Monday, September 29, 2008

HAPPY NAVARATRI 9/30/08

માતાજીની ભકિતનું પર્વ નવરાત્રિ - Courtesy અતુલ ભટ્ટ

દેશભરમાં ઉમંગભેર ઊજવાતો ગુર્જરધરાનો નવરાત્રિ મહોત્સવ હવે તો વિશ્વસ્તરીય ઉત્સવ બનતો જાય છે. વિશ્વમાં કોઈ અન્ય સ્થળે શકિતની આરાધનાનું મહાપર્વ આટલા વિશાળ પાયા પર અને આટલા અધિક ઉત્સાહથી ઊજવાતું હોય તે શકય જ નથી. ગુજરાતનો ‘નવરાત્રિ’નો મહોત્સવ અનન્ય છે. તેમાં માત્ર ઉત્સાહ અને ઉમંગ નથી પરંતુ આઘ્યાત્મિકતા અને આરાધના પણ છે. તેમાં માત્ર તાલ અને સૂર નથી પરંતુ પ્રાર્થના અને અર્ચના પણ છે. મા અંબાની સામે બે હાથ જોડી તેનાં અસ્તિત્વનો સ્વીકાર કરીને તેનું પૂજન-અર્ચન કરતો માનવી સમયની અનુકૂળતાએ ગરબાનું આયોજન કરીને ઉમંગની સાથે મા આરાસુરીને પધારવાનું આમંત્રણ પણ આપી જ દેતો હશે.

