આજથી શ્રાવણ માસ - શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઊઠશે by Parmanand Gandhi
ભારતીય સંસ્કતિમાં શ્રાવણ માસનું એક આગવું મહત્ત્વ છે. શ્રાવણ મહિનો એટલે વ્રત, જપ, તપનો મહિનો, એકટાણે ઉપવાસનો મહિનો. રોજિંદા જીવન-વ્યવહારમાં બદલો લાવવાનો મહિનો. વર્ષ દરમિયાન ભોગોમાં જ રમમાણ થયેલા મનને ઈશ્વરાભિમુખ કરવાનો મહિનો. ભગવાન શિવજીની આરાધના કરવાનો મહિનો. તેથી તે પવિત્ર, તેથી તેનું અદકું મહત્ત્વ. ભોગોની આસકિત ઓછી કરવાનો-તે છોડવાનો અભ્યાસ કરવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો. તેથી તો કેટલાક અલૂણું વ્રત રાખી મીઠું છોડે છે, તો કેટલાક વળી એક ટંકનું ભોજન છોડે છે. તો કોઈ આ માસ દરમિયાન કાંદા-લસણનો ત્યાગ કરે છે. આ બધું છોડવા પાછળ એક જ પ્રામાણિક આશય હોય છે કે તે નિમિત્તે ચંચળ મતને વધુને વધુ ઈશ્વર તરફ વાળવું. તેને સુખશાંતિ સમાધાન આપવું. આખું વરસ તો ભગવાન તરફ પૂરતું ઘ્યાન નથી આપ્યું તો એક મહિનો તેના તરફ ઘ્યાન આપી ભગવાન શિવજીનું સ્મરણ તો કરીએ!
તેથી આ ભગવાન વિષ્ણુ ઉપર તુલસીદલ મૂકી શ્રીવિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય છે તેમ શ્રાવણ માસમાં ભગવાન શિવજીના લિંગ ઉપર જળાભિષેક કરી તેના ઉપર સહસ્ત્રબીલી પત્ર ચડાવી તેની આરાધના કરવામાં આવે છે. ભગવાન ઉપર બીલીપત્ર ચડાવતી વખતે ગવાતું ‘બિલ્વાષ્ટકમ્’ શિવપૂજાનું હાર્દ ગણાય છે. ત્રણ પત્રવાળું, સત્ત્વ, રજસ્ તથા તમસ્ એ ત્રણ ગુણ સ્વરૂપ, ત્રણ નેત્રરૂપ, ત્રણ આયુધ સ્વરૂપ અને ત્રણે જન્મોનાં પાપ નાશ કરનારું આ એક બિલ્વપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું.
બીલીવૃક્ષનાં દર્શન અને સ્પર્શ બધાં પાપોનો નાશ કરનારું છે. અરે અઘોર પાપ હોય તો તે પણ નાશ કરનારું બીલીપત્ર છે અને તે ભગવાન શિવજીના ચરણે ધરવામાં આવે છે. આ કલ્યાણકારી બિલ્વાષ્ટકમ્નો પાઠ ભગવાન શંકર સમક્ષ કરવામાં આવે તો માણસ બધા પાપોથી મુકત થઈ શિવલોક પામે છે.
બીલીપત્રનું આટલું મહત્ત્વ છે તેનું પૌરાણિક કારણ પણ છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરી જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું. એક દિવસ ફરતાં ફરતાં દેવીએ એક ઘટાદાર વૃક્ષ જોયું. તેમની સાથે આવેલી સહિયર જયાને તેમણે કહ્યું, ‘જયા, શા માટે તે ખબર નથી પણ આ વૃક્ષને જોઈને મન અત્યંત પ્રસન્ન થાય છે.’ પાર્વતીજીની વાતનો ફોડ પાડતાં જયાએ કહ્યું, ‘દેવી, તમારા પ્રસ્વેદ બિંદુમાંથી તે ઊગ્યું છે. તેથી તેનું નામ બિલ્વ રાખવામાં આવ્યું છે. (શિવપુરાણ) પૌરાણિક એવી સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં સમગ્ર વૃક્ષમાં દેવીનાં જુદા જુદા સ્વરૂપો વસે છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બીલીપત્રનું આગવું મહત્ત્વ છે.
બીલીપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે બીલીપત્રનાં ત્રણ પાન જોડેલાં છે તે ત્રિદલ છે અને તે ત્રણ પાત્ર જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે. તેથી ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવતી વખતે આ ભાવના કેળવી હોય તો ભગવાન જરૂર પ્રસન્ન થાય. હકીકતમાં ભગવાનની આરાધનામાં આ ત્રણેની આવશ્યકતા છે.
******************************************************************************************
દેવાધિદેવ મહાદેવનો મહિનો by Yogesh Joshi
શંકર ભગવાનને વરદાનોના ભંડારી કહેવામાં આવે છે. મહાદેવ બહુ જલદીથી પોતાના ભકતો પર રીઝી જાય છે અને મોં માગ્યું વરદાન આપે છે. રાવણ અને હિરણ્યકશિપૂ જેવા દાનવોને પણ ભોળાનાથે પ્રસન્ન થઇને વરદાનો આપેલાં છે.
