Wednesday, September 10, 2008

Ganpati Sarjan ane Visarjan

સર્જન - વિસર્જન પરંપરા અને પરિવર્તન - Courtesy પં. વિજયશંકર મહેતા

સર્જનમાં તો મોહ હોય છે જયારે વિસર્જનમાં પ્રેમ, લગાવ અને રુચિથી વંચિત થવાની ક્રિયા છુપાયેલી છે.

આજે દરેકને સફળતાની આકાંક્ષા છે. દરેક ક્ષેત્રમાં સૌથી આગળ રહેવા સૌ કોઈ ઇરછે છે. ગણેશજીમાં આ તમામ બાબત છે. ગણપતિનું વ્યકિતત્વ સંદેશો આપે છે કે આપણા દરેક નિર્ણયની કાર્યપદ્ધતિમાં એક સભ્યતા, પ્રામાણિકતા, લોકતાંત્રિક અને ન્યાયપૂર્ણતાનો ભાવ હોવો જોઈએ. આજે ડગલે ને પગલે સતત સાવધાની અને રણનીતિક ચિંતનની આવશ્યકતા છે, ગણેશજી તેના પ્રતીક અને દાતા છે.

ગણેશજીને સાથે રાખીને આપણે પ્રલોભન, સંમોહન, દગો અને લોકોના પડ્યંત્રથી ખુદને બચાવી શકીએ છીએ. આપણી પ્રામાણિક છબી બનાવી કાર્યસિદ્ધિ કેવી રીતે કરવી એ આપણને સિદ્ધિવિનાયક બતાવે છે.

ગણેશ સ્થાપન અને પછી વિર્સજન આમ તો એક વ્યાવહારિક ઉત્સવ છે પરંતુ બહુ ઘ્યાનથી જૉઈએ તો આ એક આઘ્યાત્મિક વ્યવસ્થા છે. ગણેશોત્સવમાં બે સંદેશ છે, વિવેક અને વૈરાગ્ય.

સર્જનમાં તો મોહ હોય છે જયારે વિસર્જનમાં પ્રેમ, લગાવ અને રુચિથી વંચિત થવાની ક્રિયા છુપાયેલી છે. કોઈ પણ ભોગે સફળતા મેળવવાના આ સમયમાં વૈરાગ્યભાવની ખૂબ આવશ્યકતા છે, જે ગણેશ વિસર્જનથી ઉત્પન્ન થાય છે.
આજના સમયમાં સફળ થતાં જ અહંકાર અને નિષ્ફળ જતાં તણાવ (ડિપ્રેશન)માં આવી જવું સામાન્ય બાબત છે. લાંબી જીવનયાત્રા માટે આ બંને બાબત ખતરનાક છે. ગણેશ સર્જન (સ્થાપના)માં વિવેક આપણા અહંકારને નિયંત્રિત કરે છે તથા વિસર્જનમાં વૈરાગ્ય આપણને તણાવથી મુકત રાખે છે.

ગણપતિનું સંપૂર્ણ વ્યકિતત્વ જેટલું પારદર્શી છે તેટલું જ રહસ્યમયી છે, એથી જ એ પ્રતીકાત્મક છે. લોકાચાર અને વ્યવહારમાં લોકપ્રિય દેવતા ગણેશજી પોતાના વિસર્જનથી બીજો એક સંદેશ આપે છે તે છે ફેરફાર - પરિવર્તન. નવનિર્માણ માટે પોતાના જ સર્જનનું વિસર્જન કરવું પડે છે. પરિવર્તનમાં પ્રગતિ છુપાયેલી છે. આપણા નિર્ણયો, નીતિઓ અને રીતરિવાજૉમાં પરિવર્તન કરવામાં સમજદારી છે અને ગણપતિ સતત આનો સંકેત આપે છે.

ગણેશોત્સવને ૧૧૫ વર્ષ થવા આવશે. લાંબા સમય સુધી એક દેવતા પોતાની લોકપ્રિયતા સાથે આવી રીતે પૂજાય એ પણ એક ચમત્કાર છે.

તેમની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે તેમનો સંબંધ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે છે. બ્રહ્માજીની પુત્રી રિદ્ધિ-સિદ્ધિ સાથે તેમનાં લગ્ન થયેલાં. જયારે તેમનું મસ્તક કપાયું ત્યારે સ્વયં વિષ્ણુ હાથીનું મસ્તક લઈ આવ્યા અને લગાવી દીધું. મહેશે તેમને ગણોના પતિ(ગણપતિ) તથા પોતાના પુત્ર માન્યા છે, એટલા માટે ગણેશજી ઉત્તરોત્તર લોકપ્રિય અને લોકપૂજય બનતા ગયા.

