Wednesday, September 24, 2008

Sarva Pitru Amas

સર્વપિતૃ અમાસ- પિતૃઓને શ્રદ્ધા-સુમનનું વિશિષ્ટ પર્વ
- Courtesy Dr. Pranav R. Dave
શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે અને તેનાથી શ્રાદ્ધ કરનારનું સદા-સર્વદા કલ્યાણ જ થાય છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ પણ કહે છે. જે કોઈ શ્રદ્ધાળુને પોતાના સદ્ગતની તિથિ યાદ ન હોય અથવા તો જે કોઈ આખા પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ-તર્પણ વગેરે નથી કરી શકતા તેવા શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ-તર્પણ, દાન કરી શકે છે.


આ વર્ષે પિતૃપક્ષની પૂણાર્હુતિ ૨૯મી સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાસ સાથે થઈ રહી છે તે પણ એક સંયોગ છે. સામાન્ય રીતે તો દરેક અમાસ પિતૃકૃપા મેળવવા માટે ઉત્તમ છે, છતાં પણ સર્વપિતૃ અમાસનું વિશિષ્ટ મહત્ત્વ છે. કેમકે એવું કહેવાયું છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા વર્ષભર મળી રહે છે.

ઋષિઓના મતાનુસાર કહીએ તો મૃત્યુ બાદ જીવાત્મા ચંદ્રલોક તરફ ગતિ કરે છે અને ત્યાંથી પણ આગળ પિતૃલોકમાં જાય છે. આ મૃતાત્માઓને તેમના નિયત સ્થાન સુધી પહોંચાડવાની શકિત પ્રદાન કરવા માટે મરણોત્તર પિંડદાન અને શ્રાદ્ધની વ્યવસ્થા કરવામાં આવી છે.

શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે જે વ્યકિત શ્રાદ્ધ કરે છે, તેને પિતૃઓના આશીર્વાદ મળે છે તથા તેને આયુ, બળ, પુત્ર, યશ, સુખ, વૈભવ અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. મહર્ષિ સુમન્તુના મતાનુસાર ‘સંસારમાં શ્રાદ્ધથી વધુ કલ્યાણકર માર્ગ બીજો કોઈ નથી, માટે બુદ્ધિમાન મનુષ્યે પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ.’

ગરુડ પુરાણમાં ઋષિએ જણાવ્યું છે ‘પિતૃપૂજનથી સંતુષ્ટ પિતૃઓ મનુષ્યને આયુ, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે.’ માર્કન્ડેય પુરાણમાં ઋષિ કહે છે ‘ શ્રાદ્ધથી તૃપ્ત થઈને પિતૃઓ શ્રાદ્ધ કર્તાને દીઘાર્યુ, સંતતિ, ધન, વિધા, સુખ, રાજય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.’ જયારે મહાભારત અનુસાર ‘ પિતૃઓની ભકિત કરનાર પુષ્ટિ, આયુ, વીર્ય અને લક્ષ્મી મેળવે છે.’

એક સ્થળે ઉલ્લેખ છે કે એક અંગ્રેજ કે જે સંસ્કૃતના વિદ્વાન હતા તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું કે ‘હિંદુઓમાં શ્રાદ્ધની પ્રથા ખૂબ પ્રાચીન છે અને આધુનિક સમય સુધી અતિપવિત્ર અને શુભ માનવામાં આવે છે. મારા વિચાર મુજબ તો પોતાના પૂર્વજો તરફ અગાધ શ્રદ્ધા અને સ્મરણભાવથી યુકત આ પ્રથા ખૂબ જ પ્રશંસનીય જ નહીં પણ આ પ્રથાને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. પ્રાચીન સમયથી મનુષ્યનો એ દૃઢ વિશ્વાસ કે જો તે પોતાના મૃત પૂર્વજ અને સંબંધીઓની આત્માઓને તેમની મંગલકામનાની પ્રાર્થના કરી દરરોજ સંતુષ્ટ નહીં કરે અથવા તે મૃતાત્માઓની તૃપ્તિ માટે દાન આપવામાં સંકોચ કરશે તો તે અસંતુષ્ટ મૃતાત્માઓ તેમની શાંતિમાં બાધક બનશે, આ પ્રાચીન મત સર્વથા સારહીન નહોતો, એવો મારો મત છે.’

પિતૃપક્ષની સાથે પિતૃઓનો વિશેષ સંબંધ હોવાથી શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનો વિશિષ્ટ મહિમા દર્શાવાયો છે. એવો ઉલ્લેખ છે કે મહર્ષિ જાબાલિ મુજબ ‘પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈરિછત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.’ પરંતુ જેઓ શ્રાદ્ધનું વાસ્તવિક રહસ્ય નથી સમજતાં તેમને શાસ્ત્રોમાં મૂર્ખની સંજ્ઞા આપવામાં આવી છે. મહાભારતમાં આવતા એક પ્રસંગમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેતા હોય છે ‘જે મનુષ્ય પોતાના પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ નથી કરતાં તેમને બુદ્ધિમાન મનુષ્યો મૂર્ખ કહે છે.’
એવું કહેવાય છે કે જે રીતે નાનો યજ્ઞ કરવાથી તેની દિવ્ય સુગંધ અને ઉદાત્ત ભાવના સમસ્ત વાતાવરણ અને બધા જ જીવોને લાભ પહોંચાડે છે, તેવી જ રીતે કૃતજ્ઞતાની ભાવનાથી કરવામાં આવેલ શ્રાદ્ધ-કર્મ સમસ્ત જીવોમાં શાંતિમય ભાવનાનો સંચાર કરે છે. સદભાવનાનાં તરંગો તો જીવંત અને મૃત, બધાને પ્રભાવિત કરે છે. પરંતુ તેનો સૌથી વધુ હિસ્સો તેમને પહોંચે જેના માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું હોય. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે અને તેનાથી શ્રાદ્ધ કરનારનું સદા-સર્વદા કલ્યાણ જ થાય છે.

આમ સર્વપિતૃ અમાસનો દિવસ દિવંગત પિતૃઓ તરફ શ્રદ્ધા-સુમન અને કૃતજ્ઞતા અર્પણ કરવાનું વિશિષ્ટ પર્વ છે. શ્રાદ્ધનો અન્ય એક અર્થ થાય છે શ્રદ્ધાપૂર્ણ વ્યવહાર. તર્પણનો અર્થ થાય છે, તૃપ્ત કરવું. આમ, આ દિવસે શ્રાદ્ધ-તર્પણ એટલે પિતૃઓને તૃપ્ત કરવાની શ્રદ્ધાપૂર્વકની પ્રક્રિયા. સર્વ પિતૃ અમાસના દિવસે જે કર્મકાંડ થાય છે, તે આ જ હેતુથી કરવામાં આવે છે. આ કર્મકાંડની સાથોસાથ એવો ભાવ પણ રહેલો હોય છે કે અમે પિતૃઓ, મહાપુરુષો અને મહાન પૂર્વજોના આદર્શો, નિર્દેશો અને શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરીને તેમના જેવા મહાન બનવાનો પ્રયત્ન કરીશું.