Wednesday, October 8, 2008

Navratri Reading - 3

પાટણ પંથકનાં અજાઈ માતા - courtesy Dharmadarshan

મહેસાણાથી પાટણ તરફ જતાં આશરે પંદરેક કિલોમીટરના અંતરે પાંચોટ ગામથી આગળ રૂપેણ નદી આવે છે. રૂપેણ નદીનો પુલ વટાવ્યા પછી તરત જ આવતા ઢાળ ઉપર છિઠયારડા અને અલોડા ગામની વરચેના વગડામાં એક એકાંત ડુંગર આવેલો છે. આ ડુંગરા પર આધશકિત અજાઈ માતાનું આવેલું છે, સમગ્ર વિશ્વમાં તમને કદાચ એવું એકેય મંદિર જોવા નહીં મળે જયાં ડાબી સૂંઢવાળા અને જમણી સૂંઢવાળા એમ બંને મુદ્રાવાળા ગણપતિની મૂર્તિ સાથે સાથે અને પાસપાસે હોય. મંદિરમાં અજાઈ માતાજી જાણે સાક્ષાત હાજરાહજૂર હોય તેવી પ્રતીતિ કરાવતી એક અતિપ્રાચીન મનોરમ્ય મૂર્તિ આવેલી છે. અજાઈ માતાજી સ્વયં એક આધશકિત છે. તેઓ આરાસુરવાળા અંબાજી માતાનાં સગાં મોટા બહેન હોવાનું કહેવાય છે, અને તેથી જ અંબાજી ખાતે માનસરોવરની બાજુમાં મોટાબહેન અજાઈ માતાજીનું મંદિર પણ આવેલું છે. આ મૂર્તિની સ્થાપના સદીઓ પહેલાં આશરે ઇ.સ. ૧૨૩૩માં થઈ હોવાનો ઉલ્લેખ છે.


હિંગોળજી વાધેલા, ઉત્તરપ્રદેશના વાંસબરેલીથી, બ્રહ્મભટ્ટ જ્ઞાતિના આ બારોટ પરિવારો પોતાની સાથે તેમની કુળદેવીની પ્રતિમા પણ સાથે લઈને આવ્યા હતા. માતાજીના રથનો કાફલો પાટણ તરફ આગળ વધી રહ્યો હતો, ત્યાં હાલના છિઠયારડા અને અલોડા ગામની વરચે આવેલા આ નિર્જન છતાં રળિયામણા ટેકરા પર માતાજીનો રથ અટકી ગયો. ઘણા પ્રયત્નો કરવા છતાં અજાઈ માતાજીનો રથ ખસતો જ ન હોવાથી માતાજીની ઇરછા સમજી ગયેલા બારોટ વડીલોએ ત્યાં જ માતાજીની વિધિવત્ સ્થાપના કરી દીધી. એ પછી આ બારોટો હિંગોળજી વાધેલા સાથે આગળ વઘ્યા અને બાજુમાં આવેલ કંથરાવી ગામમાં જાગીરી મેળવીને ત્યાં સ્થાપી થયા. અજઈ માતાજીના મંદિરે રવિવાર અને પૂનમ ભરવાનો સંકલ્પ કરવાનો અનેરો મહિમા છે. એવું મનાય છે કે, સાચા મનથી શ્રદ્ધાપૂર્વક અજાઈ માતાજીનાં દર્શન કરી પાંચ પૂનમ ભરવાનો સંકલ્પ કરનાર વ્યકિતની મનોકામના પૂર્ણ થાય છે.

*************************************************************************************
દેવી પૂજા ઇતિહાસ અને ધર્મ - courtesy નગીનદાસ સંઘવી

