Thursday, July 23, 2009

Shravan Mahina - Reading

શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રાવણમાસની ઉજવણી
શ્રાવણ માસમાં શિવની પૂજા કરવાથી મોટે ભાગે સઘળા દેવતાઓની પૂજાનું ફળ મળી જાય છે. આ માસ દરમિયાન હાલના દેવોના ભગવાન શિવની પૂજા કરવી, કથા સાંભળવી તથા પુરણોનું શ્રવણ કરવું એ ઉત્તમ ગણાય છે. આની સાથે ખરાબ વિચારોને ત્યાગ કરી સ્વભાવમાં નમ્રતા દાખવી ધીરજ અને નિષ્ઠાપૂર્વક ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ. બ્રહ્મસેવા કરી, બ્રહ્મચર્યનું પાલન કરી તપસ્વી વૃત્તિમાં લીન રહેવું જોઈએ. આ માસનું મહાત્મ્ય સાંભળવા માત્રથી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માટે જ તેને શ્રાવણ માસ કહ્યો છે. પૂર્ણમાસીને શ્રવણ નક્ષત્રનો યોગ હોવાના કારણે પણ આ માસ શ્રાવણ માસ કહેવાય છે.

આ માસની સંપૂર્ણ કલાને કેવળ બ્રહ્મજી જ જાણે છે. આ માસના કુલ ત્રીસ દિવસ વ્રત અને પુણ્ય કાર્યોને માટે જ હોય છે. ભગવાન શિવને આ માસ ઘણો જ પ્રિય છે.

આ માસ નિયમ અને સંયમપૂર્વક તપ કરતા કરતા વ્યતિત કરવો. એક માસ સુધી રુદ્રાભિષેક કરવો, રુદ્રાક્ષની માળા ધારણ કરવી તથા તેનાથી ઓમ નમઃ શિવાય નો જય કરવો. વ્રતીએ આ માસ દરમિયાન પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુનો ત્યાગ કરવો. પુષ્પ, તુલસીદલ, ફળ, ધાન્ય અને બીલીપત્રથી મહાદેવની પૂજા કરવી જોઈએ. ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, જૂઠું બોલવું નહીં. પ્રાતઃકાળે સ્નાન વિધિ પતાવી એકાગ્રચિત્તે સૂકનનો પાઠ કરવો જોઈએ. આ માસ દરમિયાન કોટિહોમગ્રહ યજ્ઞા કરવાથી મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસમાં વારોનું મહત્ત્વ :
શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૃ કરી નિરંતર કરવામાં આવનારું વ્રત સઘળી મનોકામનાઓ પૂરી કરે છે. સોમવારનું વ્રત રોટક, મંગળવારનું વ્રત મંગલાગૌરી, બુધવારનું બુધવ્રત, બૃહસ્પતિનું બૃહસ્પતિ વ્રત, શુક્રવારનું જીવંતિકા વ્રત, શનિવારનું હનુમાનયા નૃસિંહ વ્રત અને રવિવારનું સૂર્ય વ્રત કહેવાય છે.

શ્રાવણ માસમાં તિથિઓનું મહત્ત્વ :
શ્રાવણ માસમાં ઘણાં બધાં વ્રતો કરવામાં આવે છે. સુદ બીજનું ઓદુંબર વ્રત, ત્રીજનું ગૌરીવ્રત, ચોથનું દૂર્વા ગણપતિ વ્રત (તેને વિનાયક ચોથ પણ કહે છે.) પાંચમનંુ નાગપંચમી વ્રત, છઠનું સૂયૌદન વ્રત, સાતમનું શીતળાદેવી વ્રત, આઠમનું અને ચૌદસનું દેવી વ્રત, નોમનું નહન વ્રત, દશમનું આશા વ્રત, અને બારસના વ્રતને શ્રીધર વ્રત કહે છે. માસની અંતિમ તિથિ પૂર્ણમાસી વિસર્જન કરી સઘળી સ્ત્રીઓ સૌથી પહેલાં પોતાના ભાઈના જીવનના રક્ષણ માટે રક્ષાબંધન બાંધે છે.


પ્રતિપદાથી અમાસ તિથિ સુધી કરવાના ઉપવાસોનું દેવ-દેવીઓ પણ ભિન્ન-ભિન્ન હોય છે. પ્રતિપદાને દિવસે કરવામાં આવતા વ્રતને દેવતા, અગ્નિ, બીજના બ્રહ્મા, ત્રીજના ગૌરી, ચોથના વિનાયક, પાંચમના સર્પ, છઠના સ્કંદ, સાતમના સૂર્યો, આઠમના શિવ, નોમના દુર્ગા, દશમના યમ, અગિયારસના વિશ્વેદેવ, બારસના શ્રી નારાયણ, તેરસના રતિપતિ કામદેવ, ચૌદસના શિવ પૂર્ણમાસીના ચંદ્રદેવ અને અમાસ માટેના વ્રતના આરાધાદેવ પિતૃ છે.

