Wednesday, October 1, 2008

Navratri Reading - 2


શ્રીયંત્રની રચનાનું રહસ્ય - Dharmadarshan

અંબાજીમાં સ્થાપિત શ્રીયંત્રની મઘ્યમાં રહેલ બિંદુ શિવ અને શકિત તથા શકિતનાં બે ચરણોનાં રૂપોમાં છે. આવાં જ ચરણોની છાપ સહસ્ત્રદલ કમળની મઘ્યે સહસ્ત્રાર છ ચક્રમાં છે. શુક્ર(વીર્ય) તેમજ શોણિત (રકત)ના વર્ણવાળા બે ચરણો. આધસૃષ્ટિની સિસૃક્ષામાંથી ઉત્પત્તિ સૂચવે છે. ગબ્બરની બરાબર સામે જ શ્રી અંબામાનું મંદિર છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ શ્રીયંત્રની પ્રતિષ્ઠા છે અને તંત્ર-વિધામાં શ્રીયંત્રનું મહાત્મ્ય છે...

ત્રિપુરાતાપિની ઉપનિષદ, ત્રિપુરોપનિષદિ, લલિતા સહસ્ત્રનામ, તંત્ર રાજતંત્ર તથા અન્ય તંત્ર-વિજ્ઞાન ગ્રંથોમાં શ્રીયંત્રનાં દર્શન માત્રથી સર્વ દાનનું ફળ મળે છે તેમ જણાવ્યું છે. આ શ્રીયંત્રનાં દર્શનમાત્રથી અનેકાનેક તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. તેથી જ અંબાજીનાં દર્શનમાત્રથી ફળ શીધ્ર પ્રાપ્ત થાય છે, મહેરછા ફળે છે.

ઋગ્વેદના શ્રીસુકતમાં પંદર ઋચાઓમાં શ્રીયંત્ર નિહિત છે. મહર્ષિ દુર્વાસાએ ‘હ્રીં’, ‘કલીં’ જેવા બીજાક્ષરોથી યંત્રનો પ્રાદુર્ભાવ દર્શાવ્યો છે. શ્રીયંત્ર ‘યંત્રરાજ’ એટલે કે યંત્રોમાં સર્વોપરી કહેવાય છે. તેમ જ તેનાં શ્રદ્ધાપૂર્વક થતાં દર્શનમાત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અન્ય સઘળાં યંત્રોમાં શ્રીયંત્રનાં કેટલાંક ચક્રોનો સમાવેશ હોય છે જ. આ શ્રીયંત્રનું તમે ઘ્યાનથી દર્શન કરશો તો તેમાં કુલ નવ ચક્રો અને બહારનો ચોરસ મળી કુલ દસ ચક્રનો સમાવેશ થાય છે. જેનો અર્થ આ પ્રમાણે છે:

મઘ્યમાં બિંદુ તે સર્વાનંદમય ચક્ર, ત્યારબાદ ત્રિકોણ કે સર્વ સિદ્ધિપ્રદ ચક્ર, ત્યારબાદ આઠ ત્રિકોણોનો અષ્ટાર, તે સર્વ રોગહટ ચક્ર, અંતરદશાર એટલે કે બહારના દસ ત્રિકોણો તે સર્વરક્ષાકર ચક્ર, બહિરદશાર એટલે કે બહારના દસ ત્રિકોણો તે સર્વાર્થ સાધક ચક્ર, ચતુર્દશાર એટલે કે ચૌદ ત્રિકોણો તે સર્વ સૌભાગ્યદાયક ચક્ર, ષોડશદલ કમલ એ સર્વાશા પરિપૂરકચક્ર દર્શાવે છે તથા ભૂપુર તે ત્રૈલોકયમોહન ચક્ર છે, અને અંતમાં જે બાહ્ય ચોરસ છે તે ચતુરસ્ત્ર, તેને પણ એક અલગ ચક્ર તરીકે ગણવામાં આવે છે.

