Wednesday, May 28, 2008

Gujarati Reading Material - May 28, 2008

અગણિત પાપોમાંથી મુકિત અપાવતું ‘અપરા એકાદશી’નું વ્રત - Courtesy જયેશ રાવલ

વૈશાખ વદ-૧૧ને ‘અપરા એકાદશી’ કહેવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુનું ‘વામન’ સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. દશમના દિવસે જવ, ઘઉં અને મગમાંથી બનાવેલ અન્નનું એકવાર ભોજન કરવું, એકાદશીના દિવસે ઉપવાસ કરી રાત્રિ જાગરણ કરવું. બારસના દિવસે ભગવાનના વામન સ્વરૂપને કાકડીનું નૈવેધ ધરાવી પારણાં કરવાં. શાસ્ત્રમાં કહેવાયું છે કે અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને અપાર (અગણિત) પાપોમાંથી મુકિત મળે છે.

જે લોકો વૈધ (ડોકટર) થઈને ગરીબોનો ઇલાજ કરતા નથી, વિદ્વાન થઈને અનાથ બાળકોને જ્ઞાન આપતા નથી, સદાવ્રતી રાજા થઈને ગરીબ પ્રજાને સંભાળતા નથી, શકિતશાળી હોવા છતાં અપંગને આપત્તિમાંથી ઉગારી શકતા નથી, ધનવાન થઈને અસરગ્રસ્તોને સહાય નથી કરતા તેવા મનુષ્ય નરક ગતિને પામે તેવા પાપી હોય છે.

જનાર્દન શ્રીકૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવતાં કહ્યું, ‘તેમ છતાં હે રાજન! આવી વ્યકિતઓ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તેઓ પાપમુકત થઈને વૈકુંઠને પામે છે. બ્રહ્મ હત્યા, ગૌહત્યા, ગૌત્ર હત્યા, ગર્ભસ્થ શિશુ હત્યા, પરનિંદા તથા પરસ્ત્રીગમન જેવાં અગણિત પાપોમાંથી મુકિત મેળવે છે.

મકરસંક્રાંતિમાં પ્રયાગ સ્નાન કરવાથી, કાશીમાં શિવરાત્રીનું વ્રત કરવાથી, ગયાજીમાં પિંડદાન કરવાથી, સિંહસ્થ ગુરુમાં ગોદાવરીમાં સ્નાન કરવાથી, બદરી યાત્રામાં કેદારનાથનાં દર્શન કરવાથી, સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દાન-દક્ષિણા કરવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય માત્ર ‘અપરા એકાદશી’નું વ્રત કરવાથી તથા તેનું માહાત્મ્ય સાંભળવાથી પ્રાપ્ત થાય છે. વ્રત ઉપવાસમાં આહાર નિયંત્રણનો ખ્યાલ આપણાં ધર્મશાસ્ત્રોમાં દર્શાવ્યો છે.

ઉપવાસ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. પરંતુ બીમાર વ્યકિત તથા મધુપ્રમેહ (ડાયાબિટીસ) જેવી તકલીફ ધરાવતી વ્યકિતઓએ નકોરડા ઉપવાસ કરવા નહીં તે શાસ્ત્ર સંમત છે. એકાદશીના ઉપવાસમાં અન્નાહાર લેવામાં આવતો નથી, પરંતુ આ દિવસે ફળાહાર કરીને ઉપવાસ કરવામાં આવે છે.

વળી અવનવી ફરાળી વાનગીઓનો રસાસ્વાદ માણવાની પણ મજા આવે છે! સાબુદાણા, મોરૈયાની ખીચડી, સાબુદાણાની તળેલી સેવ, સાબુદાણાના પાપડ, બટાકાની સૂકી ભાજી, સૂરણનું શાક વગેરે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તે જ રીતે શિંગોડાના લોટમાંથી બનાવેલ વાનગીઓની મીઠાશ મઝેદાર હોય છે! મગફળી તેમ જ તલની બનાવટો પણ છૂટથી ખાઈ શકાય છે. કમળકાકડીના લોટમાંથી પણ વાનગીઓની બને છે.

એકાદશીના વ્રતમાં સમુદ્રી નમક (સાદું મીઠું)ના બદલે સિંધાલૂણ(સાંભરઝીલ)નો ઉપયોગ કરવામાં આવે છે. મોરસને બદલે સાકરનો ઉપયોગ ઇરછનીય છે.

ઉપવાસમાં પંચામૃત શ્રેષ્ઠ છે. તે જ રીતે કંદમૂળ, શક્કરિયાં, બટાકા, કાકડી વગેરે લઈ શકાય છે. કેળાંમાંથી બનાવેલ વાનગીઓ, વિવિધ ફળો, દૂધ અને સૂકામેવાનો પણ આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. તત્ત્વત: એકાદશીનો ઉપવાસ નિર્જળા કરવાનું વિધાન આવે છે. તેમ ન બને તો નિરાહાર રહેવું જોઈએ. તેનાથી તન-મનની શુદ્ધિ થાય છે, અને પાચનતંત્રને વિરામ મળે છે. તેવું શકય ન હોય તો સાદો અને સાત્ત્વિક ફળાહાર કરવો જોઈએ. વ્રત નિમિત્તે બ્રાહ્મણને ‘સીધું’ પણ સાદું આપવું જોઈએ.
===================================================================
ભગવાન મહાવીર સ્વામીના ભાલે થતું સૂર્યતિલક - Courtesy ગણિવર્ય અરવિંદસાગ


૨૨મી મેના રોજ વાતાવરણ કયારેક વાદળછાયું હોય તો પણ બરાબર ૨.૦૦ વાગીને ૭ મિનિટે તો વાદળ હટી જાય અને સૂર્યતિલકનાં દર્શન થાય.

