Thursday, September 4, 2008

Micchami Dukkadam

Jain Prajushan were from August 27 to September 3, 2008. Here are some reading materials related to Jainism.

૧૧ કર્તવ્યો આત્માની ગાડીને ગતિ આપે છે - Bhaskar Network, Ahmedabad
સૂરીલા સૂરો કાનમાં એક ભનક ઝૂરી જાય છે. જે મનને ગુંજન થતું હોય... કાલનાં પાંચ કર્તવ્યોનું ગુંજન પ્રત્યેક જૈનના હૃદયને ગૂંજતું કરી મૂકયું. પર્યુષણનાં પાંચ કર્તવ્ય પછી પ્રારંભાય વાર્ષિક ૧૧ કર્તવ્યો. પાંચ કર્તવ્ય પર્યુષણ દરમિયાન આચરવાના હોય છે જયારે આ ૧૧ કર્તવ્યો વર્ષ દરમિયાન આચરવાનાં હોય છે. પાંચ કર્તવ્યો આત્માની ગાડીને શકિતશાળી, વ્યવસ્થિત બનાવે છે, જયારે ૧૧ કર્તવ્યો તે ગાડીને ગતિ આપે છે. શકિત બાદ ગતિ આવશ્યક છે. ગતિ દ્વારા લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. પ્રવૃત્તિરૂપ આ ૧૧ કર્તવ્યો છે. હવે આપણે ૧૧ કર્તવ્ય અને તેનું સામાન્ય રૂપ જૉવા પ્રયત્ન કરીએ.
૧. સંઘપૂજા - તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે સાધુ-સાઘ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ હોય છે.
૨. સાધર્મિક ભકિત - પર્વાધિરાજના કર્તવ્યમાં પણ સાધર્મિક વાત્સલ્યરૂપ કર્તવ્ય હતું.
૩. યાત્રાત્રિક - વર્ષ દરમિયાન રથયાત્રા -તીર્થયાત્રા મહોત્સવરૂપ અષ્ટાન્હિકા યાત્રા કરવી, જે દ્વારા શાસન પ્રભાવના ખૂબ સુંદર રીતે થઈ શકે છે. એના દ્વારા ગામો ગામના જિનાલયોનાં દર્શન અને ત્યાંના સંઘોની જરૂરિયાત પૂર્તિ થઈ શકે છે.
૪. સ્નાત્ર મહોત્સવ - સ્ના=પવિત્ર-ત્ર-રક્ષણ કરવું. પવિત્રતાનું રક્ષણ કરે તેવો મહોત્સવ એટલે સ્નાત્ર મહોત્સવ.
૫. દેવદ્રવ્ય વૃદ્ધિ - પરમાત્માના જિનાલયના જિર્ણોદ્ધારાદિમાં કામ લાગે. જિનાલય નિર્માણમાં કામ લાગે તે અર્થે દેંવદ્રવ્યની વૃદ્ધિ થાય તેવું કોઈને કોઈ અનુષ્ઠાન વર્ષ દરમિયાન કરવું, જેથી તમામ સ્થાપત્યો તમામ પરમાત્મા ભકિત કેન્દ્રોની સુચારુ વ્યવસ્થા થાય. અલબત્ત આ બધાં અનુષ્ઠાનોથી માત્ર બાહ્યિક વ્યવસ્થા પૂર્ણ થાય તે જ લાભ નથી. આંતરિક વિકાસ પણ ખૂબ થાય છે તે પણ વાત નિહિત જ છે.
૬. મહાપૂજા - પરમાત્મા ઉપકારોની સ્મૃતિ સાથે ખૂબ ભાવોલ્લાસ પૂર્વક પ્રભુભકિત કરવી.
૭. રાત્રીજાગરણ - રાત્રીના પરમાત્માના ગુણગાન સામૂહિક પણેર્ ગાવા રૂપ આ કર્તવ્ય છે.
૮. શ્રુતભકિત - જિન આગમનના રક્ષણ માટે પૂરતું ઘ્યાન આપવું જોઈએ.