આ શ્રીયંત્રની આઠ દિશાઓમાં આઠ શકિતઓ છે અને આઠ સિદ્ધિઓ તેની દ્વારપાળ છે. શ્રીયંત્રની સોળ પાંખડીઓમાં શ્રી મહાત્રિપુરાસુંદરીની મહાનિત્યા દેવીઓ બિરાજે છે તથા તેના ચૌદ ત્રિકોણવાળા સર્વ સૌભાગ્યદાયક ચક્રમાં ચૌદ ભુવનોવાળું બ્રહ્માંડ સમાવિષ્ટ છે. એક માસના પંદર-પંદર દિવસની એક-એક કળા એટલે કે શુકલ અને કૃષ્ણપક્ષ એ આ મહાનિત્યાઓ છે. મહાત્રિપુરાસુંદરી મા અંબા પરાશકિતષોડશી એટલે તે સોળમી કળા છે. જે પરાત્પર પરમ છે અને એ જ સહસ્ત્રારદલ કમલમાં અમૃત વર્ષાવતી મોક્ષ અને ભોગ અર્પણ કરનારી શકિત છે. તે જ કારણે અંબાજીમાં પૂનમનાં દર્શનનો મહિમા છે. આ દિવસનાં દર્શનથી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.

***************************************************************************
દુર્ગા દુર્ગતિનાશિની - Bhaskar Network, Ahmedabad

શકિતનો સીધો સંબંધ વિજય સાથે હોય છે. શકિતની અધિષ્ઠાત્રી દેવી દુર્ગાની આરાધનાનાં મૂળમાં મા વિજયી અને અસ્તિત્વવાસ હોવાની ભાવના સર્વોપરી છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપની ભકિત આરાધના મુખ્ય રીતે કરવામાં આવે છે. માનાં નવ સ્વરૂપ છે - શૈલપુત્રી (પાર્વતી), બ્રહ્મચારિણી ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, મહાકાલી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી દેવી.

દેવીનું નામ દુર્ગા હોવા પાછળની કથા કંઇક આ મુજબ છે. મહાબલિ દુર્ગમ રા-સે બ્રહ્મા પાસેથી વરદાન મેળવી ચારે વેદ લુપ્ત કરી દીધા. એથી ધર્મ, કર્મ, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ, યજ્ઞ, હવન પણ લુપ્ત થઇ ગયા. નદી, તળાવ, ઝરણાં, જંગલ સૂકાઇ ગયાં. અનેક વર્ષોસુધી ભયંકર દુષ્કાળ પડયો. ત્યારે ત્રસ્ત થયેલા દેવો, મનુષ્યો, ઋષિમુનિઓએ ફરી દેવીની આરાધના કરી. દેવી પ્રગટ થયાં. એમણે પોતાના દિવ્ય ચક્ષુથી મનુષ્યો અને દેવોની દુર્દશા જોઇ તો એમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ આંસુઓથી નદી, તળાવ ભરાઇ ગયાં. પૃથ્વી પર ચોતરફ હરિયાળી છવાઇ ગઇ.


પશુપક્ષી, દેવો-મનુષ્યો તૃપ્ત થઇ ગયાં. આ બધી જાણ થતાં દુર્ગમાસુર પોતાના સૈન્ય સાથે દેવો-મનુષ્યોને મારવા માટે ચોતરફથી ધેરવા લાગ્યો. ત્યારે કપાળુ દેવીએ પોતાના ભકતોની ચારે બાજુ પોતાના તેજથી એક વર્તુળ બનાવી દીધું અને દેવી પોતે એ વર્તુળની બહાર ઊભાં રહ્યાં.

દેવીએ પોતાના શરીરમાંથી મહાકાળી, તારા, છિનમસ્તા, શ્રીવિધા, ભુવનેશ્વરી, ભૈરવી, ધૂમશ્રી, બગલામુખી, માતંગી અને કમલા નામની દસ મહાવિધાઓ અને પૂર્વોકત નવદુર્ગા સહિત દસ દુર્ગાઓ અને અસંખ્ય માતાજીઓને ઉત્પન્ન કર્યા. આ બધી દેવીઓએ દુર્ગમાસુરની આખી સેનાનો તથા સ્વયં ભગવતીએ અસુરનો સંહાર કર્યો. આથી એમનું નામ દુર્ગા પડયું તથા પ્રાણીમાત્રની દુર્ગતિને નષ્ટ કરવાને કારણે દુર્ગતિનાશિની નામ પડયું.
****************************************************************************