લાલાને ઝુલાવો હિંડોળે - courtesy વૈદેહી અઘ્યારુ
હિંડોળા ઉત્સવ
આ વર્ષ હિંડોળા- આરંભ તા. ૧૯-૭-૦૮ અષાઢ વદ એકમ, શનિવાર
હિંડોળા વિજય તા. ૧૮-૮-૦૮ શ્રાવણ વદ બીજ, સોમવાર
આ દરમિયાન તા. ૧-૮-૦૮ અષાઢ વદ અમાસ, શુક્રવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ બપોર પછી હોવાથી હિંડોળા વિલંબે થાય.
તા. ૧૬-૮-૦૮ શ્રાવણ સુદ પૂનમે ચંદ્રગ્રહણ રાત્રે હોવાથી હિંડોળા નિત્ય પ્રમાણે જ થાય.
શ્રીમદ્ ભાગવતમાં કથા છે કે શ્રીનારાયણ ભગવાનના નાભિપદ્મમાંથી ત્રિલોકાત્મક પદ્મ ઉત્પન્ન થયું. તેમાંથી પ્રકટ થયેલા બ્રહ્માજીએ તપ કર્યું. આથી પ્રસન્ન થયેલા ભગવાને તેમને પોતાના શ્રેષ્ઠ વૈકુંઠધામનું દર્શન કરાવ્યું. ત્યાં બ્રહ્માજીએ શું જોયું?
વૈકુંઠમાં રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ તેમ જ માયા પણ નથી, કાળનો સંચાર નથી. નીલ વર્ણના પીતાંબરધારી ચતુર્ભુજ પાર્ષદો- શ્રીહરિના અનન્ય સેવકો અહીં વસે છે. જયાં સાક્ષાત્ ભગવતી શ્રીદેવી વિવિધ પ્રકારના વૈભવોથી શ્રીહરિના ચરણોમાં સેવા સમર્પિત કરે છે. વળી, બ્રહ્માજી દર્શન કરી રહ્યા છે કે લક્ષ્મીજી હિંડોળા ઉપર વિરાજમાન થઈ પોતાના પ્રિયતમ શ્રીહરિનાં ગુણગાન કરી રહ્યાં છે.
વૈકુંઠથી યે વહાલા વ્રજમાં અને વૃંદાવનમાં તો આપણા રસેશ્વર પ્રભુ સ્વામિનીજી સાથે ઝૂલે છે. કયારેક સ્વામિનીજીને ઝુલાવે છે તો કયારેક સ્વામિનીજી ઠાકોરજીને ઝુલાવે છે અને કયારેક વ્રજાંગનાઓ શ્રીગોવિંદપ્રભુ અને શ્રીરાધિકાજીને ઝુલાવે છે.
અષાઢ-શ્રાવણમાં ઝરમર વરસતા અંબરના ચંદરવા નીચે ઝૂલો રચાય છે. ભૂદેવી નવપલ્લવિત, નવકુસુમિત હરિયાળી શાટિકા (સાડી) ધારણ કરે છે. હરિત ભૂમિ વૃંદાવનની સઘનકુંજ-નિકુંજૉમાં મયૂરો મત્ત થઈ નર્તન કરે છે, દાદુર, બપૈયા અને કોકિલા કેલીકૂજન કરે છે, શુક-ચાતક શબ્દ કરે છે, મેઘમાળા મૃદંગ વગાડે છે, ઇન્દ્રધનુષ્ય ઉદય થવા લાગે છે, ગગનમાં દમક દમક થતી દામિની રાગ મલ્હાર જમાવે છે, મંદ-સુંગધ-શીતળ વાયુ વીંઝણો કરે છે. ભીની માટીની સુંગધ આવે છે ત્યારે આપણા નટવર રસેશ્વર શ્રીગોવિંદ પ્રભુ વામ ભાગમાં વૃષભાનનંદિનીને વિરાજિત કરી સુરંગ હિંડોળે ઝૂલે છે.
પ્રકૃતિના આવા અદ્ભુત પરિવેશમાં શ્યામા-શ્યામની જુગલજોડીનાં દર્શન કરી ભકતજનો ભાવવિભોર થઈ જાય છે.
હિંડોળામાં વિવિધ મનોરથ થાય છે. નિત્ય નવીન સાજ આવે છે. પહેલા દિવસે ચાંદીનો હિંડોળો ખડો થાય છે. તેના ઉપર નિત્ય નવા કલાત્મક ફૂલપાનના હિંડોળા બને છે. હિંડોળા નીચે આસન બિછાવાય છે.