ગુજરાતમાં અર્વાચીન સમયમાં પ્રાચીન વિધાઓનાં સમન્વયવાળા જૂજ સ્થાપત્યોમાં શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનું સ્થાન વિશિષ્ટ છે. અહીંના દેરાસરમાં મૂળ નાયક ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્યદેવ પોતાનાં કિરણોનું તિલક કરે છે. એટલે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૦ વાગીને ૭ મિનિટે આ નયનરમ્ય દૃશ્ય સર્જાય છે. એટલું જ નહીં તેનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજયભરમાંથી આવે છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અદ્ભુત સમન્વય છે.

રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને શુભ આશીર્વાદથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાની સ્થાપના ૨૬મી ડિસેમ્બર, ૧૯૮૦ પછી કરવામાં આવી હતી. અહીં ગરછાધિપતિ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની ઈરછા હતી કે આ સ્થળે ધર્મ, આરાધના, જ્ઞાન-સાધનાની કોઈ એક નહીં પણ અનેકવિધ પ્રવૃત્તિઓ થાય. તેમની આ ઈરછાને જૈનાચાર્ય પદ્મસાગરજી મ.સા.એ મૂર્તરૂપ આપ્યું. એટલું જ નહીં ‘આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર’નું નિર્માણ પણ આ જ વિશિષ્ટરૂપે થયું છે.

અહીં જે સૂર્યતિલક થાય છે તેની વિશેષતા પણ જાણવા જેવી છે. ગરછાધિપતિ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે દિવસ હંમેશાં બધાને યાદ રહે તે માટે કોઈ વિશિષ્ટ કòતિ તૈયાર કરવી જોઈએ. એવો વિચાર ચાલતો હતો ત્યારે જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તેમના શિષ્ય અરુણોદયસાગરજી મ.સા. તથા મુનિ અજયસાગરજી સાથે અમે મળીને તેમના આશીર્વાદ સાથે આ વિશિષ્ટ શિલ્પશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના સમન્વયથી સૂર્યતિલક થાય તેવી રચના કરી. એટલું જ નહીં તેમનાં અંતિમ સંસ્કાર સમયે એટલે કે બપોરે ૨.૦૦ વાગીને ૭ મિનિટે જ આ આહ્લાદક વિશિષ્ટ દૃશ્ય સર્જાય છે.

એ પણ એક કòપા ગણી શકાય કે ૨૨મી મેના રોજ વાતાવરણ કયારેક વાદળછાયું હોય તો પણ બરાબર ૨.૦૦ વાગીને ૭ મિનિટે તો વાદળ હટી જાય અને સૂર્યદેવ દેખાય. એક વર્ષેર્ તો એવું બન્યું હતું કે સખત વરસાદ પડયો હતો અને સૂર્યનારાયણ આકાશમાં જાણે અદૃશ્ય થઈ ગયા તેવું થયું હતું. આ જૉઈને બધા જ શ્રદ્ધાળુઓને એવું જ થયું કે આ વર્ષે સૂર્ય નહીં દેખાય અને અમને આ સૂર્યકિરણનાં વિશિષ્ટ દર્શન નહીં થાય. બધા જ હતાશ થઈ ગયા હતા. પરંતુ સાધુ ભગવંતોનો વિશ્વાસ મક્કમ હતો અને થયું પણ એવું જ કે બરાબર ૨.૦૭ની થોડીક ક્ષણો પહેલાં જ વરસાદ બંધ થઈ ગયો અને સૂર્યદેવે દેખા દીધી અને ચોક્કસ સમયે સૂર્યતિલક થયું ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થામાં વધારો થયો અને ગરછાધિપતિ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને બધાએ મનોમન યાદ કર્યા હતા. એક પણ વર્ષે એવું બન્યું નથી કે સૂર્યતિલકનાં દર્શન થયાં ન હોય. આ દર્શન માટે મુંબઈ સહિત રાજયભરમાંથી સેંકડો જૈન તથા અજૈન શ્રદ્ધાળુઓ મટી પડે છે.