હિન્દુ સમાજે સ્ત્રીઓને જે ત્રાસ આપ્યો છે અને તેમનું જેટલું શોષણ કર્યું છે તેટલું બીજા કોઇ સમાજમાં થયું નથી અને છતાં સ્ત્રી-પૂજા આજે તો માત્ર હિન્દુ ધર્મમાં જ જળવાઇ રહી છે.
સામાજિક અને સાંસ્કતિક દૃષ્ટિએ અતિ વિચિત્ર ગણાય છે તે નવરાત્રિ ઉત્સવ આજે પૂરો થાય છે. જે સમાજે સ્ત્રીઓને શારીરિક તાકાતમાં નબળી (અબળા) કહી છે, જેની બુદ્ધિ પાનીએ ગણાવીને જેને વિધાભ્યાસ માટે નાલાયક ઠરાવવામાં આવી છે અને જેને સંપત્તિનો અધિકાર આપવા સામે સનાતનીઓએ જબરદસ્ત વિરોધ કર્યો હતો તે સ્ત્રી શકિતના પ્રતીક દુર્ગા-કાલી-તરીકે, વિધાની અધિષ્ઠાત્રી સરસ્વતી રૂપે અને સંપત્તિ આપનાર લક્ષ્મી કે મહાલક્ષ્મી તરીકે પૂજાય છે. ઐ વિરોધાભાસ છે તે શ્રદ્ધાળુ લોકોના ખ્યાલમાં આવ્યો નથી. નવરાત્રિનો ઉત્સવ ભૌગોલિક ધોરણે પણ અતિવિચિત્ર છે. ભારતનાં પૂર્વ ભાગમાં આસામ છેડે અને પિશ્ચમ છેડે ગુજરાતમાં નવરાત્રિ જેટલા ઉત્સાહ અને ધામધૂમથી ઊજવાય છે તેટલો ભારતનાં અન્ય કોઇ વિસ્તારમાં ઉજવાતો નથી. ઊજવણીની પદ્ધતિ અને પ્રણાલી જુદી જુદી હોવાં છતાં આટલાં દૂરના વિસ્તારમાં જ આ ઉત્સવ જળવાયો છે તેનાં કારણે આપણે જાણતાં નથી. આપણી સૌથી મોટી કમનસીબી એ છે કે હિન્દુ ધર્મ વિચારનો ઇતિહાસ હજુ લખાયો નથી. તેનાં છૂટાછવાયા ટુકડાઓ અંગે થયેલાં સંશોધનો પણ આમજનતા સુધી પહોંરયા નથી અને તેથી આપણા ઉત્સવો અથવા ધર્મ વિચાર અંગે જનતા જે કાંઇ વાંચે-જાણે છે તે અડધા સાચા-ખોટાં-મોટા ભાગે તદ્દન ખોટાં વિધાનો હોય છે.

જૈનો પદમાવતીની અથવા બૌદ્ધો પ્રજ્ઞા-પારમિતા કે તારાની પૂજા કરે છે, તે ખરું. આવી પૂજા અનેક પ્રાચીન સંસ્કતિઓમાં છે. ખાસ કરીને સુમેરિયા, બેબિલોન, ગ્રીક તથા રોમન ધર્મગાથાઓમાં દેવીઓનાં ઉલ્લેખ છે. આપણે ત્યાં વેદ સાહિત્યમાં દેવીઓ છે, દેવી પૂજા નથી પણ સિંધુ સંસ્કૃતિનાં અવશેષોમાં નગ્ન સ્ત્રી દેવીઓની મૂર્તિઓ મળી છે, અને આખા ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિમાં સંખ્યાબંધ થાણાઓ પથરાયા છે.

આદિકાળમાં માણસ બાપજન્યનાં કારણો અને પ્રક્રિયાથી અજાણ હતો ત્યારે બાળકનો જન્મ અદ્ભુત ચમત્કાર ગણાતો હશે તેવું માની લઇએ તો આ ચમત્કાર માનવ સમાજમાં તો માત્ર સ્ત્રીઓ જ કરી શકે છે. પુરુષો અને સ્ત્રીઓ બંને મરણ નીપજાવી શકે છે, પણ નવી જિંદગી પ્રગટ કરવાની ક્ષમતા પુરુષમાં નથી. તેથી સ્ત્રી અને સ્ત્રીનાં પ્રજનન અવયવો પ્રત્યેનો અહોભાવ સ્ત્રી પૂજાનું કારણ હોઇ શકે. કબૂલ કરી લેવું જોઇએ કે આ અનુમાનો માટે નક્કર સાબિતી આપણી પાસે નથી. સિંધુ સંસ્કતિની લિપિ હજુ સુધી ઉકેલી શકાઇ નથી એ આ સંસ્કૃતિનાં ગ્રંથો કે લેખો પણ આપણી પાસે નથી. લખાણોનાં ટુકડા અગણિત છે. ખ્રિસ્તી કે ઇસ્લામમાં સ્ત્રી પૂજા નથી અને કેટલીક ખ્રિસ્તી સ્ત્રીઓ સંત તરીકે પૂજાય છે પણ જે અર્થમાં દેવી પૂજા થાય છે તે અર્થમાં તેમની પૂજા અર્ચના થતી નથી. બૌદ્ધ અને જૈન ધર્મનાં સંધિમાં સ્ત્રીઓને પ્રવેશ અપાયો પણ તેમનું સ્થાન હંમેશાં હલકું ગણવામાં આવે છે.