ચંદનનાં લીલાં પાનનો હિંડોળો, ફળ-ફૂલનો હિંડોળો, પાન-ફૂલથી સજાવેલ લહેરિયાની ભાતવાળો હિંડોળો, મેઘશ્યામ મખમલ ઉપર રૂપેરી સુરમા સિતારાના ભરતકામવાળો આભલા જડેલો હિંડોળો, સોનેરી તથા રંગબેરંગી કાચથી સજાવેલો હિંડોળો, કદમની ડાળીઓ અને ફૂલોથી સજાવેલો હિંડોળો, લાલ વસ્ત્ર ઉપર ફૂલપત્તીથી સજાવેલો સુરંગ (લાલ) હિંડોળો, સોનેરી લાખનો રંગીન કાચ જડેલો હિંડોળો, ગુલાબનો હિંડોળો, ગુલાબ-જૂઈનો હિંડોળો, એલચીનો હિંડોળો, સૂકા મેવાનો હિંડોળો, (સોનાનો) હેમ હિંડોળો, ચંદનિયા રંગનાં વસ્ત્રથી સજાવેલો હિંડોળો, મેઘશ્યામ મખમલ ઉપર મોતી ભરેલો કલાત્મક હિંડોળો, કેળનાં પાનનો હિંડોળો, નાગરવેલનાં પાનનો અને તેની બીડીઓનો હિંડોળો, રાખડી અને પવિત્રાનો હિંડોળો, કાચના અરીસાનો હિંડોળો અને ચોકલેટ-પીપરમિંટનો હિંડોળો પણ સજાવાય છે.
હિંડોળાની સજાવટ કલાત્મક અને અનોખી હોય છે. આવા અદ્ભુત હિંડોળામાં પ્રભુ બિરાજે ત્યારે કીર્તનોની સુંદર સુરાવલિઓમાં ભકતજનોના ભાવ પ્રકટ થાય છે. ફૂલન કો હિંડોરો ફૂલન કી ડોરી... ઘન ઘટા વન ઘટા આલી ઘટા, ઝૂલતા હૈ દોઉ રૂપ રંગ કી ઘટન મેં... રમક ઝમક ઝૂલન મેં ઠમક મેઘ આયો... પ્યારો-પ્યારી ઝૂલે કદમ કી ડારિયાં... ઝૂલત સાંવરે સંગ ગોરી...
સેવા પ્રકાર : અષાઢ વદ પ્રતિપદાથી લઈને જે દિવસ શુદ્ધ હોય, શ્રીઠાકુરજીની વૃષભ રાશિને અનુકૂળ ચંદ્ર હોય, તે દિવસથી ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં હિંડોળા ઝુલાવવા. હિંડોળા સાજીને સંકલ્પાદિપૂર્વક અધિવાસન (હિંડોળાનું પૂજન) કરવું. હિંડોળામાં ઝુલાવ્યા, પછી ઉત્સવભોગ ધરવો.
પહેલા ચાર ઝોટા સામેથી દેવા. પછી જમણી બાજુથી દાંડી પકડીને ઝુલાવવા. બીજા કીર્તનમાં સામેથી ઝુલાવવા. ચાર કીર્તન પછી શયનભોગ-શયન આરતી યથાક્રમે થાય. શ્રાવણ સુદ પૂનમની લઈને શુદ્ધ દિવસે. પ્રભુને સાનુકૂળ ચંદ્ર હોય ત્યારે હિંડોળા-વિજય થાય. શનિ-બુધવારે ન થાય. જન્માષ્ટમી સુધી ચાલે. હિંડોળા-વિજય થાય ત્યારે ત્યાં આરતી થાય. અનંતકાળથી નવલકિશોર અને નવલકિશોરી હિંડોળે ઝૂલે છે. પ્રતિ વર્ષ હિંડોળા સજાવાય છે, કીર્તનો ગવાય છે. નિત્ય નાવીન્યપૂર્ણ લીલાનો આનંદ નિજજનો માણે છે. કારણ કે ભગવાનની લીલા શાશ્વત છે.
તો ચાલો, આપણે પણ આપણું હૃદયરૂપી આસન પાથરી નયનોના હિંડોળા ઉપર પ્યારો-પ્યારી ઝુલાવીએ, મનમોહન અને માનિનીને મનનો ભોગ ધરીએ અને હૃદયકમળમાં જ પોઢાડીએ.