Monday, August 4, 2008

Shravan Maas - Gujrati

વ્રતોનો મહિનો એટલે શ્રાવણ - Courtesy ડો. દેવીપ્રસાદ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા ઉપરાંત કેટલાંક બીજાં પણ મહત્ત્વપૂર્ણ વ્રત આવે છે, એનું પાલન કરવાથી શુભ ફળ મળે છે.


શ્રાવણ મહિનાના દરેક મંગળવારે વ્રત કરવાને મંગલાગૌરી વ્રત કહે છે. હરિયાલી ત્રીજ, કજલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે શ્રાવણ મહિનાનાં વ્રત છે.

શ્રાવણ મહિનો ચિંતનની દૃષ્ટિ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ મહિનો ભગવાન શિવજીને પ્રિય છે. હવે પ્રશ્ન એ છે કે શ્રાવણ માસ કોને કહે છે? ભારતીય વર્ષમાં નવવિધ કાલમાન પ્રચલિત છે. આમાં માનવજીવન વ્યવહારમાં બે પ્રકારના મહિનાનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે. ચંદ્ર દ્વારા બનતા મહિનાને ચંદ્રમાસ તથા સૂર્ય દ્વારા બનતા મહિનાને સૌરમાસ કહે છે. ચંદ્ર માસ બે પ્રકારે પ્રચલિત છે. (૧) પૂનમથી પૂનમ સુધીના મહિનાને પૂર્ણિમાંત ચંદ્રમાસ કહે છે. આ મહિનાઓનું ચલણ ઉત્તર ભારતમાં છે. (૨) અમાસથી અમાસ સુધીના મહિનાને અમાંત ચંદ્રમાસ કહે છે.


મહિનાઓના રૂપે ચંદ્રમાસ જ પ્રથમ દૃષ્ટિએ ગ્રહણ કરાય છે. સંક્રાંતિ સિવાય દરેક પર્વ, ઉત્સવ તેમજ વ્રત ચંદ્રમાસના આધારે મનાવાય છે. એક સંક્રાંતિથી બીજી સંક્રાંતિ સુધીના કાળને સૌરમાસ કહે છે. જે દિવસે સૂર્ય કર્ક રાશિમાં સંક્રમણ કરે છે એ દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય છે. પહાડી પ્રદેશોમાં ખાસ કરીને સૌરમાસનું ચલણ વિશેષ જોવા મળે છે. ત્યાં શ્રાવણના સોમવાર જેવાં વ્રતોને સૌરમાસ અનુસાર મનાવવામાં આવે છે.

ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંત ચંદ્રમાસનો શ્રાવણ માસ, શ્રાવણ સુદ એકમ ૧૯ જુલાઈ, ૨૦૦૮થી પ્રારંભ થાય છે. આ માસ શ્રાવણી પૂનમ શનિવાર ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ના પૂર્ણ થાય છે, જયારે દક્ષિણ ભારતમાં પ્રચલિત અમાંત ચંદ્રમાસ અનુસાર શ્રાવણ, શ્રાવણ સુદ એકમ શનિવાર ૨ ઓગસ્ટ, ૨૦૦૮થી શરૂ થઈને ૩૦ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી રહેશે. સૌરમાસ મુજબ સૂર્ય કર્ક રાશિમાં જુલાઈ ૧૬, ૨૦૦૮ના આવ્યો અને ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ના સિંહ રાશિમાં જશે. આના લીધે ૧૬ જુલાઈથી ૧૫ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી શ્રાવણ માસ રહેશે, જયારે આપણે અહીં ગુજરાતમાં ૨ ઓગસ્ટ, ૨૦૦૮થી શરૂ થઈને ૩૦ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી શ્રાવણ મહિનો રહેશે.