રુદ્રી પાઠનું મહત્ત્વ :
શિવપૂજાનો સર્વપ્રથમ સંકલ્પ કરવો તે પછી શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવી નિષ્ઠાપૂર્વ ઓમ નમઃ શિવાય નો જાપ કરવો, યોગ્ય બાહ્મણ દ્વારા રુદ્વાષ્ટધ્યાયીનો પાઠ કરાવવો અને તેનું શ્રવણ કરવું રીુદ્રના એક પાઠથી લાલ ગ્રહોની શાંતિ થાય છે. ત્રણ પાઠથી ઉપદ્રવની શાંતિ થાય છે. પાંચ પાઠથી ગ્રહોની, સાત પાઠથી ભયની, નવ પાઠથી સઘળા પ્રકારની શાંતિ ને વાજપેઇ યજ્ઞાની પ્રાપ્તિ, અગિયાર પાઠ કરવાથી એક રુદ્રનો પાઠ થાય છે. ત્રણ રુદ્ર પાઠ થકી કામનાની સિદ્ધિ અને શત્રુઓનો નાશ થાય છે. પાંચ પાઠથી શત્રુ અને સ્ત્રીનું વશીકરણ, સાત પાઠથી સુખની પ્રાપ્તિ, નવ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આમ આ રીતે નવ રુદ્રોથી એક મહારુદ્રનું ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન શંકરનું શ્રેષ્ઠ દ્રવ્યોથી અભિષેક કરવાનું ફળ :
જળ અર્પણ કરવાથી વર્ષાની પ્રાપ્તિ, કુસાનું જળ અર્પણ કરવાથી શાંતિ, દહીંથી પશુ પ્રાપ્તિ, શેરડીના રસથી લક્ષ્મીની પ્રાપ્તિ, મધ અને ઘીથી ધનની પ્રાપ્તિ, દૂધથી પુત્ર પ્રાપ્તિ, જળની ધારાથી શાંતિ, એક હજાર મંત્રો સહિત ઘીની ધારાથી વંશની વૃદ્ધિ અને કેવળ દૂધની ધારા અર્પણ કરવાથી પ્રમેહ રોગમાંથી મુક્તિ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોરસ ભેળવેલ દૂધ અર્પણ કરવાથી બુદ્ધિ નિર્મળ બને છે. સરસિયાના કે તલના તેલથી શત્રુનો નાશ થાય છે અને રોગમાંથી મુક્તિ મળે છે. તથા પાપનો ક્ષય થાય છે. પુત્રાર્થને ભગવાન સદા શિવના અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તોની સઘળ મનોકામના પૂરી કરે છે. રુદ્રાભિષેક પછી અગિયાર ર્વિતકાઓ પ્રજ્જવલિત કરીને આરતી ઉતારવી જોઈએ. આમ ભગવાન શિવમાં ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. કમળપત્ર, બીલીપત્ર, શનપત્ર અને શંખપુષ્પી દ્વારા પૂજન કરવાથી ધન - ધાન્યની પ્રાપ્તિ થાય છે.
************************************************************************************
baar જ્યોતિર્લિંગનું મહાત્મ્ય
શિવની પૂજા-ઉપાસનાના વિવિધ રૃપ દેશભરમાં ફેલાયેલ અનેક મંદિરોમાં જોવા મળે છે. આમાંથી બાર જ્યોતિર્લિંગને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના સ્વરૃપમાં શિવજયોતિ અને અગ્નિના રૃપમાં પૂજવામાં આવે છે. આ પ્રકારના જ્યોતિર્લિંગને દેવી રૃપમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે છે. પ્રત્યેક જ્યોતિર્લિંગની તેના મહત્ત્વની કથા વણાયેલી છે. દેશના જુદા જુદા ખૂણાઓમાં બાર જ્યોતિર્લિંગો ફેલાયેલા જોવા મળે છે.

સોમનાથ : બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે. અહીંના શિવલિંગની જાણીતી કથા એવી છે કે સોમ(ચંદ્રમાનું માનવીય રૃપ) જે ચંદ્રમાના નામથી પણ ઓળખાય છે. તેના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રીઓની સાથે કરવામાં આવ્યા. જેમાં સોમ રોહિણીને વધુ ચાહતો હતો. આથી બાકી બહેનોએ ચંદ્ર અંગે દક્ષને ફરિયાદ કરી. આથી દક્ષે સોમને યક્ષ્મા નામનો રોગ થવા અંગે શાપ આપ્યો. ત્યારબાદ સોમે દક્ષની માફી માગી. દક્ષે સોમ અને રોહિણીને આ સ્થાન પર શિવતપ કરવાનું કહ્યું . બંને જણે વર્ષો સુધી શિવનું તપ કર્યુ એટલે શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ચંદ્ર મહિનામાં પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે. તે સાવ ક્ષય પામશે નહીં. સોમે ત્યારબાદ તે જગ્યા પર લિંગની સ્થાપના કરી. આથી તે સ્થાન સોમનાથ તરીકે જાણીતંુ થયું.

મલ્લિકાર્જુન : મલ્લિકાર્જુન તીર્થ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે આવેલ છે. અનેક સદીઓ પહેલાં એક ગોપાલકના છોકરાને લિંગ પર રહીને દૂધની ધાર છોડતી ગાય જોવા મળી હતી. એ રાતે ગોપાલકને સ્વપ્નમાં તે શિવલિંગ દેખાયું . તેણે તેના પર એક નાનું મંદિર બનાવ્યું. તે શિવલિંગ પર વન મલ્લિકા સોનજૂહીના ફૂલ ચઢાવ્યાં તેથી તેનું નામ મલ્લિકાર્જુન પડયું.