નવરાત્રિ એટલે નવ વ્રતનું સામૂહિક પર્વ તથા ભગવત શકિતની ભકિત, પરમ શકિતની પૂજા અને આધશકિતની આરાધનો અવસર. આ આધશકિત અને પરમ શકિતનાં જે અનેક રૂપો તે નવદુર્ગા.
આ નવદુર્ગાનું પ્રથમ રૂપ છે શૈલપુત્રી. હિમાલય પુત્રી રૂપે અવતરનાર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપનાં ‘પાર્વતી’ તથા ‘હેમવતી’ નામ પણ પ્રસિદ્ધ છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે શૈલપુત્રી સ્વરૂપની જ પૂજા ઉપાસના થાય છે. યોગીઓ એ જ દિવસે યોગસાધનાનો પ્રારંભ કરે છે અને પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે.
મા દુર્ગાનું દ્વિતીય રૂપ છે બ્રહ્મચારિણી રૂપ. બ્રહ્મચારિણી મા દુર્ગા એટલે તપનું આચરણ કરી બ્રહ્મને જાણનારી કાંઈ કેટલાય જન્મોની તપસ્યાથી સ્વયંને સિદ્ધ કરનારી મા ભકતોને સિદ્ધ અને અનંત ફળ અર્પે છે. દુર્ગાપૂજાના દ્વિતીય દિવસે તેના આ સ્વરૂપની ઉપાસના થાય છે અને સાધકનું મન મૂળાધારથી ઉર્ઘ્વ તરફ ગતિ કરી ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિર થાય છે.
મા દુર્ગાની તૃતીય શકિત છે ચંદ્રઘણ્ટા. મા ચંદ્રઘણ્ટાની ઉપાસના નવરાત્રિના ત્રીજા દિવસે થાય છે. તેના વિગ્રહની પૂજા -આરાધના પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. નવરાત્રિની દુર્ગા ઉપાસનાના ત્રીજા દિવસની પૂજાનું મહત્ત્વ અધિક છે કારણ તે દિવસથી સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાનું ચતુર્થ સ્વરૂપ છે કષ્માણ્ડા. સ્વયંના મંદ મંદ હળવા ઇષત એટલે કે હાસ્ય વડે અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને કારણે મા દુર્ગા કુષ્માણ્ડા. તરીકે પ્રસિદ્ધ થઈ! જયારે આ સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હતું ત્યારે કહે છે આ દેવીએ પોતાના ‘ઇષત્’ હાસ્ય દ્વારા બ્રહ્માંડ રરયું. ચોથો દિવસ મા કષ્માણ્ડાની આરાધનાનો દિવસ છે. આ દિવસે સાધકનું મન વધુ ઉઘ્ર્વ બની ‘અનાહત’ ચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાનું પંચમ રૂપ સ્કન્દમાતા છે. મા દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા અને અસુરનો નાશ કરવામાં અગ્રણી હતાં. વળી, ભગવાન સ્કન્દનાં તેઓ માતા હોવાના કારણે તેઓ સ્કન્દમાતા રૂપે પ્રસિદ્ધ થયાં. પાંચમા દિવસે એમના સ્વરૂપની પૂજા થાય છે. આ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ’ ચક્રમાં રહે છે.
મા દુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે કાત્યાયની મા. કત્ નામના મહર્ષિના પુત્ર ઋષિ કાત્ય હતા. આ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યયન જન્મ્યા હતા. જેમણે ભગવતી પરામ્બાની વર્ષો સુધી કઠોર ઉપાસના કરી માને પ્રસન્ન કર્યા હતા. જેથી તેઓની ઇરછા પ્રમાણે એમના ઘરે મા ભગવતી કાત્યયની રૂપે અવતરેલાં. મહિષાસુરનો વધ કરનાર આ રુદ્રરૂપની પૂજા છઠ્ઠા દિવસે થાય છે. આ દિવસે જ બંગાળી પ્રજા મા દુર્ગાનું ‘બોધન’ દ્વારા પ્રતિષ્ઠાન કરી ‘દુર્ગા મહોત્સવ’નો પ્રારંભ કરે છે. સાધકનું મન આ દિવસ બે ભ્રૂકુટિ મઘ્યે આજ્ઞાચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાની સાતમી શકિત તે કાલરાત્રિ. ભયાનક દૃશ્યમાન તેનું આ સ્વરૂપ હંમેશ શુભફળ આપે છે તેથી તે શુભંકરી નામે પણ જાણીતી છે. સાતમા દિવસે મા કાલરાત્રિની ઉપાસના થાય છે. તે દિવસે મા કાલરાત્રિની ઉપાસનામાં સાધકનું મન ‘સહસ્ત્રધાર’ ચક્રમાં ઉર્ઘ્વ તરફ રહે છે.
મા દુર્ગાની આઠમી શકિતનું નામ મહાગૌરી છે. પૂર્ણરૂપે ગોરા વર્ણની આ માતાની વય આઠ વર્ષની માનવામાં આવી છે. ભગવાન શિવને પામવા કઠોર તપ કરી શ્યામ પડી જનાર પાર્વતીજી પર પ્રસન્ન થઈ શિવે તેઓને ગૌરવર્ણી બનાવ્યા. અમોધ શકિતશાળી વાંરિછત ફળ આપનારી મહાગૌરી સાધકને આઠમા દિવસે સાક્ષાત્ થાય છે.
તેથી જ નવમા દિવસે સિદ્ધિદાત્રીનું પૂજન થાય છે. માર્કન્ડેય પુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ જેવી આઠેય સિદ્ધિઓ આપનારું આ સ્વરૂપ છે. નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી અંતિમ ઘ્યેય છે, અને તેની આરાધના કર્યા બાદ સાધક પરમલોકને પામી જાય છે. ઇરછાઓ કે તેની પૂર્તિ જેવો કોઈ ભાવ શૂન્ય બની તેનું અસ્તિત્વ સિદ્ધ બની બ્રહ્મમય બની જાય છે. સાધકનો ગર્ભદીપ પ્રગટી ઊઠે છે અને શરીર ‘ગરબો’ બની અનંતના ઉત્સવમાં મત્ત બની લય પામે છે.

‘શકિત’ સ્ત્રીનો પર્યાય છે. ‘ગર્ભદીપ’ પણ સ્ત્રી શકિતનો સૂચક છે. આપણે ધરતી, પૃથ્વી તથા દેશને પણ દેવી માતા તરીકે પૂજીએ છીએ. સ્ત્રી ‘સર્જન’ અને ફળદ્રુપતાનો પર્યાય છે. તેથી જ ભારતમાં સ્ત્રીઓનો આદર અને પૂજન તે સંસ્કૃતિ ગણાય છે. જયાં ‘નારી’ પૂજાય છે ત્યાં દેવોનો વાસ છે. નવરાત્રિના નવ દિવસમાં અનુષ્ઠાન, તપ, ભકિત, પૂજા, કીર્તન અને આરાધનાનું માહાત્મ્ય છે. શકિતની ઉપાસના દરેક સાધક પોતે જે સ્વરૂપના ઇષ્ટદેવીમાં શ્રદ્ધા ધરાવતા હોય તે અનુસાર કરે. આમ વિશ્વસ્તરે નવરાત્રિ એક બ્રહ્માંડના સ્વરૂપે પ્રસ્તુત બની હવે તો ગુર્જરીધરાનું જ નહીં સમસ્ત ભારતવર્ષનું એક સાંસ્કૃતિક પર્વ બનતું જાય છે.