શ્રાવણ માસ ભગવાન શિવજીની પૂજાની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. આ મહિનામાં જે રોજ શિવજીની પૂજા કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાના સોમવાર ભગવાન શિવજીને વિશેષ પ્રિય છે. આ દિવસે ભગવાન શિવજીની આરાધનાનું ખાસ મહત્ત્વ છે. શ્રાવણ માસમાં પાર્થિવ પૂજન અર્થાત્ માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

દરરોજ અથવા દર સોમવારે તથા પ્રદોષના દિવસે શિવપૂજા કે પાર્થિવ પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવજી વૈદિક દેવતા છે. તેમને વેદોમાં યજુર્વેદ સૌથી વધુ પ્રિય છે. એટલે યજુર્વેદીય રુદ્રાષ્ટાઘ્યાયીથી ભગવાન શિવજીનું પૂજન અથવા અભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેક બે પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ સંપૂર્ણ રુદ્રાષ્ટાઘ્યાયીથી તેમજ દ્વિતીય ચયન કરેલા ૧૦૦ મંત્રોથી, જેને શતરુદ્રીય કહે છે. આ બંનેમાંથી સંપૂર્ણ રુદ્રાષ્ટાઘ્યાયીથી ભગવાન શિવજીનો અભિષેક કરવાનું પ્રચલન વધુ છે.

૧૧ રુદ્રાભિષેકોનો એક લઘુરુદ્ર, ૧૧ લઘુરુદ્રોનો એક મહારુદ્ર તથા ૧૧ મહારુદ્રોનો એક અતિરુદ્ર હોય છે. સોમવારે વ્રત કરીને યથાયોગ્ય શિવજીનો અભિષેક કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના પૂજન ઉપરાંત બીજા કેટલાંક મહત્ત્વપૂર્ણ વ્રત પણ આવે છે. તે કરવાથી પણ શુભ ફળ મળે છે. શ્રાવણ મહિનાના દરેક મંગળવારનું વ્રત કરવાને મંગલાગોરી વ્રત કહે છે. આ વ્રત લગ્ન બાદ સ્ત્રીઓ દ્વારા પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. લગ્ન બાદ પ્રથમ શ્રાવણ મહિનો આવે ત્યારે પિયરમાં ત્યાર બાદ ચાર વર્ષ સાસરિયામાં આ વ્રત કરવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં બીજાં કેટલાંક વ્રતો પણ આવે છે જેમાં હરિયાલી ત્રીજ, કજલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન આ બધાં વ્રત કરવાથી પણ તેનું લાભદાયી ફળ મળે છે.

**********************************************************************************
જયોતિર્વિજ્ઞાનના આરાઘ્ય મહાકાલ - Courtesy આનંદશંકર વ્યાસ

શ્રાવણ મહિનામાં ઉજજૈનમાં મહાકાલેશ્વરની આરાધનાનો મહિમા અનેરો છે. ભૂમંડળના સ્વામી મહાકાલેશ્વર પૃથ્વીની નાભિ પર સ્થિત સિદ્ધિ, કામનાઓમાં યશ અને કાર્યમાં સફળતા આપનાર છે. પ્રતિકૂળ ગ્રહયોગોથી મુકિત માટે મહાન પુણ્યપ્રદ અને શિવના પ્રિયમાસ શ્રાવણમાં શિવ આરાધના અને રુદ્રાવતાર હનુમાનની ઉપાસના કરવી શુભ છે.


ભગવાન મહાકાલેશ્વર કાલગણનાના સંચાલક છે, જે ઉજજૈનમાં પૃથ્વીની નાભિ (કુંડલિની) પર સ્વયંભૂ સ્વરૂપમાં સ્થિત છે. કર્ક રેખા પર સ્થિત ઉજજૈન, લંકાથી સુમેરુ સુધી જનારી ભૂમઘ્ય રેખાથી અહીં મળે છે. આ ભૌગોલિક સ્થિતિને લીધે પ્રાચીન સમસ્ત આચાર્યોએ ઉજજૈનને કાલગણનાનું નગર અને મહાકાલેશ્વરને કાલગણનાના સંચાલક કીધા છે. ભારતનાં દરેક પંચાગોનું આધારબિંદુ ઉજજૈન જ છે. આ અહીંના પંચાંગની વિશિષ્ટતા છે. મહાકાલ કાલગણનાના સંચાલક હોવાને લીધે જયોતિર્વિજ્ઞાનના આરાઘ્ય દેવ છે.