આજે આપણા દેશમાં દેવી પૂજા થાય છે તે તંત્ર માર્ગ અને શકિત સંપ્રદાયનો પ્રભાવ છે. આજે હિન્દુ ધર્મનાં સૌથી મોટાં અને મુખ્ય ફાંટાઓ-શૈવ ધર્મ, વૈષ્ણવો અને શાકતો છે તેમાં શાકતો સૌથી વધારે વગોવાયા છે અને સૌથી વધારે લોકપ્રિય છે, શૈવ અને વૈષ્ણવ વિચારધારાઓ પણ શાકત સિદ્ધાંતોથી પ્રભાવિત થઇ છે. આંતર શાકતા, બહી શૈવ, સભામઘ્યે ચ વૈષ્ણવા (મનમાં શાકત, દેખાવમાં શૈવ અને સમાજમાં વૈષ્ણવો). તેવું ગુજરાતમાં બ્રાહ્મણોને ઉતારી પાડવા કહેવાયું છે તે ખરી રીતે તો સમગ્ર સમાજને લાગુ પાડી શકાય કારણ કે જનતામાં આવો ભેળસેળિયો ધર્મ જ વધારે પ્રચલિત છે.

શકિત પૂજાનો મહિમા ગાનાર નવરાત્રિ શકિતનો ઉત્સવ હોવો જોઇએ પણ તેના ઉદ્ભવ અને પ્રસારણ અંગે આપણે હજુ અંધારામાં અટવાઇએ છીએ, જે કહેવા ય છે તે બધાં માત્ર અનુમાનો જ છે. શાકતો શકિતનાં ઉપાસકો છે અને તેને સ્ત્રી દેહ રૂપે પૂજે છે. આ શકિત પૂજા તંત્ર માર્ગ તરીકે ઓળખાય છે અને તેની કેટલીક પૂજાવિધિઓ અને અભિગમો એટલા ગંદા છે અને એટલા હલકા છે કે હિન્દુ પંડિતોએ વામમાર્ગનો હરહંમેશ તિરસ્કાર કર્યો છે.

મંત્રો બોલવાથી, વિવિધ પ્રકારનાં મંત્રો,ખાસ કરીને શ્રી યંત્ર જેવી ભૌમિતિક ચિત્રાવલિઓની ખાસ પ્રકારે પૂજા કરવાથી ચમત્કારો સર્જી શકાય છે તેવી માન્યતા તંત્રશાસ્ત્રમાં રૂઢ થયેલી છે. વેદો ઉપનિષદો બુદ્ધિપ્રધાન છે અને તેમાં શ્રદ્ધા ઓછી અને વિચાર વધારે મહત્ત્વ ધરાવે છે, પણ બૌદ્ધિક ચર્ચા કે વિચારણા લોકોને બહુ ફાવતી નથી. વિચાર કે બુદ્ધિનાં આધારે ચાલવું હોય તો માણસે પોતાનાં પૂર્વગ્રહો છોડવા પડે, પોતાની સમજણને સતત ચડાવ્યા કરવી પડે તેથી બૌદ્ધિકતત્ત્વ ચર્ચા હંમેશાં ભારેખમ અને ત્રાસદાયક હોય છે.

વેદ સાહિત્યમાં એક અઘ્યાય છે કે દેવો અને અસુરો વરચે કોણ ચડિયાતું ગણાય તેની ચર્ચા શરૂ થઇ અને તેમાં પ્રજાપતિએ વિવાદ તરીકે સરસ્વતીની નિમણૂક કરી. સરસ્વતી વિધાની દેવી છે તેવું સમજીને અસુરો એ ગંભીરતાથી શાસ્ત્રોનું અઘ્યયન શરૂ કર્યું છે.

સરસ્વતી સંગીત-કલાની પણ દેવી છે તેવું સમજીને માનવ સ્વભાવને ઓળખનાર દેવોએ સંગીત નત્યમાં ઘ્યાન લગાવ્યું, અને સરસ્વતીએ શાસ્ત્રનાં વિદ્વાન અસુરોને બદલે નાચવા-ગાવામાં કુશળ દેવોને ચડિયાતા ઠરાવ્યા. તંત્રશાસ્ત્રની ધોર દેવીઓ-ખાસ કરીને કાલી, છિન્નમસ્તકા દુર્ગા, અંબિકાને આપણે માતૃત્વ પદ આપીને માતાઓ બનાવી દીધી છે. આ દેવીઓની પૂજા વિધિની ભયંકરતાને સ્થાને આપણે નવરાત્રિ ઉત્સવમાં નાચવા ગાવાને પ્રાધાન્ય આપ્યું છે કારણ કે લોકોને જ્ઞાન ગમતું નથી ઉત્સવો ગમે છે.