મહાકાલેશ્વર : પવિત્ર એવી ક્ષિપ્રા નદીને કિનારે આવેલ ઉજ્જૈન નગરમાં મહાકાલેશ્વર શિવ મંદિર આવેલું છે. મધ્યપ્રદેશનાં મુખ્ય ર્ધાિમક આકર્ષણોમાં તેનો સમાવેશ થાય છે. ર્ધાિમક લોકકથા અનુસાર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ જગ્યાએ મળ્યા હતા. આ નગર જ્યારે રાક્ષસથી ત્રસ્ત હતું ત્યારે શિવ મહાકાલ સ્વરૃપે પ્રગટ થયા અને રાક્ષસોને ભસ્મ કરી દીધા હતા ત્યારથી તે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર તરીકે જાણીતું છે.

ઓમકારેશ્વર : નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે. અહીં એક માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો ટાપુ છે. સવાર-સાંજ અહીં આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને શિવલિંગની પૂજા કરે છે. સૂર્યવંશના રાજા માંધાતાએ આ જગ્યાએ સો યજ્ઞા કરાવ્યા હતા ત્યારથી આ સ્થાનનું મહત્ત્વ વધી ગયું હતું .

કેદારનાથ : ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં. જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

ભીમશંકર : મહારાષ્ટ્રમાં ખેડની નજીક ભાવગિરિમાં ભીમશંકરની જગ્યા આવેલી છે. તે ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન છે. જે અહીંથી દક્ષિણ-પૂર્વ વહેતા રાયપુરની નજીક કૃષ્ણા નદીને મળે છે. કથા એવી છે કે શિવજીએ અહીં સહ્યાદ્રિ પર્વતના શિખર પર ભીમના રૃપમાં નિવાસ કર્યો હતો. આથી આ સ્થાન ભીમશંકર તરીકે જાણીતું છે.

કાશીવિશ્વનાથ : કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે . કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે. જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

ત્ર્યંબકેશ્વર : ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક, શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

વૈદ્યનાથ : મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથધામ તરીકે ઓળખાયું હતું.

રામેશ્વરમ્ : તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું છે.

ઘુશ્મેશ્વરમ્ : ઘુષ્મેશ્વરમ્ કે ઘુશ્મેશ્વરમ્ મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ નજીક આવેલું પ્રાચીન તીર્થ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.

નાગેશ્વર : નાગેશ્વર તીર્થ દારુકા વનમાં આવેલું હોવાનું કહેવાય છે. આજની એ જગ્યા દ્વારકા પાસે આવેલી છે. આજે તો આ તીર્થ ભવ્ય બનાવવામા આવેલ છે. ભગવાન શિવે અહિ દારુકા નામના અસૂરનો વધ કર્યો હતો. શિવ જ્યારે આ જગ્યા પર આવ્યા ત્યારે નાગને તેમણે ગળામાં ધારણ કરેલ હતો તેથી તેઓ નાગેશ્વર કહેવાયા. એવું પણ કહેવામા આવે છે કે પહેલાના જમાનામા અહિ નાગ ખૂબ જોવા મળતા હતા આથી તે નાગેશ્વર ની જગ્યા કહેવાય છે. ભગવાન નાગેશ્વર અને નાગેશ્વરી દેવી પાર્વતી પણ અહિ બિરાજતા હોવાનું કહેવાય છે.
**********************************************************************************
પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના
ભગવાન શિવના સ્વરૃપના પ્રતીકરૃપે હજારો વર્ષથી શિવલિંગની પૂજા થતી રહી છે. શિવલિંગની પૂજા સ્વયંભૂ અર્થાત્ સ્વયં ઉત્પન્ન પથ્થરના રૃપમાં કરવામાં આવે છે. શિવલિંગ એ પરમ પુનિતતાનું પિંડ છે. તે કોઈ પણ પદાર્થ જેમ કે માટી, ધાતુ, કિંમતી પથ્થર કે પારાનું પણ હોઈ શકે છે. નર્મદા નદીના કિનારે આવેલ ઓમકારેશ્વર જેવાં સ્થાનો પર તે સ્ફટીકરૃપે મળી આવે છે. પુણ્ય અગ્નિ સ્તંભ સ્વરૃપ પવિત્ર લિંગ શિવની અપ્રતિમ શક્તિનો ભંડાર છે. શિવ જ્યોતિર્મય સૌંદર્યને સાકાર કરતું આ દિવ્યલિંગ દૈવી સ્તંભ તરીકે પણ ર્ચિચત છે. સંસારના ઉદ્ગમ તેમજ ઉત્પત્તિના મૂળ સ્વરૃપ હોવાને કારણે તે સમાજનો આધારસ્તંભ કહેવાય છે. તે અગ્નિ અને પ્રકાશનું રૃપાંતરિત સ્વરૃપ છે.

