કૃષ્ણ જ સમગ્ર જગતના ગુરૂ છે, તેમણે ગાયેલી ગીતા ગુરૂ મંત્ર છે - Courtesy Chintan Rami
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ એક આગવુ મહત્વ રહેલુ છે. ગુરુ-શિષ્યના સબંધ વગર ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ મહત્વ કેટલુ છે તે તો આ શ્લોક પરથી જ ખબર પડે છે..
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ
ગુરૂ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા
તસ્મૈ શ્રી ગુરૂવે નમ:
એટલે કે ગુરૂ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન છે અને ગુરૂ સાક્ષાત પરમેશ્વર સમાન છે. પરંતુ આજના આધુનિક સમયમાં ભારતીય સમાજ માંથી ગુરૂનુ મહત્વ ઓછુ થતુ જાય છે. જો કે તેના માટે કેટલાય પરિબળો જવાબદાર છે.
તુલસીદાસે પણ ગુરૂનો મહિમા ગાતા કહ્યું છે કે ભલે ચારેય વેદોનો અભ્યાસ કરવમાં આવે પરંતુ ગુરૂ વગર મનનો સંતાપ મટતો નથી કે ગુરૂ વગર જ્ઞાન મળી શકતુ નથી.
પ્રાચીન કાળમાં જ્યારે છોકરો સાત વર્ષની ઉંમરનો થાય ત્યારે તેના અભ્યાસાર્થે ગુરૂકુળમાં મોકલવામાં આવતો હતો, અને તેણે તેના જીવનના 25 વર્ષ સુધી ગુરૂના સાનિધ્યમાં પોતાનુ જીવન ઉચ્ચ બને તેના વિશેનુ જ્ઞાન મેળવે છે. જ્યારથી બાળક ગુરૂકુળમાં દાખલ થાય ત્યારથી ગુરૂ તેના માબાપનુ સ્થાન લેતા હતા. ગુરૂકુળમાં ગુરૂ તેને જીવન લક્ષી શિક્ષણ આપે છે. તેને ફક્ત પુસ્તકિયુ જ્ઞાન આપતા નથી પરંતુ તેના જીવનમાં આવનારા શારિરીક અને માનસિક સંઘર્ષો સામે કેવી રીતે લડવુ તે અંગેનુ જ્ઞાન આપે છે.
આજના આધુનિક સમયમાં આધુનિક સ્કૂલ અને કોલેજોમાં બાળકોને શિક્ષકો ફક્ત રોટલો કેવી રીતે કમાવવો તે અંગેનુ જ જ્ઞાન આપે છે. પરંતુ સાચો ગુરૂ બાળકને તેના જીવનને એક ધ્યેય આપે છે. તેનો અને ભગવાનનો સબંધ શો છે, દુનિયામાં તેના આવવાનુ કારણ શુ છે તે અંગેની સાચી સમજ આપે છે. તે કેવળ ધ્યેય આપતો નથી પરંતુ તેને તે ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. ગુરૂ શિષ્યમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવે છે અને તે શક્તિનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવો તેની સાચી સમજ આપે છે.
શુ ગુરૂ વગર આપણને આવા શક્તિશાળી લોકો મળ્યા હોત ?
પરંતુ આધુનિકતા અને ટેક્નોલોજીથી સજ્જ એવા લોકો દલીલો કરતા કહે છે કે ગુરૂની જરૂર શુ છે? માણસ જ પોતે પોતાનો ગુરૂ છે આવી તાર્કિક દલીલો કરે છે. પરંતુ મિત્રો થોડુ વિચારો કે રામ અને કૃષ્ણ જેવી સૂર્ય ચંદ્ર સહિત સમગ્ર બ્રહ્માંડને હલાવનારી શક્તિ પણ શિષ્ય કાળ માંથી પસાર થઈને ગુરૂ પાસે વિદ્યા ગ્રહણ કરે છે. સમગ્ર બ્રહ્માંડના રહસ્યોને જાણનાર અને સૃષ્ટીના સર્જન હાર પણ પોતે અજ્ઞાની છે તે રીતે ગુરૂ પાસે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે.