*************************************************************************************
બાલવાનું અંબાજી માતાનું મંદિર - courtesy ચીનુભાઈ શાહ

સુવિખ્યાત બૈજનાથ મહાદેવ અને બાવનગજા હનુમાનથી માણસા જવાના રસ્તે, અમદાવાદથી ૪૦ કિ.મી., ગાંધીનગરથી ૧૭ કિ.મી. અને બાલવા ચોકડીથી દોઢ કિ.મી. અંદર બાલવા ગામ આવેલું છે. ગામમાં જૈન દેરાસર, સ્વામિનારાયણ મંદિર, રામજી મંદિર, કામનાથ મહાદેવ વગેરે દેવસ્થાનો ઉપરાંત સર્વધર્મ સમભાવ રૂપે શ્રી અંબાજી માતાજીનું મંદિર પૂર્વ દિશામાં આવેલું છે. જયાં લગ્ન પછી તરત કંકણદોરા (છેડા-છેડી) છોડવા દરેક કોમનાં યુગલો દૂરદૂરથી આવી વિધિ કરાવે છે.

આશરે ૫૮ વર્ષ પહેલાં અહીં ૧૨’ ઘ્ ૧૨’ના ઓટલા ઉપર પ’ ઘ્ પ’ની નાની જર્જરિત દેરીના ગોખમાં કસોટી પથ્થરમાંથી બની હોય તેવી ૩ ઇંચની નાની મૂર્તિ હતી. અતૂટ શ્રદ્ધાથી એક જૈન પરિવાર બે પેઢીથી સાંજે દીવો - ધૂપ વરસાદની હેલીમાં, કડે સમાણું પાણી વીંધીને દરરોજ અચૂક કરી આવતો. ‘મા’ની કૃપાની આ જૈન પરિવારનો વંશવેલો વિસ્તરી સુખી, સમૃદ્ધ બન્યો. મધરાતે ખેતરમાંથી ઘરે આવનારને દીવો સળગતો જોવાનો ચમત્કાર અનેકોએ સાંભળ્યો છે. માતાજીની મહેરથી અનિષ્ટ તત્ત્વો આ પરિવારને સતાવતાં ડરે છે.


બાલવાની વતની ગાંધીવાદી પંચાલ પરિવારને પણ ‘મા’ પ્રત્યે અનન્ય ભકિત હોઈ ઇ.સ.૧૯૫૦ની સાલમાં પ્રાચીન મૂર્તિવાળો જૂનો ગોખ અસલ સ્થિતિમાં રહેવા દઈ, તેની ઉપર નવી બેઠક બનાવી, શુદ્ધ સફેદ આરસમાંથી વાઘ ઉપર બિરાજમાન માતાજીની સુંદર મૂર્તિ બનાવડાવી પ્રાણ:પ્રતિષ્ઠા કરી તે સમયે અને તે પછી માતાજીના મંદિરની સન્મુખ સહસ્ત્રચંડી ૧૨૧ કૂંડી મહાયજ્ઞ સં. ૨૦૬૨ (ઇ.સ. ૨૦૦૬)માં કર્યો ત્યારે અઢાર આલમની વસ્તી એક રસોડે જમવા અને યજ્ઞનાં દર્શન કરવા ઊમટી પડેલી.


અંબાજી માતાનું નૂતન મંદિર, પેઈન્ટરોએ નવરંગથી સુશોભિત કરેલું છે. પૂજારી માટે મંદિરની પાછળના ભાગમાં રહેવા હાલ નવી સગવડ સાથેનું બાંધકામ ચાલુ છે. ઘણાં સમયથી ગામનો ‘જાની’ પરિવાર સેવા પૂજા- આરતીનું કામ સાંભળે છે. અખંડ દીવો ચાલુ રહે છે. શ્રદ્ધાળુઓ દ્વારા દીવા માટે ઘીનો અવિરત પ્રવાહ આવવાથી, વધેલા ઘીનો ઉપયોગ અવરનવાર ‘નવચંડીયજ્ઞ’ના ઉપયોગમાં લેવાય છે.