સોમવાર એ પરંપરાગત રીતે શિવના પૂજન માટેનો મહત્ત્વનો દિવસ છે. આ દિવસે ભક્તો સોમવારનો ઉપવાસ કરીને શિવની પૂજા-અર્ચના કરતા રહે છે. પ્રાચીન સમયથી શિવમંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવામાં આવે છે. શંકરને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર ચડાવવામાં આવે છે. શિવના પૂજન- અર્ચન માટે ત્રણ વસ્તુઓનું ખાસ મહત્ત્વ છે. જેમાં બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મનો સમાવેશ થાય છે. અગ્નિના સ્વરૃપ હોવાને કારણે શિવજીની પૂજાવિધિઓમાં ભસ્મનું ખાસ મહત્ત્વ છે. તે માનવીય કાર્ય -કલાપોના આરંભ અને અંતનો બોધ કરાવે છે. શિવ આનાથી પ્રસન્ન થાય છે. 'મહાશિવરાત્રી' શિવનો અનેરો મહિમા દર્શાવતું પર્વ છે. શિવરાત્રિના પર્વનો દિવસ પૂજા-અર્ચના અને ઉપવાસમાં વીતે છે. રાત થતા જ શિવની શક્તિઓ વિશ્વમાં વિચરણ કરે છે. આ દિવસે વિશેષ પૂજા થાય છે. શિવને ભાંગ ધરાવવામાં આવે છે.

શ્રાવણ મહિનો પણ શિવની પૂજા માટે ઉત્તમ ગણાય છે. તે ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માસ કહેવાય છે. આથી આખો મહિનો મહાદેવજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. પૂજા, ભક્તિ, અર્ચન તેમજ મંત્ર-શ્લોક વગેરેથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠતું હોય છે. બીલીપત્ર તેમજ આસોપાલવના પાન શિવલિંગ પર ચડાવવામાં આવે છે. નાળિયેરને કપડામાં લપેટીને કળશ પર મૂકવામાં આવે છે. નાળિયેરના રેસાઓ મહાયોગીની જટાના પ્રતીક છે. નાળિયેર પરની આંખો શિવનાં ત્રણ નેત્રોને દર્શાવે છે. કામનાઓને પૂર્ણ કરનારી કામધેનુ ગાયથી ઉત્પન્ન અગિયાર સહાયક રુદ્ર અગિયાર પ્રાણ ઊર્જાઓના પ્રતીક છે. શ્રાવણમાં શિવની ભક્તિ તમામ રીતે કલ્યાણકારી છે .

શ્રાવણ માસ એટલે ભગવાન શ્રી શિવજીની પાવન ઉપાસનાનું મહાપર્વ. દર વર્ષે આવતો આ પવિત્ર શ્રાવણ માસ દાન - પુણ્ય અને ભક્તિભાવનો જેમાં મહિમાનો શ્રેષ્ઠ મહિનો છે. આ પવિત્ર માસમાં ભગવાન શિવજીની ઉપાસના અલગ અલગ રીતે થાય છે. કોઈ ભક્તો આખાય માસ દરમિયાન ઉપવાસ- એકટાણાં વગેરે શરૃ કરે છે.

આ માસમાં શિવજીની ઉપાસના શ્રેષ્ઠ અને ફળદાયી છે. દરરોજ સવારે શિવમંદિરે જઈ મહાદેવજીના શિવલિંગ ઉપર જળ અથવા દૂધની ધારથી અભિષેક થાય છે. આ અભિષેકમાં ઘણા બધા પ્રકાર છે પરંતુ ખાસ કરીને શિવમહિમ્ન દ્વારા અથવા રુદ્રિનો પાંચમો અધ્યાય આ બંનેનો પાઠ ભણવામાં આવે છે. તેમાં અગિયાર વખત શિવમહિમ્ન અથવા રુદ્રિનો પંચમ અધ્યાય ''નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે'' જે અગિયાર વખત ભણવાથી એક રુદ્રાભિષેક થયો ગણાય. ઘણી જગ્યાએ ભક્તજનો શિવમાનસપૂજાના મંત્રો દ્વારા જળ અથવા દૂધનો અભિષેક કરે છે. પંચોપચાર અથવા સોડસોપચાર આ બંનેમાંથી શિવપૂજા કરી તેના ઉપર બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. તેનું પણ અદ્ભુત મહાત્મ્ય છે. શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચઢાવતી વખતે મંત્ર બોલવામાં આવે છે. 'ઓમ ત્રિદલ, ત્રિગુણાકારં, ત્રિનેત્રં, ત્રિયુયુધમ, ત્રિજન્મ પાપ સંહાર, એક બિલ્વપત્ર શિવાર્પણમ' અથવા પંચાક્ષર મંત્ર પણ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. 'ઓમ નમઃ શિવાય' શિવ માનસપૂજામાં સ્તોત્રના અંતે આવે છે. ''પંચાક્ષર મિદંપુણ્ય યઃ પઢે શિવ સંન્નિદ્યૈ શિવલોકે મવાપ્નોતિ શિવેન : સહમોદતે'' આ પંચાક્ષર મંત્ર પણ તેટલું જ ફળ આપે છે.

આ પવિત્ર માસમાં પાર્થેશ્વર પૂજાનું પણ અદ્ભુત મહાત્મ્ય છે. પાર્થેશ્વપૂજનમાં દરરોજ નવી માટી લાવી શિવલિંગ બનાવામાં આવે છે. તેની આજુબાજુ બાણ બનાવાય છે. ચંદન અને આખા ચોખાથી પૂજન કરવામાં આવે છે. તેનો મંત્ર છે 'નમ : શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાયમ મયસ્ક્રરાય ચ શિવાયચ શિવતરાય ચ'!