દેવોમાં તું મહાદેવ,તારો મહિમા અપરંપાર,ભવ્ય ભાલ પર ચંદ્રજટા, બીચ બહે ગંગાકી ધાર
શ્રાવણ મહિનો શરૂ થવામાં બે દિવસની વાર છે. શ્રાવણ મહિનો હિંદુઓનો પવિત્ર મહિનો ગણાય છે. આ માસમાં લોકો ઉપવાસ કે એકટાણાં કરે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી જીવનમાં ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય છે. આપણાં ગ્રંથો અને પુરાણોએ પણ શ્રાવણ મહિનાનો મહિમા ગાયો છે. શ્રાવણ મહિનો પુણ્ય કમાવાનો અને દાન કરવાનો ઉત્તમ મહિનો છે. ભગવાન શંકર એ દેવોના પણ દેવ ગણાય છે તેથી દેવાધિદેવ કે મહાદેવ તરીકે પૂજય છે. મહાદેવને કોઇ શોભા કે શણગાર નથી ફકત તેમના શરીર પર વ્યાધ્રચર્મ વીંટાયેલું હોય છે. ગળામાં સર્પો ફરતા હોય છે. શરીર પર ત્રિપુંડ અને ભસ્મના લેપ હોય છે. માથે કાળી જટા ધારણ કરેલી છે, તેમાંથી પવિત્ર ગંગા નદી નીકળે છે. જટા પર અર્ધચંદ્ર બિરાજમાન છે. હાથમાં ડમરુ તથા ત્રિશૂળ શોભાયમાન છે. મહાદેવનું ભવ્ય ભાલ (કપાળ) દેદીપ્યમાન છે. મહાદેવ પાસે ભૂત-પ્રેતનું સૈન્ય છે, ચોતરફ ડમરુ તથા ડાકલાં વાગતાં હોય છે. જયાં બરફમાં કોઇ જઇ શકે નહીં તેવા કૈલાસ ધામમાં મહાદેવજીએ વાસ કરેલો છે.
ભગવાન શંકરને લોકો અલગ અલગ નામથી પણ ઓળખે છે. જેમ કે શંકર, શિવ, શંભુ, ભોળાનાથ, હરેશ્વર, આશુતોષ, ગંગેશ્વર વગેરે. કોઇ પણ શહેર, નગર, ગામડું કે ઉપનગર એવું નહીં હોય કે જયાં મહાદેવનું મંદિર નહીં હોય. બીજું, અન્ય દેવોમાં કોઇ દેવનું મોઢું પૂજાય છે, કોઇનું મસ્તક, કોઇના હાથ કે પગ અથવા કોઇ દેવના વાહન અથવા આયુધ પૂજાય છે, જયારે મહાદેવ જ એક એવા દેવ છે, જેમનું લિંગ પૂજાય છે. મંદિરમાં હંમેશાં લિંગ સ્વરૂપ જ હોય છે, ભાગ્યે જ કોઇ સ્થળે શિવજીની પ્રતિમા જોવા મળે છે. શિવજીનાં મંદિરો શોધવામાં પણ ભાવિક ભકતોને કોઇ તકલીફ પડતી નથી, કારણ કે જે નામની પાછળ શ્વર શબ્દ લાગે તે શંકરદાદાનું જ મંદિર હોય તેવું આપોઆપ સમજાય છે. દા.ત.સોમેશ્વર, રામેશ્વર વગેરે વગેરે.
પુરાણોમાં એક એવી કથા આવે છે કે, એક અવાવરુ જંગલમાં શિવજીનું મંદિર હતું. એક પૂજારી વર્ષોથી મહાદેવની સેવા પૂજા કરતો હતો અને મંદિરમાં જ રાતવાસો કરતો હતો. એક વખત એક ચોર ચોરી કરવા ગયો. અનાયાસે જંગલમાં પહોંચી ગયો અને રસ્તો ભૂલી ગયો. અચાનક તેની નજર મંદિર પર પડી અને નક્કી કર્યું કે આજની રાત અહીં રોકાણ કરી લઉ અને સવારે અજવાળું થતાં મારા ગામ ભેગો થઇ જઇશ. આમ કરી મંદિરમાં પ્રવેશ કર્યો, પણ મૂળ તો ચોરનો અવતાર અને ચોરી તેના જીવતરમાં વણાયેલી હોવાથી ચોરી કરવાની લાલચ રોકી શક્યો નહીં, પરંતુ શંકરદાદાના મંદિરમાં હોય પણ શું જે ચોરી શકાય. આથી તેણે તાંબાની ગળતી ચોરવાનો મનસૂબો ઘડ્યો. નસીબજોગે ગળતી ખાસી ઊચે બાંધી હતી તેથી ચોર પહોંચી શકયો નહીં, આથી તેણે ભગવાનના લિંગ ઉપર બંને પગ મૂકી દીધા અને ગળતી ઉતારવા ગયો, ત્યાં જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, વત્સ માગ માગ તું માગે તે આપું. આ બાજુ ખૂણામાં લપાઇને સૂતેલો પૂજારી આ બધો તમાશો જોતો હતો તે પણ સફાળો બેઠો થયો અને ભગવાનને રોષપૂર્વક આકરાં વેણ કહેવા લાગ્યો અને કહ્યું કે હું આટલાં વર્ષોથી આપની સેવા-અર્ચના કરું છું છતાં તમો મારા પર પ્રસન્ન થતાં નથી અને આ ચોર ચોરી કરવાના આશયે આવ્યો છતાં તમો તેને વરદાન આપવા તૈયાર થયા છો.