સમુદ્રમંથનમાંથી નીકળેલાં ૧૪ રત્નોમાં હળાહળ ઝેર પણ હતું. આ ઝેર કોઈ ગ્રહણ કરવા ઇરછતું નહોતું ત્યારે વિશ્વ કલ્યાણાર્થે ભગવાન શિવજીએ વિષપાન કર્યું તેથી તેઓ દેવથી પણ મોટા મહાદેવ કહેવડાવ્યા. વિષ પ્રત્યેની ગ્લાનિના શમન માટે શિવને જળમાં અને હિમાલય પર રહેવું ગમે છે. ભોળનાથ જળ, શીતળતા પ્રદાન કરનાર ચંદન, ચોખા, જંગલમાં ગતો આકડો, ધતૂરાનું ફૂલ અને બીલીપત્ર જેવી સરળતાથી પ્રાપ્ત થનારી પૂજન સામગ્રીથી પ્રસન્ન થઈ જાય છે.

શ્રાવણ શિવપૂજા માટેનો ખાસ મહિનો ગણાય છે, કારણ કે આ મહિનો વર્ષાઋતુમાં આવે છે અને પ્રકૃતિ દ્વારા સતત જળાભિષેક થતો રહે છે. આ વર્ષે શ્રાવણ માસનો આરંભ ૨ ઓગસ્ટ, શનિવારના રોજ થાય છે, જયારે પૂણાર્હુતિ ૩૦ ઓગસ્ટ, શનિવારના રોજ થશે. શ્રાવણ માસનો આરંભ શનિવારથી થઈ રહ્યો છે અને સમાપ્ત પણ શનિવારે થવાથી આ મહિનામાં પાંચ શનિવાર આવશે. મહિનામાં પાંચ શનિવાર અનુસાર ખેતી માટે નુકસાનકારક છે.

બીજું કે શ્રાવણ મહિનામાં ગ્રહણ પણ અનિષ્ટસૂચક છે. આ મહિનામાં કર્ક-સિંહ રાશિમાં ચતુગૃર્હી પણ પ્રાકૃતિક આપત્તિસૂચક છે, પરંતુ બૃહસ્પતિનો ઉત્તમ ગોચર રક્ષા કરવામાં સહયોગી રહેશે. શ્રાવણ મહિનો ચૈત્રાદિ માસના ક્રમમાં પાંચમો મહિનો છે, જે આત્મતત્ત્વ છે. અઘ્યાત્મના કારક સૂર્ય શ્રાવણ માસમાં કર્ક અને સિંહ રાશિમાં ભ્રમણશીલ હોય છે. કર્ક રાશિનો સ્વામી મનસ્તત્વ છે તો સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્ય આત્મકારક છે. મન અને આત્માનો સંબંધ જ ધર્મ અને અઘ્યાત્મની ઉપલબ્ધિનો મહિનો છે.

ઉજજૈનમાં શ્રાવણ માસમાં મહાકાલેશ્વરની આરાધનાનું ખાસ મહત્ત્વ છે. સમસ્ત ભૂમંડળના સ્વામી મહાકાલેશ્વર પૃથ્વીની નાભિ પર સ્થિત સિદ્ધિ, કામનાઓમાં યશ અને કાર્યમાં સફળતા આપનાર છે. હરિયાળી અમાસ એટલે કે ૧ ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ છે. રક્ષાબંધન ૧૬ ઓગસ્ટના રોજ બપોરના ૨.૩૦થી ૪.૦૦ વાગ્યા સુધી ઉત્તમ છે. આ દિવસે રાત્રે ચંદ્રગ્રહણ છે, જેનો વેધ બીજા દિવસે ૪ વાગ્યા સુધી રહશે.