૯. ઉજમણું - તપના આનંદની અભિવ્યકિત આ કર્તવ્ય દ્વારા થાય છે.
૧૦. તીર્થ પ્રભાવના - તીર્થ એટલે શાસન. શાસનની પ્રભાવના થાય તેવું કંઈ પણ કાર્ય વર્ષ દરમિયાન કરવાનું, જેથી આપણું વૈયકિતક પુણ્ય વિકસે છે અને શાસનની સંપત્તિ વધે છે.
૧૧. આલોચના - વર્ષ દરમિયાન કોઈ પણ માનસિક-વાચિક-કાયિક અકર્મ થયું હોય તો તે ગુરુ સન્મુખ નિખાલસપણે પ્રગટ કરી તેની આલોચના= પ્રાયિશ્ચત લેવું અને તે દ્વારા દુષ્કૃત્યોના ડાઘ ઘોઈ આત્મપવિત્ર કરવો.

આમ વ્યકિત અને શાસન ઉભયોપયોગી આ ૧૧ કર્તવ્યો ખૂબ ભાવપૂર્વક શ્રાવકે આચરવા જોઈએ. - ગરછાધિપતિ સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા.
*****************************************************************************

ધર્મ ભાવનાને પુષ્ટ કરવું પૌષધવ્રત - Bhaskar Network, Ahmedabad

મહાપર્વ પર્યુષણના બે દિવસો સુખરૂપ પસાર થઈ ગયા. પર્વના પાંચ કર્તવ્યો અને વાર્ષિક ૧૧ કર્તવ્યોનું નિરૂપણ સાંભળી કર્ણ તૃપ્ત બન્યા. કાંઈક કરી છૂટવાના મનોરથો જાગ્યા અને વ્યકિતગત કે સામૂહિક રીતે કર્તવ્યો અદા કરવાનાં ચક્રો પણ ગતિમાન થયાં. પર્વોપર્વની રીતે આરાધાય તો ખરેખર મોહને માર્યે જ છૂટકો. મોહ એટલે આપણને દરેક સમયે પજવતા રાગ-દ્વેષ, વિષયની વૃત્તિ, કષાયોની ગુલામી. આ આંતરિક શત્રુઓ છે. શત્રુને હણ્યા વિના કે કાયમી જીત્યા વિના જેમ યુદ્ધનો ભય ટળતો નથી અને નિશ્ચિત રાજય ભોગવવા મળતું નથી, તેમ આંતરિક શત્રુઓને હણ્યા વિના કે છેવટે કાબૂમાં લીધા વિના આંતર-દ્વંદ્વો મટતાં નથી અને આત્મિક અખંડ-અક્ષય રાજય ભોગવવા મળતું નથી.
આંતરિક શત્રુઓને હણવા માટેનું યુદ્ધ એટલે મહાપર્વ -પર્યુષણા! કારણ પર્યુષણ પર્વમાં એક પણ એવી વસ્તુ આરાધાતી નથી કે જેથી મોહને પોષણ મળે. મોહ માયકાંગલો થાય ત્યારે બાકીના સાથીદારો પણ માયકાંગલા બની જાય અને આત્મા પોતાની સંપૂર્ણ શકિતને પ્રાપ્ત કરી એ બધા ઉપર કાયમી વિજય મેળવી જાય.
પર્વ-મહાપર્વના દિવસોમાં આ જ એક ઉદ્દેશ્યથી અનેકાનેક પ્રકારની ધર્મારાધનાઓ વિહિત કરવામાં આવેલી છે. જૈનાગમોમાં પૌષધની વાતો ખૂબ જ વિસ્તારથી વર્ણવેલી જોવા મળે છે. શ્રાવકના બાર વ્રતમાં ૧૧મુ વ્રત ‘પૌષધોપવાસ’નું છે. એમાં ઉપવાસપૂર્વકનો પૌષધ કરવાનો હોય છે.
પૌષધ એક એવું અનુષ્ઠાન છે કે એને કરનાર સહજતાથી ધર્મની પુષ્ટિ પામે. ધર્મને પોષે-પુષ્ટિ કરે તેનું નામ પૌષધ. પૌષધના નિયમ-વ્રતમાં મુખ્યત્વે ચાર બાબતો હોય છે.