આ સમયે મહાદેવે શાંતચિત્તે, પ્રસન્ન વદને તે પૂજારીને જણાવ્યું કે, તેં તો આખી જિંદગી મારી પર દૂધ અને પાણી જ ચઢાવ્યાં છે, જયારે આ ચોરે તો પોતાનું આખું શરીર જ મને અર્પણ કર્યું છે તેથી મારે પ્રસન્ન થયે જ છૂટકો હતો. આમ ભોળાનાથ અપકાર કરનારા પર પણ ઉપકાર કરનારા શૈલવિહારી છે. એટલે જ કહેવાયું છે કે, દેવોમાં તું મહાદેવ તારો મહિમા અપરંપાર, ભવ્ય ભાલ પર ચંદ્રજટા, બીચ બહે ગંગાકી ધાર-- ૐ નમ: શિવાય
શ્રાવણ મહિનો બીજી રીતે પણ મહત્ત્વનો અને પવિત્ર મહિનો ગણાય છે કારણ કે ભગવાન શિવજીનો અતિપ્રિય મહિનો છે. જાણકારો કહે છે કે આ માસમાં વહેલી સવારે મહાદેવજીના મંદિરે જઇ, જે કોઇ વ્યક્તિ ભોળાનાથ ઉપર ગાયના દૂધનો અભિષેક કરે તેમના પર મહાદેવજી જરૂર પ્રસન્ન થાય છે. ઘણા લોકો દૂધ અને જળનો ભેગો અભિષેક કરે છે, તો કેટલાક લોકો ફકત જળનો જ અભિષેક કરે છે. લોકો ‘ઓમ્ નમ: શિવાય’નો જાપ જપે છે અને મહાદેવને પ્રિય એવી રુદ્રી કરે છે અથવા બ્રાહ્મણો પાસે કરાવે છે.
મહાદેવજી એ એક એવા દેવ છે કે તેમને કોઇ ભોગ ધરવામાં આવતા નથી, ફક્ત શુદ્ધ મનથી શુદ્ધ જળ ચઢાવો તો પણ મહાદેવજી પ્રસન્ન થાય છે. મહાદેવને બીલીપત્ર ઘણાં ગમે છે. એમાંય જો ત્રણ પાંદડીવાળા બીલીપત્રનો અભિષેક કરવામાં આવે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે. ઘણા લોકો શિવજી પર ધતૂરો અને કેવડો પણ ચઢાવે છે.
*****************************************************************************************
જીભ: શ્રેષ્ઠ અંગ પણ દુષ્ટ પણ by Jivan Darshan
વાણીની મધુરતાથી આપણે દુશ્મનોને પણ આપણા બનાવી શકીએ છીએ, જ્યારે કર્કશ વાણીને કારણે ઘણી વાર આપણાં પોતાનાં સગાંને-મિત્રોને જ દુશ્મન બનતા વાર નથી લાગતી.
પ્રાચીન સમયમાં અરબમાં અમીર લોકો ગરીબોને ખરીદીને ગુલામ બનાવીને રાખતા હતા. લુકમાન પણ આવો જ એક ગુલામ હતો. લુકમાન પોતાના માલિક (જે એક શેખ હતો) પ્રત્યે અત્યંત વફાદાર હતો. તે પોતાના માલિકની દરેક પ્રકારે સેવા-ચાકરી કરતો રહેતો. લુકમાન બુદ્ધિશાળી પણ હતો. શેખ પણ આ વાત જાણતો હોવાથી તે લુકમાન સાથે તત્ત્વપૂર્ણ ચર્ચાઓ કર્યા કરતો. તે લુકમાનને વિચિત્ર પ્રશ્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરતો અને લુકમાન પણ કયારેય તેને નિરાશ ન કરતો.