શ્રાવણ મહિનામાં રાશિગત વિચાર
સિંહ રાશિમાં શનિ + મંગળ યોગ ૧૨ ઓગસ્ટ સુધી છે. ૨૨ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં ચતુગૃર્હી યોગ. સિંહ રાશિમાં ચતુગૃર્હી ૮ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ સુધી. ૧ ઓગસ્ટે કર્ક રાશિમાં સૂર્યગ્રહણ. ૧૬-૧૭ ઓગસ્ટથી રાત્રે મકર-કુંભ રાશિમાં. ચંદ્રગ્રહણ જેવી ગ્રહ સ્થિતિઓના પરિણામે કર્ક, સિંહ, કન્યા રાશિઓને સાડાસાતી છે. વૃષભ અને મકર રાશિને અઢી વર્ષની પનોતી છે. એટલે આ પાંચ રાશિઓ ખાસ સંઘર્ષ, તનાવ અને મોંઘવારીથી પીડાયેલી રહેશે. કર્ક, સિંહ, ધન અને મકર રાશિઓનો ચતુગૃર્હી સમય સાવધાની રાખવાનો છે. સૂર્યગ્રહણ મેષ, કર્ક, સિંહ અને ધન માટે અશુભ છે, જયારે ૧૬-૧૭ ઓગસ્ટનું ચંદ્રગ્રહણ મકર, કુંભ, મિથુન, તુલા રાશિ માટે કષ્ટદાયક રહેશે. તુલા, વૃશ્ચિક અને મીન રાશિ માટે અનુકૂળતા છે. પ્રતિકૂળ ગ્રહયોગોથી મુકિત માટે મહાન પુણ્યપ્રદ અને શિવજીના પ્રિય માસ શ્રાવણમાં ભકિત અને રુદ્રાવતાર હનુમાનની ઉપાસના કરવી.

આખા મહિના દરમિયાન તીર્થમાં સ્નાન, પ્રતિદિન સંકિલ્પત સંખ્યા પ્રમાણે ‘ૐ નમ: શિવાય’ મંત્ર બોલીને બીલીપત્ર અર્પણ કરવાં. ચંદન, ચોખા ચઢાવો, રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્રાભિષેક, હવન વગેરે પોતપોતાની શકિત પ્રમાણે કરાવવા. આખો મહિનો વ્રત-ઉપવાસ, ધાર્મિક ગ્રંથોનું વાંચન, શિવપુરાણ વગેરેનું વાંચન અને શ્રવણ કરવું. શિવ મહામંત્રનો જાપ કરવો. હર-હર મહાદેવ શંભુનો ઉદ્ઘોષ કરવો.
*************************************************************************************
રાજા સિદ્ધરાજે બનાવેલું સિદ્ધનાથ મહાદેવ
Courtesy અમિતા ચૌધરી

ભારતની સંસ્કૃતિ છે તેનાં મંદિરો અને જે હંમેશાં અજરઅમર રહી છે અને જે સેંકડો વર્ષોના વિદેશી હુમલાઓ અને વિદેશી શાસન હોવા છતાં જીવિત રહી છે. ભારતીય સંસ્કૃતિનો આત્મા તેનાં મંદિરો-ધર્મ છે. ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્ આ ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે અને તેવા જ એક સુંદર મંદિરની મુલાકાત અમે લીધી.

ગૂજરાત વિધાપીઠ તરફથી ‘ગ્રામજીવન પદયાત્રા’નું પાંચ દિવસનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમે આઠ વિધાર્થિની અને એક માર્ગદર્શક સાથે કલોલ તાલુકાના ગામમાં પદયાત્રા નિમિત્તે ફરવાનું થયેલું. તેમાં અમારું પ્રથમ ગામ ઔધોગિક ઇન્ડસ્ટ્રીઝથી ધેરાયલું એવું કલોલ તાલુકાનું સઇજ ગામ હતું. જયાં અમને એવું જાણવા મળ્યું કે અહીં એક પૌરાણિક પ્રાચીન મહાદેવનું મંદિર છે. અમે સૌ જોવા અને દર્શન કરવા ગયા અને તેના ઐતિહાસિક મહત્ત્વ વિશે જાણ્યું.

અમોને જાણવા મળવા મુજબ આ ‘સિદ્ધનાથ મહાદેવ’નું મંદિર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ. તેની કથા જાણતા આ પ્રમાણે છે.