સામાન્ય નિયમ એવો છે કે પૌષધ પર્વતિથિએ કરવો અને પૌષધમાં ઉપવાસ કરવો. પરંતુ એનો મતલબ એવો નહીં કે અપર્વતિથિએ ન જ કરવો કે ઉપવાસ નહીં કરી શકનારે પૌષધ ન જ કરવો. શ્રાવકને રોજ કરવાની અનુકૂળતા ઓછી હોય માટે પર્વતિથિનું વિધાન અને ઉત્કૃષ્ટ તપ માટે ઉપવાસનું વિધાન કર્યું છે. હવે બીજી બાબત છે શરીરસત્કાર ત્યાગ. જે દિવસે પૌષધ કરવો હોય એ દિવસે કોઈ પણ પ્રકારની શરીરશોભા ન કરાય. સ્નાન, મંજન, વાળ ઓળવા, ટાપટીપ, મેક-અપ વગેરે કશું ન કરાય.
પૌષધના દિવસે અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પોતાનાં મન અને ઈન્દ્રિયોને અનુકૂળ વિષયોમાં જતાં-દોડતાં અટકાવવાં જોઈએ.
ચોથી બાબત છે, અવ્યાપાર. પૌષધ સમયે સંસાર સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ, વ્યાપાર-ધંધો, ઉધોગ આદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવી કરાવવી ન જોઈએ. આ કંડીશન ખૂબ જ મહત્ત્વની છે. છાપાં-મેગેઝીન, નવલકથાઓ સાહિત્ય રસ પોષે તેવાં પુસ્તકો, રાજકારણ આદિની વાતોચીતો આ બધાથી તદ્દન અળગા રહેવું જોઈએ.
આમ સૌ કોઈ આ પૌષધવ્રતને આરાધી પર્વ આરાધનાનાં ફળ સ્વરૂપ પરમાત્મપદના ભાગી બને એ જ શુભાભિલાષા. - - આચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા.
***********************************************************************
મોક્ષમાર્ગ માટે કલ્પસૂત્રનું શ્રવણ જરૂરી -
કેટલીક ચીજો જાણવાની મઝા આવે છે, પણ કેટલીક ચીજોને માનવાની મઝા આવે છે. જાણવામાં બુદ્ધિની યાત્રા છે, માનવામાં શ્રદ્ધાની યાત્રા છે. બીજી રીતે કહીએ તો જાણવું એ મગજની યાત્રા છે અને માનવું એ હૃદયની યાત્રા છે. ‘કલ્પસૂત્ર’ નો આટલો મહિમા કેમ છે એ જાણવા કરતાં વધુ માનવા જેવું છે અને બુદ્ધિથી ચકાસવા કરતાં શ્રદ્ધાથી ચાખવું જરૂરી છે.
આજે ૧૨૫૦ ગાથાઓનું કલ્પસૂત્રનું વાંચન થશે. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં છે. આ પ્રાકòત ભાષાના સૂત્રનું વાંચન જ આજે થશે.
આચાર્ય ભદ્રબાહુસૂરીશ્વરજી મ.સા.ની આ રચના મહાન પ્રભાવશાળી શબ્દનો માત્ર અર્થ નહીં એનો ઘ્વનિ પણ ચમત્કારને સર્જનાર હોય છે. ગીતમાં શબ્દ હોય છે. સંગીત નિરક્ષર છે. માત્ર સ્વર છે. માત્ર ઘ્વનિ છે. સ્વરના ઉરચારનો મહિમા અનોખો છે. ભારતીય સંસ્કૃતિમાં આ એક અનોખી પરિપાટી છે, કારણ કે ભારતીય મહર્ષિઓએ શબ્દોથી પણ ચમત્કાર કરવાની સિદ્ધિઓ હાંસલ કરી છે. ઘ્વનિશાસ્ત્ર પણ મહા મહિમાવંત શાસ્ત્ર છે.