*************************************************************************************
દીવો - જ્ઞાન-ઓજસનું પ્રતીક - courtesy JAGDISH P. MEWA

આમ તો દીવો કદમાં ખૂબ જ નાનો છે, પણ તે જ્ઞાનના (ઓજસ) પ્રતીક તરીકે પણ તે ઓળખાય છે. તે અંધકારમાંથી પ્રકાશ પાથરવાનું કાર્ય કરે છે. ભલે તેનું કદ નાનું હોય છે, પણ તેનું મહત્ત્વ એ છે કે તે ત્યાગના મહિમાનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. તે પોતાનું સર્વસ્વ ગુમાવીને બીજાને પ્રકાશ કે અજવાળું આપવાનું કાર્ય કરે છે.


દીવો, જયોત, દીપક, ચિરાગ, દીવડો, દીવલડો, શમા, દીપ વગેરે નામ દીવાનાં છે. જયારે સંસ્કૃત ભાષામાં તેને દીપ કહે છે. ભારતીય સંસ્કૃતિમાં આજે પણ નવવધૂનો ગૃહપ્રવેશ કે મહાનુભાવ કે અતિથિ આવ્યા હોય તે વખતે દીવો સળગાવીને થાળીમાં મૂકી આરતી ઉતારીને આવેલ વ્યકિતનું સ્વાગત કરવાનો રિવાજ જે અતિપ્રાચીન સભ્યતાના પ્રતીક સમો આજે પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. તેથી શુભ પ્રસંગે દીવો પ્રગટાવીએ છીએ. ઘરઆંગણે તુલસી કયારા પાસે, વાસ્તુવિધિ પ્રસંગે, ગૃહપ્રવેશ વખતે, સંઘ્યાકાળે ઘરમાં વગેરે અનેક પ્રસંગો વખતે દીવો પ્રગટાવવામાં આવે છે.


નવરાત્રિમાં માતાજીની ગરબી થતી હોય છે. તેમાં નાના કદની માટલી (ઘડો) ‘ગર્ભદીર્પ’ કાણાંવાળી હોય છે અને તેમાં દીવો પ્રગટાવીને માથે મૂકીને કે પછી વરચે મૂકીને ફરતે ગરબા ગાવાનો રિવાજ આજે પણ ગામે ગામ જરૂર જોવા મળે છે. જયારે સુંદરમજાની લાકડાની કલાત્મક માંડવી કે ગરબીમાં ફરતે નાના દીવાઓ ગોઠવીને તેને પ્રગટાવીને માતાજીના ગરબા ગાવાનો અનેરો રિવાજ છે.


નવરાત્રિ વખતે ઘણા લોકો એકસો એક, એકસો પાંચ, એકસો એકાવન, બસો પાંચ કે બસો એકાવન દીવાની આરતી પોતાના અંગે (શરીર પર) દીવાઓ ગોઠવીને આરતી દ્વારા માતાજી પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા વ્યકત કરે છે. ગંગામૈયાના કિનારે આજે પણ હજારો અને લાખો શ્રદ્ધાળુઓ દીવાઓ સળગાવીને નદીમાં તરતા મૂકે છે. જે હરિદ્વારથી કલકત્તા સુધી ઠેર ઠેર આપણને આવા દીવાઓ જોવા મળે છે. રોજ રાત્રે ગંગામૈયાના કિનારે હરિદ્વારમાં આરતી જોવા હજારો- લાખો આવે છે અને પવિત્ર ગંગાને નમન કરીને તેમની અનેક દીવાઓની આરતીઓમાંથી સાંજે ગંગામૈયાના કિનારા પરનું તે વખતનું દૃશ્ય ખૂબ જ શ્રદ્ધા ભકિતભાવનું અનેરું વાતાવરણ સર્જે છે.


આજના આ આધુનિક યુગમાં ભલે દીવાની જગ્યાએ રંગબેરંગી ઈલેકટ્રોનિક લાઈટોનાં તોરણ કે હાર બનાવીને મકાન કે ઘરના મુખ્યદ્વાર પર ભરાવતાં હોય, પરંતુ દીવાઓ સળગાવીને જરૂર દીપાવલીના પર્વને મનાવતા જરૂર જોવા મળશે!! આમ દીવો અંધકારમાંથી પ્રકાશ પાથરવાનું કાર્ય કરે છે.

**************************************************************************************