પાટણના રાજા સિદ્ધરાજે ધારાનગરી પર ચઢાઇ કરી. પોતાના મામાને મારીને ગાદી પર બેઠા પછી આ પાપમાંથી મુકત થવા માટે રાજપુરોહિતે તેમને પાંચ સિદ્ધનાથ મહાદેવના મંદિર બાંધવા આજ્ઞા કરી. તેના ફળ સ્વરૂપે આ મંદિરનું નિર્માણ થયેલું છે. આ સ્થળે શ્રીરંગ અવધૂત એક વર્ષથી વધુ સમય રોકાયા ને ‘દત્તબાવની’ જેવા સુપ્રસિદ્ધ ગ્રંથની રચના કરી.

આ મંદિર સઇજ ગામની ગોદમાં આવેલું છે. પ્રાકૃતિક રીતે તેનો પરિસર વૃક્ષો, ફૂલ-છોડ અને વેલોથી વીંટળાયેલો છે. તેના ભવ્ય પ્રવેશદ્વાર અનન્ય આકર્ષણ ઊભું કરે છે. દ્વારપાળની મોટી મૂર્તિઓ અને બંને બાજુ સિંહોની રમણીય આકૃતિઓ તેમજ સૌથી ઉપર લિંગ અને શેષનાગની આકૃતિ ઘ્યાનકર્ષક છે.

આ સ્થળે જવા માટે અમદાવાદથી મહેસાણા હાઇવે પર ઇફકો કંપની સામે સઇજ ગામ છે અને ત્યાં આ સુવિખ્યાત મંદિર આવેલું છે. પિકનિક, પ્રવાસ નિમિત્તે પણ અહીં જઇ શકાય તેવું સ્થળ છે.
*************************************************************************************
રુદ્રાભિષેક : સર્વ દુ:ખ નિવારણ - Courtesy શિરીષ અયાચિત

પરમાત્મા ત્રણ સ્વરૂપમાં અભિવ્યકત હોય છે. સર્જક, પાલક અને સંહારક. સર્જનાત્મક પરમાત્મા ભવ અથવા બ્રહ્મા, પાલકાત્મક સ્વરૂપ એટલે હરિ અથવા વિષ્ણુ અને સંહારક એટલે હર અથવા રુદ્ર. રુદ્રને પશુપતિ પણ કહેવામાં આવે છે. પશુ અર્થાત્ ચલનવલન કરનાર પ્રાણી. એના શાસક-માલિક-પતિ એવા રુદ્ર એટલે પશુપતિ.


રુદ્રાઘ્યાયમાં દરેક મંત્ર સમાજધારણા માટે, સત્ગુણોની ઉપાસના કરવા અને ઉત્તમ વિચાર રાખવા માટે આદેશ આપનાર છે. નમકના પ્રથમ વિભાગમાં રુદ્રનાં વિવિધ રૂપોને નમસ્કાર કરેલા છે. સેનાપતિ, દિશાઓના સ્વામી, દ્વિપાદ અને ચતુષ્પાદ પશુઓના સ્વામી. રુદ્રાઘ્યાયનો બીજો વિભાગ જેને ‘ચમક’ વિભાગ કહેવામાં આવે છે તેમાં વિવિધ માગણીઓ કરવામાં આવે છે. ‘ચમે’ એટલે મને આપો.

રુદ્ર આરાધના કરવાના પ્રકાર
શિવલિંગ ઉપર સતત ધાર ધરીને રુદ્ર પઠણ કરવું એટલે ‘રુદ્રાભિષેક’. રુદ્રાઘ્યાયના નમકના સર્વે અગિયાર અને ચમકનો એક અઘ્યાય પછી બીજો અઘ્યાય એવી રીતે અગિયાર આવર્તનો કરવાથી ‘રુદ્રાભિષેક’ થાય છે. અગિયાર રુદ્રાભિષેક એટલે એકસોએકવીસ આવર્તનો કરવાથી એક ‘લઘુરુદ્ર’ થાય છે. અગિયાર લઘુરુદ્ર એટલે એક ‘મહારુદ્ર’ થાય છે. અગિયાર મહારુદ્ર એટલે એક ‘અતિરુદ્ર’ થાય છે.