એક માસ સુધી અખંડજ્યોત રાખી એકટાણું ઉપવાસ કરી સવાલક્ષ જપ પણ કરવામાં આવે છે. તેમાં બે મંત્રો છે. ''ઓમ મત્યું જય મહાદેવ ત્રાહિમામ શરણાગત્ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પિડિંત બંધનૈ''!! ''ઓમ ત્ર્યંબકં યજામહે, સુગંધિમપુષ્ટિવર્ધનમ્, ઉર્વારૃકમિવ બંધનાત્, મૃત્યુર્મોક્ષિય મામૃતાત્''

તેમાંથી કોઈ એક મંત્ર લઈ એક માસ સુધી સવા લક્ષ જપ પૂર્ણ કરી તેનો દશાંશ હોમ આપવામાં આવે છે. ઘણી વખત રુદ્રગાયત્રી પણ બોલવામાં આવે છે.
''ઓમ તત્ પુરુષાય વિદ્મહે
મહાદેવાય ધિમહિ
તન્નો રુદ્ર પ્રચોદયાત!!''
સ્વાહાકાર મંત્રથી આહુતિ પૂર્ણ કરી આમ એક આમ સુધી ભગવાન શિવજીની ઉપાસના થાય છે. આમ કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. સર્વ પાપનો નાશ થાય છે. મોક્ષની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રના કથન અનુસાર ''શિવલોક મવાપ્નોતિ'' શિવલોકની પ્રાપ્તિ થાય છે તો ભક્તો ચાલો આપણે પણ આ પવિત્ર માસમાં શિવજીની ઉપાસના કરી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરીએ.
*************************************************************************************
ભોળા શંકર પ્રત્યેની સાચી પ્રાર્થના
ભગવાન શંકર આ બ્રહ્માંડના સૌથી મહાન યોગી છે. સમાજમાં આત્મસન્માનની જો કોઈ વાત હોય તો તેના સૂત્રધાર સ્વયં ભોળા શંકર જ છે. તેઓએ પાર્વતીને સમજાવ્યું હતું કે વગર બોલાવ્યે કોઈના ત્યાં જવું નહીં. પરંતુ પોતાના પિતાએ યોજેલ યજ્ઞામાં પાર્વતી જતાં તેમણે તેની કિંમત પ્રાણોની આહુતિ દ્વારા ચૂકવવી પડી. ત્યાર બાદ મૃત પાર્વતીને જોઈને શિવે જે તાંડવ મચાવ્યું તે સર્વવિદિત છે. પાર્વતીનાં અંગ જ્યાં પડયાં તે જગ્યાઓ આજે શક્તિપીઠો તરીકે ઓળખાય છે.

સૌના કલ્યાણકારી એવા ભોળા શિવજીની સાથે રહીને પાર્વતીએ શું મેળવ્યું હશે ? આપણે પણ શિવની કૃપા મેળવવી હોય તો તેમની પ્રાર્થના કરવી જોઈએ. શિવની પ્રાર્થના કરીએ એટલે તેઓ આપણી સમક્ષ હાજર થઈ જાય તેવું નથી પરંતુ જયારે આપણે તેમનું સ્મરણ કરીએ છીએ ત્યારે તેમનું સ્વરૃપ આપણા મનમાં ઉભરે છે. આપણે તેને જ સર્મિપત રહીને પ્રાર્થના કરીએ છીએ. દેવોના અનેક સ્વરૃપ છે જે આપણે જાણીએ છીએ. આપણે જે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ તે આપણા મન પર છવાઈ જાય છે. આનાથી સાબિત થાય છે કે મન એ અરીસા જેવું છે. જેનું સ્મરણ કરીએ છીએ તેનું રૃપ આપણી સામે ઉભરી આવે છે. રાવણ શિવનો ભક્ત હતો પરંતુ તેણે સીતાહરણ કર્યું તો તેનાં માઠાં પરિણામ તેણે ભોગવવા જ પડયાં. તે કર્મના ફળથી બચી શકે નહીં.

ભક્તિનું એક મહત્ત્વ છે તો ફળપ્રાપ્તિનું અલગ મહત્ત્વ છે. જ્યારે મનમાં બૂરાઈ હોય ત્યારે અંદરથી જ એક વિરોધનો અવાજ બહાર આવે છે. જો ભક્તિનો ઉદ્દેશ્ય ખોટો હોય તો તે વિનાશ નોતરે છે. આપણે શિવને પ્રાર્થના કરીએ તેમાં ધ્યાન સારા માટે કરવાનું છે. સત્યની પૂજા એ જ શિવ પૂજા છે. મનમાં ખરાબ ભાવ લાવ્યા વગર પ્રાર્થના કરીએ તો શિવ આપણા પર જરૃર કૃપા કરે છે.
***************************************************************************************
સોમવારી વ્રતોનું મહાત્મ્ય

બાર મહિનાઓમાં શ્રાવણ માસમાં જ શિવપૂજન સૌથી વધારે થાય છે. ભગવાન શંકરે સ્વયં પોતાના શ્રીમુખથી બ્રહ્માજીના માનસપુત્ર સનતકુમારને શ્રાવણ માસનો મહિમા આ પ્રમાણે દર્શાવ્યો છે.