કલ્પસૂત્રને જો ૨૧ વાર તન્મય થઈને સાંભળવામાં આવે તો ત્રીજા જ ભવે મોક્ષ થઈ જાય તેવો તેનો પ્રભાવ છે. કયા જૈનને મોક્ષની ઇરછા ન હોય? અરે, કયો અઘ્યાત્મવાદી મોક્ષને ન ઝંખે? અરે, કયો વિચારક મોક્ષની અનુભાવનાથી પ્રભાવિત થયા વિના રહે? આ માટે જ કલ્પસૂત્રનો મહામહિમા છે. આચાર્ય ભદ્રબાહુસૂરીશ્વરજી મ.સા. મંત્ર ચૈતન્ય જાગૃતિની ક્રિયા જાણતા હતા. તેઓએ મહા પ્રાણઘ્યાન સિદ્ધ કર્યું હતું. શાસ્ત્રો જણાવે છે કે, આ મહાપ્રાણ ઘ્યાનની સાધના તેમણે નેપાલમાં જઈને છ માસ સુધી કરી હતી. આવા ધીર, ગંભીર મહાસાધક આચાર્ય ભદ્રબાહુસૂરીશ્વરજી મ.સા.ની આ મંગલમય કૃતિનો પ્રભાવ એવો છે કે ભાવિકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આવા આ મહાન સૂત્રનો અર્થ તો પ્રગટ છે પણ એનો પ્રભાવ તેનાથી પણ વધુ પ્રસિદ્ધ છે.
આ સૂત્રોમાં ભગવાન મહાવીરનું પ્રમાણમાં વિસ્તૃત ચરિત્ર, પાર્શ્વનાથ ભગવાન નેમિનાથ ભગવાનનું અતિસંક્ષિપ્ત ચરિત્ર આવે છે અને તેથી કંઈક થોડુંક વધારે ચરિત્ર આદિનાથ ભગવાનનું આવે છે. ચોવીસ તીર્થંકરોના શિષ્યોનો સમયગાળો આવે છે અને ભગવાન મહાવીરના શિષ્યોની વંશાવલિ આવે છે, પરંતુ જેને ‘કલ્પ’ કહેવામાં આવે છે તેમાં જૈન સાધુઓએ સારા જીવન દરમિયાન અને વિશેષ કરીને ચાતુર્માસમાં કેવી રીતે રહેવું તેનું વિશિષ્ટ વર્ણન છે. તે સૂત્રના અંતે કહેવાયું છે કે, વર્ષના અંતે પોતાના તમામ કષાયોને દૂર કરી પરસ્પર ક્ષમાપના કરવી જોઈએ, આત્માની શુદ્ધિ કરવી જોઈએ અને કહ્યું છે કે બીજૉ ક્ષમા ન આપે તો પણ તમે ક્ષમા આપતા જ રહો! ક્ષમા માગતા જ રહો! આપણે કહીએ છીએ કે ક્ષમા જ મોક્ષની માતા છે. મોક્ષની જનની છે. આવા મોક્ષમાર્ગ માટે કલ્પસૂત્રનું શ્રવણ જરૂરી જ છે અને તેના અર્થોને જાણીને શ્રવણ કરવાથી મહાનંદ મેળવતાં અનંત આનંદના સ્વામી બની જવાય. - - આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા, હૈદરાબાદ.
************************************************************************
પર્યુષણમાં મૂળભૂત તત્ત્વજ્ઞાનની મીમાંસા - Muni Mitranandsagarji

પર્વાધિરાજ પર્યુષણની આરાધના તેની પરાકાષ્ઠા તરફ જઈ રહી છે. પર્વાધિરાજના ઉત્તરાર્ધમાં જૈન તત્ત્વજ્ઞાનની અદ્ભુત વાતોનો ખજાનો ખુલ્લો મૂકી દેવામાં આવશે.
તીર્થંકરોએ જગતનું જે સ્વરૂપ જોયું અને જાણ્યું તેને પોતાના પ્રધાન શિષ્યોની સામે માત્ર ત્રણ જ શબ્દોમાં રજૂ કર્યું : ૧. સર્જન, ૨. વિસર્જન અને ૩. અસ્તિત્વ.