એક વાર શેખે તેને પૂછ્યું, લુકમાન! બકરાના શરીરમાં શ્રેષ્ઠ અંગ કયું હોય છે? લુકમાને તરત જવાબ આપી દીધો, જીભ. શેખે તેને ફરી પ્રશ્ન કર્યો , લુકમાન, હવે તું મને એ જણાવ કે બકરાના શરીરમાં સૌથી ખરાબ અંગ કયું ગણાય? લુકમાને ફરી એ જ જવાબ આપ્યો, જીભ. શેખે કહ્યું, આ તે કેવું? શ્રેષ્ઠ અને ખરાબ અંગ એક જ કઈ રીતે? લુકમાને જવાબ આપ્યો, માલિક! શરીરનાં તમામ અંગોમાં જીભ જ એવું અંગ છે, તે સૌથી સારી પણ છે અને સૌથી ખરાબ પણ. જીભથી ઉત્તમ વાણી બોલવામાં આવે તો બધાને સારું લાગે છે અને જો એ જ જીભે કડવું બોલવામાં આવે તો કોઈને એ ગમતું નથી. શેખ ફરી એક વાર લુકમાનની બુદ્ધિને માની ગયા.
કથાનો સાર એટલો જ છે કે વાણીની મધુરતાથી આપણે દુશ્મનોને પણ આપણા બનાવી શકીએ છીએ, જ્યારે કર્કશ વાણીને કારણે ઘણી વાર આપણાં પોતાનાં સગાંને-મિત્રોને જ દુશ્મન બનતા વાર નથી લાગતી. કદી કોઈ વિરુદ્ધ અપશબ્દો બોલવા ન જોઈએ. જીભનો ઉપયોગ જો સારી રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે, બાકી કડવી વાણી જ બોલવામાં આવે તો તે જીવનું જોખમ પણ ઊભું કરી દે છે.
************************************************************
શિવજી કરે કામના પૂરી by Dr. Urvashi Bandhu
શ્રાવણ મહિનો ભગવાન શિવજીને બેહદ પ્રિય છે. આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ભગવાન આશુતોષ દરેક ઇચ્છાઓ પૂરી કરે છે. જો જીવનમાં શિવત્વ પ્રાપ્ત કરવું હોય તો શ્રાવણ માસ સિવાય કોઇ સારું મુહૂર્ત નથી ગણાતું.
--- પહેલો સોમવાર:
શ્રાવણ માસનો પહેલો સોમવાર વિશેષ યોગ માટે હોય છે. લક્ષ્મી પ્રાપ્તિ, નોકરી કે પ્રમોશન, વેપારવૃદ્ધિ, દેવા માફી, પોતાનું મકાન કે વાહન પ્રાપ્તિ માટે આ ઉપાય કરો. પરિવારની મુખ્ય વ્યક્તિ કે કોઇ પણ સદસ્ય સ્નાનાદિ કરી સ્વરછ વસ્ત્રો ધારણ કરે. પૂર્વ દિશા તરફ મુખ રાખી સફેદ આસન પર બિરાજી લાકડાના બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરીને બાજોઠમાં થાળી મૂકી તેમાં કેસરથી ‘ૐ નમ: શિવાય’ લખવું. તેના પર શિવયંત્ર કે પારાનું શિવલિંગ રાખવું. ‘ૐ નમ: શિવાય’નું ઉરચારણ કરતાં જલપાત્રમાં થોડું કાચું દૂધ મેળવીને પારાના શિવલિંગ પર ચઢાવવું. જળ એટલું ચઢાવવું કે શિવલિંગ જળમાં ડૂબી જાય. પછી રુદ્રાક્ષની માળાથી ૧૦૮ વખત ૐ રુદ્રાય નમ:નો મંત્ર જપવો. ભગવાન શિવની આરતી ઉતારવી, પ્રસાદ ધરાવવો, પ્રસાદમાં ચૂરમું ધરાવવું અને પ્રસાદ બાળકોમાં વહેંચવો. બીજા દિવસે જે જળ ચઢાવ્યું તે ચરણામૃત રૂપે ઘરના સભ્યો લે, બાકી વધેલાં જળને ફૂલ દ્વારા આખા ઘરમાં છંટકાવ કરવો. આખો મહિનો ૐ રુદ્રાય નમ: મંત્રની એક માળાનો જાપ કરવાથી તે અત્યંત લાભદારી રહેશે.
--- બીજો સોમવાર:
શ્રાવણનો બીજો સોમવાર વિલક્ષણ ફળ આપનાર છે. મનોવાંછિત પતિ કે પત્નીની પ્રાપ્તિ માટે કે કૌટુંબિક કલહ દૂર કરવા, સુખ-શાંતિ માટે, પિતૃદોષ, ગૃહદોષ, ભાગ્યોદય માટે પ્રાત: વહેલા ઊઠીને સ્નાન કરી શુદ્ધ અને સ્વરછ સફેદ વસ્ત્ર ધારણ કરો. એક સફેદ વસ્ત્ર લઇ કંકુથી તેના પર ત્રિશૂલ બનાવી કાર્યસિદ્ધિ યંત્ર સ્થાપિત કરો. યંત્રનું પૂજન અષ્ટગંધ, ધતૂરો, આકડાના ફૂલથી કરવું. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. પૂર્વમુખી બેસી શિવજીનું ઘ્યાન ધરવું. ‘નમ: શભ્ભવાય ચ ભયોભવાય ચ નમ: શંકરાય ચ ભયસ્કરાય ચ નમ: શિવાય ચ શિવતરાય ચ’ મંત્ર કાગળ પર લાલ પેનથી લખી મનોકામના સાથે કાર્યસિદ્ધિ યંત્રની નીચે રાખવો. રોજ ૨૧ વખત મનોકામના કહેવી, ચંદનની પાંચ અગરબત્તીઓ પ્રગટાવવી. મનોરથ અવશ્ય પૂર્ણ થશે.
