા તરીકે ઓળખાય છે.


ગુજરાતમાં આજે ઘટ, વસ્ત્ર, પંખા તથા અન્ન દ્રવ્ય આદિનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાનાં પાણીની પરબ પણ શરૂ થાય છે. આજે ‘શ્રીનાથજી’માં ભગવાનને વિશેષ કરીને મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીનાં આભરણ ધરાવાય છે અને કીર્તન પણ ગવાય છે. રાજસ્થાનમાં એવી માન્યતા પ્રચલિત છે તે મુજબ આજના દિવસે કરેલાં લગ્ન ખંડિત નથી થતાં તેથી હજારોની સંખ્યામાં બાળ-લગ્ન પણ થાય છે.


આજનો અક્ષય તૃતીયાનો દિવસ સ્વયંસિદ્ધ અભિજિત શુભમુહૂર્ત હોવાથી આજે લગ્ન-વિવાહ આદિ માંગલિક કાર્યો દેશમાં મોટી સંખ્યામાં સંપન્ન થાય છે. આમ, અક્ષય તૃતીયાનું પર્વમાં રાષ્ટ્રનાં રાજયોમાં આગવી રીતે ઊજવાય છે.



=================================================================

મનોવિકાર દૂર કરતી વરુથિની એકાદશી - Courtesy જયેશ રાવલ


ચૈત્ર વદ-૧૧ને ‘વરુથિની’ એકાદશી કહેવામાં આવે છે. આજના દિવસે સંસારના પાલનહાર પરમાત્મા વિષ્ણુની ભગવાન ‘મધુસૂદન’ સ્વરૂપે પૂજા-અર્ચના કરવાનું તથા સક્કરટેટીનું નૈવેધ ધરાવી તેનાથી પારણાં કરવાનું વિધાન છે.

વરુથ એટલે કવચ અને વરુથન એટલે કવચથી રક્ષાયેલું. આમ, વરુથિની એટલે સુરક્ષાકવચ એવો અર્થ થાય છે. તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવનારી આ એકાદશીનું વ્રત કરવાથી મનોવિકાર દૂર થાય છે, અને આંતરિક બળ પ્રાપ્ત થાય છે. કુવિચારો, દુરાચારવૃત્તિ અને કુટેવોનું શમન થાય છે. સદ્વિચાર, સદાચાર અને સદ્ગુણોનું સુરક્ષાકવચ પ્રાપ્ત થાય છે.

યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ વરુથિની એકાદશીના વ્રતનું માહાત્મ્ય સમજાવ્યું હતું. ‘વરુથિની’ના વ્રતથી સુખની પ્રાપ્તિ અને પાપનો ક્ષય થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી માંધાતા તથા ધુન્ધુમાર જેવા અનેક રાજાઓ સ્વર્ગલોકને પામ્યા છે. દશ હજાર વર્ષની તપશ્ચર્યા કર્યાનું ફળ માત્ર વરુથિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે.

એકાદશીના દિવસે દાનનું મહત્ત્વ સમજાવતાં ભગવાન શ્રીકòષ્ણ કહે છે, કે ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન હાથીના દાન કરતાં પણ મોટું છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલના દાનનું છે. તલદાનથી સુવર્ણદાન અને સુવર્ણદાનથી અન્નદાન ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. કેમ કે, દેવતા, પિતૃ તથા મનુષ્ય એમ તમામ યોનિઓ અન્નથી જ તૃપ્ત થાય છે.

કન્યાદાન અને અન્નદાન સમાન રૂપે છે. કન્યાદાનના તુલ્ય ધેનુ (ગાય)નું દાન ગણાય છે. આ બધાં જ દાન કરતાં વિધાદાન સર્વોત્તમ છે. જે મનુષ્ય વરુથિની એકદાશીનું વ્રત નિયમપૂર્વક શ્રદ્ધાથી કરે છે, તેને વિધાદાનનું ફળ મળે છે.

જે મનુષ્ય પાપથી મોહિત થઇને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓના પુણ્યનો ક્ષય થાય છે. પુણ્યનો ક્ષય થવાથી નરક જેવી યાતના ભોગવવી પડે છે. તેથી કન્યા (પુત્રી, બહેન, ભાણેજ વગેરે સ્ત્રીધન)ના ધનથી બચવું જૉઇએ. તેને પોતાના કામમાં લેવું જૉઇએ નહીં. જેઓ પોતાની શકિત મુજબ કન્યાદાન કરે છે તેનાથી અનેકગણું પુણ્યબળ મળે છે. વરુથિની એકાદશીનું વ્રત કન્યાદાન સમાન ફળ આપનારું છે.

એકાદશીના દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસુર, ચણા, કોદરી, શાકભાજી, મધ, માંસાહાર, પરાયું અન્ન, બે વાર ભોજન, મૈથુન વગેરેનો ત્યાગ કરવો. ઉપરાંત નિંદક બાબતો, જુગાર રમવો, વધારે ઘવું, પાન ચાવવું, બીજાની નિંદા કરવી, ચુગલી કરવી, ચોરી, હિંસા, ક્રોધ અને અસત્ય વચન-વગેરેનો પણ ત્યાગ કરવો જૉઇએ.

આ બધાનું પાલન દશમ-એકાદશી અને દ્વાદશી એમ ત્રણ દિવસ માટે કરવું. મહાત્મા ગાંધીજીએ પણ આ જ બાબતોને ત્યાગ કરવાના મહાવ્રત (નિયમોનું )જીવનમાં હંમેશાં પાલન કરવા માટે કહ્યું છે. રવિશંકર મહારાજ હંમેશાં એકાદશીનું વ્રત કરતા. જેમાં તેઓ દશમ અને બારસ સહિત ત્રણ દિવસના ઉપવાસ કરવા.

ભગવાન કહે છે, આ પ્રમાણેની વિધિથી વરુથિની એકાદશીનું વ્રત કરવું તેમજ રાત્રી જાગરણ કરી ભગવદ્ ભજન નામસ્મરણ કરવું. ભગવાન મધુસૂદનનું પૂજન કરવું. એકાદશીની કથાનું વાંચન અને શ્રવણ કરવું. જેનાથી બધાં પાપમાંથી મુકત થઇ પરમગતિ પ્રાપ્ત થાય છે. મનના વિકારો દૂર થાય છે. આ વખતે બે એકાદશી છે. સામાન્યપણે દશમયુકત ક્ષય પામતી એકાદશી પ્રથમ હોય છે, તેનું વ્રત શિવભકતો કરે છે અને દ્વાદશીયુકત એકાદશી બીજી હોય છે જે વૈષ્ણવ ભકતો પાળે છે. આજ રોજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પુરસ્કર્તા શ્રી મદ્ વલ્લભાચાર્યજીનો પ્રાગટય દિન છે. જેથી આ એકાદશીનું વૈષ્ણવ ભકતો માટે અનેક ઘણું મહત્ત્વ છે.

======================================================================