રુદ્રના જપથી ગૃહદોષ, બધા નષ્ટ દૂર થાય છે, બધા રોગોની શાંતિ થાય છે, બધી ઇરછાઓ પૂર્ણ થાય છે. સંતતિ ન થવી, યશ ન મળવો, અસાઘ્ય બીમારી એવાં અનેક સંકટોને માત કરવા માટે ‘રુદ્રાભિષેક’ અત્યંત પરિણામકારક ઉપાય છે. પાપક્ષાલન, વ્યાધિનિવારણ આદિ માટે રુદ્રનું અનુષ્ઠાન અવશ્ય કરવું. એકંદરે વિવિધ સંકટો માત કરવા માટે ‘રુદ્રાભિષેક’ સુલભ અને પરિણામકારક ઉપાય છે.
**************************************************************************************
શ્રાવણના દેવ શિવજી - Courtesy ડો. મણિભાઈ પ્રજાપt

Aug 2, 2008 શનિવારે શ્રાવણ માસના પહેલા દિવસે, વર્ષાનાં જલબિંદુઓમાં ભીંજાયેલ અને ભકિત-રસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભકત-મનને ભગવાન શિવનું સ્મરણ થાય, ને મુખમાંથી ઉદ્ગાર નીકળી પડે : ઓમ્ નમ: શિવાય

‘અધિક શ્રાવણ’ (પુરુષોત્તમ-માસ)ના અધિષ્ઠાતા દેવ છે ભગવાન પુરુષોત્તમ, તો શ્રાવણના દેવ છે ભગવાન શિવ. પુરુષોત્તમ એટલે રામ-કૃષ્ણ વગેરે દશ કે ચોવીસ અવતાર ધારણ કરનાર ભગવાન વિષ્ણુ. એ છે અધિક શ્રાવણિયા દેવ, જયારે ભગવાન શિવ શ્રાવણિયા મહાદેવ ગણાયા. ‘અધિક શ્રાવણ’ અને ‘શ્રાવણ’ આ બે માસથી જાણે વિષ્ણુ અને શિવનો સંગમ થાય છે. બંને મહાન દેવોની એકતા સ્થપાય છે. ભારતીય ધર્મશાસ્ત્રકારોની કેવી અદ્ભુત બિનસાંપ્રદાયિક અને સમન્વયકારી દૃષ્ટિ! વાસ્તવમાં વિષ્ણુ-શિવમાં કોઇ ભેદ નથી, પછી વૈષ્ણવો અને શૈવોના ભેદ શીદને!

ભગવાન શિવનાં બેસણાં છે હરી-ભરી પ્રકòતિના ખોળેે. શ્રાવણમાં પ્રકૃતિ સોળે કળાએ શણગાર સજે છે. પ્રકૃતિ તો ભગવાન શિવની દૈવી શકિત પાર્વતી છે. શ્રાવણમાં વર્ષાનો વૈભવ પ્રકòતિ રૂપે પ્રગટે છે. પ્રકòતિના મેઘવણાર્ કાળાભમ્મર અંબોડે મેઘધનુષ્યના સાત રંગોની વેણી ગૂંથાય છે. વીજળીના ચમકારે એ હાસ્ય વેરે છે. પેલા પરબ્રહ્મસ્વરૂપ શિવજી વાદળમાં છુપાઇને ડમરુ વગાડી વગાડીને પ્રકòતિને નચાવે છે. વરસાદની ધારાઓનું સુરીલું સંગીત રેલાય છે. એ સંગીતમાં શિવભકત રાવણને શિવજીના તાંડવ-નૃત્યનો ધમધમાટ સંભળાય છે, તો વળી બીજા કોઇ શિવભકતને ધીર-ગંભીર નાદ સંભળાય છે.

