Wednesday, July 23, 2008

Chaturmaas

આત્માને ભીંજવતો ચાતુર્માસ - Courtesy રેખા શુકલ
મનુષ્યમાત્ર ચાતુર્માસમાં શ્રીહરિને પ્રણામ કરી તેમના સ્મરણમાત્રથી તમામ પાપોમાંથી મુકત થાય છે

અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧ સુધીના ચાર મહિના અર્થાત્ ચાતુર્માસ એટલે સ્નાન-દાન-વ્રત-ભગવત સ્મરણ-પૂજન-અર્ચન ઇશ્વરની ઉપાસના-આરાધના દ્વારા જીવનના આઘ્યાત્મને મેઘધનુષ્યના રંગે રંગી દેતો વિશિષ્ટ અવસર. ચાતુર્માસ એટલે ક્રોધ-માન-માયા-લોભ રૂપી આગ-આવેશને બુઝાવી કર્મોની વળગાળને બાળી, ખાખ કરી આત્માને જ્ઞાન-ઘ્યાનથી ભીંજવી નાખવાની મોસમ. સાધુ-સંન્યાસી માટે પરિભ્રમણ પર પ્રતિબંધ અને સ્થિર વાસ માટેનું ફરમાન. હિંદુ ધર્મશાસ્ત્રો આ ગાળાને વિશિષ્ટ મહત્ત્વ આપતાં હોવાથી જ આ સમયગાળામાં જ દેવશયની તથા દેવઠી એકાદશી, નાગપાંચમ, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, શીતળાસાતમ, જન્માષ્ટમી, ગણેશ જયંતી, નવરાત્રિ-દશેરા દીપાવલી જેવાં વ્રત-પર્વોનું આયોજન થયેલ છે.

ચાતુર્માસમાં જળની વિશેષ રૂપથી શુદ્ધિ થાય છે અને દેવાધિદેવ ભગવાન વિષ્ણુના અંગૂષ્ઠ વડે પ્રવાહિત થયેલ સદા પાપનાશિની ગંગા સ્નાનનું ચાતુર્માસ મહાત્મ્ય વિશેષ રૂપથી પ્રકટ થાય છે. સઘળાં તીર્થ, દાન, પુણ્ય અને દેવસ્થાન પણ ચાતુર્માસમાં મોક્ષદાતા સંસારસાગરથી પાર ઉતારવાવાળા ભગવાન વિષ્ણુનું શરણ લે છે અને મનુષ્યમાત્ર ચાતુર્માસમાં શ્રી હરિને પ્રણામ કરી તેમનાં સ્મરણ માત્રથી તમામ પાપોથી મુકત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુનું વ્રત કરનાર મનુષ્ય પણ ઉત્તમ મનાય છે. ચાતુર્માસમાં ભગવાન નારાયણ સ્વયં જળમાં શયન કરે છે. એટલે તે સમયે ભગવાન વિષ્ણુના તેજનું અંશ પણ જળમાં વ્યાપ્ત રહે છે તેથી તે સમયે કરેલું સ્નાન તમામ તીર્થોકરતાં અધિક ફળદાયી ગણાય છે. ચાતુર્માસમાં ભગવાનના શયન થયા પછી નદીઓનાં સંગમમાં સ્નાન પશ્ચાત શ્રદ્ધાયુકત ચિત વડે પિતૃઓ અને દેવતાઓને તર્પણ કરી જપ-હોમ વગેરે કરવાથી મહાન અનંત ફળની પ્રાપ્તિ થાય છે.

વેદમાં અન્નને બ્રહ્મ કહેલ છે, અન્નમાં જ પ્રાણોની પ્રતિષ્ઠા છે. અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે જેના વડે સર્વ પ્રાણી પ્રસન્ન થાય છે. જળદાન કરનાર તૃપ્તિ અને અન્નદાન કરનાર અક્ષય સુખને પામે છે તેથી ભગવાન વિષ્ણુની સાથે સમાગમ માટે વૈકુંઠધામમાં જવાની ઇરછા હોય તેમણે બધાં પાપોના નાશ માટે ચોમાસામાં અન્નદાન અવશ્ય કરવું જ જોઈએ.

ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ચાતુર્માસમાં વિધાદાન, ગૌદાન અને ભૂમિદાન કરનારના પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં ભગવાન નારાયણની પ્રીતિ માટે પોતાને પ્રિય હોય તેવા ભોગોનો પૂર્ણપ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે તેને તેનાં દ્વારા ત્યાગ કરવામાં આવેલ તે વસ્તુઓ અક્ષયરૂપમાં પ્રાપ્ત થાય છે અને તે અનંત ફળનો ભાગી બને છે.

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરી બાહ્ય આશ્રમનું સેવન કરનારનો પુનર્જન્મ નથી થતો. ચાતુર્માસમાં અસત્ય ભાષણનો ત્યાગ કરનારાઓ માટે મોક્ષનાં દ્વાર ઘડી જાય છે. પરનિંદા કરવી અને સાંભળવી આ બંનેના પરિત્યાગ ચાતુર્માસમાં વિશેષરૂપે જરૂરી છે. ચાતુર્માસમાં જેમના નામ સ્મરણ માત્રથી મનુષ્ય ઘોર બંધનથી મુકત થઈ જાય છે તેવા ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા તેમનું ચિંતન અને સ્મરણ કરવું.