'મારાં ત્રણ નેત્રોમાં સૂર્ય જમણું અને ચન્દ્ર ડાબું નેત્ર તથા અગ્નિ મધ્યમ નેત્ર છે. ચન્દ્રની રાશિ કર્ક અને સૂર્યની રાશિ સિંહ છે. જ્યાં સૂર્ય કર્કથી સિંહ રાશિ સુધીની યાત્ર કરે છે ત્યારે આ બંને સંક્રાન્તિયો ખૂબ જ પુણ્ય ફળદાયી હોય છે અને તે આવો પુણ્યકાળ શ્રાવણ મહિનામાં જ આવે છે. અર્થાત્ આ બંને સંક્રાન્તિઓ શ્રાવણમાં જ આવે છે માટે જ શ્રાવણ માસ મને વધુ પ્રિય છે.'

કર્ક સંક્રાન્તિથી સિંહ સંક્રાન્તિ સુધી સૂર્યની યાત્રાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ :
સૂર્ય જ્યારે કર્ક રાશિમાં હોય છે, જે ભગવાન શંકરનું જમણું નેત્ર છે ત્યારે ભગવાન શિવના જમણા નેત્રમાં રહેલી કરુણા, દયા વગેરેમાં દ્રવિત અર્થાત્ વધુ તરબ કરી દે છે અને જ્યારે કર્ક રાશિ અર્થાત્ જમણા નેત્રથી સિંહ રાશિ (ડાબા નેત્ર) તરફ ચાલે છે ત્યારે સૂર્યના કિરણોની સાથે ભગવાન શિવની કરુણા અને દયા ભૂમંડળ પર વરસાવતી ચાલતી જાય છે. સૂર્યની સાથોસાથ ભગવાન શિવનાં નેત્ર ભૂમંડળ પરના સમસ્ત જીવોને પોતાની દયા દૃષ્ટિથી જુએ છે અને જળથી અભિષેક કરતાં ચાલે છે. શ્રાવણના પવિત્ર યોગમાં કરવામાં આવતું શિવપૂજન અને વ્રત અસીમ ફળદાયી હોય છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ કર્ક સંક્રાન્તિથી સિંહ સંક્રાન્તિ સુધીની અવધિમાં બાષ્પીકરણ વધુ હોય છે અને વરસાદ પડે છે. વર્ષોથી અનેકાનેક વનસ્પતિઓનું પોષણ થાય છે. શ્રાવણ માસમાં સોમવારનું વ્રત વધુ પ્રચલિત છે. લોકો સોળ સોમવાર સુધીનું વ્રત કરે છે. ચન્દ્ર એ ભગવાન શિવનાં નેત્ર છે, અને તેમનું બીજું નામ સોમ છે. સોમ એ બ્રાહ્મણોનો રાજા અને ઔષધિઓનો દેવતા છે તેથી સોમવારનું વ્રત કરવાથી સમસ્ત શારીરિક, માનસિક અને આર્િથક કષ્ટ દૂર થાય છે અને જીવન સુખમય બની જાય છે. આ માસના સોમવારનાં વ્રતોનું પાલન કરવાથી બારેય મહિનાઓના સોમવારોનાં વ્રતોનું ફળ મળી જાય છે. સોમવારના વ્રતનું વિધાન ઘણું જ સરળ છે. સ્નાન કરીને શ્વેત યા હરિયાળા વસ્ત્રનું ધારણ કરવું. દિવસભર મન પ્રસન્ન રાખવું, ક્રોધ, ઈર્ષ્યા, ચાડી - ચુગલી કરવી નહીં. પોતાને શિવમય (કલ્યાણકારી) માનવું. દિવસ દરમિયાન શિવના પંચાક્ષરી મંત્ર 'ઓમ નમઃ શિવાય'નું મનોમન રટણ કર્યા કરવું.

સાયંકાળને પ્રદોષ વેળા કહેવામાં આવે છે. આ સમયે જો ભગવાન શિવની નિકટતા મળે તો સમસ્ત દોષો દૂર થઈ જાય. તેથી સાયંકાળે શિવ મંદિરમાં યા પોતાના ઘરમાં માટીનું શિવલિંગ અને પાર્વતી તથા શ્રી ગણેશજીની ર્મૂિત બનાવીને સોળ પ્રકારે પૂજન કરવું. તેમાં સોળ દુર્વા, સોળ સફેદ ફૂલ, સોળ માળાઓથી શિવપૂજન કરવાથી તે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર છે. તેથી સોળ દીવેટોના દીપકોથી આરતી કરી ક્ષમાપ્રાર્થના કરવી.
***********************************************************************************
મંગળાગૌરી વ્રત
મંગળવારના દિવસે કન્યાએ પ્રાતઃકાળે ઊઠી સ્નાન વિધિથી પરવારી માતા પાર્વતીજીનું સ્થાપન કરી, સૌભાગ્ય વસ્તુ સાથે અર્ચન - પૂજન કરવું. ઉપવાસ, એકટાણું અથવા મોળું ભોજન લેવું. દેવી પાર્વતીનું પૂજન કર્યા પછી વ્રતકથાનું વાંચન કે શ્રવણ કરવું. રાત્રે જાગરણ કરવું અને ગૌરીમાતાની ભક્તિ કરવી. પાર્વતીજીએ આ વ્રત સૌપ્રથમ કરેલ તેથી આ વ્રતને 'ગૌરી' વ્રત પણ કહેવામાં આવે છે.