લોકમાન્ય તિલકે ગણપતિજીને કેમ પસંદ કર્યા? પહેલું કારણ એ છે કે તેઓ પ્રથમ પૂજય છે તથા બીજું કારણ કે તે વિધ્નહર્તા છે. કોઈ પણ વ્યકિત ગમે તે દેવનો ઉપાસક હોય, ગણેશજીની વિરુદ્ધ નથી જઈ શકતો. સમાજને સંગિઠત કરવા માટેના શ્રેષ્ઠ દેવતા છે. તે સમયે તિલકનો વિચાર યોગ્ય હતો કે ધાર્મિક ઉત્સવને લીધે બ્રિટિશ સલ્તનત સીધો હસ્તક્ષેપ ન કરે. એટલે જ ૧૮૯૩માં પૂનામાં સૌપ્રથમ તેનું આયોજન કરવામાં આવ્યું, અને આઝાદીના આંદોલનમાં આ એક પ્રભાવશાળી સાધન બની ગયું.

જો ઊંડાણપૂર્વક જોઈએ તો પૌરાણિક સાહિત્યથી લઈને આજ સુધી ગણપતિના દેવત્વનો એક સુવ્યવસ્થિત ગ્રાફ નજરે પડે છે. વેદકાળમાં એક સામાન્ય દેવતા કાળાંતરે ઓમ્ મંત્ર સ્વરૂપ, પરબ્રહ્મના રૂપે સગુણ અને નિર્ગુણ બંને ભાવથી પૂજાયા. વિધ્ન વિનાયક અને સિદ્ધિદાતાના રૂપે લોકોના દિલો-દિમાગમાં જલદી વસી ગયા. ગણેશજીના જન્મની દરેક કથામાં ન તો માત્ર આઘ્યાત્મિક રહસ્ય છે બલકે આ કથાઓ મનોવૈજ્ઞાનિક, નીતિવિષયક અને શિક્ષાપ્રદ પણ છે.

ભારતીય સંસ્કૃતિમાં શ્રીકૃષ્ણ એવા અવતારી હતા જેમણે જ્ઞાન, બુદ્ધિ, બળનો વ્યાવહારિક અને દાર્શનિક સદુપયોગ કર્યો હતો. ગણપતિ અને શ્રીકૃષ્ણમાં બહુ સામ્યતા છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગણેશ ખંડમાં એક કથા છે. શિવ-પાર્વતીનાં લગ્ન પછી અમુક સમય સુધી તેમને સંતાન ન થતાં પાર્વતીજીએ દુ:ખી થઈને એક દિવસ શિવજીને કહ્યું, હું પુત્રની ઝંખના રાખું છું. શિવજીએ પુણ્યક નામનું વ્રત કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે, વ્રત પૂર્ણ થતાં જ શ્રીકૃષ્ણ તમને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત થશે. પુરાણમાં જણાવ્યું છે કે ગણપતિના રૂપે શ્રીકૃષ્ણ દરેક કાળમાં પાર્વતીજીના પુત્ર બનીને આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સમસ્ત અંશો અને કલાઓની સાથે પાર્વતીના પુત્રના રૂપે પ્રગટ થયા છે.

ગણપતિ વિસર્જનમાં વૈરાગ્ય આપણને સહનશીલતા અને પરિવર્તન શીખવાડે છે, તેમજ તેની સ્થાપનાનો વિવેક આપણને જીવનનાં કર્મોપ્રતિ નિષ્કામતા પ્રદાન કરે છે. સમજદારીના આ જમાનામાં સંપૂર્ણ જીવનશૈલી બદલાઈ ગઈ છે. આપણે સક્ષમ થઈ ગયા છીએ પરંતુ આપણાં સંકટો ઓછાં નથી થયાં. જિંદગીમાં પૈસો આવી ગયો પરંતુ જીવનમૂલ્યો ખોતાં ગયાં. મોઢેથી મીઠા પણ દિલમાંથી પ્રેમ ગાયબ.
જીવન જીવવાની યુકિત છે પણ યોગ્યતા નથી. ખૂબ ધન, વિધા, કીર્તિ કમાયા અને ખર્ચ પણ કરીએ છીએ પરંતુ દિલ હૈ કી માનતા નહીં... બેચેની રહ્યાં કરે છે, એટલા માટે સમજદારીને વિવેક સાથે જોડવામાં આવી છે. જયારે સમજદારી વિવેક સાથે જોડાઈ જાય તો તેનું નામ ઇમોશનલ ઇન્ટેલિજન્સી, ભાવનાત્મક વિદ્વતા, સંવેદનશીલ યોગ્યતા, પરોપકારી દક્ષતા જેની આજે ખૂબ આવશ્યકતા છે અને આ સમયમાં ગણેશજીનો આ જ મહાપ્રસાદ છે.
**************************************************************************