અરે કૃષ્ણને પોતાના સખા સમજવા વાળા અર્જુને પણ કુરૂક્ષેત્રના મેદાનમાં તેમનુ શિષ્યત્વ માન્ય કરે છે. હાલના કળિયુગમાં આપણે રામ રાજ્ય લાવવાની વાતો કરે છે તે રામ રાજ્ય પાછળ રઘુકુળના કુળગુરૂ વશિષ્ઠનો અથાક પ્રયત્ન રહેલો છે. જો સમર્થ રામદાસ ના હોત તો કદાચ આપણને શિવાજી ન મળ્યા હોત, અને ચાણક્યએ તો કહ્યું જ છે કે... શિક્ષક કદી પણ સામાન્ય હોતો નથી સર્જન અને પ્રલય બન્ને તેના ખોળામાં હોય છે.
ચાણક્યએ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય માનવીની અંદર રહેલી શક્તિઓને જાગૃત કરીને ધનનંદનો નાશ કર્યો હતો. આમ ગુરૂ શિષ્યમાં રહેલી આંતરીક શક્તિઓને બહાર લાવે છે. નરેન્દ્ર જેવા સામાન્ય યુવાનને સ્વામિ વિવેકાનંદ બનાવવા પાછળ રામકૃષ્ણ પરમહંસનો ફાળો બહુ મોટો છે. શીખ ધર્મ તો ગુરૂ પરંપરા પર જ ઉભેલો છે. શીખ ધર્મમાં થઈ ગયેલા દસ દસ ગુરૂઓએ ભારતની વિદેશી લોકો સામે રક્ષા કરવા પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી.
આજના કાળમાં આવા ગુરૂ મળવા શક્ય છે?
ગુરૂનુ મહત્વ જાણ્યા પછી થાય કે શુ આજના આવા કળિયુગમાં આપણને આવા સાચા ગુરૂ મળવા શક્ય છે? કૃષ્ણંવંદે જગત ગુરૂ પર શ્રધ્ધા રાખી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સાચી સમજણ આપનાર પાડુંરંગ શાસ્ત્રી કહેતા કે આજના કળિયુગમાં સાચા ગુરૂ મળવા કઠિન છે અને મળે તો તેને ઓળખવા બહુ કઠિન છે.
આજે ગુરૂ-શિષ્ય વચ્ચે બનેલી કેટલીક ઘટનાઓએ લોકોની આ પવિત્ર સબંધ પરની શ્રધ્ધાના પાયાને હચમચાવી નાંખ્યા છે. પાટણ કાંડ જેવી ઘટનાએ લોકોના મનમાં રહેલી ગુરૂ પ્રત્યેની છબીને તોડી નાંખી છે.
પરંતુ સમાજમાં બનતી આવી ઘટનાઓથી નિરાશ થવાની જરૂર નથી જો કો મનુષ્ય યોગ્ય ના હોય તો સૃષ્ટીમાં એવા કેટલાય તત્વો છે જેની પાસેથી આપણે જીવન વિકાસનુ જ્ઞાન મેળવી શકીએ છીએ. દત્તાત્રેય ભગવાને અજગર, વૃક્ષ, ધરતી, વેશ્યા વગેરેને તેમના ગુરૂ માન્યા હતા.મોરારી બાપુ તો કહે છે કે જો તમારે કોઈ ગુરૂ ના હોય તો હનુમાનને તમારા ગુરૂ માનવા.
જો કોઈ ના હોય તો કૃષ્ણ તો છે જ. કારણ કે કૃષ્ણ તો સમગ્ર જગતના ગુરૂ છે અને તેમણે ગાયેલી ગીતા તેમણે વિશ્વને આપેલો ગુરૂ મંત્ર છે.
કૃષ્ણં વંદે જગત ગુરૂ...
*********************************************************