--- ત્રીજો સોમવાર:
શ્રાવણનો ત્રીજો સોમવાર દુર્લભ અને મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ દિવસે હરિયાળી ત્રીજ આવતી હોય તો તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિ-પત્નીની આવરદા માટે, સંતાન પ્રાપ્તિ, પુત્રની પ્રગતિ અને સફળતા માટે, કન્યાનાં શીઘ્ર લગ્ન અને ઉત્તમ વરની પ્રાપ્તિ માટે, ઘરમાં શાંતિ માટે, કુબેરવ્રત સમદ્ધિ માટે નિત્યક્રિયાથી પરવારીને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને આસાન પર બેસી જાવ. દહીં, દૂધ, સાકર, ઘી અને ગુલાબ મેળવીને ૐ નમ: શિવાયનો જાપ કરતા પંચામત ચઢાવો. હવે શુદ્ધ પાણીથી ધોઇને શિવલિંગ અને રુદ્રાક્ષને બાજોઠ પર ફૂલોનું આસન બનાવી બિરાજમાન કરો. બીલીપત્ર, બિલ્વ ફળ વગેરે બધી સામગ્રી ૐ નમ: શિવાય મનમાં બોલતાં ચઢાવવી. રુદ્રાક્ષની માળાથી વરદાયી મંત્રની પાંચ માળા અવશ્ય કરવી. ૐ રુદ્રાક્ષ પશુપતિ નમ: મંત્ર જપ્યા બાદ આશુતોષ ભગવાનની આરતી ઉતારવી. ગુલાબનું ફૂલ શિવજીનાં ચરણોમાં શ્રદ્ધાથી સમર્પિત કરવું.
--- ચોથો સોમવાર:
ચોથો અને છેલ્લો સોમવાર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ સોમવારે વિધિ-વિધાનથી પૂજા કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. શત્રુઓને પરાસ્ત કરવા માટે, કોર્ટ-કચેરીમાં પૂર્ણ સફળતા અને ઝડપથી અનુકૂળ ચુકાદા માટે, ભવિષ્યમાં મુશ્કેલી, ભય, અપમાન, અકાળે મૃત્યુ નિવારવા, અકસ્માતથી બચવા, બાળકોના સ્વાસ્થ્ય અને તેમની આવરદા માટે, રોગમુકિત, સુખ-સમૃદ્ધિ માટે, ઘડપણ રોકવા માટે તમે ચોથા સોમવારની પૂજાથી મનોરથ પૂરો કરી શકો છો. શ્રાવણ મહિનામાં પુરાણ વાંચવું લાભકારી છે.રામચરિતના દોહા નં ૧૦૭માં રુદ્રાષ્ટક આપેલ છે. શ્રાવણના ચોથા સોમવારથી તેનો નિત્ય પાઠ કરવો, પૂજામાં શ્રી લક્ષ્મી વિસા યંત્ર સ્થાપિત કરવું, ભગવાન શિવની સાક્ષાત્ કપા પ્રાપ્ત થશે. ઉપરોકત બધી સમસ્યાઓનું નિરાકરણ થઇને બધા મનોરથ પૂર્ણ થશે. શ્રાવણ માસમાં કરેલી શિવ આરાધના અને સોમવારે કરેલ પૂજા-પાઠ ગૃહસ્થો માટે પૂર્ણ સૌભાગ્યનાં દ્વાર ખોલી નાખે છે.
પદાર્થ શિવલિંગના અણમોલ પ્રયોગ:
- ફૂલોથી બનેલા શિવલિંગની પૂજાથી જમીન સંપત્તિ પ્રાપ્ત થાય છે.
- જવ, ઘઉ, ચોખાનો લોટ સરખા ભાગે મેળવીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી ધન અને સંતાન આપે છે.
- સાકરથી બનાવેલા શિવલિંગની પૂજાથી રોગોથી છુટકારો મળે છે.
- ખાંડની ચાસણીના શિવલિંગથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય.
- દહીંને કપડામાં બાંધી નિચોવીને (મઠ્ઠો) જે શિવલિંગ બનાઓ તેની પૂજાથી લક્ષ્મી અને સુખ પ્રાપ્ત થાય છે.
- ગોળમાં અનાજ ચિપકાવીને બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી કષિ ઉત્પાદન વધુ થશે.
- સુવર્ણ નિર્મિત શિવલિંગ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
- ચાંદીના શિવ- લિંગની પૂજા કરવાથી ધન-ધાન્યનીં વૃદ્ધિ થાય.
- પિત્તળનું શિવલિંગ દરિદ્રતા દૂર કરે છે.
- લસણિયા હીરાનું શિવલિંગ વિજય અપાવે છે.