આ ત્રણ શબ્દોનું હાર્દ એ છે કે ૧. કોઈ પણ પદાર્થનું નવેસરથી સર્જન થાય છે ૨. એ જ પદાર્થનું સમયાન્તરે વિસર્જન થાય છે ૩. તેમ છતાં તે પદાર્થ પોતાનું મૂળભૂત અસ્તિત્વ કાયમ જાળવી રાખે છે! પ્રથમ નજરે જરા અટપટો દેખાતો આ સિદ્ધાંત તેના ડાણમાં જવાથી દીવા જેવો સ્પષ્ટ થઈ જાય છે.
આને એક સામાન્ય અને સ્થૂળ દાખલાથી સમજીએ.
એક સોની સોનાની લગડીમાંથી એક સરસ મજાના ‘હાર’નું સર્જન કરે છે. એ જ ઘડીએ ‘હાર’ નામની વસ્તુનો જન્મ થાય છે. આ ‘હાર’ના જીવનમાં એક એવો તબક્કો આવે છે કે જયારે તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. એ ‘હાર’ મટીને વીંટી, બંગડી, કડું અથવા અન્ય કંઈક બની જાય છે.
લગડીનું વિસર્જન થયું, હારનું સર્જન થયું. હારનું વિસર્જન થયું અને વીંટીનું સર્જન થયું. પરંતુ સોના તરીકે તેનું અસ્તિત્વ કાયમ રહ્યું.
સમગ્ર વિશ્વમાં સર્જન, વિસર્જન અને અસ્તિત્વની પ્રક્રિયા સદાકાળ ચાલુ રહે છે. તીર્થંકરોએ આ અદ્ભુત અને મૌલિક સિદ્ધાંત જગતને આપ્યો. જૈનધર્મનું સમગ્ર તત્ત્વજ્ઞાન આ ત્રણ સૂત્રોનો જ અર્થવિસ્તાર છે. બીજા શબ્દોમાં કહીએ તો જૈનધર્મ નામની ઇમારત આ ત્રણ સૂત્રોના પાયા ઉપર ઊભી છે.
એક વ્યકિત જન્મે છે અને કાળાન્તરે મૃત્યુ પામે છે પરંતુ એનું મૂળભૂત આત્મતત્ત્વ કયારે પણ વિલય પામતું નથી. પુનર્જન્મ અને પૂર્વજન્મની ધારણા પણ આ ત્રણ સૂત્રો ઉપર જ આધારિત છે. જૈનધર્મ પાંચ સમવાય કારણોમાં માને છે. જૈનધર્મ અનુસાર કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચ બાબતો એકત્ર થાય ત્યારે કોઈ એક કાર્યની નિષ્પત્તિ થાય છે. જૂના યુગમાં લુપ્ત થઈ ગયેલા ધર્મોઆમાંનો કોઈ એકાદ સિદ્ધાંત પકડીને ચાલતા હતા. અને તેથી જ તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકયા નહીં, કેમ કે મનુષ્ય જેમ જેમ વિચારક બનતો ગયો તેમ તેમ તેને જે તે સિદ્ધાંતની અપૂર્ણતા અને ખામી સમજાવા લાગી. જયારે તીર્થંકરોએ પ્રબોધેલા ધર્મની શાશ્વતતા એ કારણસર રહી કે તેમણે કેવળજ્ઞાનના પ્રકાશમાં આ જગતનું જે વાસ્તવિક સ્વરૂપ જૉયું તે જ તેમણે જગતની સામે રજૂ કર્યું. માટે જ જૈનધર્મ હંમેશાં વિચારશીલ લોકોનો ધર્મ બની રહ્યો.
સર્જન, વિસર્જન અને અસ્તિત્વના સિદ્ધાંતો ઉપર મંથન કર્યા પછી તીર્થંકરોના પ્રધાન શિષ્યો એટલે કે ગણધરોએ તેને જે શબ્દદેહ આપ્યો તેને આપણે આગમો કહીએ છીએ. તેમાં જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
***************************************************************