આ દેરાસરમાં કલાત્મક સ્તંભ અને દરાવાજાઓ છે. સાથે પ્રથમ સ્તરે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામીની સુંદર પ્રતિમાજી તથથ અલગ-અલગ દેરીઓમાં ૧૩ પ્રતિમાઓનાં દર્શન થાય છે. ભૂમિતલ પર આદિશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાઓનાં દર્શન થાય છે.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે વિશિષ્ટતાઓ છે. જે અંતર્ગત આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનો સમાવેશ થાય છે. જૈન ધર્મ અને ભારતીય સંસ્કòતિનાં વિશ્વનાં વિશાળતમ સંગ્રહાલય અને શોધસંસ્થાનના સ્વરૂપમાં આ જ્ઞાનમંદિરનું વિશિષ્ટ સ્થાન છે તથા આરાધના કેન્દ્રનો આત્મા છે. અહીં
૧. દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર,
૨. આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર,
૩. આર્યરક્ષિતસૂરિ શોધસાગર અને
૪. સમ્રાટ સમ્પ્રતિ સંગ્રહાલયનો સમાવેશ થાય છે.

અહીં આગમ, ન્યાય, દર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, જયોતિષ, આયુર્વેદ, ઇતિહાસ-પુરાણ વગેરે વિષયોનાં સંબંધિત મુખ્યત: જૈન ધર્મ અને વૈદિક તથા અન્ય સાહિત્ય સંબંધી સાચવણી થાય છે. વાચકોને યોગ્યતાનુસાર ગ્રંથો મળી રહી તે માટે પણ વ્યવસ્થા છે. અહીં રહેલા ગ્રંથોમાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી ઉપરાંત પર્શિયન, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, અરેબિક, તિબ્બટ, ભૂટાની વગેરે ભાષાઓના ગ્રંથોનો સમાવેશ થાય છે.

આજે જયારે પ્રાચીન લિપિના જાણકારો અને સમજનારાઓ વિદ્વાનો ઓછા થઈ રહ્યા છે ત્યારે વિદ્વાનો અને અઘ્યેતાઓને પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય વાચવામાં સુગમતા રહે તે માટે દેવનાગરી અને ખાસ કરીને પ્રાચીન જૈનદેવનાગરી લિપિનાં પ્રત્યેક અક્ષર-જોડાક્ષરમાં પ્રત્યેક શતકમાં કયા-કયા ફેરફાર આવ્યા અને તેનાં કેટલાં વૈકિલ્પક સ્વરૂપ મળે છે. તેનું સંકલન કરતા અનેક ચિત્રોનું કમ્પ્યૂટર પર એક ડેટાબેસમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. ભારતીય પ્રાચીન સંસ્કૃતિની પ્રાચીનતા અને ભવ્યતાને સમાજ અને નવી પેઢીને પરિચિત થાય તે આનો ઉદ્દેશ્ય છે.

અહીં વિશિષ્ટ આરાધના ભવન આવેલું છે. જેમાં પ્રાકૃતિક હવા અને પ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. અહીં સાધુ ભગવંતો સ્થિરતા કરીને પોતાની સંયમ આરાધનાની સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ઘ્યાન, સ્વાઘ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે. આ ભવન સ્થાપત્યકળાની દૃષ્ટિએ પણ એક વિશિષ્ટ ઉદાહરણ છે.

આ બધાં જ કાર્યોમાં જૈનાચાર્ય પદ્મસાગરજી મ.સા.ની પ્રેરણા રહી છે. તત્કાલીન ગરછાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ તથા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નાં અથાગ પરિશ્રમ, કુશળ માર્ગદર્શન અને સફળ સાનિઘ્યનાં ફળસ્વરૂપ શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાતીર્થ આજે એક જીવંત ઐતિહાસિક સ્મારક બની ગયું છે.

ગરછાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.
જેમની સ્મૃતિમાં દર વર્ષની ૨૨મી મેના રોજ સૂર્યતિલક થાય એવા ગરછાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના જીવન પણ બધા માટે પ્રેરણારૂપ હતું. તેમનો જન્મ વિ.સં.૧૯૭૧માં માગશર વદ ૬ના રોજ જગરાંવ(પંજાબ)માં થયો હતો. લાહોર વિશ્વવિધાલયમાંથી તેઓ સ્નાતક બન્યા હતા. તેમના દીક્ષા દાતા અને દીક્ષા ગુરુ મહાતપસ્વી મુનિ જિતેન્દ્રસાગરજી હતા. તેમને વિ.સં.૧૯૯૪ પોષ વદી ૧૦ના રોજ અમદાવાદ ખાતે દીક્ષા આપવામાં આવી હતી.

તેમને વિ.સં.૨૦૩૯માં મહુડી તીર્થ ખાતે જેઠ સુદ ૧૧ના રોજ ગરછાધિપતિ પદ પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમની નિશ્રામાં ૮૦ જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ. તેમની ગુણાનુરાગી વૃત્તિનો જ એ પ્રભાવ હતો કે વિભિન્ન જૈન ગરછો અને સમુદાયનાં સેંકડો સાધુ-સાઘ્વીજીઓ એમની પાસેથી માર્ગદર્શન લેતા હતાં. દેવદ્રવ્ય આદિની શુદ્ધતા માટે તેઓ વિશેષ જાગૃત હતા. તેમની પ્રેરણાથી અનેક જિનમંદિર, ઉપાશ્રય, પાઠશાળાઓનું નિર્માણ થયું. તેઓ વિ.સં.૨૦૪૧ની જેઠ સુદ બીજના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
==================================================================