- સ્ફટિકથી બનેલા શિવલિંગનો રુદ્રાભિષેક કામનાઓની પૂર્તિ કરે છે.
- પારાના બનેલા શિવલિંગનું પૂજન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
આ સાક્ષાત્ શિવસ્વરૂપ છે. તે બધાં પાપો દૂર કરે છે. તેના દર્શન માત્રથી જ સંસારનાં સર્વે સુખો અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ***********************************************************************************
શિવજીને પ્રિય બીલીપત્ર by Divyabhaskar
બિલ્વના ઝાડને સીંચવાથી બધાં તીર્થોનું ફળ અને શિવલોકની પ્રાપ્તિ થાય છે. બીલીપત્ર એક ઔષધી છે. બીલીપત્ર ખાસ કરીને ત્રણ-ત્રણ પાંદડાના સમૂહમાં હોય છે. કેટલાંક પાન પાંચના સમૂહમાં પણ હોય છે, પરંતુ તે બહુ દુર્લભ હોય છે. એવી પણ માન્યતા છે કે શિવજીને બીલીપત્ર ચઢાવવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. બિલ્વના વૃક્ષના મૂળમાં મહાદેવજીનો વાસ છે. શિવપુરાણમાં પણ કહ્યું છે કે, બિલ્વના મૂળમાં લિંગરૂપી અવિનાશી મહાદેવજીનું પૂજન જે પુણ્યાત્મા કરે છે તેનું કલ્યાણ થાય છે. જે વ્યકિત બિલ્વના મૂળમાં જળ ચઢાવે તેને બધાં તીર્થોનું ફળ મળે છે.
બીલીપત્ર અમુક ખાસ દિવસે કે પર્વ પર તોડવાં નહીં. શાસ્ત્રો અનુસાર બીલીપત્ર સોમવાર, તિથિઓમાં ચોથ, આઠમ, નોમ, ચૌદસ અને અમાસ તેમજ સંક્રાંતિના પર્વ પર નહીં તોડવા. જો તમારી પાસે બીલીપત્ર ન હોય તો ચઢાવેલા બીલીપત્રને ધોઇને તમે ફરીથી ચઢાવી શકો છો. રુદ્રાક્ષની માળા જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, અને નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, મુનિઓમાં કશ્યપ અને દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે. તેમ માળાઓમાં રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે.
**************************************************************************************
વંદે શિવં શંકરમ્ by Vaidehi Adhyaru
પરમાત્માની ત્રણ રૂપમાં નિરંતર અભિવ્યક્તિ જગતમાં આપણને જોવા મળે છે. સર્જક, પાલક અને સંહારક. રજોગુણનો આશ્રય લઇને પરમાત્મા સર્જક બને છે ત્યારે ભવ કે બ્રહ્મા કહેવાય છે. સત્ત્વગુણનો આશ્રય લઇને જગતનું પાલન કરે છે ત્યારે વિષ્ણુ કે મડ કહેવાય છે અને તમોગુણનો આશ્રય લઇને સંહારક બને છે ત્યારે હર કે રુદ્ર કહેવાય છે. આ ત્રણે રૂપ મંગળકારી છે. જીવોના કલ્યાણ માટે પરમાત્મા પોતે સર્જક, પાલક અને સંહારક ત્રણે રૂપમાં નિત્ય લીલા કરે છે.
-- શિવ એટલે સત્યમ્ શિવમ્ સુંદરમ્રુદ્ર એ સંહારકના રૂપમાં અભિવ્યક્ત થતા પરમાત્માનું નામ છે. રોદયતિ સર્વ ઈતિ રૂદ્ર સર્વને જે રડાવે છે તે રુદ્ર છે. જગતની સ્થિતિ દરમિયાન ભગવાન રુદ્ર જીવોના પ્રાણ હરી લઇને તેમને રડાવે છે અને પ્રલયકાળે પણ તે સમગ્ર જગતનો કોળિયો કરી જાય છે. શરીર જીર્ણ થાય છે ત્યારે ભગવાન રુદ્ર તેના પ્રાણ હરી લે છે. જીવ નવું શરીર ગ્રહણ કરી પોતાની જીવનયાત્રા આગળ ધપાવી શકે તે માટેની ભૂમિકા તૈયાર કરી આપે છે. ભગવાન રુદ્ર આપણા દેહમાં રહેલા નિયંતા છે એ સમજાવતી તેમની ઉત્પત્તિની કથા વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં આ રીતે મળે છે.
બ્રહ્માજી જગતનું સર્જન કરી રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ તેમણે સનક, સનંદન વગેરે સંતકુમારોને ઉત્પન્ન કર્યા. આ ચાર સંતકુમારો જન્મથી જ જ્ઞાની, વિરકત હતા અને મત્સર વગેરે દોષોથી મુકત હતા. આથી, પિતાજીની સૃષ્ટિના સર્જન વગેરેની પ્રવૃત્તિમાં તેઓ જોડાયા નહીં અને પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તપ કરવા ચાલ્યા ગયા. સંસારરચના પ્રત્યે ઉદાસીન એવા પોતાના પુત્રોને જોઇને બ્રહ્માજીને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો. ત્રણેય લોકને ભસ્મ કરી નાખે તેવા આ મહાન ક્રોધથી ત્રણેય લોક જવાળાઓથી દેદીપ્યમાન થઇ ગયા.