વ્રતકર્તા સ્ત્રીએ સૌભાગ્યસૂચક વસ્તુઓ બંગડીઓ, ચાંદલા, કાંસકી, કાંચળી માટે કપડાનો ટુકડો એટલે કે બ્લાઉઝ પીસ, મીઠાઈ, ફળફળાદી વ્રતના ઉજવણા પછી બ્રાહ્મણને દાનમાં આપી પ્રસન્ન કરવા. દર મંગળવારે મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું.

સ્ત્રીઓ આ વ્રત સંતતિ, સંપત્તિ અને પતિના દીર્ઘાયુષ માટે કરે છે. પ્રત્યેક વર્ષના શ્રાવણ માસના મંગળવારે આ 'મંગળાગૌરી' વ્રત કરવામાં આવે છે. છેલ્લા વર્ષે ઉપરોક્ત વિધિ અનુસાર વ્રતનું ઉજવણું કરવાથી પતિનું આત્યંતિક કલ્યાણ થાય છે.

વ્રતકથા આ પ્રમાણે છે: ધનબાદ નામે નગરમાં ધરમચંદ ધર્મશીલ અને મહાન દાનેશ્વરી તરીકે પ્રખ્યાત હતો. તેના આંગણેથી કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. જાણે દાનેશ્વરી કર્ણનો બીજો અવતાર જ જોઈ લ્યો. આ વણિક શેઠની પત્ની પણ એટલી જ ધર્મશીલ અને પ્રભુપરાયણ હતી. આ દંપતીને નિઃસંતાનપણું સાલતું હતું.

આ વણિક શેઠને ત્યાં રોજ એક સાધુ મહારાજ આવે, આવે ભિક્ષા માટે પણ કંઈ લે નહીં અને ચાલ્યો જાય. એક દિવસ ધરમચંદ શેઠે શેઠાણીને કહ્યું, આ સાધુ મહારાજ કંઈ લેતા નથી માટે તેની ઝોળીમાં એક સોનામહોર મૂકી દેજે. શેઠાણીએ સોનામહોર ઝોળીમાં મૂકી કે તરત જ સાધુ મહારાજનો ક્રોધ ભભૂકી ઊઠયો. સાધુએ કહ્યું, તમારે સંતાનની ઈચ્છા છે પણ તે ઈચ્છા પૂર્ણ નહીં થાય.

સાધુ મહારાજનો આ શાપ સાંભળીને શેઠાણી તો ધ્રૂસકે ને ધૂ્રુસકે રડી પડયાં. આંસુ એ સ્ત્રીનું શક્તિશાળી હથિયાર છે. આ સ્ત્રીના આંસુ જોઈ સાધુ મહારાજનું હૃદય દ્રવી ઊઠયું. સાધુ મહારાજે કહ્યું "બહેન ! શેઠને કહેજો કે શ્યામ વસ્ત્રો પરિધાન કરીને શ્યામ ઘોડા પર સવાર થઈ પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે. આ ઘોડો ચાલતા ચાલતા જે સ્થળે ઠેસ કે ઠોકર ખાય ત્યાં ખોદવાનું કહેજો. તે સ્થળે એક પ્રાચીન મંદિર હશે અને મંદિરમાં મા જગદંબા પાર્વતીજીની દેદીપ્યમાન ર્મૂિત હશે. આ દિવ્ય અને ભવ્ય ર્મૂિતની તમે બંને પૂજા કરજો."

આટલું કહીને તે સાધુ મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા! શેઠાણી તો અનિમેષ નેત્રે જે દિશામાં સાધુ મહારાજ અલોપ થયા તે દિશા તરફ જોઈ જ રહ્યાં.

શેઠે સાધુ મહારાજના આદેશ અનુસાર કાળાં વસ્ત્રો પહેરી, કાળા ઘોડા પર બેસીને પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. જે સ્થળે ઘોડાને ઠોકર લાગી તે સ્થળે ખોદકામ કરાવ્યું તો ખરેખર જૂનું પુરાણું મંદિર અને ર્મૂિત મળી આવ્યા. આ દંપતીએ વિધિપૂર્વક ર્મૂિતનું અર્ચન - પૂજન કર્યું.

પાર્વતીજી આ વણિક શેઠ પર પ્રસન્ન થયાં, માતાજીએ કહ્યું, 'માગ માગ !' શેઠે બે હાથ જોડી પુત્રરત્નની માગણી કરી. પાર્વતીજીએ કહ્યું, તમારા ભાગ્યમાં સંતાન છે જ નહીં, છતાં તમે એમ કરો સામેના આમ્રવૃક્ષની કેરી તમારી પત્નીને પ્રસાદ તરીકે આપજો. આ કેરી આરોગવાથી અલ્પ આયુષ્યવાળા પુત્રની પ્રાપ્તિ થશે. વીસેક વર્ષની ઉંમરે એને સર્પદંશ થશે. શેઠ કહે ભલે જે થવાનું હોય તે થાય પણ મને પુત્રપ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. પાર્વતીજી 'તથાસ્તુ' કહી અંતર્ધ્યાન થઈ ગયાં.

