દક્ષિણામૂર્તિ શિવ - courtesy મીનાક્ષી ભટ્ટ
‘બ્રહ્માએ તેમના ચાર માનસપુત્રો સનક, સનંદન, સનત્કુમાર અને સનત્સુજાતને સૃષ્ટિ આગળ ધપાવવાના કાર્યમાં મદદ કરવા કહ્યું, પરંતુ તેઓને આ કાર્યમાં રુચિ ન હોવાથી તેઓ મદદ કરવા રાજી ન હતા. આ ચારે પુત્રો એમ વિચારતા હતા કે કોણ તેમને જ્ઞાનનો કે સર્વોરચ વિવેકનો રાહ દર્શાવશે? નારદજી પધાર્યા અને તેઓએ કહ્યું, ‘બ્રહ્માજી સિવાય કોણ બ્રહ્મજ્ઞાન કે સર્વોરચ વિવેકનો રાહ ચીંધી શકે? ચાલો, આપણે તેમની પાસે જઈએ.’ આ ચારે જણા નારદજી સાથે સત્યલોકમાં બ્રહ્માજીના નિવાસસ્થાને ગયા અને જોયું તો સરસ્વતી વીણા વગાડી રહ્યાં હતાં અને બ્રહ્માજી સામે બેસીને તાલ મિલાવતા હતા અને પત્નીનું વીણાવાદન માણી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને તેઓને એમ થયું કે જે વ્યકિત પોતાની પત્નીના સંગીતનું અભિવાદન કરવામાં ગૂંથાયેલી છે તે કેવી રીતે અઘ્યાત્મ તત્ત્વ શીખવી શકે?’
ત્યાર બાદ નારદજીએ કહ્યું કે, ‘ચાલો આપણે વૈકુંઠમાં શ્રીવિષ્ણુ ભગવાનના નિવાસસ્થાને જઈએ. તેઓ સીધા જ અંદર વિષ્ણુ પાસે ગયા અને તેમને જોઈને પાછા બહાર આવ્યા અને કહ્યું કે, ‘અહીં તો દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પલંગ પર જ બેઠાં છે તથા તેઓની પગચંપી કરી રહ્યાં છે. પત્નીના નેત્રકટાક્ષથી મંત્રમુગ્ધ થયેલા આ ગૃહસ્થ કઈ રીતે (અઘ્યાત્મ વિધા શિખવાડવામાં) મદદરૂપ નીવડી શકે? ચાલો આપણે ભગવાન શિવની પાસે મદદ માટે જઈએ.’
તેઓ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજી પાસે ગયા. ત્યાં જઈને જોયું કે શિવજી એમના ઘણા બધા સાથીદારો વરચે તેમનાં પત્ની સાથે અર્ધ નર-નારી સ્વરૂપે દિવ્ય નૃત્ય કરી રહ્યા હતા. આતુરતાપૂર્વક જેમની આઘ્યાત્મિક દોરવણી માટે તેઓ આવ્યા હતા તેમને આ સ્થિતિમાં જોઈને તેઓ દિગ્મૂઢ થઈ ગયા અને બધા જ ત્યાંથી પાછા ફર્યા.
શિવજીને આ વાતનો અહેસાસ થયો અને તેમને માટે તેમને ત્યારે દુ:ખ થયું. ખરેખર જેઓ સત્યના શોધક છે તેમને આઘ્યાત્મિક જ્ઞાન બીજું કોણ પૂરું પાડશે? એમ વિચારીને શિવજીએ પોતે તપ કરવા માગે છે એવું બહાનું બતાવીને પાર્વતીજીને ત્યાંથી વિદાય કર્યા. આ નિરાશ ભકતો ઘરની વાટ પકડી રહ્યા હતા ત્યારે ઋજુ હૃદયના શિવજી તેઓના પાછા ફરવાના માર્ગ પર માનસરોવરની ઉત્તર બાજુ વટવૃક્ષ નીચે યુવાનરૂપે ચિન્મુદ્રા ધારણ કરીને દક્ષિણામૂર્તિ તરીકે બિરાજી ગયા.
એમને જોઈને તેઓ લોઢું જેમ લોહચુંબકથી આકર્ષાય એમ એમની તરફ આકર્ષાયા અને એમની હાજરીમાં એમની જેમ મૌન આત્મનિષ્ઠામાં રહ્યા. શ્રી રમણ મહર્ષિએ દક્ષિણામૂર્તિના અર્થ સહિતની સમજૂતી આપતાં કહ્યું હતું, ‘તેઓ માટે જન્મનો કયાં પ્રશ્ન જ છે? એ શિવનાં પાંચ સ્વરૂપોમાનું એક છે. આનો અર્થ એવો થાય છે કે તેઓ મૌન મુદ્રામાં દક્ષિણ દિશા ભણી મુખ કરીને બેઠા છે. આ સ્વરૂપનો જે આંતરિક અર્થ છે તેમાં તેની નિરાકારતા વર્ણવાઈ છે. શ્રી દક્ષિણામૂર્તિ, શ્રી એટલે માયાશકિત, દક્ષિણાનો એક અર્થ છે સમર્થ અને બીજો અર્થ છે ‘શરીરમાં જમણી બાજુએ આવેલા હૃદયમાં’ અમૂર્તિ એટલે આકારરહિતતા. આમ આના અનેક અર્થ કરી શકાય છે.
શ્રી રમણ મહર્ષિ શ્રીમદ્ શંકરાચાર્ય રચિત દક્ષિણામૂર્તિ સ્તોત્રની પૂર્વભૂમિકાને સમજાવતા કહે છે કે ‘મૌન જ સાચો ઉપદેશ છે. એ જ સંપૂર્ણ ઉપદેશ છે. આ ઉપદેશ આગળ વધેલા સાધકો માટે જ છે. અન્ય સાધકો આ દ્વારા પૂર્ણપ્રેરણા પ્રાપ્ત કરવા સમર્થ નથી. આથી આવા સાધકોને સત્ય સમજાવવા માટે શબ્દોની આવશ્યકતા રહે છે, પરંતુ સત્ય તો અનિર્વચનીય છે. તેનું વિવેચન સંભવ નથી. બહુ બહુ તો તેનો માત્ર નિર્દેષ કરી શકાય. આથી આદિશંકરાચાર્યે દક્ષિણામૂર્તિ સ્તોત્રની રચના કરી હતી કે જેથી તેનો પાઠ કરીને લોકો સત્યને સમજી શકે.
અંતે દક્ષિણામૂર્તિ શિવની સ્તુતિ કરતા રમણ મહર્ષિ દ્વારા રચિત અને પ્રો. મકરંદ બ્રહ્મા દ્વારા અનુદિત નીચેની પંકિતઓ સાથે વિરમીશું.
દક્ષિણામૂર્તિનો ચમત્કાર
(અનુષ્ટુપ)
કોણ છે વડની નીચે બિરાજેલા યુવા ગુરુ? વૃદ્ધાતિવૃદ્ધ શિષ્યો સૌ રહ્યા છે શોધી તેમને મૌનથી ઉપદેશે છે શોભતા આ યુવા ગુરુ છેદાયા સંશયો સર્વે તત્ક્ષણે શિષ્યવૃંદના વટવૃક્ષ તળે સોહે જ્ઞાન તેજે યુવા ગુરુ સન્મુખે વૃદ્ધ શિષ્યો સૌ બેઠા જ્ઞાનપિપાસિતો ગુરુનું મૌન વ્યાખ્યાન શિષ્યો સંશયમુકત સૌ!