-- શિવજી કરે કામના પૂરી - તે સમયે બ્રહ્માજીની વક્ર ભ્રૃકુટિ તેમજ ક્રોધસંતપ્ત લલાટમાંથી મઘ્યાહ્નના સૂર્ય સમાન તેજસ્વી રુદ્રની ઉત્પત્તિ થઇ. નીલલોહિત (રાતો અને શ્યામ રંગ મળવાથી થતા) વર્ણના રુદ્રે જન્મતાંની સાથે જ રડવા માંડયું. રુદ્ર અગિયાર ભાગમાં વિભકત થયા, જે અગિયાર રુદ્રો થયા. તેમનાં નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતુઘ્વજ, ઉગ્રરેતા, ભવ, કામ, વામદેવ અને ધૃતવ્રત. બ્રહ્માજીએ આ અગિયાર રુદ્રોને શરીરમાં અગિયાર કેન્દ્રોમાં સ્થાન આપ્યાં : પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન.
ભગવાન રુદ્રનાં બે રૂપો છે : ઘોર રૂપ અને શિવ રૂપ. ઘોર રૂપથી તે દુષ્ટોનો સંહાર કરે છે અને શિવ રૂપથી ભકતો પર અનુગ્રહ કરે છે. આમ તો ભગવાન બધા પર અનુગ્રહ જ કરતા હોય છે, પરંતુ જુદી જુદી પ્રકતિના લોકો પર અનુગ્રહ કરવાની તેમની રીત જુદી જુદી જણાય છે. દુષ્ટોને સજા કરવામાં કે સંહાર કરવામાં ભગવાનની ક્રૂરતા નથી. તે દ્વારા ભગવાન તેમને પોતાના હિતમાં જોડવા માગે છે. ભક્તો પર અનુગ્રહ કરવામાં પણ સંહાર તો રહેલો હોય જ છે. તેમની આઘ્યાત્મિક સાધનાના માર્ગમાં આવતા પ્રતિબંધોનો સંહાર અને છેવટે સર્વ ગ્રંથિઓ સહિત અજ્ઞાનનો સંહાર.
આ જ પરમાત્મા જયારે સંસારમાં ભટકીને થાકેલા જીવોને વિરામ આપવા જગતને પોતાનામાં સમાવી લે છે ત્યારે ‘હર’ કહેવાય છે. જીવોને ભોગ ભોગવવા માટે જગતનું સર્જન કરે ત્યારે ‘ભવ’ કહેવાય છે. સૃષ્ટિકાળ દરમિયાન સર્વનું પાલન કરતા હોય છે ત્યારે ‘મડ’ કહેવાય છે.
-- દેવાધિદેવ મહાદેવનો મહિનો - શિવલિંગ એ પ્રભુના સગુણ સ્વરૂપનું પ્રતીક છે અને નિર્ગુણ સ્વરૂપનું બોધક છે. આ વિશ્વને બ્રહ્માંડ કહેવામાં આવે છે કારણ કે તેનો આકાર અંડ જેવો છે. શિવલિંગ આ બ્રહ્માંડનું પ્રતીક છે. જેમાં સર્વ નામ-રૂપ સમાયેલાં છે. વળી, શિવલિંગનો આકાર અગ્નિશિખાનો પણ સૂચક છે. અગ્નિની જવાળા હંમેશ ઊર્ધ્વમુખી હોય છે, અંધકારનો નાશ કરનારી હોય છે, તેમ શિવજી પણ ભકતનાં પાપો અને અશુદ્ધિઓનું દહન કરીને ભસ્મ કરી નાખે છે. આશુતોષ- ઝડપથી ખુશ થઇ જાય તેવા આડંબરરહિત છે. માત્ર જળ ચઢાવવાથી પ્રસન્ન થઇ જાય છે. સ્તુતિ કરવાથી ગમે તેવા અપરાધને પણ ક્ષમા કરે છે. શીઘ્ર પ્રસન્ન થઇને દોષો અને પાપોને દૂર કરી ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જ્ઞાન, વિજ્ઞાન તથા સ્વયં પોતાની જાતને આપી દઇ એ પોતાનાં નામોની સાર્થકતા સૂચિત કરે છે.
****************************************************************************************
શ્રાવણ સુધા by Parmanand Gandhi
કોઈ પણ આપણને બળદિયા જેવો કહે તો તે આપણને ગાળ લાગે છે. આપણું અપમાન થયું એમ લાગે છે. અને તે બળદનું સ્થાન ભગવાન શિવજીના મંદિરમાં! તેમાં ય વળી પહેલાં નમસ્કાર, પહેલું પૂજન તે બળદનું અને પછી ભગવાન શિવજીનું પૂજન!!