પ્રકૃતિને આવો શણગાર સજાવનાર ‘ડિઝાઇનર’ છે કોણ? એ ડિઝાઇનર તો અદૃશ્ય રહીને પોતાની કલા-ગૂંથણી કરે છે. કુદરતને શણગારનાર એ ડિઝાઇનર છે મહેશ્વર. એની કલા અને સર્જન-શકિતને મૂલવવા સંતો, ભકતો અને કવિઓએ જાત-જાતની ઉપમાઓ આપી છે. સૃષ્ટિના, જગતના જુદા જુદા ઘાટ કે રંગ-રૂપ ઘડનાર એ પરબ્રહ્મસ્વરૂપ પરમેશ્વરને કેટલાકે શિલ્પી કે મહાન કલાકાર તરીકે દર્શાવ્યા, તો કેટલાકે અદ્ભુત પદાર્થોઉત્પન્ન કરનાર જાદુગર રૂપે, તો કોઇકે મનુષ્ય-આકòતિઓ ઘડનાર કુંભકાર રૂપે, તો કોઇકે અખિલ વિશ્વનું યંત્ર ચલાવનાર કુશળ ઇજનેર રૂપે ઓળખ્યા!

અષાઢ અને શ્રાવણ તો કવિઓ, ભકતો અને પ્રેમીઓના મધુમાસ. અષાઢી આકાશના પહેલા વાદળને જોઇને શિવભકત મહાકવિ કાલિદાસની કવિતા ‘મેઘદૂત’નું સ્મરણ થાય! હિમાલયના શિખર ઉપર આવેલી ભગવાન શિવની અલકાનગરી મનની આંખો આગળ તરવરી રહે. શિવજીની અલકાપુરીના કારભારી છે કુબેરભંડારી. એમનો એક સેવક હતો યક્ષ. યક્ષ એકવાર પોતાની ફરજ ચૂકયો, ને કુબેરે તેને પત્ની-વિયોગનો એક વર્ષનો શાપ આપી દીધો.

શાપ પ્રમાણે, બિચારા એ યક્ષને પત્નીથી વિખૂટા પડી, અલકાનગરી છોડીને દૂર-દૂર દક્ષિણભારતના રામગિરિ-આશ્રમમાં નિવાસ કરવો પડયો. અષાઢ માસના પહેલા દિવસે, આકાશમાં ઘુમરાતું પહેલું વાદળ જોઇને, એવી માદક મોસમમાં, એને અલકામાં વિરહિણી બનીને રહેતી પોતાની પ્રિયતમાનું સ્મરણ થયું. તેણે વાદળ મારફતે પોતાની પ્રાણપ્રિયા પત્નીને ‘પ્રેમસંદેશ’ મોકલાવ્યો! આનું હૃદયસ્પર્શી વર્ણન મહાકવિ કાલિદાસે ‘મેઘદૂત’ કાવ્યમાં કર્યું છે. અષાઢના પહેલા દિવસે કોઇ પ્રિયતમને પોતાની પ્રિયતમાનું સ્મરણ થાય, તો શ્રાવણ માસના પહેલા દિવસે, વર્ષાનાં જલબિંદુઓમાં ભીંજાયેલ અને ભકિત-રસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભકત-મનને ભગવાન શિવનું સ્મરણ થાય, ને મુખમાંથી ઉદ્ગાર નીકળી પડે : ઓમ્ નમ: શિવાય.

શિવજીની કે દેવીશકિત જગદંબાની કòપા પ્રાપ્ત થાય, તો મનુષ્યને કેવી અદ્ભુત શકિત મળે એનું જવલંત ઉદાહરણ મહાકવિ કાલિદાસ છે. ભગવાન શિવને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસમાં આપણે વૈદિક •ષિ વસિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યમ્બકેશ્વરની સ્તુતિ કરીએ :
‘સુગંધવાળા (જીવનને મઘમઘતું બનાવનાર) અને રિદ્ધિ-સિદ્ધિ વધારનાર (પાલક અને પોષક) એવા ભગવાન ત્ર્યમ્બકેશ્વર (ત્રિલોચન)નું આપણે યજન-પૂજન કરીએ. સ્તુતિ-સ્તવન કરીએ.’શ્રાવણ માસના આ દિવસોમાં ભગવાન શિવની સ્તુતિનું આપણે ગાન કરીએ:
***************************************************************************************