શેઠાણીએ પૂરા માસે પુત્રરત્નને જન્મ આપ્યો. આ પુત્રનું નામ 'શંભુ' પાડયું. મામા પોતાના ભાણેજ શંભુને લઈને બાધા પૂર્ણ કરવા પગપાળા કાશીએ જવા નીકળ્યા. મામો - ભાણેજ માર્ગમાં એક તળાવના કાંઠે વિસામો લેવા બેઠા.

અહીં કેટલીક 'કુમારિકાઓ' અંદરોઅંદર વાર્તાલાપ કરી રહી હતી. એક સ્વરૃપવાન કન્યાએ કહ્યું, "તું માન કે ન માન, પણ લગન થયા પછી હું તો અખંડ સૌભાગ્યવતી જ રહેવાની છું કારણ કે મારી માતાએ મંગળાગૌરી વ્રત કર્યું છે અને હું પણ મારા વિવાહ થાય ત્યારે આ વ્રત કરવાની છું. આ વ્રત કરવાથી કુટુંબની સ્ત્રીઓ આજન્મ સૌભાગ્યવતી રહે છે.

મામો - ભાણેજ આ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. મામાએ વિચાર્યું કે જો આ કન્યા સાથે મારા ભાણેજનાં લગ્ન કરવામાં આવે તો તે દીર્ઘાયુષી બની જાય અને સર્પદંશની ઘાત જાય, તેમજ અકાળે મોત થવાનું છે તેમાંથી તે ઉગરી જાય. મામો - ભાણેજ આ સ્વરૃપવાન કન્યાની પાછળ પાછળ તેના ઘર તરફ ગયા અને તેનું ઘર જોઈ લીધું અને પાડોશમાં પૂછીને નામ - ઠામ જાણી લીધું. ત્યાર પછી બંનેએ કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી જઈને ગંગાસ્નાન તથા શિવદર્શનની બાધા પૂરી કરી. પાછા ફરતી વખતે મામો - ભાણેજ પેલી કન્યાને ઘેર આવી પહોંચ્યા. તેનાં માતા - પિતાને મળી વાતચીત કરી. શંભુ અને સુશીલા શયનખંડમાં સૂતા હતા ત્યારે દેવી મંગળાગૌરી (પાર્વતીજી)એ સ્વપ્નમાં દર્શન દઈ સુશીલાને કહ્યું કે, "હું તારા પર પ્રસન્ન થઈ છું, કારણ કે તેં તારા પતિના આયુષ્ય માટે, આરોગ્ય માટે અને સુખ - સમૃદ્ધિ માટે મારું વ્રત કર્યું છે. હું તને જે કહું તે તું ધ્યાનથી સાંભળી લે. તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે. તારા પતિને દંશ દેવા એક સર્પ હમણાં જ આવશે. સર્પ આવીને સૌપ્રથમ દૂધ પી જશે. પછી તે ઘડામાં પ્રવેશ કરશે. સર્પ ઘડાની અંદર પ્રવેશે કે તરત જ તું ઘડાનું મોઢું કપડાથી ઢાંકી કપડું બાંધી દેજે અને વહેલી સવારે તે ઘડો ગામની બહાર મૂકી આવજે." આટલું કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયાં.

સુશીલાએ તરત જ ઊઠીને દેવીની અજ્ઞાનુસાર સાકર નાખેલું દૂધ થાળીમાં તૈયાર કરી પલંગ પાસે મૂકી રાખ્યું અને ખાલી ઘડો પણ આડો પાડીને બાજુમાં ગોઠવી દીધો. ઝેરી સાપ શયનખંડમાં ફૂંફાડા મારતો આવ્યો. સાપે દૂધ જોયું કે તરત જ પીવા લાગ્યો અને દૂધ પીધા પછી બાજુમાં પડેલ ઘડામાં ભરાઈ બેઠો. સુશીલાએ સૂચના અનુસાર તૈયાર રાખેલું કપડું ઘડાના મોઢા પર બાંધી દીધું અને વહેલી સવારે ઘડો ગામની બહાર મૂકી આવી. મા જગદંબા મંગળાગૌરીએ સુશીલાને સ્વપ્નમાં દર્શન દઈ તેના પતિની રક્ષા કરી અને આ પ્રકારે સુશીલાએ કરેલ આ વ્રત તેને ફળ્યું, તેથી તેણે મનોમન મંગળાગૌરીનો આભાર માન્યો. સવારે સુશીલાએ પોતાના પતિદેવને અને સાસુ - સસરાને સઘળી હકીકત વિગતે કહી સંભળાવી.

સુશીલાએ કરેલ મંગળાગૌરી વ્રતથી શંભુનું આયુષ્ય વધ્યું અને સર્પદંશની ઘાત ગઈ. મંગળાગૌરીએ આ દંપતી પર મહેર કરી. આ વ્રત કરવાથી યશ, વૈભવ અને રિદ્ધિ - સિદ્ધિ પ્રાપ્ત થવા માટે સ્ત્રીઓએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. ઉપરોક્ત વિધિ - વિધાન અનુસાર જો આ વ્રત કરવામાં આવે તો મંગળાગૌરી સુશીલાને ફળ્યાં, તેવાં આ વ્રત કરનાર સૌને ફળે છે.
************************************************************************************