પરંતુ ‘સ્વ’માં કેન્દ્રિત થયેલાં માનવી ભૂલી જાય છે કે એ બળદના માનવજાત ઉપર અનંત ઉપકાર છે. માનવજાત તેની ઋણી છે.
ભગવાન શિવજી જ્ઞાનનું પ્રતીક છે. અને બળદ-પોઠિયો-નિષ્કામ કર્મયોગનું પ્રતીક છે. સમાજમાં જ્ઞાનનું વહન નિષ્કામ કર્મયોગી જ કરી શકે ને? અને જેણે પોતાના જીવનમાં ગીતાનો કર્મયોગ વણી લીધો, લોક કલ્યાણ માટે પ્રભુકર્મ માટે જેણે પોતાના હાડકાનું ‘ખાતર કર્યું- લોહીનું ટીપેટીપું ખરયું તેને ભગવાન પોતાની પાસે ન લે?
આવા કર્મયોગીને જ ભગવાન પોતાનું, પોતાના જ્ઞાનનું, વિચારોનું વાહન બનાવે. આ બળદને જ પોઠિયાને ભગવાને પાસે લીધો. તેને પાર્ષદ તો બનાવ્યો જ પણ તેનું હુલામણું નામ નંદિ રાખ્યું. નંદિ એટલે આનંદ જેના જીવનની બેઠકમાં આનંદ હોય તેના ઉપર જ ભગવાન બેસેને? ત્યાં જ ભગવાન સુસ્થિર થાય ને!
નંદિ- ભગવાન શિવજીનો પોઠિયો જીવનને આનંદમ્ય બનાવવાની પ્રેરણા આપે છે. ભગવાનનું પશુસૃષ્ટિ જોડે તા દાત્સ્યતું પ્રતીક એટલે નંદિ અવિરત કર્મયોગનું પ્રતીક એટલે નંદિ.
ભગવાન શિવજીની ઉપાસના કરીએ ત્યારે આપણે પણ નંદિ પાસેથી પ્રેરણા લઈ પ્રભુના વિચારોનું વહન કરનાર કર્મયોગી બનવાનો સંકલ્પ કરીએ.
****************************************************************************************
સિદ્ધનાથ મહાદેવ by Pravin Patel
શ્રાવણમાસમાં હજારો કાવડિયાઓ જલાભિષેક કરવા દૂર દૂરથી કાવડમાં જળ ભરીને પગપાળા આવે છે. આ મંદિર સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું પાણી શિવલિંગમાં સતત આવે છે. જેને ‘ગુપ્તગંગા’ કહે છે. શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે આ જળ લઇ જાય છે.
સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં કુવાદ ગામમાં સરસ ગામ નજીક ‘સિદ્ધનાથ મહાદેવ’નું એક અતિ પ્રાચીન મંદિર છે. જે સુરતથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ છે. જેનો મહિમા શ્રાવણ માસમાં અનેરો છે. શ્રાવણમાસ દરમિયાન રુદ્રાભિષેક કરવા માટે હજારો યાત્રાળુ દૂર દૂરથી અહીં આવે છે.
શ્રાવણમાસના દર સોમવારે હજારો કાવડિયાઓ જલાભિષેક કરવા દૂર દૂરથી કાવડમાં જળ ભરીને પગપાળા આવે છે. આ મંદિરની ઐતિહાસિક કથા મુજબ આ જગ્યા ઉપર પ્રાચીન સમયમાં હેડંબા વન હતું. જેમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં આશ્રમની ગાયો ચરવા જતી ત્યારે એક ટેકરી ઉપર ગાયના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ વહેતી હતી. એક રાત્રે ગૌકર્ણ ઋષિને સપનું આવ્યું અને તપ કરતા શિવલિંગ પ્રગટ થયું હતું. જે તે સમયના ગાયકવાડી રાજા દામાજીરાવ ગાયકવાડે પોતાની માનતા પૂરી થતાં અહીં મંદિર બનાવ્યું. બાદ કેટલાક લુટારુઓએ શિવલિંગમાં ધન છુપાવ્યું હોવાની શંકાથી હુમલો કર્યો. શિવલિંગ ઉપર ભાલા -કુહાડીથી હુમલો થતા લિંગમાંથી શંકર ભગવાનના સ્વરૂપે નીકળેલા ભમરાએ લુટારુઓને ભગાડયા હતા. મંદિરની બહાર કુંડ છે, ત્યાં ભગવાન રામે યજ્ઞ કર્યો હોવાનું પણ કહેવાય છે.
શ્રાવણના દર સોમવારે મેળો તથા માગશર સુદ અગિયારસના દિને મોટો મેળો અહીં ભરાય છે, જે રાત્રે ઘીનું મોટું કમળ શિવલિંગ ઉપર તૈયાર કરવામાં આવે છે. આ દિવસોએ મોટો માનવ મહેરામણ ઊમટે છે. મંદિરની બાજુમાં જ મોટી ધર્મશાળા છે.
*************************************************************************************